નમસ્કાર, ગયા અંકે આપણે નેટફ્લિક્સની મિનિસિરીઝ કવીન્સ ગેમ્બિટ વિષે ચર્ચા કરી હતી અને જોયું હતું કે આ સિરીઝ અને કોરોના વાયરસના લીધે ગયા વર્ષે વિશ્વભરમાં આવેલા લોકડાઉનના લીધે ચેસની લોકપ્રિયતા ઘણી વધી હતી. આજના આ અંકમાં આપણે ચેસ અને એના વિવિધ પાસાઓ વિષે ચર્ચા કરીશું.

ચેસ રમવાના કોઈ ફાયદા ખરા?
હા, ઘણા બધા. 8 બાય 8 ના ચોકઠાં અને એમાં રમતા કૂકરાની આ ગેમ એવી છે કે એમાં તમારે સતત ભૂમિતિનું ય ધ્યાન રાખવાનું હોય, અને સામે વાળા કરતા સારી ચાલ પણ રમવાની હોય. ઈનફેક્ટ ચેસ એવી રમત છે કે જેમાં મગજના એક તરફના ગણિત, લોજીક અને બીજી તરફના ક્રિએટિવિટી એમ બંને પ્રકારના ડૉમિનન્ટ ફંક્શન વિકસે છે. આ ઉપરાંત ચેસ રમવાથી
- ક્રિયેટિવિટી વધે છે
- સારી રીતે પ્લાનિંગ કરવાની ટેવ પડે છે.
- યાદ શક્તિ વધે છે.
- પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા વિકસે છે.
- ફોકસ વધે છે.
- ADHD એટલે કે એટેંશન ડેફિસિટ હાયપર-એક્ટિવિટી ડિસઓર્ડર, જેમાં માણસ કોઈ વસ્તુમાં લાંબો સમય ધ્યાન ન આપી શકતો હોય, એને કંટ્રોલ કરવામાં ચેસ ઘણી મદદ કરે છે
- ચેસ રમતા રહેવાથી અલ્ઝાઇમરથી દૂર રહી શકાય છે.
- હાર પચાવતા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસાવતા શીખી શકાય છે.
પણ આ તો ખાલી બુદ્ધિવાળા લોકોનું કામ, અને આપણે એટલા બુદ્ધિમાન નથી
તમે પહેલવાન છો કે સારી રીતે દોડી જાણો છો? તમે ચપળ છો એવું છાતી ઠોકીને પણ કહી શકો એમ નથી રાઈટ? તો ય સમય અને મોકો મળ્યે ક્રિકેટ કે વોલીબોલ કે જે મોકો મળે એવી રમત રમી લો છો ને? ચાલો ઉપરના લોજીક પ્રમાણે તમે આટલા બધા નસીબદાર હોત, કે તમારું નિશાન સારું હોત તો જ તમે લૂડો કે કેરમ રમતા હોત. પણ એવું નથી, આપણે જે મોકો મળે એ રમત રમી જ લઈએ છીએ. તો ચેસ પણ એક રમત છે. અને બીજી રમતો માટે જે વસ્તુઓ લાગુ પડે છે એ ચેસમાં પણ લાગુ પડે છે, એક રમવાવાળાને મજા આવવી જોઈએ, અને બીજું રમવાવાળો સતત પ્રેક્ટિસ કરી શકતો હોવો જોઈએ. ઉપર કહ્યું એમ, ચેસ રમવા માટે બુદ્ધિ હોય એવું જરૂરી નથી, ઉલ્ટાનું ચેસ રમ્યા પછી તમારું મગજ ખીલશે એ લગભગ કન્ફર્મ છે…
હા બીજી બધી રમતો કરતા અહીં નિયમો થોડા અઘરા છે, પણ જે પ્રજા ક્રિકેટ જેવી જટિલ રમતને આસાનીથી અપનાવી શકતી હોય એના માટે ચેસ ઘણી સહેલી પડે. આ ગેમમાં અમુક કુકરાઓ છે, જે એના રોલ પ્રમાણે અમુક પ્રકારે ચાલ ચાલે છે. એ રોલ પ્રમાણે ચાલતા ચાલતા તમારે સામેના રાજા ને ચેકમેટ આપવાનો છે અને તમે સામેવાળા રાજા ને ચેકમેટ તો જ કરી શકો જો તમારી પાસે બને એટલા વધુ કૂકરા હોય અને સામેવાળા પાસે બને એટલા ઓછા. બસ આ વાત યાદ રાખીને તમારે પ્રેક્ટિસ કરતા રહેવાની…
બરોબર, પણ ચેસ બહુ લાંબી ચાલે. અને કોની પાસે એટલો બધો ટાઈમ હોય?
10 મિનિટ તો મળેને દિવસની? ઓરિજિનલી ચેસ એક લાંબી રમત છે, કલાકોના કલાકો અને દિવસોના દિવસો ચેસ ચાલે. પણ આપણે એટલું લાબું રમવાનું થતું જ નથી. ચેસની એક ગેમ તમે દસ મિનિટ કે એનાથી ઓછા સમયમાં પણ પુરી કરી શકો. ધારો તો એનાથી ઓછા સમયમાં પણ ગેમ પુરી કરાવી શકો, અહીં 2 મિનિટથી લઇ ને કલાક સુધીના ટાઈમ કંટ્રોલ આવે છે. એ ટાઈમ જેનો પહેલા પૂરો થઇ જાય એ હારી જાય અને સામે વાળો વિજેતા. અમુક ટાઈમ કંટ્રોલમાં એવું પણ હોય છે કે તમે જેમ જેમ ચાલ રમો એમ તમારા ટાઈમ કંટ્રોલ માં 5,10 કે 15 સેકન્ડ ઉમેરાતી જાય.

ગ્રેટ, હું ચેસ રમું તો છું પણ મને સતત કોઈ હરાવી જાય છે, એનું શું કરવું?
આમ તો આ ગેમની સ્ટ્રેટેજી યાદ રાખવી ઘણી સહેલી છે. બોર્ડનો સેન્ટરનો ભાગ તમારા કંટ્રોલ માં હોવો જોઈએ. તમારે રાજાને સેફ રાખવાનો, અને એના માટે એક કેસલીંગની ચાલ આવે, (જેમાં તમારા રાજા અને હાથી (અંગ્રેજી નોટેશન પ્રમાણે રૂક rook) ની વચ્ચે કોઈ બીજું કૂકરુ ન હોય, રાજા અને હાથી બંનેમાંથી કોઈ ચાલ ન ચાલ્યા હોય અને એ બે વચ્ચેના કોઈ ખાનામાં કોઈ ચેક ન લાગતો હોય તો તમે આડી લાઈનમાં હાથીને રાજાની આગળ મૂકી રાજાને સુરક્ષિત કરી શકો છો) આ કેસલીંગ બને એટલું વહેલા કરી લેવાનું હોય છે.
બાકી ચેસ શીખવા માટે ઓનલાઇન ઘણા રિસોર્સ અવેલેબલ છે, ચેસબેઝ કરીને એક સોફ્ટવેર છે જે ચેસ શીખવે છે. ઘણા ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર્સ પણ ચેસ શીખવવાના પેઈડ કોર્સ કરાવે છે. ઘણી બધી બૂક્સ પણ છે. પણ આ બધાથી ચડિયાતું હોય તો એ છે યુટ્યુબ પર અમેરિકન ઇન્ટરનેશનલ માસ્ટર (IM) જોન બાર્થોલોમ્યુ અને એનું ચેસ ફંડામેન્ટલ્સ પ્લેલિસ્ટ. જો તમને નિયમો ખબર હોય અને તમારી ગેમ ઈમ્પ્રુવ કરવી હોય તો આ પ્લેલિસ્ટ તમારી ઘણી મદદ કરી શકે છે. ઈનફેક્ટ મારી ગેમ પણ આ પ્લેલિસ્ટ ના લીધે સુધરી છે.
ફાઈન, મને હવે મન થઇ ગયું રમવાનું… પણ મારા ઘરે કે મારી પાસે બોર્ડ નથી, કે મારી પાસે કૂકરા ખૂટે છે…
તમારી પાસે મોબાઈલ તો છે ને! જેમ આપણે મોબાઈલમાં કેરમ, પત્તાની ગેમ્સ, લૂડો વગેરે રમીએ છીએ એમ મોબાઈલ માં ચેસ પણ રમી શકાય. ઈનફેક્ટ ચેસ રમવા માટે બે સરસ એપ્પ્સ (અથવા સાઇટ્સ) છે, એક chess.com અને બીજી LiChess. ચેસ.કોમ અને એલઆઈચેસ બંને માં તમે તમારી પ્રોફાઈલ બનાવી ઓનલાઇન, કમ્પ્યુટર સામે કે કમ્પ્યુટરમાં પણ બોટ્સ સામે ચેસ રમી શકો છો. ગેમ પુરી થાય એટલે તમને તમારી ગેમનું એનાલિસિસ કરવા મળશે. આ ઉપરાંત તમને ગેમની અમુક ટ્રેનિંગ પણ મળશે, તમે ચેસ ની પઝલ્સ પણ સોલ્વ કરી શકશો.
જોકે આ બંને સર્વિસની સમાનતાઓ અહીં પુરી થાય છે. ચેસ.કોમ એક પેઈડ સર્વિસ છે જેમાં ગેમ રમવા સિવાય બધાજ કામ માં એક લિમિટેશન છે, જેમકે દિવસની એક જ ગેમનું એનાલિસિસ થઇ શકે, દિવસની પાંચ કે છ પઝલ જ સોલ્વ થાય, લેસન એક જ પૂરું કરી શકાય, અને દરેક લેવલમાં આઠ કે દસ બોટ્સ હોય એમાંથી એક જ બોટ સામે રમી શકાય. આ લિમિટથી ઉપર જવું હોય તો તમારે ચેસ.કોમને પૈસા ચૂકવવા પડે. અને સાથે સાથે ચેસ.કોમ એડ્સ પણ દેખાડે છે.
આની સામે એલઆઈચેસ સંપૂર્ણ ફ્રી છે, અને સામે કોઈ એડ્સ પણ નથી. તમે અનલિમિટેડ ગેમ્સ રમી શકો છો, બધી ગેમ્સનું કમ્પ્યુટરાઇઝડ એનાલિસિસ પણ કરી શકો છો, કંટાળો નહિ ત્યાં સુધી પઝલ પણ રમી શકો છો, આ ઉપરાંત અહીંયા ત્રણ બોટ્સ છે એ ત્રણેય બોટ્સ સામે મન ફાવે એટલી ગેમ્સ રમી શકો છો. એલઆઇચેસ સંપૂર્ણ ફ્રી તો છે જ સાથે ટેક્નોલોજી અને પ્રોગ્રામિંગના રસિયાઓ માટે આ સર્વિસ ઓપન સોર્સ પણ છે.
મારા મંતવ્ય પ્રમાણે ટ્રેનિંગ અને લેસન્સ સિવાય બધી વાતમાં અમુક વોલેન્ટિયર્સ ની મદદથી ચાલતું એલઆઇચેસ, પ્રોફેશનલ કંપની ચેસ.કોમ કરતા વધારે સારું છે. એટલે લેસન્સ ચેસ.કોમના લેવાય અને પછી રમવાનું એલઆઇચેસમાં રખાય, એમાં પણ દસ મિનિટ કે એનાથી વધારે ટાઈમ કંટ્રોલ સાથે ગેમ શરુ કરાય. એનાથી ઓછા ટાઈમ કંટ્રોલ વળી ગેમમાં તમે કઈ શીખી નહિ શકો. અને એ ગેમ પુરી થાય એટલે એનું કમ્પ્યુટરાઇઝડ એનાલિસિસ કરાય અને એમાંથી તમારી ભૂલો શીખી શકાય.
ઓકે, જો ચેસ આટલી સારી છે તો એ રમાતી હોય એનું લાઈવ પ્રસારણ કેમ નથી થતું? કે એની મોટી ટુર્નામેન્ટ વિષે મને કેમ જાણ નથી થતી?
ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ કે બીજી કોઈ પણ રમતમાં મેજર ઘટનાઓ (જેમકે વિકેટ, ગોલ, પોઇન્ટ, કે કાર્ડ) સિવાય પણ ખેલાડીઓ અને રમતમાં વપરાતી વસ્તુઓ કઈ ને કઈ હલનચલન સતત કરી રહ્યા હોય છે એટલે એ જોવામાં અને એનું વિશ્લેષણ કરવામાં એક સામાન્ય પ્રજાને મજા આવતી હોય છે. અને એટલે એ મજાને રોકડી કરવા, અને એમાંથી કમાવવા સ્પોન્સર્સ પણ રાજી હોય છે. અને એ સ્પોન્સર્સની કમાણી માંથી આ રમતો અને ખેલાડીઓને પણ કમાવવા મળે છે.
એની સામે ચેસ એક પેસિવ રમત છે. અહીંયા બે ખેલાડીઓ છે, એક બોર્ડ છે, બત્રીસ કૂકરા છે અને બે ઘડિયાળ છે. અને ઘણોખરો સમય આ બધું જૈસે થે ની હાલત માંજ પડ્યું હોય છે. અહીંયા ખેલાડીઓ અને ગેમને જાણવાવાળા પ્રેક્ષકોના મગજમાં ઘણું ચાલતું હોય છે. બોર્ડની અત્યારની પોઝિશન મુજબ ઘણા કોમ્બિનેશન ચાલતા હોય છે. પણ એ આપણને દેખાડી શકાય એવી ટેક્નોલોજી હજુ બની નથી. અને ત્યાં સુધી એક એવરેજ પ્રેક્ષક માટે આ ગેમ સ્થિર અને થોડી કંટાળાજનક હોઈ શકે. એટલે જ આ ગેમમાં કોઈ રેગ્યુલર સ્પોર્ટ્સ સ્પોન્સર કે મીડિયાને બીજી રમતોની સરખામણી એ એટલો બધો રસ નથી.
આ ઉપરાંત, ચેસ એક ખરી સ્પોર્ટ્સમેન સ્પિરિટવાળી ગેમ છે. અહીંયા ચીટિંગ કરવું મુશ્કેલ છે, ઉપરાંત ચેસમાં હાર સ્વીકારી સ્પોર્ટ્સમેનશિપ દેખાડવી એ એક વણલખ્યો નિયમ છે. અને જો એક પ્લેયર એમાં કોઈ કોન્ટ્રોવર્સી ઉભી કરવા જાય તો આખી ચેસ કોમ્યુનિટી એ પ્લેયરનો વણલખ્યો બહિષ્કાર કરી દે. એટલે બીજી રમતોની સરખામણીએ હમણાં સુધી ચેસ એક ક્લીન અને શાંત રમત રહી છે. જોકે છેલ્લા અમુક વર્ષોમાં આવેલા નવા ખેલાડીઓના લીધે કદાચ આ સ્પિરિટ અને શાંતિ થોડી ડહોળાય પણ ખરી.
તો શું તમે ચેસ રમો છો?
હા, હું ઓનલાઇન રમું છું. નાનપણમાં થોડું થોડું રમેલો પણ પછી ચેસ સાવ છૂટી ગયેલી. પછી છેક 2018માં એક ગ્રુપ મળ્યું જેની સાથે લંચ બ્રેક અને ટી બ્રેકમાં દસ દસ મિનિટ ની ગેમ્સ રમી શકાતી. અને ત્યારથી મેં આ ગેમને સિરિયસલી લેવાનું શરુ કર્યું. અત્યારે સમય મળ્યે રોજની એકાદ ગેમ રમી લઉં છું. મારી ચેસ.કોમ અને એલઆઇચેસ ની પ્રોફાઈલ પણ મેં અહીં લિંક કરેલી છે. ત્યાં જઈ મારી રમેલી ગેમ્સ અને મારી પ્રોગ્રેસ જોઈ શકો છો.
પ્લેયર્સ અને એકાઉન્ટ્સ જેને ફોલો કરી શકાય.
- મેગ્નસ કાર્લસેન : ટ્વીટર
- હિકારુ નાકામુરા : ટ્વિટર, ચેસ સ્ટ્રીમ.
- વિદિત ગુજરાતી : ટ્વીટર
- અનીશ ગિરી (નેપાળી મૂળ નો ડચ પ્લેયર) : ટ્વીટર, યુટ્યુબ
- કોનેરુ હમ્પી : ટ્વીટર
- હરિકૃષ્ણ પેંતાલા : ટ્વીટર, ચેસ સ્ટ્રીમ
- નિહાલ સરિન : ટ્વીટર, યુટ્યુબ
- ચેસબેઝ ઇન્ડિયા: યુટ્યુબ ચેનલ.
છેલ્લે: જસ્ટ ફોર ફન, આ રમત સાથે સંકળાયેલી અમુક જાણીતી પર્સનાલિટીઝ
- ચાર્લી ચેપ્લિન
- સાયન્સ ફિક્શન વાર્તાઓના જાણીતા લેખક આઇઝેક એસિમોવ
- એલિસ ઈન ધ વન્ડરલેન્ડના લેખક લુઈસ કેરોલ.
- ફિલ્મ ડિરેક્ટર સ્ટેન્લી કુબ્રિક
- ફૂટબોલ ક્લબ બાર્સેલોનાના ભૂતપૂર્વ મેનેજર કિકે સેટીએન (Quique Setien) (એ ગેરી કાસ્પારોવ અને એનેતોલી કાર્પોવ સામે ચેસ રમેલા)
- નેપોલિયન બોનાપાર્ટ
- લિયો ટોલ્સટોય
- ઇનવિઝિબલ મેન, ધ ટાઈમ મશીન, વોર ઓફ ધ વર્લ્ડસ જેવી ક્લાસિક સાયન્સ ફિક્શન વાર્તાઓ ના લેખક એચ જી વેલ્સ.
આ સાથે આપણી ચેસ પે ચર્ચા અહીં સમાપ્ત થાય છે. હવે પછી મળીએ નહિ ત્યાં સુધી.
ઘરે રહો, સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો.
અને
મે ધ શક્તિ બી વિથ યુ..
eછાપું