જ્યારે મેચ કરતાં પીચ વધુ મહત્ત્વની થઇ જાય ત્યારે દાળ આખી કાળી જ હોય!

0
461
Vaughan Gavaskar_eChhapu_Gujarati

કોઈ મહાન ગાયક હોય તો શું એ માત્ર એક-બે રાગ પર જ પોતાની મહારથ હાંસલ કરીને મહાન ગાયક બન્યો હશે? ઈતિહાસમાં મહાન બનેલા રાજાઓએ શું એક બે દેશ જીતીને જ મહાન બન્યા હશે? શું કોઈ મહાન ગાયક પોતાના જ ગામમાં સારું ગાઈ શકે અને બીજા કોઈ ગામમાં નહીં એવું હોઈ શકે? શું મહાન રાજાઓએ દૂર દેશ જઈને તેને નહીં જીત્યો હોય? એવી જ રીતે શું ક્રિકેટરોએ ગમતી પીચ પર જ શ્રેષ્ઠ દેખાવ કરવો જોઈએ?

મુદ્દો એ છે કે જો તમારે શ્રેષ્ઠ અથવાતો સર્વશ્રેષ્ઠ સાબિત થવું હોય તો ગમે તે સ્થળે, ગમે તેવા વાતાવરણમાં અને સાતત્યપૂર્ણ દેખાવ કરવાનો હોય છે અને તો જ તમે મહાનતાને પામી શકો છો. વર્ષોથી ક્રિકેટની રમતમાં હોમ અને અવે (Home and Away)નો વિચાર મહત્ત્વ ધરાવતો થયો છે. એક સમય એવો હતો કે અમુક ટીમો, જેમાં ટિમ ઇન્ડિયા પણ સામેલ છે, તેને કોઇપણ જગ્યાએ હરાવવી સરળ હતી કારણકે એ તમામ ટીમો હજી પોતાનું ક્રિકેટ મજબૂત બનાવી રહી હતી.

હવે એવો સમય આવ્યો છે કે મોટાભાગની એવી ટીમો છે જેને તેના દેશમાં જઈને હરાવવી પણ મુશ્કેલ બન્યું છે. ક્રિકેટમાં છેલ્લા બે દાયકાથી હંમેશા વિદેશી ધરતી પર મળેલા વિજયને ઘરમાં મળેલા વિજય કરતાં વધુ મહત્ત્વ પણ મળ્યું છે અને તેને વધુ સારી રીતે વધાવી પણ લેવામાં આવે છે. પરંતુ તેનો મતલબ બિલકુલ એવો નથી કે ઘરમાં મળેલો વિજય નકામો હોય છે.

ઘણા લાંબા સમયથી ભારતને ભારતમાં હરાવવું એ એક અભેદ્ય કિલ્લા જેવું બની ગયું છે અને એટલેજ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટિવ વો એ ભારતને ‘ ધ ફાઈનલ ફ્રન્ટીયર’ ગણ્યો હતો જેને ઓસ્ટ્રેલિયાએ રિકી પોન્ટિંગની કપ્તાનીમાં સર પણ કર્યો હતો. તે અગાઉ દક્ષિણ આફ્રિકા અને ત્યારબાદ ઇંગ્લેન્ડ પણ ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી ચૂક્યું છે. ટૂંકમાં ભારતમાં પણ ભારતને હરાવી શકાય છે એ શક્ય બન્યું છે.

પરંતુ, વિદેશી ટીમો, જેમાં ખાસ કરીને ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ભારતીય પીચો પર જ્યારે પણ નિષ્ફળ જાય છે ત્યારે પીચનો વાંક કાઢીને પોતાની હારની મહત્તા ઓછી કરતા હોય છે. તેઓ ટર્નિંગ પીચોને ‘ડસ્ટ બાઉલ’ કહીને તેની મજાક પણ ઉડાડતા હોય છે. પણ મજાની વાત એ છે કે એ જ પીચ પર ભારતના ખેલાડીઓ આરામથી સેન્ચુરી મારતા હોય છે અને એમના ખેલાડીઓને અડધી સદી કરતાં પણ હાંફ ચડી જાય છે.

ભારતમાં આવીને સ્પોર્ટીંગ પીચની વકીલાત કરતા આ દેશો જ્યારે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા કે બાંગ્લાદેશ તેમના દેશની મુલાકાતે આવે ત્યારે તેમના માટે બગીચા જેવી પીચ ઉભી કરતાં જરાય શરમાતા નથી. તેમનો મતલબ સ્પષ્ટ છે કે તમારે અમારા ઘરમાં અમારી શરતે રમવાનું અને જીતી બતાવવાનું, અને અમે તમારે ઘેર રમવા આવીએ તો પણ તમારે અમારા જેવી જ પીચ અમને રમવા આપવાની.

વળી, આ જ લીલી અને બાઉન્સી અને હાડકાં ભાંગી શકતી પીચોને આ લોકો ‘સ્પોર્ટીંગ પીચ’ કહેતાં જરાય શરમાતા નથી. એટલે પોતાના નિયમો પ્રમાણે જ બધા રમે એવી અપેક્ષા આ દેશો રાખતા હોય છે અને જ્યારે પણ ઉપમહાદ્વીપમાં એમને અણગમતી પીચ મળે ત્યારે નહીં પરંતુ તે પીચ પર રમી જ ન શકાય તેવો ખ્યાલ જ્યારે તેમને આવી જાય ત્યારે તેઓ પાણી પહેલાં પાળ બાંધતા હોય તેમ આ દેશોની પીચને રમવા લાયક ગણવાથી સંદતર ના પાડી દેતા હોય છે.

ઇંગ્લેન્ડમાં જે પ્રકારની ગ્રીન પીચ જોવા મળે છે તેના પર બોલને સારો એવો બાઉન્સ પણ મળતો હોય છે પ્લસ બોલ સીમ પણ થાય છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડનું ભારે વાતાવરણ બોલને હવામાં સ્વિંગ પણ કરાવતું હોય છે. નિશ્ચિતપણે કહી શકાય કે આ પ્રકારની પીચો પર બેટ્સમેનોની બેવડી પરીક્ષા થતી હોય છે. તો ઓસ્ટ્રેલિયામાં પીચ પર ઘાસ ભલે ઓછું જોવા મળતું હોય છે પરંતુ તેને એ રીતે બનાવવામાં આવતી હોય છે કે બોલર્સને કુદરતી બાઉન્સ મળે.

પર્થના જુના WACA ગ્રાઉન્ડની પીચ એક સમયે વિદેશી બેટ્સમેનોની કબર તરીકે ઓળખાતી હતી, કારણકે આ પીચ તમને દૂરથી ઝગારા મારતી દેખાય, તેના પર ઘાસનું એક તણખલું પણ ન હોય પણ ગૂડ લેન્થ પર નાની મોટી તિરાડો હોય. વળી, આ તિરાડો જેમ જેમ ટેસ્ટ મેચ આગળ વધે તેમ વધુને વધુ પહોળી અને લાંબી થવા લાગે. જ્યારે પણ કોઈ ફાસ્ટ બોલર પોતાનો બોલ આ તિરાડને ધ્યાનમાં લઈને તેના પર જ પીચ પાડે ત્યારે બેટ્સમેન પાસે કોઈજ તક ન રહેતી કે તે બોલને બેટ સાથે રમે કે પછી ડક કરીને તેને જવા દે, કારણકે મોટેભાગે તેને દડો હેલ્મેટ પર જ વાગતો.

આવી ખતરનાક પીચોને જે દેશો સ્પોર્ટીંગ કહેતા હોય એ જ લોકો જ્યારે સ્પિનરોને મદદ કરતી પીચને રમવા માટે બિનલાયક ગણે, જ્યાં ઈજા થવાના ચાન્સીઝ ઘણા જ ઓછા હોય છે, ત્યારે આપણને હસવું જરૂર આવે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નાઈમાં હાલમાં જ પૂરી થયેલી બે ટેસ્ટની બે અલગ અલગ પીચો પર ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓના વિચારો હસવું આવે તેવા નહીં પરંતુ હાસ્યાસ્પદ પણ હતા.

પહેલી ટેસ્ટમાં જ્યારે ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ લીધી ત્યારે બે દિવસ સુધી બોલ બહુ ઓછો સ્પિન થયો, પરંતુ ત્રીજા દિવસે જ્યારે ભારતની બેટિંગ આવી ત્યારે બોલ ટર્ન થવાનો શરુ થયો અને ઇંગ્લેન્ડના સ્પિનર્સ ડોમ બેસ્સ અને જેક લીચ છવાઈ ગયા. ટોસ જીતીને પહેલી બેટિંગ લઈને બે દિવસ બેટિંગ કરીને પૂરતા રન સ્કોર બોર્ડ પર મૂકી દીધા હતા એટલે ઇંગ્લેન્ડના આ જ પૂર્વ ખેલાડીઓને કોઈજ વાંધો ન હતો.

પણ જ્યારે બીજી ટેસ્ટમાં ટોસ હારીને બીજી બેટિંગ કરવાની આવી અને પહેલા જ દિવસથી બોલ સ્પિન લેવા માંડ્યો કે તરતજ આ પૂર્વ ખેલાડીઓના પેટમાં ચૂંક આવવાની શરુ થઇ ગઈ. કોમેન્ટ્રી ટીમમાં સામેલ માર્ક બુચરે મેચની આઠમી ઓવરમાં જ પીચની મશ્કરી કરવાની શરુ કરી દીધી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાનો માઈકલ વોન અને કેવિન પીટરસન પણ જોડાયા.

પીટરસને ઓસ્ટ્રેલિયા સામે જીતીને આવેલી ટિમ ઈન્ડિયાને ચેતવણી આપી હતી કે ઇંગ્લેન્ડ સામે જીતવું મુશ્કેલ છે, અને જ્યારે ઇંગ્લેન્ડ પહેલી ટેસ્ટ જીત્યું ત્યારે તેણે પોતાની આગાહી સાચી પડતા પોરસાવવાનું શરુ કરી દીધું હતું, પરંતુ જેવી બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની 317 રને હાર થઇ ત્યારે તેણે દાઢમાં પીચને ‘બહાદુર’ ગણાવી હતી.

માઈકલ વોનના ભારત દ્વેષ વિષે જેટલું લખીએ એટલું ઓછું છે. આ મહાશય અન્ય ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટરોના ઝુંડમાં સામેલ હતા જેમણે ભારત ઓસ્ટ્રેલિયા સામે 5-0થી હારી જશે તેવી ભવિષ્યવાણી કરી હતી. આ ઉપરાંત વોન વારેવારે ટિમ ઇન્ડિયાના શ્રેષ્ઠ કે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને યા તો અવગણે છે, યા તો એને ઓછું આંકતો હોય છે યા તો પછી એની મશ્કરી કરતો હોય છે. ભૂતકાળમાં સપાટ ભારતીય વિકેટોને બોરિંગ કહેનાર માઈકલ વોનને પરિણામલક્ષી ચેન્નાઈ પીચ ક્રિકેટ માટે બિનલાયક લાગે છે કારણકે ઇંગ્લેન્ડ આ વાતાવરણમાં જીતી શકતું નથી.

તો મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ને માઈકલ વોનને આડકતરી રીતે જવાબ આપતાં કહ્યું હતું કે જે પીચ પર ભારતીય બેટ્સમેનો 500 ઉપરનો સ્કોર ઉભો કરી શકતા હોય એ ખરાબ પીચ કેવી રીતે હોઈ શકે? વોર્ન સ્પિનર હોવાથી તેને આ પ્રકારની પીચ ગમે તે સ્વાભાવિક છે, પરંતુ તે આ પ્રકારની જ પીચ પર અસફળ રહ્યો હતો તે તેને યાદ હોવા છતાં તે આ પીચ વિરોધીઓને જડબાતોડ જવાબ આપી રહ્યો છે.

ટર્નિંગ પીચોને ખેલભાવના વિરુદ્ધની ગણવી એ ઇંગ્લેન્ડના ક્રિકેટની માનસિકતામાં ઘર કરી ગયું છે, તેનું એક ઉદાહરણ હાલમાં જ જાણવા મળ્યું.

બન્યું એવું કે 2019ની કાઉન્ટી ચેમ્પિયનશીપમાં સમરસેટ કાઉન્ટીના ટોન્ટન ગ્રાઉન્ડ પર (એજ ગ્રાઉન્ડ જ્યાં 1999ના વર્લ્ડ કપમાં સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે શ્રીલંકાની ધોલાઈ કરી દીધી હતી) સમરસેટ અને એસેક્સ વચ્ચેની મેચમાં સમરસેટે પોતે ત્રણ વર્ષમાં બીજું ટાઈટલ જીતી શકે તે માટે ટર્નિંગ પીચ તૈયાર કરી હતી. જો કે સમરસેટનો દાવ ઉંધો પડ્યો અને એસેક્સ એ મેચ જીતી ગયું પરંતુ ઈંગ્લીશ ક્રિકેટ બોર્ડને આ ન ગમ્યું. તેણે આ પીચને ઉતરતી કક્ષાની (substandard) જાહેર કરી અને દંડરૂપે આ વર્ષની (ગયા વર્ષે કોરોનાને કારણે ચેમ્પિયનશીપ રદ્દ કરાઈ હતી) કાઉન્ટી ચેમ્પિયનશીપ માટે સમરસેટના 14 પોઈન્ટ્સ પહેલેથી જ કાપી નાખ્યા!

જ્યારે તમારી માનસિકતા જ એવી છે કે સ્પિન થતી વિકેટો ઉતરતી કક્ષાની હોય અને આથી આ પ્રકારની પીચો તૈયાર કરનાર કાઉન્ટી દોષિત ગણાય, તો પછી તમારી પેઢીઓ સુધી કોઇપણ ક્રિકેટર ટર્નિંગ પીચ પર કેવી રીતે મેચ જીતી શકશે? અને તમે જીતી નહીં શકો એટલે વિરોધી ટીમના મહેનતથી રળેલા વિજયને તમે ઓછો આંકશો?

સુનિલ ગાવસ્કરે બીજી ચેન્નાઈ ટેસ્ટ વખતે કોમેન્ટ્રી કરતી વખતે કહ્યું હતું કે, “ઇંગ્લેન્ડને ટર્ન લેતી પીચો પ્રત્યે વાંધો છે પરંતુ એવી પીચો પ્રત્યે બિલકુલ વાંધો નથી જ્યાં ગાય, ભેંસને સારો ચારો મળી રહે!” સ્પષ્ટ છે સનીભાઈનો ઈશારો ઇંગ્લિશ પીચો તરફ હતો. તેમણે પોતે પોતાની આત્મકથા ‘સની ડેયઝ’માં લખ્યું છે કે તેમના પહેલા ઇંગ્લેન્ડ પ્રવાસ વખતે અમુક મેદાનોની પીચો પર એટલું બધું ઘાસ હતું કે પીચ ક્યાં છે અને બાકીનું ગ્રાઉન્ડ ક્યાંથી શરુ થાય છે તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું હતું.

કદાચ ટર્નિંગ પીચ પ્રત્યેની સુગ જ ઇંગ્લેન્ડમાંથી કોઈ સારો સ્પિનર લાવી શકતો નથી. ડેરેક અન્ડરવૂડ પછી એવો કયો ઇંગ્લિશ સ્પિનર આવ્યો જેણે સામેવાળી ટીમને જેમાં ઉપમહાદ્વીપની ટીમોને પણ તકલીફમાં મૂકી હોય? તેની સામે ઓસ્ટ્રેલિયાએ મહાન રિચી બેનો પછી મહાનતમ શેન વોર્નની સાથેજ સ્ટુઅર્ટ  મેક્ગીલ અને હવે નેથન લાયન જેવા સશક્ત સ્પિનરોને જન્મ આપ્યો છે.

ભૂતકાળના આ ઇંગ્લિશ ખેલાડીઓ ભારતીય પીચોનું અપમાન કરીને કદાચ એવું સાબિત કરવા માંગે છે કે ભારતીય ખેલાડીઓ આવી જ પીચો પર રમી શકે છે, પણ તેઓ કદાચ ભૂલે છે (કેવિન પીટરસન પણ તેમાં સામેલ છે એ જોઇને નવાઈ લાગે છે) કે ભારત હજી ગયા મહીને જ ઓસ્ટ્રેલિયાને એની જ પીચો પર 2-1થી હરાવીને અને તેમાં પણ એક ટેસ્ટ અશક્ય ડ્રોમાં પરિવર્તિત કરીને આવ્યું છે. ભારતના ચેતેશ્વર પુજારા, રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારી જેવા ખેલાડીઓએ છાતી પર ઘા ઝીલીને મેચો જીતાડી અથવા ડ્રો માં ખેંચી છે.

નોંધવા જેવું એ પણ છે કે ભારતે ક્યારેય વિદેશી પ્રવાસો દરમ્યાન પોતાની હારનું કારણ પીચની ભૂલ કાઢીને નથી બતાવ્યું. તેણે કાયમ પોતાના ખરાબ દેખાવને જ પોતાની હારનું કારણ ગણ્યું છે. આટલો ફરક છે ભારત અને અન્ય વિદેશી ટીમો વચ્ચે, એક હાર સ્વીકારી શકે છે અને બીજી કાયમ નાચનારીનું આંગણું વાંકુંની જેમ પીચને દોષ દેતી રહે છે.

જ્યારે પોતાના ખેલાડીઓની અણઆવડતને સંતાડવા માટે પીચની પાછળ સંતાઈ જવું પડે ત્યારે નક્કી આખી દાળ કાળી જ છે એમ માની લેવું જોઈએ.

૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧, બુધવાર

અમદાવાદ

તમને ગમશે – ખુલાસો: શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શરુ થવા અગાઉ જ ધમકી આપી હતી

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here