હાર્દિક પટેલ: કોર્પોરેશનની ચૂંટણીઓમાં કોંગ્રેસે મારો યોગ્ય ઉપયોગ ન કર્યો

0
355
હાર્દિક પટેલ_eChhapu
Photo Courtesy: India Today

ગુજરાતની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલમાં પૂર્ણ થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસની તમામ કોર્પોરેશનમાં અત્યંત ખરાબ હાલત થવા પાછળ રાજ્ય કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા કારણ જણાવવામાં આવ્યું છે.

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલ પોતાની પ્રથમ અને મહત્ત્વની પરીક્ષામાં જ નિષ્ફળ નીવડ્યા છે.

હાલમાં જ પૂર્ણ થયેલી ગુજરાતની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં કોંગ્રેસની અભૂતપૂર્વ હાર થઇ હતી.

પરંતુ હાર્દિક પટેલે આ તમામ પરિણામો માટે કોંગ્રેસ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો છે અને કહ્યું છે કે કોંગ્રેસ તેમનો યોગ્ય ઉપયોગ કરવામાં નિષ્ફળ જતાં પક્ષની આ કારમી હાર થઇ છે.

હાર્દિક પટેલ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા છે અને સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા તમામ વિસ્તારોમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી માત્ર આગળ જ નહોતી રહી પરંતુ તેણે 27 જેટલી બેઠકો પણ જીતી હતી.

હાર્દિક પટેલ હાલમાં કોંગ્રેસના જ વરિષ્ઠ આગેવાનો પર આરોપ લગાવતાં કહી રહ્યા છે કે તેઓ તેમને સતત નીચા દેખાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.

હાર્દિક પટેલનો આરોપ છે કે જો યોગ્ય યોજના બનાવીને સુરતમાં તેમની સભાઓ ગોઠવવામાં આવી હોત તો કોંગ્રેસને સુરતમાં શૂન્ય બેઠકો ન મળત.

હાર્દિક પટેલ દ્વારા એવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે કે ચૂંટણી અગાઉના દસ દિવસ સુધી તેમણે જે 27 રેલીઓ કરી તે તેમણે જાતમહેનતથી કરી હતી જેમાં કોંગ્રેસનો તેમને બિલકુલ સાથ મળ્યો નથી.

હાર્દિકે પહેલીવાર ખુલીને કોંગ્રેસને કહ્યું છે કે કોંગ્રેસને 2015ના પાટીદાર અનામત આંદોલનનો જે ફાયદો મળ્યો તે તેણે સ્વીકારવું રહ્યું.

હાર્દિક પટેલ એમ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસે પાટીદાર આંદોલનના આગેવાનોને મહત્ત્વ આપવું જ પડશે.

આગળ જણાવતા હાર્દિક પટેલે કહ્યું છે કે તેઓ સમગ્ર ગુજરાતમાં જાતે જ ફરી રહ્યા છે કારણકે તેઓ પક્ષને મજબૂત બનાવી રહ્યા છે અને પોતે પોતાના જ પગ પર ઉભા રહ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો પર મોટો આરોપ લગાવતા હાર્દિક પટેલ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ તેમને સતત નીચા દેખાડવાનો પ્રયત્ન ભલે કરતા હોય પરંતુ તેઓ વારંવાર ઉભા થશે જેવી રીતે 2015માં ભાજપે તેમને નીચે પાડવાની કોશિશ કરી હતી અને તેઓ ઉભા થયા હતા.

સુરતનો કોંગ્રેસના અધિકારીક પ્રચાર કાર્યક્રમમાં પોતે હાજર ન રહી શકવા પાછળ હાર્દિક પટેલનું કહેવું છે કે તેમના તમામ કાર્યક્રમો ઓછામાં ઓછા 7 દિવસ અગાઉ નક્કી થઇ ગયા હોય છે અને સુરતના કાર્યક્રમ વિષે પાર્ટીએ તેમને છેક છેલ્લે દિવસે જણાવ્યું હતું અને તેથી તેઓ તે કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા.

હાર્દિક પટેલ દાવો કરી રહ્યા છે કે જો સુરતમાં 25 રેલીઓ કરવાનું તેમને ઓછામાં ઓછા 25 દિવસ અગાઉ કહેવામાં આવ્યું હોત તો સુરતમાં કોંગ્રેસ જરૂર પોતાનું ખાતું ખોલાવી શકી હોત.

આ પ્રસંગે હાર્દિક પટેલે કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલને યાદ કરતાં જણાવ્યું હતું કે જો તેઓ આજે જીવતા હોત તો પ્રચારનું બહેતર વ્યવસ્થાપન થયું હોત.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here