નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: આ એક ફેરફારથી એક ધારદાર રાજકીય શસ્ત્ર મ્યાન થયું!

0
625
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ_eChhapu

“મોટેરા સ્ટેડિયમ હવેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે.” પત્રકાર માનક ગુપ્તાની આ ટ્વિટ વાંચીને જ આઘાત લાગ્યો. પહેલાં તો લાગ્યું કે કાયમની જેમ નરેન્દ્ર મોદી અને ભાજપાની ઈમેજ ખરડાવવા માટે પત્રકારો ફરીથી નામબંધ થયા છે. પરંતુ જ્યારે સ્ટેડિયમ પર હાજર રહેલા અત્યંત જાણીતા ગુજરાતી પત્રકાર મિત્રે વોટ્સએપ ગ્રુપમાં આ વાત કન્ફર્મ કરી ત્યારે આ નવા નામકરણની ઘટનાને સ્વીકારવી જ પડી.

સ્વાભાવિકપણે મોટેરા ખાતે આવેલા વિશ્વના સહુથી વિશાળ સ્ટેડિયમના નવા નામકરણની જાહેરાત થતાંની સાથેજ સોશિયલ મિડીયામાં તેની તરફેણ તેમજ વિરોધમાં નિવેદનો આવવા લાગ્યા. નરેન્દ્રભાઈના આકંઠ ચાહકોમાં પણ આ ઘટના બાદ આઘાતની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી તો અમુક આ નવા નામકરણને વધાવી રહ્યા હતા. પછી તો સમગ્ર દિવસ દરમ્યાન આ અંગે દલીલો અને પ્રતિદલીલો થવા લાગી.

ગઈકાલ બપોરથી એક દલીલ જે કદાચ સત્તાધારી પક્ષના સર્વોચ્ચ આગેવાનો અને સમર્થકો પણ કરી રહ્યા છે તે એ છે કે, મોટેરા ખાતે હવે ક્રિકેટ ઉપરાંત અન્ય રમતગમતની સુવિધા પણ ઉભી થશે અને આ સમગ્ર સંકુલને સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવ નામ આપવામાં આવ્યું છે જેનો ‘નાનકડો’ હિસ્સો એટલે આ નવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આમ કહીને એ પ્રતિદલીલનો છેદ ઉડાડવાની કોશિશ કરી કે મોટેરા ખાતે આવેલા સ્ટેડિયમનું નામ નથી બદલાયું, અને જો બદલાયું હોય તો પણ સમગ્ર સંકુલ તો હજી સરદાર પટેલના નામે જ છે.

પરંતુ, આકંઠ ક્રિકેટપ્રેમી તરીકે આ દલીલ બિલકુલ ગળે ન ઉતરી. મોટેરા ખાતે ગુજરાત સ્ટેડિયમ હતું જેને ભારતીય જનતા પક્ષની સરકાર આવ્યા બાદ જ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. એક દલીલ એવી પણ હતી કે આ સ્ટેડિયમનો જીર્ણોદ્ધાર નથી કરવામાં આવ્યો પરંતુ તેમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે અને આથી સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવ હેઠળ નવું અને પરિવર્તિત સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે.

પરંતુ આ લોકો એ હકીકત ભૂલી જાય છે કે પરિવર્તિત સ્ટેડિયમ એ જ ભૂમિ પર ઉભું છે જ્યાં અગાઉનું સ્ટેડિયમ હતું, આથી તેમની એ દલીલ પણ ગળે ઉતરી શકે તેમ નથી. હા, સરદાર પટેલ એન્કલેવમાં કોઈ અન્ય નવું સ્ટેડિયમ કે પછી નવરંગપુરા ખાતે જે સ્પોર્ટ્સ ફેસિલીટી ઉભી થવાની છે તેને નરેન્દ્રભાઈનું નામ આપવામાં આવ્યું હોત તો કદાચ કોઈને પણ વાંધો ન જ હોત.

સત્તા બદલાય ત્યારે પોતાના અભિનાયકોના નામે સ્ટેડિયમો, એરપોર્ટ્સ, સેતુઓ કે પછી ઈમારતોના નામ બદલવાની પરંપરા આપણે ત્યાં વર્ષોથી છે. જેમ આગળ જણાવ્યું તેમ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ ક્યારેક માત્ર ગુજરાત સ્ટેડિયમના નામે જ ઓળખાતું હતું. આથી, આ નામ પરિવર્તન પણ એ જ પરંપરાનો જ એ હિસ્સો છે એમ માની લેવામાં કોઈજ વાંધો ન હોવો જોઈએ. પરંતુ, અહીં તકલીફ એ છે કે જે સ્થળે સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ હતું એ જ સ્થળે વધુ ક્ષમતા ધરાવતું અને અત્યાધુનિક સ્ટેડિયમ ઉભું આવ્યું છે જેથી તેનું નવું નામાભિધાન ખટકી રહ્યું છે.

અમુક મહિના અગાઉ માત્ર વહીવટ સંભાળવાને લીધે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકની આગળ અદાણી એરપોર્ટ્સનું નામ લાગ્યું ત્યારે પણ ઘણો હોબાળો મચ્યો હતો, જે ખોટો હતો કારણકે એરપોર્ટનું નામ બદલાયું ન હતું, ફક્ત તેની આગળ તેના વહીવટદાર કંપનીનું નામ ઉમેરવામાં આવ્યું હતું. પરંતુ અહીં એ જ સ્ટેડિયમનું આખું નામ બદલાઈ ગયું છે.

કેટલાક ભોળુડાઓ આ બધી દલીલોમાં કુદકો મારીને એમ કહે છે કે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલું સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમના નામે જ ઓળખાય છે એટલે કોઈ કન્ફયુઝન ન થાય એટલે અથવાતો એક સ્ટેડિયમ ઓલરેડી સરદાર પટેલના નામનું હતું એટલે આ સુધારેલા સ્ટેડિયમનું નામ બદલ્યું છે. એમને એટલુંજ કહેવાનું કે જો કન્ફયુઝન હોત તો આટલા બધા વર્ષો સુધી આ નામો બદલાઈ ગયા ન હોત? બીજું એ સ્ટેડિયમ હવે નહીવત ઉપયોગમાં લેવાય છે. અને આથીજ જો ભવ્ય મોટેરા સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જોડાયું હોત તો વધુ આનંદ થાત.

તો અમુક લોકો નહેરુ-ગાંધીના નામે ભારતભરમાં કેટલી મોટી સંખ્યામાં સ્ટેડિયમો છે એની યાદી દેખાડવા લાગ્યા હતા. પરંતુ એની ટીકા જ અત્યારસુધી ભાજપા અને ખુદ નરેન્દ્રભાઈ પોતપોતાની જાહેરસભાઓમાં કરતા રહ્યા છે. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અસ્તિત્વમાં આવતા તેમની પાસે રહેલા એક મોટા અને ધારદાર શસ્ત્રને મ્યાન કરવાની તેમને ફરજ પડશે, કારણકે વ્યક્તિપૂજા એક જગ્યાએ થતી હોય કે હજારો જગ્યાએ, એ ખોટી જ હોય છે.

આ જ દલીલ કોંગ્રેસ અને તેના આગેવાનોને પણ લાગુ પડે છે કારણકે ઉપરોક્ત બંને પરિવારોને નામે તેમના પક્ષે પણ જનતાના ખર્ચે બનાવેલા સ્ટેડિયમો અને અસંખ્ય ઈમારતોના નામ રાખ્યા છે. બીજું, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાત કોંગ્રેસના જ એક મોટા આગેવાને ભંગારમાંથી બનાવેલું સ્ટેચ્યુ કહ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી લગભગ અઢી વર્ષથી અડીખમ ઉભું છે પરંતુ કોંગ્રેસ જે આજે સરદાર પટેલના નામે રડી રહી છે તેના એક પણ ઉચ્ચ આગેવાને તેની મુલાકાત લીધી હોય તેવા ફોટોગ્રાફ્સ આપણે હજી સુધી નથી જોયા.

સરદાર પટેલ સાથે મોટાભાગના ગુજરાતીઓ લાગણીથી જોડાયા છે અને વિશ્વનું સહુથી મોટું સ્ટેડિયમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના એરપોર્ટની જેમ એમના નામ સાથે જ જોડાયેલું રહ્યું હોત તો ગુજરાતીઓના ગર્વમાં પ્રચંડ વધારો થયો હોત. એવું નથી કે નરેન્દ્રભાઈ સાથે મોટાભાગના ગુજરાતીઓ લાગણીનો સબંધ ધરાવતા નથી. જો એવું ન હોત તો છેલ્લી બે લોકસભા ચૂંટણીઓમાં રાજ્યની તમામ 26 બેઠકો પર એમના નામે મત આપીને તેઓ જ દેશનું સુકાન સંભાળે એ તેમણે સુનિશ્ચિત ન કર્યું હોત.

તકલીફ છે નરેન્દ્રભાઈની જે છાપ ગુજરાતીઓના માનસ પર છે તેનાથી છે. નરેન્દ્રભાઈએ ક્યારેય એમની સરકાર દ્વારા, પછી તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કે પછી હવે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા છે, શરુ કરવામાં આવેલી એક પણ યોજના સાથે પોતાનું નામ જોડ્યું નથી. એમના દ્વારા શરુ કરવામાં આવેલી અને એમના હ્રદય સાથે જોડાયેલી તમામ યોજનાઓ ‘પ્રધાનમંત્રી’ શબ્દ સાથે શરુ થાય છે. જેનો અર્થ એક જ છે કે વડાપ્રધાન કોઇપણ હોય યોજના એના નામે જ ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલશે.

આવું સ્ટેડિયમના નામ સાથે પણ થઇ શક્યું હોત. કારણકે, તમામને ખબર છે કે આ સ્ટેડિયમ નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે અને પહેલેથી છેલ્લે સુધી તેમણે આ સમગ્ર નિર્માણકાર્યમાં વ્યક્તિગત રસ લીધો છે. આથી સ્ટેડિયમ સાથે પણ પોતાની સરકારની યોજનાઓની માફક જ પોતાનું નામ ન જોડતાં તેની સાથે સરદારનું નામ ચાલુ રાખીને અથવાતો તેને માત્ર ગુજરાત સ્ટેડિયમ જ નામ આપી શકાયું હોત.

આથી, અચાનક જ અને એવા સમયે જ્યારે નરેન્દ્રભાઈ હજી પણ દેશના શાસક છે, ત્યારે એમના નામે એક સ્ટેડિયમ બને અને એ પણ સરદાર પટેલનું નામ હટાવીને, જેમનું સન્માન વિશ્વભરમાં ખુદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભું કરાવીને વધાર્યું હોય, આઘાત તો લાગે જ. અમુક લોકો એમ કહી રહ્યા છે કે કદાચ નરેન્દ્ર મોદી પોતાના જ સમર્થકોને આ ઘટનાથી લાગેલા દુઃખને ધ્યાનમાં લઈને આવનારા કેટલાક દિવસોમાં મોટેરા ખાતેના સ્ટેડિયમનું નામ પૂર્વવત કરી શકે છે. પરંતુ, નરેન્દ્રભાઈને જાણનારાઓ અને તેમને નજીકથી ફોલો કરનારા એટલું તો સમજે છે કે તેઓ બહુ ઓછી વાર પોતાના કોઇપણ નિર્ણય અથવાતો સહમતી પર પુનઃવિચાર કરતા હોય છે.

છેવટે તો આ બધી કસરત કર્યા પછી પણ એક હકીકત તો કાયમ રહેવાની છે કે હવેથી અમદાવાદના મોટેરા ખાતે આવેલા એ વિશાળ સ્ટેડિયમનું નામ હવેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ રહેશે, ભલે આ લખનારને, આ વાંચનારને કે અન્ય કોઈને પણ એ ગમે કે ન ગમે. થોડો સમય આ અંગે ચર્ચા ચાલશે અને પછી બધું ભુલાઈ જશે અને એમ થવું પણ જોઈએ કારણકે જીવન એક જગ્યાએ અટકી નથી જતું. પરંતુ, ફરક એટલો જ પડશે કે વ્યક્તિપૂજા એ તમામ રાજકીય પક્ષોમાં સર્વવ્યાપી છે એ પ્રસ્થાપિત જરૂર થઇ જશે.

૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧, ગુરુવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here