મોટેરાની પીચ: હે અંગ્રેજો! કેટલી વાર પીચ નીચે પોતાના ગુના છુપાવશો?

0
495
મોટેરાની પીચ_eChhapu

ચેન્નાઈમાં હાર્યા એટલે ચેપોકની પીચને દોષ દેવાનો અને અમદાવાદમાં હાર્યા એટલે મોટેરાની પીચ રમવા લાયક ન હતી! બે દિવસમાં ટેસ્ટ મેચ પૂરી થઇ જાય એટલે સામાન્ય ક્રિકેટ પ્રેમીને પણ પીચ વિષે શંકા થાય, પણ વિશ્વાસ રાખજો મોટેરાની પીચ એટલી ખરાબ અથવાતો બિલકુલ ખરાબ ન હતી જે રીતે આપણા, અંગ્રેજોના પૂર્વ ક્રિકેટર્સ, કેટલાક ભોળા બાળ જેવા સોશિયલ મિડિયા તજજ્ઞો તેમજ પાનના ગલ્લાના એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે.

સત્ય એ છે કે  જો ખરાબ પીચની જ વાત કરવી હોય તો કદાચ ચેન્નાઈની બીજી ટેસ્ટની પીચને ખરાબ કહી શકાય પરંતુ તેને પૂરી થતાં ચાર દિવસ લાગ્યા હતા, પરંતુ બે જ દિવસમાં ટેસ્ટ મેચ પૂરી થઇ જાય એટલે પીચનો જ વાંક હોય એ જરૂરી નથી. આ માટે બેટ્સમેનો પણ ઓછા જવાબદાર નથી. મોટેરાની પીચને ઓળખી ન શકનારા બંને ટીમોના બેટ્સમેન એટલા જ જવાબદાર છે.

ચેન્નાઈનો તાજો અનુભવ અંગ્રેજોને એટલો તો ગભરાવી ગયો હતો કે તેઓ એમ માનતા હતા કે ભારત સિરીઝ જીતવા માટે હવે મોટેરાની પીચ પણ ચેન્નાઈ ટાઈપ જ બનાવશે અને આથી તમામ અંગ્રેજ બેટ્સમેનો બોલ ટર્ન થશે એ ડરે બેટિંગ કરતા ગયા અને સીધા બોલ પર આઉટ થતા રહ્યા. મેચમાં બે દિવસમાં બંને ટીમોની થઈને 30 વિકેટો પડી તેમાંથી 21 વિકેટો સીધા બોલ પર પડી જે આંકડો મોટેરાની પીચ ચેન્નાઈની પીચ કરતા ઘણી સારી હોવાનું સાબિત કરે છે.

એવું ન હતું કે ફક્ત અંગ્રેજ બેટ્સમેનોએ જ આ ભૂલ કરી, આપણા બેટ્સમેનો પણ મોટેભાગે આવા જ સીધા બોલ પર આઉટ થતા રહ્યા. જેક લીચ અને જો રૂટના સીધા બોલ પર યા તો ક્લીન બોલ્ડ થયા, એલ બી ડબ્લ્યુ થયા કે પછી હવામાં ખોટા શોટ રમીને ડીપમાં કેચ આપી બેઠા. સમગ્ર મેચ દરમ્યાન સુનિલ ગાવસ્કર એક જ વાક્ય વારંવાર કહેતા રહ્યા કે મોટેરાની પીચ વિકેટો નથી લઇ રહી, બેટ્સમેનોના મગજ વિકેટો લઇ રહ્યાં છે.

મેચ પત્યા પછી બંને ઈનિંગમાં વ્યક્તિગત રીતે સર્વાધિક રન કરનાર રોહિત શર્માએ પણ કહ્યું કે મોટેરાની પીચ બિલકુલ ખરાબ ન હતી અને પ્રેઝન્ટેશન દરમ્યાન કપ્તાન કોહલીએ પણ સ્વીકાર્યું કે બંને ટીમોના બેટ્સમેન ખરાબ રમ્યા.

સાચું કહીએ તો ઇંગ્લેન્ડ પાસે આ પીચ પર મેચ જીતવાનો ગોલ્ડન ચાન્સ હતો કારણકે તેણે આ પીચ પર ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. આમ પણ ભારતીય પીચો હોય કે કોઇપણ અન્ય દેશની પીચ હોય, ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ જ લેવી જોઈએ કારણકે ચોથી ઇનિંગમાં સ્કોર બોર્ડ પ્રેશર તમારી પાસે ન કરવાના કામ કરાવી બેસતું હોય છે.

જો રૂટે પણ મેચ પત્યા બાદ એટલું તો સ્વીકાર્યું હતું કે આ પીચ પર પહેલાં બેટિંગ કરતા જો તેની ટીમે 250 રન પણ કર્યા હોત તો એ કદાચ વિજયી સ્કોર બની રહ્યો હોત. પરંતુ પહેલા બેટિંગ લઈને અંગ્રેજ બેટ્સમેનો એ આપણે આગળ ચર્ચા કરી તેમ દરેક બોલ સ્પિન જ થશે એમ માનીને સીધા બોલને પારખી ન શક્યા અને સીધા આવતા બોલને મોટેભાગે બેકફૂટ પર જઈને રમ્યા તેને કારણે એલ બી ડબ્લ્યુ અથવાતો ક્લીન બોલ્ડ થયા અથવાતો બોલ સ્પિન થશે એમ માનીને સ્પિન થવાની દિશામાં હવામાં શોટ મારી દીધા.

આપણા બેટ્સમેનોમાં પણ પહેલી ઈનિંગમાં રોહિત શર્મા અને મહદઅંશે વિરાટ કોહલી સિવાય કોઈએ પણ આ પીચનો મિજાજ પારખ્યા વગર જ બેટિંગ કરી અને તેને કારણેજ 100-150ની લીડ મેળવવાને બદલે ટિમ ઇન્ડિયા ઇંગ્લેન્ડથી ફક્ત 33 રન જ આગળ વધી શકી. બીજી ઇનિંગમાં પણ ઇંગ્લેન્ડ પાસે ચાન્સ હતો કારણકે ભારત ફક્ત 33 જ રન આગળ હતું. જો બીજી ઈનિંગમાં પણ ઇંગ્લેન્ડે 100-110ની લીડ આપી હોત તો તેની પાસે જીતવાના પૂરતા ચાન્સ હતા. પરંતુ ફરીથી તેના બેટ્સમેનો સાવ અલગ રીતે જ રમવા ગયા અને તેમાં તેઓ નિષ્ફળ ગયા.

એક તરફ જો રૂટ એમ કહે છે કે તેની ટીમે પહેલી ઈનિંગમાં 250 રન કરવા જોઈતા હતા અને બીજી તરફ તે પીચની ટીકા કરતા એમ પણ કહે છે કે જો તે આ પીચ પર 5 વિકેટ લઇ શકતો હોય તો પીચ કેવી હશે એ આપણે બધાએ સમજી લેવાનું છે. અહીંજ અંગ્રેજોની સ્પિનિંગ પીચ વિરોધી માનસિકતા છતી થાય છે જેના વિષે આપણે ચેન્નાઈ ટેસ્ટ બાદના વિશ્લેષણમાં ચર્ચા કરી ગયા છીએ.

ઇંગ્લેન્ડ હાલમાં જે રોટેશન પોલીસી અજમાવી રહ્યું છે તે પણ તેની સળંગ બે હાર માટે એટલીજ જવાબદાર છે. ઇંગ્લેન્ડ આ જ વર્ષમાં લગભગ 16 ટેસ્ટ્સ રમવાનું છે, એટલે ટિમ મેનેજમેન્ટને એવો ભય હોય કે આ તમામ ટેસ્ટ્સ નક્કી કરેલા 12-13 ખેલાડીઓ કદાચ ન રમી શકે, કારણકે આટલા મોટા સમયગાળામાં એકથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તે સ્વાભાવિક છે. આથી જ તેમણે રોટેશન પોલીસી બનાવી છે જેથી આ તમામ સમગ્ર વર્ષ દરમ્યાન ફ્રેશ રહે.

પરંતુ જેમ ચેન્નાઈની પહેલી ટેસ્ટમાં જબરદસ્ત દેખાવ કરનાર જિમી એન્ડરસનને બીજી ટેસ્ટમાં (ઈજાના બહાને) બહાર બેસાડ્યો એમ મોટેરાની પીચ ટર્ન તો જરૂર લેશે એ નક્કી હોવા છતાં ડોમ બેસ્સને ‘બેસાડી’ રાખ્યો એ જરૂર નવાઈ પમાડે છે. ડોમ બેસ્સે પણ ચેન્નાઈની પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં ચાર વિકેટો લીધી હતી અને તે સમયે તે જેક લીચ કરતાં પણ વધુ પ્રભાવશાળી રહ્યો હતો. પરંતુ પછીની બે ટેસ્ટમાં બેસ્સને રમાડો જ નહીં અને એ પણ ટર્ન લેતી પીચ પર અને પછી તમે પીચનો વાંક કાઢો તો ખરાબી તમારી માનસિકતામાં છે.

જો રોટેશન પોલીસી તમને મેચો જીતાડવાને બદલે હરાવે તો એવી પોલીસીને મ્યુઝિયમમાં મઢાવીને મૂકી દેવી જોઈએ. એક વખત સિરીઝ જીતી લેવાય પછી જે ટેસ્ટનું મહત્ત્વ ઓછું થઇ જાય તેવી મેચોમાં મહત્ત્વના ખેલાડીઓને આરામ આપવામાં આવે એ જ યોગ્ય છે. રોટેશન પોલીસીને કારણે ડોમ બેસ્સ બંને ટર્ન લેતી પીચ પર ન રમી શક્યો અને ઇંગ્લેન્ડ બંને ટેસ્ટ હારીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની બહાર થઇ ચૂક્યું છે. શું ઇંગ્લેન્ડ ભવિષ્યમાં થઇ શકનારા આવા મોટા નુકશાન માટે તૈયાર છે ખરું?

અહીં ટિમ ઇન્ડિયા માટે પણ બે શબ્દો કહેવાનું મન થાય છે. અત્યાર સુધી, એટલેકે ભલે મોટેરાની પીચ પર સ્પિનર્સ સામે આપણા બેટ્સમેનોનું પરફોર્મન્સ ખરાબ રહ્યું તેમ છતાં, દુનિયાની તમામ ટેસ્ટ ટીમોમાં જો સહુથી સારી રીતે સ્પિનર્સને રમી શકતા હોય તો તે ફક્ત અને ફક્ત આપણા બેટ્સમેનો જ છે. આ એક મોટું સન્માન છે અને એ સન્માન હવે કદાચ ભયમાં આવી શકે તેમ છે.

જો ઈંગ્લેન્ડના બેટ્સમેનો અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનના સીધા બોલ પારખી નથી શક્યા તો આપણા બેટ્સમેનોએ પણ એમ જ કર્યું છે. જેમ આગળ કહ્યું તેમ રોહિત અને વિરાટ સિવાય મોટાભાગના બેટ્સમેનો સીધો બોલ રમવામાં થાપ ખાઈને જ આઉટ થયા છે. ત્રીજી ટેસ્ટ જીતી ગયા છીએ એટલે કદાચ આ ખામી પર કોચિંગ સ્ટાફ અને કેપ્ટનનું ધ્યાન ગયું છે તો પણ કદાચ તેને સુધારવા બહુ દબાણ નહીં કરે, પરંતુ જો આ આદત આવનારી મેચોમાં અને સિરીઝમાં ટકી જશે તો ભવિષ્યમાં સ્પિનિંગ ટ્રેક્સ પર આપણે જ શરમાવાનું આવે એ શક્ય છે.

આ કોઈ ગભરામણ કે ચેતવણી પણ નથી, ફક્ત ભૂલ સુધારવાની ટકોર માત્ર છે, કારણકે જેક લીચ કે ડોમ બેસ્સને વિકેટ આપી દેવી એ સમજી શકાય છે પરંતુ જો રૂટ? થોડામાં ઘણું સમજજો ટિમ ઇન્ડિયાના સભ્યો. ત્રીજી ટેસ્ટ જીતવા બદલ અભિનંદન અને ચોથી ટેસ્ટ જીતીને અથવાતો ડ્રો કરીને લોર્ડ્ઝ ખાતે ન્યુઝીલેન્ડ સામે પહેલવહેલી ICC ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમો તેવી તમને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ!

૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧, શુક્રવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here