O Womaniya (1): ‘મિસ વર્લ્ડ’નો ખિતાબ જીતનારી પહેલી એશિયન રીતા ફારિયા

0
461
Photo Courtesy: BBC

70-75 વર્ષો પહેલાની વાત. બોમ્બેના માટુંગા વિસ્તારમાં એક મધ્યમવર્ગીય દંપતી રહે. આ કુટુંબના મૂળ આમ તો ગોવામાં, પરંતુ રૂપિયા રળવાની ઈચ્છા પતિ-પત્નીને બોમ્બે લઈ આવી. પતિ એક પાણી (મિનરલ વોટર)ની ફેક્ટરીમાં કામ કરે અને પત્ની મરીન-લાઈન્સમાં એક નાનકડું બ્યુટી પાર્લર ચલાવે. ગોવામાં રહેતા ત્યારે આ ફારિયા દંપતીને ફિલોમેના (Philomena) નામની એક દીકરી હતી અને બોમ્બે આવ્યા પછી 23 ઓગસ્ટ 1943ના રોજ બીજી દીકરી અવતરી, નામે રીતા (Reita).

રીતાને નાનપણથી જ ડોક્ટર બનવાની ઈચ્છા. સ્વભાવે પ્રેમાળ રીતા કોઈ પણ પ્રકારે લોકોની મદદ કરવા માંગતી હતી. તેથી મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી એક સ્વાભાવિક પસંદગી બની રહી. માતાપિતાએ રીતાની ઈચ્છા પૂરી કરી અને બોમ્બેની ગ્રાન્ટ મેડિકલ કોલેજ (જે.જે. હોસ્પિટલ)માં MBBS માટે એડમિશન લીધું. રીતાને તે સમયે ફેશનની સારી સમજ હતી એટલે પોતાને એક અલગ છટાથી લોકો સમક્ષ રજૂ કરતી અને પોતાના વસ્ત્રો પ્રત્યે પણ ઘણી સજાગ રહેતી. તે વખતે રીતાની ઊંચાઈ 5 ફૂટ 8 ઈંચ, જે ભારતીય ધોરણ મુજબ એવરેજ કરતાં થોડી વધુ લેખાતી – આ કારણે કોલેજકાળમાં જ રીતાને કાસ્ટિંગ એજન્ટો તરફથી મૉડલિંગ કરવાની ઑફર મળવા લાગી.

ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં ભણવાનું ચાલુ હતું તે વખતે 23 વર્ષની રીતાને Eve’s Weekly મેગઝીન દ્વારા આયોજીત ‘મિસ બોમ્બે’ સ્પર્ધામાં પ્રવેશ મળ્યો. આ માટે તેની મોટી બહેન ફિલોમેના રીતાને એક સ્ટુડિયોમાં લઈ ગઈ અને ફોટા પડાવીને સ્પર્ધાના આયોજકોને મોકલ્યા. માત્ર એક મજાક તરીકે મોકલેલા ફોટાએ રીતાને સ્પર્ધામાં પ્રવેશ પણ અપાવ્યો અને તે સ્પર્ધા જીતી પણ ખરી.

તે સમયે ભારતીય સૌન્દર્ય સ્પર્ધાનો ઉદ્યોગ બિલકુલ સુવ્યવસ્થિત નહોતો. હાલત એવી હતી કે ‘મિસ બોમ્બે’ હરીફાઈ દરમિયાન આયોજકોને સમજાયું કે ‘મિસ વર્લ્ડ’ની હરીફાઈમાં ‘સ્વીમસ્યુટ રાઉન્ડ’ હોય છે અને તેથી ન્યાયાધીશોને સ્પર્ધકોના પગ બતાવવા જરૂરી છે. તે જ કારણે દરેક સ્પર્ધક છોકરીને તેમની સાડીઓ ઘૂંટણ સુધી ઊંચી કરવાનું કહેવામાં આવેલું.

જેવી ‘મિસ બોમ્બે’ સ્પર્ધા જીતી કે રીતાની પસંદગી રાષ્ટ્રીય સ્તરે થઈ. રીતા ‘મિસ ઈન્ડિયા’નો ખિતાબ પણ જીતી. છેક 1959માં ફ્લૂર એઝેકીલ (Fleur Ezekiel) પછી ‘મિસ વર્લ્ડ’ની સ્પર્ધામાં બીજી ભારતીય મહિલા તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે રીતાની પસંદગી કરવામાં આવી. ‘મિસ બોમ્બે’ જીત્યા પછી, આયોજકોને ખ્યાલ આવ્યો કે રીતા પાસે પાસપોર્ટ પણ નથી. તેથી તરત જ પાસપોર્ટ બનાવવા અને વિઝા મેળવવા રખડપટ્ટી શરૂ થઈ. ‘મિસ બોમ્બે’ અને ‘મિસ ઈન્ડિયા’ આ બંને સ્પર્ધાઓ જીત્યા બાદ વિજેતા ટ્રોફી પણ રીતાને નહોતી મળી કારણ હરીફાઈ થઈ ત્યાં સુધી ટ્રોફી બની જ નહોતી. આયોજકોએ રીતાને એક લાકડાની પ્રતિકૃતિ અને પરબિડીયામાં એક ચેક આપ્યો. ‘મિસ બોમ્બે’ સ્પર્ધા માટે રૂ. 5000 અને ‘મિસ ઈન્ડિયા’ માટે રૂ. 10000 ઈનામ સ્વરૂપે મળ્યા. રીતાએ ‘મિસ ઈન્ડિયા’ની ઇનામની પૂરી રકમ માતાને આપી, જે બોમ્બેના એક અનાથાશ્રમમાં બાળકની સંભાળ રાખતી હતી.

‘મિસ બોમ્બે’ની હરીફાઈના થોડા મહિનાઓ પછી રીતા જ્યારે લંડન પહોંચી ત્યારે એક નવી દુનિયામાં સંપૂર્ણ રીતે બહારની વ્યક્તિ (આઉટસાઈડર) જેવું લાગ્યું. ત્યાં રીતા માટે કોઈ તાલીમ નહોતી, કોઈ ફેશન ડિઝાઈનર નહીં, કોઈ સારા કપડાં આપે તેવું પણ નહોતું – બધું રીતાએ જાતે જ કરવું પડ્યું. રીતાને તેની માતાએ કેટલાક કપડાં આપેલા અને બાકીના ઉધાર લીધા. એક પર્સ, એક સુટકેસ, ત્રણ પાઉન્ડ અને એક નાનકડી મેકઅપ-કિટ લઈને રીતા લંડન પહોંચી. મેકઅપ-કીટમાં થોડી લિપસ્ટિક્સ સિવાય કશું જ નહોતું. મુંબઈની એક સારી મહિલા પાસેથી સાડી અને અભિનેત્રી પર્સિસ ખમ્બાત્તા (Persis Khambatta) પાસેથી સ્નાનનો પોશાક (bathing suit) લીધેલો.

બીજી તરફ યુ.એસ.એ., કેનેડા અને યુરોપિયન છોકરીઓ આકર્ષક હતી અને તેમના કપડાં પણ મોંઘા અને સરસ હતા. તેમાંથી ઘણી સ્પર્ધક છોકરીઓને પોતપોતાના દેશના દૂતાવાસો દ્વારા મુલાકાત માટે આમંત્રણ પણ મળ્યું. રીતાને આવું કોઈ આમંત્રણ મળ્યું નહી પરંતુ એક સામાન્ય છોકરીની જેમ લંડનની સિટી-ટૂર કરવાનો મોકો મળેલો. લંડનમાં House of Commons, Buckingham Palace, Piccadilly Circus જેવા સ્થળોએ રીતાને લઈ જવાઈ.

જેમ જેમ ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં પ્રારંભિક એલિમિનેશન રાઉન્ડ્સ શરૂ થયા, તેમ સ્પર્ધક મહિલાઓનું વ્યક્તિત્વ અને સિદ્ધિઓ પર નિર્ણાયકોનું ધ્યાન કેન્દ્રિત થયું. આ રાઉન્ડમાં જ રીતા આગળ વધતી ગઈ અને તેની ઊંચાઈને કારણે ટોપ-25માં સ્થાન મળ્યું.

સ્પર્ધકોનો જ્યારે યુ.કે. અને આયર્લેન્ડના દર્શકો સાથે પરિચય થયો ત્યારે દરેક સ્પર્ધક વિષે વર્ણન કરવામાં આવ્યું. જેમ કે ‘મિસ ફ્રાંસ’ એક બ્યુટી ઇન્સ્ટિટ્યૂટમાં રોકાણ કરવા માંગતી હતી. ‘મિસ જર્મની’ ઓલરેડી એક બ્યુટિશિયન હતી. ‘મિસ કેનેડા’ એક મોડેલ હતી અને ‘મિસ જાપાન’ ફક્ત ગૃહિણી બનવા માંગતી હતી. રીતાની તબીબી વિદ્યાર્થીની તરીકેની પૃષ્ઠભૂમિ જ તેને બીજી સ્પર્ધક છોકરીઓ કરતા અલગ પાડતી હતી.

વ્યક્તિત્વના રાઉન્ડ (personality round)માં રીતાને પ્રશ્ન પૂછાયો કે તે શા માટે ડોક્ટર બનવા માંગે છે. તેના જવાબમાં રીતાએ કહ્યું: “ભારતમાં બાળકોની સંખ્યા વધુ છે, જેને કંટ્રોલ કરવાની જરૂર છે. ભારતને વધુ પ્રસૂતિશાસ્ત્રીઓ અને સ્ત્રીરોગચિકિત્સકોની જરૂર છે. મારે ડોક્ટર થઈને આ ક્ષેત્રમાં આગળ વધવું છે.”

તે વર્ષે 66 સ્પર્ધકોમાંથી 20 વર્ષીય ‘મિસ યુકે’ જેનિફર લોવના જીતવા પર સટ્ટો લાગેલો અને રીતાના જીતવાના ચાન્સ કેટલા? 1:66. કોઈ એક ભારતીય પુરુષે ફક્ત અને ફક્ત દેશભક્તિને લીધે રીતાના નામ પર સટ્ટો લગાવ્યો. અને તેનું નસીબ ઉઘડી ગયું.

17 નવેમ્બર, 1966ના દિવસે રીતા ફારિયા, લંડનના વેલિંગ્ટન સ્ટ્રીટ પરના લિઝિયમ બોલરૂમમાં (Lyceum Ballroom) ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધા માટે છેલ્લા રાઉન્ડમાં ‘મિસ ગ્રીસ’ અને ‘મિસ યુગોસ્લાવિયા’ સાથે ઊભી હતી.

આ ત્રણમાંથી હોલીવુડના અભિનેતા ટાઈ હાર્ડિન સહિતના નવ નિર્ણાયકોમાંથી સાત નિર્ણાયકોએ પોતાની પસંદગીનો કળશ રીતા પર ઢોળ્યો. રીતા ફારિયાને ‘મિસ વર્લ્ડ’ 1966નો તાજ પહેરાવવામાં આવ્યો, જે તે સમયે એકમાત્ર બિન-શ્વેત સ્પર્ધક માટે નોંધપાત્ર સિદ્ધિ હતી અને છે.

1966 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી રીતા મોડેલિંગ અને ફિલ્મોની ઓફર્સથી છલકાઈ ગઈ. પરંતુ રીતા પહેલેથી જ મીડિયાની ઝાકમઝોળ દુનિયાથી દૂર રહેવા માંગતી હતી. મીડિયા અને પ્રેસ રીતાની સવારના નાસ્તાથી માંડીને રાતના બિસ્તર સુધીની દરેક ચાલ પર નજર રાખતા. આ તે જીવન નહોતું જેની રીતાએ કલ્પના કરી હતી. પરંતુ કોઈ રસ્તો નહોતો. જ્યાં સુધી બીજું કોઈ ‘મિસ વર્લ્ડ’ ન બને ત્યાં સુધી આખા વર્ષ માટે ‘મિસ વર્લ્ડ ફાઉન્ડેશન’ના રાજદૂત તરીકે સેવા આપવી પડશે, તે રીતાના ધ્યાનમાં આવ્યું. તદુપરાંત ભારત પરત જઈને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાનો પણ તેને ડર હતો.

તે વર્ષે વિયેતનામ યુદ્ધ દરમિયાન તૈનાત અમેરિકન સૈનિકોને ખુશ કરવા માટે નાતાલના સમયમાં અભિનેતા અને હાસ્ય કલાકાર બોબ હોપ સાથે રીતાએ પ્રવાસ કર્યો. રીતાની આ મુલાકાત રાજકીય વિવાદમાં પરિણમી. ભારત સરકાર ઉત્તર વિયેતનામની સામ્યવાદી સરકારને સમર્થન આપતી હતી અને રીતાના અમેરિકન સૈનિકોની ટોપીઓ પર હસ્તાક્ષર કરવાના ફોટા ભારત સરકારને ન ગમ્યા.

રીતા તો તેના પહેલાની મિસ વર્લ્ડ વિજેતાઓની જેમ ઈજાગ્રસ્ત સૈન્યને મળવા ગઈ હતી પરંતુ ભારતમાં તેનો વિરોધ થશે તેનો ખ્યાલ નહોતો. સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને રીતાનો પાસપોર્ટ જપ્ત કરવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. ડિસેમ્બરમાં રીતા એક ટૂંકી મુલાકાત માટે ભારત પરત ફરવાની હતી પરંતુ આયોજકોએ તેને ના પાડી કારણ કે તેમને ડર હતો કે એકવાર ભારતમાં પ્રવેશ કરશે તો રીતાને લંડન પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રીતાને આ પસંદ ન આવ્યું. તેથી, રીતાએ તેની ડિગ્રી પૂર્ણ કરવા માટે લંડનની કિંગ્સ કોલેજ પર નજર નાખી. ‘મિસ વર્લ્ડ’ના ખિતાબ સાથે જીતેલા 2,500 પાઉન્ડ અને બીજા વૈશ્વિક પ્રોગ્રામો દ્વારા કમાયેલા નાણાંનો ઉપયોગ પોતાની ફી, રહેઠાણ અને ખોરાક માટે વાપર્યા.

‘મિસ વર્લ્ડ’ બનવાની સૌથી અગત્યની વાત એ હતી કે રીતાને પોતાના પતિ ડેવિડ પોવેલને મળવાનો મોકો મળ્યો. પોવેલ પણ તે વખતે લંડનની કિંગ્સ કોલેજમાં કામ કરી રહયા હતા અને બંનેએ એકબીજાને મળવાનું શરૂ કર્યું. આ મિલન ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થયું. આખરે 1969માં પોતાના ભણતર પછી રીતા ભારતમાં પરત ફરી. પરંતુ પોવેલ સાથે પરણીને 1971માં ફરીથી ભારત છોડી દીધું. બૉસ્ટનમાં પતિ-પત્ની બંને પોતાની તબીબી પ્રેક્ટિસ કરવા લાગ્યા.

થોડા જ વર્ષોમાં આ દંપતીની બે દીકરીઓ, ડિયરડ્રે (Deirdre) અને એન મેરી (Ann Marie)નો જન્મ થયો અને ચારેય આયર્લેન્ડમાં (ડબલિન શહેરમાં) સ્થાયી થયા. જ્યારે છોકરીઓ ચાર અને પાંચ વર્ષની હતી, ત્યારે રીતાએ તેની તબીબી પ્રેક્ટિસ છોડી દેવાનું નક્કી કર્યું કારણ કે છોકરીઓની ઉંમરમાં ફક્ત એક જ વર્ષનો ફરક હતો. ડેવિડની તબીબી પ્રેક્ટિસ જોરશોરથી શરૂ હતી એટલે જ બાળકોને સંભાળવા રીતા ઘરે જ રહી. આજે પણ પોવેલ એન્ડોક્રિનોલોજિસ્ટ (endocrinologist) તરીકે પ્રેક્ટિસ કરે છે અને રીતા તેના પાંચ પૌત્રો સાથે સમય ગાળે છે.

‘મિસ વર્લ્ડ’ની સ્પર્ધા દરમિયાન રીતાનો વિડીયો:

સંદર્ભ:

https://indianexpress.com/article/lifestyle/fashion/not-just-a-pretty-face/lite/

https://www.thequint.com/amp/story/lifestyle%2Freita-faria-the-yesteryear-beauty-who-put-india-on-the-globe

http://specials.rediff.com/news/2006/dec/07sd1.htm

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here