પહેલી વિકેટ?: બોમ્બે હાઈકોર્ટના દિશાનિર્દેશ બાદ અનિલ દેશમુખનું રાજીનામું

0
252
Photo Courtesy: India TV News

લગભગ દસ દિવસની ભારે રાજકીય હિલચાલ બાદ છેવટે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને રાજીનામું આપવું પડ્યું છે, જો કે આ રાજીનામાં પાછળ બોમ્બે હાઈકોર્ટનો આજનો એક મહત્ત્વનો દિશાનિર્દેશ પણ જવાબદાર છે.

મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું આપી દીધું છે.

દેશમુખ પર રાજ્યના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંગે થોડા દિવસો અગાઉ ફરજમાંથી છુટા કરાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝેને પ્રતિ મહિને રૂ. 100 કરોડની વસુલી કરી આપવાનો નિર્દેશ આપવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઉપરાંત આજે સવારે બોમ્બે હાઈકોર્ટે પરમબીર સિંગના આરોપોની પ્રાથમિક તપાસ કરવા CBIને એક દિશાનિર્દેશ જાહેર કરતાં તેને પોતાનો રિપોર્ટ 15 દિવસમાં સુપરત કરવા કહ્યું હતું જે અનિલ દેશમુખના રાજીનામાંનું મુખ્ય કારણ બન્યું હતું.

દેશમુખે પોતાના રાજીનામાંનો પત્ર ટ્વિટ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું છે કે બોમ્બે હાઈકોર્ટના ઉપરોક્ત દિશાનિર્દેશ બાદ તેમને પોતાના હોદ્દા પર ચાલુ રહેવું યોગ્ય નથી લાગી રહ્યું અને તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે.

ગત મહીને પોલીસ કમિશનરના પદેથી હટાવ્યા બાદ પરમબીર સિંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા હતા જેને હાઇકોર્ટે અત્યંત ગંભીર માનીને CBIને તેની તપાસ કરવાનું જણાવ્યું છે.

બોમ્બે હાઈકોર્ટની ડિવીઝન બેંચ જેમાં મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા તેમજ ન્યાયાધીશ જી એસ કુલકર્ણી સામેલ છે તેમણે ઉપરોક્ત દિશાનિર્દેશ આપ્યો હતો અને મામલાની આગલી સુનાવણી 15 દિવસ બાદ નક્કી કરી છે.

મહારાષ્ટ્ર સરકાર અને ખાસ કરીને અનિલ દેશમુખ પર ઇન્સ્પેક્ટર સચિન વઝેની ખાસ તરફેણ કરવાના આરોપ લાગતાં રહ્યા છે.

એવામાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ ખાતેના નિવાસસ્થાન એન્ટીલિયા પાસેથી એક બિનવારસી કારમાં મળેલી જીલેટીન સ્ટિકસ અને ત્યારબાદ તેના માલિક હિરેન હસમુખની હત્યામાં સચિન વઝેનું નામ સામે આવ્યું હતું.

મામલાની ગંભીરતા સમજીને કેન્દ્ર સરકારે આ કેસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને કેસ સોંપ્યો હતો અને NIA દ્વારા વઝેની ધરપકડ કરવામાં આવી હતી.

વઝેની ધરપકડ બાદ તેની પાસેથી મળેલી માહિતી ઉપરાંત પરમબીર સિંગના લેટર બોમ્બે મહા વિકાસ આઘાડી સરકારની મુસીબત વધારી દીધી હતી અને આજે અનિલ દેશમુખનું રાજીનામું પણ આવી ગયું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here