આજની લઘુકથા: ‘હેતુ’

0
289
માહી સાડા સાતની બસમાં બેઠી. આછા રંગ પસંદ કરતી માહીએ, આજે આકાશી બ્લુ રંગની સાડી પહેરી હતી. એકધારું જીવન, એમાં કોઈ ફેરફાર નહીં. મા સાત વરસ પહેલાં ગુજરી ગઈ હતી. ભાઈ ભણવા પરદેસ ગયો અને ત્યાં જ રોકાઈ ગયો. વૃદ્ધ પિતા પણ શિક્ષક જ હતા, નિવૃત્તિ પછી પુસ્તકોની નાની દુકાન ચલાવતા. માહી ભણી પરવારી ત્યાં મા જતી રહી.
પિતાના પગલે પોતે શિક્ષણ જગત પસંદ કર્યું. લગ્ન માટે તે ઉદાસીન હતી. જાડા કાચના ચશ્મા, શરીરે જરા ભરાવદાર, મધ્યમ ઊંચાઈ અને તેલ નાખેલો ચોટલો એની ઓળખ. જીવનમાં કોઈ ખાસ હેતુ નહીં, ઘરથી કોલેજ અને કૉલેજથી ઘર. કોઈ તેની નોંધ લેતું નહીં. એક અતિ સામાન્ય સ્ત્રી તરીકેની છબી સાથે તે સાંજે ઘરની સાફસફાઈ, એકાદબે ટ્યુશન પતાવીને રસોઈ કરતી. બાપ દીકરી જમીને પોતપોતાના પુસ્તકો વાંચતા.
બસ કોલેજની સામે અટકી. માહી કોલેજમાં પ્રવેશી. અન્યમનસ્ક અને લગભગ કોઈની નજર ન પડે તેવા વ્યક્તિત્વ સાથે તે સ્ટાફ રૂમ તરફ મંદ ગતિએ આગળ વધી. અંદરથી કંઇક ફૂલો જેવી સુગંધ આવતી હતી. થોડો કોલાહલ હતો. યાદ આવ્યું, આજે એક સ્ટાફ મેમ્બર ઉમેરાવવાનો હતો. સ્ટાફ રૂમમાં પગ મૂક્યો ને સામે જ હાથમાં ગુલદસ્તો પકડીને ઉભેલો એક પ્રફુલ્લિત યુવાન દેખાયો …પારસ ! નામ તેવો જ દેખાવ. અત્યંત આકર્ષક તેવો પારસ.પોતે કદી કોઈ માણસને જોવા કોશિશ જ નહોતી કરી,પણ આ યુવાને કંઇક વિશેષ અસર કરી, હવે કેમ કરીને છટકાશે ? ધરતી સરકતી લાગી… માહીએ કદી ના અનુભવેલી ક્ષણ જીવવી પડી ! પારસે માહી સામે જોયું, માહીએ નજર ચોરવા પ્રયત્ન કર્યો. પરંતુ એક પ્રોફેસરે માહી સાથે એનો પરિચય કરાવ્યો. માહી થોથવાઈ. પોતે ક્યાં અને પારસ ક્યાં ! પણ આજ સુધી આવું ક્યારેય વિચારેલું જ નહીં કે પોતે શું છે ? પહેલી નજરે કોઈ તેને ગમી શકે એવી શક્યતા પણ કલ્પેલી નહી.
વિહ્વળ મનને પરાણે શાંત કરી કામમાં ધ્યાન આપવું પડ્યું. દિવસ વીતતાં તો રીતસર થાક લાગી ગયો. બે ત્રણ વાર પારસ સાથે અલપઝલપ મુલાકાત થઈ. બસમાં બેસી ઘરે પહોંચી એ સમય પોતે લગભગ પોતાના જ અસ્તિત્વમાંથી અદ્રશ્ય થઈ ગઈ.
જેવી નવરી પડી કે અનાયાસે જ કબાટ તરફ વળી. સાડીઓની થપ્પી બહાર કાઢી. કોઈ સારો રંગ હોય તો …! એકાદબે સારી કહી શકાય તેવી સાડી બહાર રાખી.
સવાર પડી. રોજ કરતાં વહેલી દિનચર્યા પતાવી તૈયાર થઈ. સાંજે પાછાં ફરતાં આધુનિક ઢબની ચશ્માની ફ્રેમ કરાવવા નક્કી પણ કરી લીધું. જલ્દી બસ પકડી કોલેજ પહોંચી. પારસ હજુ આવ્યો નહોતો. બારીમાંથી ડોકાં કાઢી ઘડિયાળ સામે જોયા કર્યું. અંતે પોણા આઠે પારસ આવ્યો. માહી સામે સ્મિત વેર્યું અને તેના પહેરવેશ પર એક અછડતી નજર ફેરવી વિધાર્થીઓ સાથે વાતો એ વળગ્યો. પ્રસંગોપાત વાતચીતમાં જાણવા મળ્યું કે પારસ પહેલાં ફોટોગ્રાફર હતો. પિતાના આગ્રહને વશ થઈ ભણતરને અનુરૂપ નોકરી લીધેલી.
ચશ્માની ફ્રેમ સાથોસાથ બીજા બેચાર કપડાં પણ આવી ગયાં. કદી દરજીને કશું ના કહેનારી માહી વધુ પૈસા આપી કપડાં તૈયાર કરાવી લાવી. એક અઠવાડિયામાં તો કાયાપલટ થઈ ગયો. વાળ કપાઈ ગયા, તેલની જગ્યા સ્પ્રેની બોટલોએ લીધી. લેટેસ્ટ સાડીઓ કબાટમાં ગોઠવાઈ ગઈ. બે ચાર જોડી નવા ચપ્પલ આવી ગયાં. સાદગી ભર્યા ઘરમાં અમુક વસ્તુઓ રીતસર વરવી લાગવા માંડી પણ હવે તો છૂટકો જ ક્યાં હતો !
બસ હવે, રોજ એ જ ક્રમ. પારસ આવે ને પોતાના પર નજર પડે તો કેવું લાગે ! ફેશનેબલ, ફાંકડા લાગતા પારસ પર મન ઓવારી ગયું હતું કે એને પ્રભાવિત કરવા પોતે રીતસરની સ્પર્ધા યોજી હતી એ કળવું મુશ્કેલ હતું.
એક મહિનો વીત્યો. કદી વાત ન કરનારો વિદ્યાર્થીગણ માહી સાથે વાત કરવા લાગ્યો. બાકીના પ્રોફેસર માહીમાં આવેલા બદલાવને વખાણવા લાગ્યા. માહીનો આત્મવિશ્વાસ બુલંદી પર આવી ગયો. અતિ કુનેહથી તે લેક્ચર લેવા માંડી. ઘરની આસપાસ વસતી સ્ત્રીઓ માહી સાથે હળવા ભળવા લાગી. હા, બસ પારસ કશું બોલ્યો નહોતો, પણ તે આમેય એને ક્યાં પહેલેથી જાણતો પણ હતો !
ત્રણ મહિના અને માહીની સડીયલ છાપ ભૂતકાળ બની ગઈ. સુનમુન બેસી રહેનાર માહી હવે બોલવા લાગી હતી. પારસ વાત કરે તો એટલી ઘડીઓ સ્વર્ગની પ્રતીતિ કરાવતી હતી.
પણ આ સુખદ સમય એક સ્વપ્ન બની રહ્યું….એક દિવસ પારસ ન આવ્યો. બે દિવસ, ચાર દિવસ…! પૂછવું કોને ? અંતે ક્લાર્કને પૂછ્યું ” પ્રો. પારસ આવતા નથી હમણાં ?”
” હા, એમનો કઈ ફોન કે મેસેજ નથી. “
કોકડું વધુ ગૂંચવાયું. એક અઠવાડિયું થયું. સમાચાર આવ્યા કે પારસ નોકરી છોડી ફોટોગ્રાફીનું જ કામ કરવા માગે છે. માહીને હૈયે ફાળ પડી. હવે ?એકાએક જીવન ફરી અર્થ વિહીન લાગવા માંડ્યું. સ્ટાફ રૂમમાંથી બહાર નીકળી. બે ત્રણ વિદ્યાર્થિનીઓ સામે મળી, માહીને અટકાવી “મેમ ! આજનું તમારું લેક્ચર અમને બહુ ગમ્યું….” થોડી વાતો કરી માહી ઘરે જવા નીકળી. થોડા દિવસ જાણે પરાણે આ નવું રૂપ નિભાવ્યું.  પછી તો આ કિરદાર છોડી ભાગી જવા મન થયું.
પારસ ગયો, પણ જે ચાહના અને માન એને કાયાપલટ કર્યા પછી મળ્યા હતા તે હવે ફરી નિરસ જિંદગી કાઢીને નહિ જ મળે તેની પ્રતીતિ થઈ. પહેલાંની જિંદગી અને હવેની જિંદગી, બંનેની સરખામણી કરી. આ નવી રાહ, થોડી સુંદરતા, વ્યવસ્થિતતા તેના વ્યવહારમાં રંગ ભરી ચૂકી હતી. પારસ માટે તેને પ્રેમ હતો કે આકર્ષણ તે નક્કી ના થયું પણ પોતાની જાતને ચાહવાનું, જીવનને ઓળઘોળ થઈ પસાર કરવાનું શીખવી ગયો.  ઉદાસ માહીના જીવનમાં અજાણે જ રંગ ભરી અદ્રશ્ય થઈ જનાર પારસ કોઈક હેતુ છોડી ગયો. પોતાનામાં આ નવો પ્રાણ પૂરવા બદલ પારસનો મનોમન આભાર માનતી માહી પોતાના ઓરડા તરફ વળી. સાડીઓમાં કયો રંગ ખૂટે છે તે તપાસી મોં પર હાસ્ય સાથે નવી સાડીઓ અને વસ્તુઓ લેવાની યાદી બનાવવા તે ઉતાવળે કબાટ સામે ગોઠવાઈ.
eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here