મારોય એક જમાનો હતો (1): ગુજરાતી ફિલ્મો ત્યારે અને આજે

0
445
Photo Courtesy: BuddyBits

“સંપૂર્ણ પારિવારિક વાતાવરણમાં ફિલ્મ જોવા અવશ્ય પધારો.” 

“સાથે તમને એક ચાંદલાનું પેકેટ ફ્રી મળશે.”

અમુક જાહેરાતમાં “ફિલ્મની સ્ટોરી પુસ્તિકા સ્વરૂપ ભેટ મળશે.” 

“કાંસકી અને દાંતિયાનો સેટ ભેટ મળશે.” 

“માથામાં નાખવાને માટે તેલ અને રિબન મફત મળશે.”

60 અને 70ના દશકની વાત છે. એવો પણ એક સમય હતો કે ગુજરાતી ફિલ્મને પ્રોત્સાહન આપવા માટે, મહિલાઓને સિનેમા હૉલ સુધી આકર્ષવા માટે આવી પ્રવૃત્તિઓ અને જાહેરાત કરવી પડતી હતી. ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ આવ્યો એ પહેલાંની આ વાત છે. તમને ખ્યાલ છે કે તે સમયે શા માટે ગરબો, ગોકીરો અને ગામડાંની થીમ બહારની ફિલ્મ બની જ નહીં? 

તો ચાલો વાતને આગળ વધારીએ: આપને કદાચ ખ્યાલ જ હશે કે મુંબઈની બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાયાના કસબીઓ એક સમયે ગુજરાતીઓ જ હતા. સરદાર ચંદુલાલ શાહ, સોહરાબ મોદી, દલસુખ પંચોલી, રવિન્દ્ર દવે, નાનાભાઈ ભટ્ટ, કાંતીલાલ રાઠોડ, ઇન્દુલાલ યાજ્ઞિક, મેહુલ કુમાર, અબ્બાસ મસ્તાન અને અન્ય જોરાવર નામો આ સૂચિમાં શામેલ કરી શકાય. સર્વપ્રથમ તો ગુજરાતી ફિલ્મના થોડા વિસરાયેલા ભૂતકાળ વિશે વાત કરીએ:

1920માં પ્રથમ મૂક (સાઈલેન્ટ) ગુજરાતી ફિલ્મનું નિર્માણ થયું, જે ફિલ્મ હતી ‘નરસિંહ મહેતા’. એ ફિલ્મનું પ્રખ્યાત ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીયે…” માટે તે સમયે શ્રોતાજનો સાથે બેઠેલી ઑરકેસ્ટ્રાની ટીમ ગાયન ગાતી અને સંગીત વગાડતી. આઝાદીની ચળવળના દિવસોમાં ઘણી મૂક ફિલ્મ બની જેમાં ગુજરાતી સંસ્કૃતિ (કલ્ચર) અને ગરબા દર્શાવાયેલા. 1921માં ફિલ્મ ‘ભક્ત વિદુર’ બની અને તે સમયે ક્રાંતિકારી ફિલ્મ ગણાયેલી કારણ કે ભક્ત વિદુરને ગાંધી ટોપીમાં બતાવ્યા હતા. ફિલ્મમાં એક ગુજરાતી ભજન પણ હતું “રૂડો મારો રેંટિયો, રેંટિયામાંથી નીકળે તાર, એમાંથી થાય ભારતનો ઉદ્ધાર…”. તે સિવાય ‘પાવાગઢનું પતન’ અને એવા ઘણા ચલચિત્ર નિર્માણ થયેલા. કવિ કલાપીની જીવનગાથા પર આધારિત, કનૈયાલાલ મુનશીની નવલકથા પર આધારિત એમ ઘણી ફિલ્મો બની હતી. 

ત્યારબાદ પ્રથમ ટોકી (બોલતી ફિલ્મ) જેમાં ડાયલોગ અને ગીત-સંગીત હોય એ ફિલ્મ ‘નરસિંહ મહેતા’ હતી (હા, ફરી એ જ નામની ફિલ્મ), જે 1932માં નિર્માણ થયેલી. એ પછી ‘સતી સાવિત્રી’, ‘ઘર જમાઈ’, ‘ગુણ સુંદરીનો ઘરસંસાર’ જેવી સામાજિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર ફિલ્મ બની અને લોકોએ સફળ પણ બનાવી.

આઝાદી પહેલાં કરાંચીમાં જન્મેલા રવિન્દ્ર દવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘બાપા’ તરીકે પ્રખ્યાત હતા. અનેક હિન્દી ફિલ્મમાં સક્રિય રહ્યા બાદ પ્રથમ તેમણે ગુજરાતી ફિલ્મ ‘જેસલ તોરલ’નું નિર્માણ કર્યું, જે સુપરહિટ ફિલ્મ પુરવાર થઈ. સન 1947 અને 1970 વચ્ચે ‘કાદુ મકરાણી’ (જૂનું), ‘મહેંદી રંગ લાગ્યો’, ‘રાણકદેવી’, પન્નાલાલ પટેલની નવલકથા પરથી ‘મળેલા જીવ’, ‘જીગર અને અમી’, ‘અખંડ સૌભાગ્યવતી’, ‘કલાપી’, ‘રમત રમાડે રામ’, ‘જોગીદાસ ખુમાણ’, ‘મુળુ માણેક’ અને ‘કહ્યાગરો કંથ’ જેવી સામાજિક, ધાર્મિક અને ઐતિહાસિક ફિલ્મો બની.

ધીમે ધીમે હિન્દી ફિલ્મોમાં પણ ગુજરાતી કલાકારો છવાયા: સંજીવ કુમાર, નિરૂપા રોય, સોહરાબ મોદી, આશા પારેખ‌ જેવા ધરખમ કલાકાર ગુજરાતી ફિલ્મના ગૌરવ હતા, છે અને રહેશે. 

એ સમયમાં જ કેટલીક યાદગાર ફિલ્મો પણ બની જેમ કે, ‘કાશીનો દીકરો’, ‘કંકુ’, ‘પૃથિવીવલ્લભ’, ‘તાના રીરી’, ‘સંતુ રંગીલી’, ‘મા-બાપ’, ‘ભવની ભવાઈ’, ‘મેરૂ માલણ’, ‘જોગ સંજોગ’ (હરકિસન મહેતાની નવલકથા પરથી) વગેરે વગેરે. જેમાંથી ‘કંકુ’ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો. ત્યારબાદ ‘પરસી’ નામની પારસી ગુજરાતી ફિલ્મને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

1970 પછી ગરબો, ગામડું, બહારવટિયા વાળી ફિલ્મોના રાફડા ફાટ્યા. ફક્ત ગ્રામીણ ક્ષેત્રના ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનતી જેમાં સિનેમાઘરોની ઓછી સંખ્યા પણ કારણભૂત હતી.

ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મના નિર્માણ ઉપર સબસિડી અને સિનેમાઘરોમાં કરમુક્તિનું એલાન કર્યું. મુખ્ય કારણ એ હતું કે મુંબઈમાં બનતી ગુજરાતી ફિલ્મ ધીમે ધીમે ગુજરાતમાં બનતી થાય. પણ આ સબસિડી આડેધડ ફિલ્મ બનાવવા પાછળનું નિમિત્ત બની. વડોદરા નજીક હાલોલમાં ફિલ્મ સ્ટુડિયો ધમધમતો થયો. 1971 બાદના સબસિડી જુવાળને કારણે ચીલાચાલુ વાર્તાઓ, રિસર્ચ કે સામાજિક દ્રષ્ટિકોણને બદલે દંતકથા કે લોકકથા પરથી ફિલ્મ, ગ્રામીણ બૅકગ્રાઉન્ડ અને ગામડાં, ગરબા, ગોકીરો (કોલાહલ) એ મુખ્યધારા બની રહ્યા. એના કારણે શહેરી વર્ગ ગુજરાતી ફિલ્મથી દૂર જતો રહ્યો. ટેક્નોલૉજી કે ટેકનીક્સ અપનાવવામાં સદંતર ઉદાસી મુખ્ય કારણ રહી. લોકોને આકર્ષે એવા વિષયો ઉપર ફિલ્મ ભાગ્યે જ બનતી.

આમ ભવ્ય ભૂતકાળ હોવા છતાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ બ્લૉકબસ્ટર ફિલ્મના સ્તર સુધી ગુજરાતી ફિલ્મ પહોંચી ન શકી.

હવે ધીમે ધીમે અર્બન ગુજરાતી ફિલ્મ સ્વીકૃત થવા લાગી છે અને સફળતા પણ સારી એવી મેળવી રહી છે. ‘દેશ રે જોયા, દાદા પરદેશ જોયા’ – આ ફિલ્મે 1998માં 22 કરોડનું કલેક્શન કર્યું હતું અને હાલમાં સફળતાપૂર્વક ચાલતા ‘ચાલ જીવી લઈએ’ ફિલ્મ માટે 36 કરોડનું કલેક્શન બોલે છે. ફિલ્મ ‘હેલ્લારો’ પણ 15 કરોડ ક્રોસ કરી ગઈ છે.

ટૂંકમાં મલ્ટીપ્લેક્ષને કારણે મલ્ટીસ્ક્રીન અને નવી સ્ટ્રીમિંગ ટેક્નોલૉજીને કારણે ગુજરાતી ફિલ્મ હવે ગુજરાત બહાર મુંબઈ, પૂના, ચેન્નાઈ, ગુરૂગ્રામ, બેંગ્લોર અને વિદેશમાં પણ દર્શાવવામાં આવી રહી છે. દિવસો સારા છે. 

આભાર

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here