કવીન્સ ગેમ્બિટ, બ્લેક અને વ્હાઇટ ચોકઠાંઓમાં જીવાતી જિંદગી

0
914
Photo Courtesy: Binged

ગેમ્બિટ એટલે જુગાર, અને ચેસમાં કવીન્સ ગેમ્બિટ એટલે રમતની પહેલી એવી ચાલ જેમાં સફેદ નો વજીર (જેને વેસ્ટમાં કવિન એટલે કે રાણી પણ કહેવાય છે) એક પાયદળનો ભોગ આપીને બોર્ડના મધ્યભાગ પર કબ્જો જમાવવાનો પ્રયત્ન કરે છે. આ જ ચાલ પરથી લખાયેલા એક પુસ્તક અને એના પર થી આવેલી નેટફ્લિક્સની મિનિસિરીઝે ચેસ વર્લ્ડ અને સિરીઝના રસિયાઓનું દિલ જીતી લીધું છે. તો ચાલો આ સિરીઝ વિષે થોડું જાણીએ.

રીવ્યુ: ધ કવીન્સ ગેમ્બિટ (2020)

શો રનર્સ: એલન સ્કોટ (નિર્દેશક અને સહલેખક) અને સ્કોટ ફ્રેન્ક (સહલેખક)

રન ટાઈમ: 46-67 મિનિટનો એક એવા 7 એપિસોડ

કલાકારો: આન્યા ટેલર જોય (બેથ હાર્મન),ઈસ્લા જોન્સ્ટન(9 વર્ષ ની બેથ હાર્મન),બિલ કેમ્પ (મિસ્ટર શૈબલ), મોઝેસ ઇન્ગ્રામ (જોલીન), મારીએલ હેલર (આલ્મા વહીટલી), થોમસ બ્રોડી-સેન્ગસ્ટર (બેની વોટ્સ), હેરી મેલીંગ (હેરી બેલ્ટીક), જેકબ ફોર્ચ્યુન લોઇડ(ટાઉન્સ) અને મર્સીન ડોરોસિંસ્કી (વાસિલિ બોરગોવ)

સ્ટ્રીમિંગ: નેટફ્લિક્સ (શોનું હોમપેજ

વાર્તા 

બેથ હાર્મન: એક જીનિયસ બાળા

9 વર્ષની બાળા એલિઝાબેથ હાર્મન એક અકસ્માતમાં એની માતાના મૃત્યુ પછી અનાથ થઇ જાય છે અને એને મેથુએન નામના એક અનાથાલયમાં લઇ જવામાં આવે છે. આ અનાથાલયમાં બાળકીઓને વધારે આજ્ઞાંકિત બનાવવા માટે ટ્રાન્કવીલાઈઝર ગોળીઓ આપવામાં આવે છે. અને આ દવાને લીધે 9 વર્ષની બેથ હાર્મન નું મગજ ભમવા માંડે છે. એક દિવસ બેઝમેન્ટમાં ડસ્ટર સાફ કરતા કરતા બેથનું ધ્યાન ત્યાં એકલા એકલા ચેસ રમી રહેલા મિસ્ટર શૈબલ પર જાય છે. અનેક રીકવેસ્ટ્સ પછી મિસ્ટર શૈબલ બેથને ચેસ શીખવવા પર મજબૂર થઇ જાય છે. બેથને ચેસ માં રસ જાગે છે અને માતા તરફથી મળેલી ઇન્ટેલિજન્સ અને અનાથાલયમાંથી મળેલી દવા એ બંનેની મદદથી બેથ રાત્રે સુતા વખતે આખી ચેસની ગેમ વિઝ્યુલાઇઝ કરીને રમી શકે છે.

છત પર પોતાની ઈમેજીનેશન થી ચેસ ની ગેમ રમતી 9 વર્ષ ની બેથ. Courtesy: TV Line

બેથને ચેસ શીખવવામાં અને એની રમત સુધારવામાં મિસ્ટર શૈબલનો સરસ સાથ મળે છે. એક વાર બેથ નજીકની સ્કુલની ચેસ ક્લબના બધા વિદ્યાર્થીઓ સામે એકસાથે ચેસ રમીને બધી ગેમ જીતી જાય છે. આ દરમ્યાન નિયમો બદલાય છે અને બાળકોને ટ્રાન્કવીલાઈઝર દવાઓ આપવા પર પ્રતિબંધ મુકાય છે. બેથને આ દવાઓની લત લાગી ગઈ હોય છે એટલે એક વાર બેથ દવાઓનો ઓવરડોઝ લઇ બેભાન થઇ જાય છે. આ પછી બેથ પર ચેસ રમવાનો અને આ દવાઓ લેવાનો બંને નો પ્રતિબંધ લાગી જાય છે.

બેથ નામનું વાવાઝોડું

અહીંથી કવીન્સ ગેમ્બિટ છ સાત વર્ષ નો જમ્પ લે છે. હવે ટીનેજર થયેલી બેથ સાથે ચેસ ની યાદો અને એની બેસ્ટ ફ્રેન્ડ જોલીનનો સાથ છે.બેથને આલ્મા અને ઓલ્સ્ટન વહીટલી દત્તક લઇ લે છે. આલ્મા ખુબ દારૂ પીવે છે અને ઓલ્સ્ટનનું બીજે ક્યાંક અફેર ચાલતું હોય છે. એક વાર બેથને ખબર પડે છે કે આલ્મા એ જ દવા લે છે જે બાળપણમાં બેથને અનાથાલયમાં આપવામાં આવતી. બેથ ધીરે ધીરે આલ્માની દવામાંથી “પોતાનો ભાગ” ચોરવા માંડે છે, અને દવા લેતી વખતે બેથ ચેસનું મેગેઝીન પણ ચોરી લે છે. આ ચેસ મેગેઝીનમાંથી બેથ ને ખબર પડે છે કે એની નજીક એક ચેસ ટુર્નામેન્ટ થઇ રહી છે, પણ બેથ કે આલ્મા પાસે એ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી ભરવાના પૈસા નથી એટલે બેથ એના માટે મિસ્ટર શૈબલની મદદ માંગે છે અને મિસ્ટર શૈબલ એની મદદ કરે છે.

આ ચેસ ટુર્નામેન્ટમાં બેથ ધીરે ધીરે બધી ગેમ્સ જીતતી જાય છે અને એ વખતે એનો એક હરીફ ટાઉન્સ બેથને ગમવા માંડે છે. બેથ આ ટુર્નામેન્ટમાં અનરેન્ક્ડ પ્લેયર તરીકે આવી હોય છે અને ફાઇનલમાં એનો મુકાબલો ટુર્નામેન્ટમાં સહુથી વધારે રેન્ક ધરાવનાર હેરી બેલ્ટીક સામે થાય છે. બેથ હેરીને આસાનીથી હરાવી દે છે અને એનું બેથને ઇનામ મળે છે.

બેથ હાર્મન (જમણે વ્હાઇટ) અને હેરી બેલ્ટીક (ડાબે બ્લેક): ધ કવીન્સ ગેમ્બિટ નું એક દ્રશ્ય Courtesy: Town and Country Magazine

સાવ આવક વગરના બેથ અને આલ્માને આ ઇનામની આવક સમયસર મળેલી મદદ જેવી લાગે છે અને આવી રીતે બેથની ચેસના આધારે આલ્મા એવો પ્લાન બનાવે છે જેથી બંનેની આર્થિક હાલત સુધરે. ચેસ રમતા રમતા અને એમાંથી કમાતા કમાતા આલ્મા અને બેથ એકબીજાની નજીક આવે છે અને એની આર્થિક હાલત સુધરે છે. લાસ વેગાસમાં યુ એસ ઓપનમાં બેથ બહુ સારું રમે છે અને યુ એસના બેસ્ટ ચેસ પ્લેયર નક્કી કરતી યુ એસ ઓપનમાં વિજેતા બનવાની નજીક પહોંચી જાય છે અને એમાં ફાઇનલ મેચ યુ એસ ચેમ્પિયન બેની વોટ્સ સામે હોય છે જે બેથ કરતા સારો ખેલાડી છે. બેની વોટ્સ સામે બેથ પ્રોફેશનલ લાઈફની પહેલી મેચ હારે છે પણ ટુર્નામેન્ટ માં પોતાના સારા દેખાવના કારણે બેથ અને બેની વોટ્સ સહવિજેતા જાહેર થાય છે.

યુ એસ ઓપન ની છેલ્લી મેચ માં બેથ અને બેની વોટ્સ. Courtesy: Pinterest.

યુ એસ ચેમ્પિયન બનતા સુધીમાં ચેસની કમાણીમાંથી બેથ અને આલ્મા બંનેનું જીવનધોરણ સુધરે છે અને યુ એસ કો-ચેમ્પિયન તરીકે બેથને મેક્સિકોમાં એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો મોકો મળે છે. આ તરફ આલ્માને પણ મેક્સિકોમાં એનો એક જૂનો “પત્રમિત્ર” મેનુએલ મળે છે. એક તરફ બેથ એની ચેસમાં બીઝી હોય છે અને બીજી તરફ મેનુએલ આલ્માને મેક્સિકો દેખાડે છે અને બંને એકબીજાના પ્રેમમાં પડે છે. આ ટુર્નામેન્ટમાં બેથનો મુકાબલો રશિયન ગ્રાન્ડ માસ્ટર વસીલી બોરગોવ સાથે થાય છે જેમાં બોરગોવ એક ઓફબીટ ગેમ રમી બેથને આસાનીથી હરાવી દે છે. અને એ જ દિવસે દારૂના ઓવરડોઝ અને હેપેટાઇટિસથી આલ્માનું મૃત્યુ થાય છે. અહીં સુધી કવીન્સ ગેમ્બિટમાં દેખાડાયેલી બેથની પોઝિટિવ લાઈફ સીઝનની અધવચ્ચેથી ધીરે ધીરે ડૂબકી મારવા માંડે છે.

બેથ (જમણે પુસ્તક વાંચી રહેલી) અને એની પાલક માતા આલ્મા (ડાબે).. ધ કવીન્સ ગેમ્બિટ નું એક દ્રશ્ય

બેથ અને એનો નશો

આલ્માના મૃત્યુ પછી બેથ એ અને આલ્મા જ્યાં રહેતા હતા એ ઘર ખરીદી ત્યાં એકલી રહે છે. હેરી બેલ્ટીકને નજીકની એક કોલેજમાં એડમિશન મળ્યું હોય છે, અને બેથ એને પોતાની એકલતા દૂર કરવા પોતાની સાથે રહેવા આમંત્રણ આપે છે. બેલ્ટીક અને બેથ વચ્ચે થોડા સંબંધો બંધાવવા લાગે છે પણ એ બંનેની વચ્ચે ચેસ આવી જાય છે. બેથને ચેસનું ઘેલું હોય છે અને સામે બેલ્ટીક માટે ચેસ બેકસીટ પર જતી રહી છે એટલે બેલ્ટીક બેથનું ઘર અને એ રિલેશનશિપ બંને છોડી ને જતો રહે છે. બેથ ઓહાયોમાં યુ એસ ઓપનમાં ભાગ લેવા જાય છે અને ત્યાં ફરી એક વાર એની મુલાકાત બેની વોટ્સ સાથે થાય છે. બેની ફાઇનલની પહેલા બેથને એક કેફેમાં કવિક ચેસ રમવાની $5ની શરત લગાવે છે. બેની કવિક ચેસનો માસ્ટર હોય છે, એટલે એ બેથની સામે એક પછી એક ગેમ જીતી બેથના પૈસા ખાલી કરી દે છે. પણ બીજા દિવસે બેથ ફાઇનલમાં બેનીને હરાવી દે છે. ફાઇનલ પછી બેની બેથ સાથે એના ફ્યુચર અને પેરિસની એની તૈયારી વિષે ચર્ચા કરે છે અને એવું નક્કી થાય છે કે બેથને સારી તૈયારી માટે બેની સાથે ન્યુ યોર્ક રહેવા જવું પડશે.

ન્યુ યોર્કમાં બેથની તૈયારી બહુ સારી ચાલે છે અને એમાં બેનીની સાથે એને એક ગ્રાન્ડમાસ્ટર અને એક પઝલ માસ્ટરની મદદ મળે છે અને સાથે બેથની મુલાકાત થાય છે બેનીની એક્સ ગર્લફ્રેન્ડ લિયો. પેરિસમાં બહુ મહેનત કરી બેથ ફાઇનલમાં પહોંચે છે જ્યાં તેનો મુકાબલો ફરી એકવાર બોરગોવ સાથે થવાનો છે. ફાઇનલ પહેલાની રાતે બેથને લિયો પરાણે બારમાં લઇ જાય છે, અને બેથ જેણે ચેસ પાછળ પોતાનો નશો છોડી દીધો હોય એ આ લિયોના “આઉટિંગ” ના લીધે ફરીવાર નશો કરતી થઇ જાય છે અને નશાની હાલતમાં બોરગોવ સામે આસાનીથી હારી જાય છે. (આ મેચની શરૂઆત નો ભાગ બેથ અને કવીન્સ ગેમ્બિટ ના ઇન્ટ્રોડક્શન તરીકે દેખાડે છે).

બેથને હવે રશિયન ચેમ્પિયન્સ સામે યુ એસના પ્રતિનિધિ તરીકે મોસ્કો ઈન્વિટેશનલમાં રમવાનું હોય છે અને એની તૈયારી માટે બેની બેથને મદદની ઓફર કરે છે. પણ બેથ આ ઓફર નકારી પોતાના ઘરે એકલી રહેવા ચાલી જાય છે. ત્યાં બેથ પોતાનું ઘર સજાવવા માં અને નશામાં ડૂબી જાય છે અને બહારની દુનિયા સાથે પોતાનો સંપર્ક કાપી નાખે છે. બેથની આ ખરાબ હાલતમાં એની મદદ કરવા માટે આવે છે એની પહેલી ફ્રેન્ડ જોલીન. જેણે અનાથાલય છોડ્યા પછી ઘણી સારી કરિયર બનાવી હોય છે. જોલીન બેથને મિસ્ટર શૈબલના મૃત્યુના સમાચાર દેવા આવી હોય છે. આ સમાચાર સાંભળી બેથ અને જોલીન પોતાના જુના અનાથાલય જવા નીકળે છે.

નાનકડી બેથ હાર્મન સાથે ચેસ રમી રહેલા એના પહેલા ગુરુ મિસ્ટર શૈબલ. Courtesy: Los Angeles Times

ધ કમબેક

મિસ્ટર શૈબલની અંતિમવિધિ પતાવ્યા પછી પોતાના જુના અનાથાલયમાં જ્યાં બેથ અને મિસ્ટર શૈબલ ચેસ રમતા હોય ત્યાં બેથ અને જોલીન જાય છે. ત્યાં બેથ જુવે છે કે મિસ્ટર શૈબલે બેથની કરિયર વિષે પળ પળની માહિતી રાખી છે. અને એક રીતે મિસ્ટર શૈબલને પોતાની શિષ્યા બેથ પર ગૌરવ હતું. બેથ આનાથી પ્રેરિત થઇ રશિયન ઈન્વિટેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા તૈયાર થાય છે. ત્યાં જવા માટે ફંડિંગની જરૂર હોય છે, એ ફંડિંગ આપવા માટે અમેરિકન ચર્ચ તૈયાર હોય છે પણ એના માટે બેથને એની માન્યતા વિરુદ્ધના સ્ટેટમેન્ટ્સ આપવાની શરત છે. બેથ આ શરત નકારી દે છે. રશિયા જવા માટેના ફંડની રકમ મોટી હોય છે જે જોલીન એના સેવિંગ્સમાંથી આપીને બેથને રશિયા મોકલે છે.

રશિયામાં બેથની સાથે સાથે અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટનો કર્મચારી બૂથ પણ હોય છે જે બેથનું ધ્યાન રાખવા એની સાથે સાથે ફરતો હોય છે. રશિયન ઈન્વિટેશનલમાં બેથની સામે રશિયન ચેસના સારામાં સારા ખેલાડીઓ રમવાના છે. અને આ ટુર્નામેન્ટમાં બેથ ઘણા સારા પ્લેયર્સને હરાવી દે છે. આ પ્લેયર્સમાં એક્સ વર્લ્ડ ચેમ્પિયન લ્યૂચેન્કો પણ સામેલ હોય છે. બેથ લ્યૂચેન્કોને આરામથી હરાવી દે છે અને સામે લ્યૂચેન્કો બેથના વખાણ કરતા કહે છે કે પોતે જેની સામે રમ્યો છે એ હરીફોમાં બેથ સારામાં સારી પ્લેયર છે. જેમ જેમ બેથ મેચ રમતી અને જીતતી જાય છે એમ એમ એની લોકપ્રિયતા રશિયન પ્રજામાં વધતી જાય છે. બેથનો ફાઇનલમાં સામનો બોરગોવ સામે થવાનો છે.

બોરગોવ સામેની ફાઇનલમાં બેથ પહેલી વાર કવીન્સ ગેમ્બિટ થી શરૂઆત કરે છે. આખો દિવસ પસાર કર્યા પછી 40મી ચાલે ગેમ એડજોર્ન થાય છે (કોઈ એક પ્લેયર રેફરી ને બોલાવી એની સામે કાગળ માં એની આગલી ચાલ લખી, એ કાગળ સીલબંધ કવર માં રેફરી ને આપી ગેમ એડજોર્ન કરાવી શકે છે. એક લાંબા બ્રેક પછી આ ગેમ ફરીવાર ચાલુ થાય ત્યારે જે પ્લેયરે ગેમ એડજોર્ન કરી હોય એ પ્લેયર ને એ જ ચાલ રમવી પડે જે એને રેફરી ને કવર માં આપી હોય). ગેમ બીજા દિવસે ચાલુ થવાની હોય છે. રાત્રે બેથની મુલાકાત ફરી એક વાર ટાઉન્સ સાથે થાય છે, અને એ મુલાકાતથી બેથ અને ટાઉન્સ વચ્ચેનો પ્રેમ ફરી એકવાર પુનર્જીવિત થાય છે. એ રાત્રે રશિયામાં રહેલી બેથને બેનીનો ફોન આવે છે, બેની, હેરી બેલ્ટીક, બેથની ચેસ લાઈફ ની શરૂઆતમાં મળેલા બે જોડિયા ભાઈઓ, પેલો પઝલ માસ્ટર અને ગ્રાન્ડ માસ્ટર આ બધા અમેરિકામાં બેઠા બેઠા આખી રાત અને વહેલી સવાર સુધી બેથ અને બોરગોવની ગેમનું એનાલિસિસ કરતા હોય છે. બેથ ફરી એક વાર એના જુના મિત્રો સાથે રી-કનેક્ટ થાય છે અને એ લોકોના એનાલિસિસમાંથી નોંધ લઇ એની ગેમની તૈયારી કરે છે.

બીજે દિવસે ગેમની ફરી શરૂઆત થાય છે ત્યારે બેથ આ એનાલિસિસનો ફાયદો લઇ બોરગોવને હંફાવી દે છે અને પોતાની કરિયરમાં પહેલી વાર બોરગોવને ડ્રો ઓફર કરવાની ફરજ પડે છે. બેથ બોરગોવની ઓફર નકારી થોડી ચાલ પછી બોરગોવને હરાવી દે છે અને બહાર નીકળતી વખતે બેથને “હીરો વેલકમ” મળે છે.

વર્લ્ડ ચેમ્પિયન બેથ, ધ કવીન્સ ગેમ્બિટના અંતિમ દ્રશ્યો માં Courtesy: Marie Claire મોસ્કોથી અમેરિકા પાછા ફરતી વખતે બૂથ એને આગળના કાર્યક્રમ વિષે જણાવે છે જેમાં પ્રેસિડેન્ટ સાથે મુલાકાત પણ સામેલ છે. પણ બેથને આ બધામાં કોઈ રસ નથી. બેથ અચાનક કારમાંથી નીકળે છે અને મોસ્કોના એક બગીચા તરફ જાય છે જ્યાં ઘણા વૃદ્ધો લાઈનમાં ચેસ રમી રહ્યા હોય છે. આ વૃદ્ધો બેથને ઓળખી જાય છે અને બેથને એક ગેમ રમવાની ઓફર કરે છે. બેથ આ ઓફર સ્વીકારે છે અને સિરીઝ અહીંયા પુરી થાય છે.

રીવ્યુ

આ સિરીઝ વોલ્ટર ટેવિસની આ જ નામની નવલકથા પરથી બનેલી છે. આ નવલકથા અને આ સિરીઝ કોઈ એક જોનરમાં બાંધી શકાય એમ નથી. આ પહેલી નજરે સ્પોર્ટ્સ ડ્રામા છે પણ સાથે સાથે આ એક “કમિંગ ઓફ ધ એજ સ્ટોરી” પણ છે (કમિંગ ઓફ ધ એજ એટલે મેઈન પાત્ર કે પાત્રો નાના બાળકમાંથી ટીનેજર થાય), સાથે સાથે એક ફેમિલી ડ્રામા પણ છે. અને સાથે સાથે આ સિરીઝમાં ઘણા પહેલેથી ચાલ્યા આવતા બીબાઢાળ પ્લોટ્સને પણ સરસ રીતે તોડ્યા છે.

આ સિરીઝને વેબ સિરીઝના ફેન્સ અને ચેસના ફેન્સ બંને તરફથી જોરદાર આવકાર મળ્યો છે. રિલીઝ થયાના અઠવાડિયા પછી આ સિરીઝે સહુથી વધારે જોવાયેલી મીની સિરીઝના નેટફ્લિક્સના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ઉપરાંત હમણાં અપાયેલા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં પણ ધ કવીન્સ ગેમ્બિટને બેસ્ટ મીની-સિરીઝ અને આન્યા ટેલર જોયને બેસ્ટ એક્ટ્રેસ – લિમિટેડ સિરીઝ ઓર ફિલ્મના એવોર્ડ મળ્યા છે.

ધ કવીન્સ ગેમ્બિટ ની ચેસ પર અસર

આ સિરીઝનો સહુથી વધારે ફાયદો થયો હોય તો ચેસ ને. આ સિરીઝ તૈયાર કરાવવામાં અને એમાં દેખાડેલ ચેસ ગેમ્સને ઓથેન્ટિક સ્વરૂપ આપવામાં ચેસના વર્લ્ડ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ અને ફાબિયાનો કારુઆના જેવા ગ્રાન્ડમાસ્ટર્સના ગુરુ એવા બ્રુસ પેન્ડોલ્ફીનીનો મોટો ફાળો છે. અને એના લીધે પ્રોફેશનલ પ્લેયર્સ અને ચેસ કોમ્યુનિટીનો આ સિરીઝ ને જબરદસ્ત આવકાર મળ્યો છે.

ગયા વર્ષે કોરોનાની મહામારી અને એના લોકડાઉનના લીધે ઓનલાઇન ગેમ્સ રમવામાં ભારે ઉછાળો આવ્યો છે, લૂડો અને પત્તાની ગેમ્સ સહીત ઓનલાઇન ચેસ રમવા વાળાની સંખ્યા પણ વધી ગઈ હતી. અને એમાંય આ સિરીઝના લીધે લોકોને અને ખાસ તો સ્ત્રીઓને ચેસમાં જોરદાર રસ જાગવા લાગ્યો છે. ચેસ સેટ્સ અને ચેસની બૂક્સના વેચાણમાં છ ગણો વધારો થયો છે  અને ચેસ ડોટ કોમ પર હજારો અને લાખોની સંખ્યામાં નવા યુઝર્સ જોડાઈ રહ્યા છે.

કદાચ આ સિરીઝ તમે પણ જોઈ લીધી હશે કે જોઈ રહ્યા હશો, અને એના લીધે અથવા બીજા કારણોસર તમને પણ ચેસમાં જરા સરખો રસ હશે.  જો એવું જ હોય તો આવતા અંકે આપણે ચેસ વિષે એક ચર્ચા કરીશું. ત્યાં સુધી કવીન્સ ગેમ્બિટ જોતા રહો, અને ઘરે રહો અને સુરક્ષિત રહો.

મે ધ શક્તિ બી વિથ યુ….

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here