કોરોના: બોલિવુડના વધુને વધુ કલાકારો સંક્રમિત થયા, બેદરકારી પણ ચાલુ

0
341
Photo Courtesy: AajTak

કોરોનાની બીજી લહેર જે રીતે દેશભરમાં પોતાનો સકંજો કસી રહી છે તેનાથી બોલિવુડ પણ બાકાત નથી રહી શક્યું અને વધુને વધુ કલાકારો સંક્રમિત થઇ રહ્યા હોવાના સમાચાર આવ્યા છે.

મુંબઈ: કોરોના બોલિવુડ ફરતે ભરડો ભરી રહ્યો છે અને દરરોજ એક પછી એક કલાકારો, ગાયકો અને સંગીતકારો તેમજ વિવિધ કસબીઓ કોરોનાથી સંક્રમિત થવાના સમાચારો આવી રહ્યા છે.

સુપરસ્ટાર અક્ષય કુમાર તેની આવનારી ફિલ્મ ‘રામસેતુ’ના શૂટિંગ દરમ્યાન કોરોનાથી સંક્રમિત થયા હતા.

અક્ષય કુમાર આજે હોસ્પિટલમાં પણ દાખલ થયા છે, જો કે તેમની તબિયત ચિંતાજનક ન હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારબાદ રામસેતુમાં અક્ષય કુમારની સહકલાકાર ભૂમિ પેડણેકરે પણ આજે સોશિયલ મિડીયામાં પોતે કોરોનાથી સંક્રમિત થઇ હોવાની માહિતી આપી હતી.

ભૂમિએ જણાવ્યું હતું કે તેના રિપોર્ટનું પરિણામ હજી આવ્યું નથી પરંતુ તેને કોરોનાના લક્ષણો જણાતાં તેણે તુરંતજ પોતાને હોમ આઈસોલેટ કરી દીધી છે.

ભૂમિએ પોતાના ચાહકોને પણ કોરોનાથી બચવા માટે તમામ પગલાં લેવાની સલાહ આપી છે.

તો ‘ઉરી’ ફિલ્મથી લોકપ્રિય બનેલા એક્ટર વિકી કૌશલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમણે પણ સોશિયલ મિડીયાના માધ્યમથી લોકોને આ અંગે માહિતી આજે આપી હતી.

વિકી કૌશલે દાવો કર્યો હતો કે તેમણે કોરોનાથી બચવા માટેના તમામ પ્રોટોકોલ્સનું પાલન કર્યું હોવા છતાં તેમને કોરોનાએ જકડી લીધો છે.

અગાઉ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, બપ્પી લાહિરી તેમજ આદિત્ય નારાયણ પણ કોરોનાથી ગ્રસિત થયા હોવાના સમાચારો આવ્યા હતા.

જો કે આ તમામ કલાકારો ગંભીર ન હોવાનું પણ જાણવા મળ્યું છે તેમ છતાં તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ડ્રગ્સ મામલામાં કલાકાર એજાઝ ખાનની થોડા દિવસો અગાઉ નારકોટીક્સ બ્યુરોએ ધરપકડ કરી હતી તેને પણ કોરોના સંક્રમણ લાગ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

તો બીજી તરફ કંગના રનૌતની કોરોના અંગેની  બેદરકારી સામે આવી છે. કંગનાએ એક શૂટિંગ દરમ્યાન બહાર ઉભેલા ફોટોગ્રાફર્સ પાસે ફોટા પડાવ્યા હતા પરંતુ તેનું માસ્ક ગાયબ હતું.

આમ, એક તરફ બોલિવુડમાં કોરોના બેધડક ફેલાઈ રહ્યો છે તો બીજી તરફ કંગના રનૌત જેવા કલાકારો પોતાના ચાહકોને ખોટું ઉદાહરણ તો પૂરું પાડી જ રહ્યાં છે પરંતુ પોતાની સાથે પોતાના સાથી કલાકાર-કસબીઓને પણ ભયમાં મૂકી રહ્યાં છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here