ચાલો આજે જાણીએ જાણીતી કાકડી વિષે કાંઇક અવનવું

0
430
Photo Courtesy: Women's Health

કાકડી, એક એવું શાક છે જેને આપણે સલાડ, કચુમ્બર થી લઈને શાક અને હવે તો ડેઝર્ટ સુધી બધી જ જગ્યાએ વાપરવામાં આવે છે. તો ચાલો, આજે જાણીએ આવી અનેક રીતે ઉપયોગી કાકડીની થોડીક વિશિષ્ટ માહિતી.

આપણે સાદી કાકડી અને ખીરા કાકડી એમ બે જ પ્રકાર ઉપયોગમાં લઈએ છીએ પણ તેની કુલ 100થી પણ વધુ જાતિ ઉગાડવામાં તેમ જ વાપરવામાં આવે છે.

કાકડીની ખેતી સૌપ્રથમ વાર ભારતમાં કરવામાં આવેલી, લગભગ 10000 વર્ષ પહેલા. હવે આજે વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ ઉગાડવામાં આવે છે. ભારત બહારની સૌપ્રથમ કાકડીની ખેતી અંગેનો ઉલ્લેખ બાઈબલમાં કરવામાં આવ્યો છે, જેમાં કાકડીને ઈઝરાયેલીઓ દ્વારા લેવામાં આવતા ખોરાક પૈકીનું એક ગણવામાં આવ્યું છે. ભારતમાંથી કાકડી ગ્રીસ અને ઇટલી પહોંચી અને ત્યાંથી ચીન પહોંચી. 

ઉગાડવામાં આવતી બધી જ જાતની કાકડીને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે: સ્લાઈસિંગ,પીક્લીંગ અને બર્પલેસ. સ્લાઈસિંગ પ્રકારમાં આવતી બધી જ કાકડી તાજી ખાવામાં વપરાય છે, એટલે કે સલાડ, કચુમ્બર કે શાકભાજી જેવી વસ્તુ બનાવવામાં. પીક્લીંગ પ્રકારમાં આવતી કાકડીનો ઉપયોગ તેને પીકલ્ડ એટલેકે અથવીને લાંબા સમય સુધી સાચવવામાં અને વાપરવામાં આવે છે. જયારે બર્પલેસ પ્રકારની કાકડી પ્રમાણમાં મીઠી અને પાતળી છાલવાળી હોય છે, પરિણામે તે પચવામાં હલકી પણ હોય છે.

કાકડીની ન્યુટ્રીશનલ વેલ્યુની વાત કરીએ તો 100 ગ્રામ કાકડીમાંથી 67 કિલોજૂલ કેલેરી મળે છે, તો સાથે સાથે, વિટામીન-Kની રોજિંદી જરૂરિયાતનું 16% કાકડીમાંથી મળી આવે છે. આ ઉપરાંત લગભગ 96% ભાગ પાણી હોવાથી હાઈડ્રેશન લેવલ જાળવી રાખવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

કાકડીમાં સિલીકાની માત્રા વધુ હોવાથી તે શરીરમાં સ્નાયુઓને જોડતા લીગામેન્ટને મજબૂત બનાવવામાં ઉપયોગી છે, ઉપરાંત કાકડી ચામડીને લગતી નાની-મોટી સમસ્યાઓ જેમકે ખીલ,સૉરાયિસસ, ખરજવું વગેરેને દૂર કરવામાં મદદરૂપ બને છે. પાણી અને ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી પાથરી અને અન્ય કિડનીની સમસ્યાઓ સામે પણ મદદરૂપ બને છે.

કાકડીમાં આલ્કલાઇન સ્તર ઊંચું હોય છે, જે શરીરમાં Blood Phનું નિયમન કરે છે અને એસિડિટીને યોગ્ય રીતે જાળવી રાખે છે. કાકડી ઉનાળા દરમિયાન શરીરનું તાપમાન સામાન્ય કરવામાં મદદ કરે છે. ઉપરાંત તે યુરિક એસિડ ની અસરોનો સામનો કરી શકે છે, જે આર્થરાઇટિસ, અસ્થમા અને ગાઉટ જેવી પરિસ્થિતિઓમાં થતી બળતરાને અટકાવે છે.

તો આજે આપણે જોઈશું કાકડીમાંથી બનતી બે વાનગીઓ, કુકુમ્બર એન્ડ મીંટ સૂપ અને તવસલી, જે કાકડીમાંથી બનતી ગોઅન મીઠાઈ છે.

કુકુમ્બર એન્ડ મીંટ સૂપ

Photo Courtesy: Pinterest

સામગ્રી:

1 કાકડી આખી + 1 કપ ઝીણી સમારેલી

½ કપ દહીં

2 કપ વેજીટેબલ સ્ટોક 

8 થી 10 ફુદીનાના પાન ની પેસ્ટ

1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ

મીઠું સ્વાદ મુજબ

રીત:

 1. એક મોટા પાનમાં વેજીટેબલ સ્ટોકને ઉકાળવા મુકો.
 2. એ તૈયાર થાય ત્યાં સુધી આખી કાકડીને મિક્સરમાં થોડા દહીં (લગભગ 1 ચમચી)ની મદદથી પેસ્ટ બનાવો.
 3. વેજીટેબલ સ્ટોક ઉકળવા લાગે એટલે તેમાં કાકડીની પેસ્ટ, દહીં, મીઠું અને મરચું નાખો.
 4. સૂપ જોઈએ એટલો ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ફુદીનાની પેસ્ટ નાખીને ગરમાગરમ સર્વ કરો.

નોંધ: આ સૂપ ઉનાળામાં કોલ્ડ સૂપ તરીકે પણ લઇ શકાય છે. તેને માટે સૂપ તૈયાર થઈ જાય પછી લગભગ 2 કલાક સુધી તેને ફ્રીજમાં બરાબર ઠંડો થવા દો.

તવસલી

Photo Courtesy: Sam’s Sizzling Diary

સામગ્રી:

1.5 કપ સોજી

1.5 કપ ઓર્ગેનિક ગોળનો પાવડર/ભુક્કો

4-5 લીલી એલચી

¾ કપ ખમણેલું તાજા નાળિયેર

2 કપ ઠાંસોઠાંસ ભરેલી, ખમણેલી કાકડી, – સાદી અથવા ખીરા કાકડી (જો ખીરા કાકડી વાપરો તો તેને બીજ કાઢીને ખમણવી)

¼ ટીસ્પૂન જીરું પાવડર

2 થી 3 ટેબલસ્પૂન કાજુ (વૈકલ્પિક)

½ ટીસ્પૂન નાળિયેરનું તેલ, પેન ને ગ્રીસ કરવા માટે.

રીત:

 1. રવાને સુગંધ આવે ત્યાં સુધી શેકીને બાજુ પર રાખો. એલચી માંથી દાણા કાઢી તેનો ભૂકો કરો.
 2. હવે એક બાઉલમાં રવો લો, તેમાં ખમણેલી કાકડી (પાણી સાથે), ખમણેલું નારિયેળ, સમારેલા કાજુ અને ગોળનો પાવડર ઉમેરી બરાબર ભેળવી દો.
 3. તેમાં એલચીનો ભૂકો અને જીરા પાવડર ઉમેરી બરાબર ભેળવો, જેથી એમાં કોઈ ગઠ્ઠા ન રહે. મિશ્રણ બહુ જાડું કે બહુ પાતળું ન હોવું જોઈએ, જરૂર લાગે તો તેમાં થોડું દૂધ ઉમેરી પાતળું કરી શકાય.
 4. હવે પ્રેશર કૂકરમાં લગભગ 3 થી 3.5 કપ પાણી ગરમ કરો.
 5. એક પેનને નારિયેળના તેલથી ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ રેડો.
 6. પેનને કૂકરમાં મૂકી, બરાબર ઢાંકી લો, કૂકરમાં વિહ્સ્લ લગાવવી નહિ.
 7. મિશ્રણને ૩૦ થી ૪૦ મિનીટ માટે પકવવા દો, જયારે તેમાં છરી નાખતા, છરી એકદમ સાફ બહાર આવે ત્યારે તવસલી તૈયાર છે.

કૂકરમાંથી કાઢી, થોડી અથવા પૂરેપૂરી ઠંડી પડે એટલે તેના ટુકડા કરી સર્વ કરો.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here