ઘટસ્ફોટ: પત્રકારને મારવાની મંજૂરી ખુદ સાઉદી પ્રિન્સે આપી હતી?

0
661
સાઉદી પ્રિન્સ_eChhapu
Photo Courtesy: The National

વર્ષ 2018માં તૂર્કીમાં માર્યા ગયેલા પત્રકાર જમાલ ખાશોગીને મારી નાખવાની યોજનાની મંજૂરી ખુદ સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાને આપી હોવાનો ઘટસ્ફોટ અમેરિકન સરકારના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

વોશિંગ્ટન ડીસી: શુક્રવારે યુએસ ઇન્ટેલિજન્સના ડીક્લાસીફાય કરવામાં આવેલા કેટલાક ડોક્યુમેન્ટ્સમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે બે વર્ષ અગાઉ તૂર્કીના પાટનગર ઈસ્તાંબુલમાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા અંગેની મંજૂરી ખુદ સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદે આપી હતી.

જમાલ ખાશોગીને જીવતા થવા મરેલા પકડવાનો આદેશ સાઉદી સરકાર દ્વારા સાઉદી જાસૂસોને આપવામાં આવ્યો હતો અને તેની મંજૂરી સાઉદી પ્રિન્સ પાસેથી લેવામાં આવી હતી.

અમેરિકાની ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલીજન્સ (ODNI) દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે,

અમારું એવું મંતવ્ય છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈસ્તાંબુલમાં પાર પાડવામાં આવેલા એક ઓપરેશનને મંજૂરી આપી હતી જેમાં સાઉદી પત્રકાર જમાલ ખાશોગીને જીવતા અથવા મરેલા પકડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

શુક્રવારે આ દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો તે પહેલા તેને બાઇડેન શાસને તેને અમેરિકન કોંગ્રેસ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.

આ દસ્તાવેજના જાહેર થવા અંગે બહુ લાંબા સમયથી સમગ્ર વિશ્વમાં રાહ જોવાઈ રહી હતી.

આ દસ્તાવેજના જાહેર થવા સાથેજ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લીન્કેને એક નવા ‘ખાશોગી પ્રતિબંધ’ની પણ જાહેરાત કરી હતી.

આ પ્રતિબંધ હેઠળ કોઇપણ પ્રકારના ગંભીર ગુના સાથે સીધી અથવાતો આડકતરી રીતે પણ સંકળાયેલા વ્યક્તિઓને અમેરિકાના વિસા આપવા પર અમેરિકા નિયંત્રણ મૂકી શકે છે.

બ્લીન્કેને આ પ્રતિબંધ અંગે જણાવ્યું હતું કે આ પ્રતિબંધની અસર ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિ ઉપરાંત તેના પરિવારના સભ્યો પર પણ પડી શકે છે.

આ નવા ખાશોગી પ્રતિબંધનો સર્વપ્રથમ ભોગ 76 સાઉદી નાગરીકો બન્યા છે જેમના પર ખાશોગીની હત્યા કરવા ઉપરાંત અન્ય નાગરિકોને ધાકધમકી આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

જો કે સાઉદી અરેબિયાએ આ દસ્તાવેજમાં જણાવેલી  બાબતોને નકારી દીધી હોવાનું ચીની સમાચાર સંસ્થા શિનહુઆએ જણાવ્યું છે.

ખાશોગી વોશિંગ્ટન પોસ્ટમાં કોલમ લખતા હતા અને 2018ના ઓક્ટોબરમાં ઈસ્તાંબુલમાં આવેલી સાઉદીની કોન્સ્યુલેટમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

આ હત્યા બાદ ઘણા સાઉદીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી ગત સપ્ટેમ્બર મહિનામાં 5 ને 20 વર્ષની તેમજ 3ને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

eછાપું  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here