O Womaniya (2): બ્રિટિશરાજમાં સૌ પ્રથમ મહિલા ન્યાયાધીશ ઍના ચાંડી

0
617
Photo Courtesy: Makers India

આજે દુનિયાના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષોના ખભે-ખભા મેળવીને કામ કરી રહી છે. પરંતુ એકાદ શતક પહેલાં હિન્દુસ્તાનની પરિસ્થિતિ એટલી સારી નહોતી. આ એ વખતની વાત છે જ્યારે હિન્દુસ્તાનમાં બ્રિટિશરોનું રાજ હતું અને દક્ષિણમાં ત્રાવણકોરના વહીવટી કારભારી તરીકે મહારાણી સેતુ લક્ષ્મીબાઈ નિમાયેલા હતા. તેમણે તે સમયે મહિલા સશક્તિકરણ માટે ઉમદા કાર્યો કરેલા જેમ કે પોતાના વહીવટમાં મુખ્ય હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક અને શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓ માટે દરવાજા ખુલ્લા કરેલા.

આવા સમયે સન 1905ની વાત. 4 મે, ત્રાવણકોર સ્ટેટની રાજધાની તિરૂવનંતપુરમમાં એક સિરિયન ખ્રિસ્તી પરિવારમાં એક દીકરીનો જન્મ થયો. તેનું નામ ઍના ચાંડી (Anna Chandy). જન્મ પછી તરત જ પિતાનું અવસાન થયું. દીકરીની માતા એક સ્થાનિક શાળામાં કામ કરતી અને બે દીકરીઓને અને કુટુંબને સંપૂર્ણ રીતે ટેકો આપતી. દીકરીઓને પોતાના પિયરે અને મોસાળે શીખેલી પરંપરાઓ વચ્ચે ઉછેરીને મોટી કરતી. પોતાની માતાને હંમેશા આ રીતે સક્ષમતાથી ઉછેરતા અને મહારાણી સેતુ લક્ષ્મીબાઈને પણ સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરતા જોઈ, ઍનાના જીવન પર ઘણો પ્રભાવ પડ્યો.

તે સમયે મહિલાઓને મુખ્યત્વે ઘર સુધી મર્યાદિત રાખવામાં આવતી અને અમુક વ્યવસાયોમાં તો પ્રવેશવાનો સખત ઈનકાર કરવામાં આવતો. સન 1926 સુધીમાં, મહારાણી સેતુ લક્ષ્મીબાઈએ સમાજ અને પુરુષોનો સખત વિરોધ હોવા છતાં સરકારી લૉ કોલેજમાં મહિલાઓ માટે પ્રવેશ શરૂ કર્યો. આ પરાક્રમથી મહિલાઓને નવી તક મળી અને ઍના ચાંડી સુધારણાની એ લહેરના લાભાર્થી બન્યા. ઍનાએ કાયદામાં અનુસ્નાતકની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો અને તેવું કરનાર ઍના ફક્ત ત્રાવણકોર જ નહીં, પરંતુ આખા કેરળમાં પ્રથમ મહિલા હતા.

ઍના એક ઉત્તમ વિદ્યાર્થીની હતા અને તમામ પુરૂષ સાથીઓની ટિપ્પણી સામે બહાદુરી બતાવીને ભણવાનું ચાલુ રાખ્યું. કાયદા વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવનાર ઍના ચાંડી કેરળના પ્રથમ મહિલા લૉ ડિગ્રીધારક બન્યા. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ 1929 માં, તેમની બાર કાઉન્સિલમાં નિમણૂક થઈ અને બેરીસ્ટર તરીકે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. થોડા વર્ષો પછી ફોજદારી (criminal) કેસો લડતા ઍનાએ રૂપિયા રળવાના શરુ કર્યા અને ફોજદારી વકીલ તરીકે નોંધપાત્ર ખ્યાતિ પણ મેળવી.

ઍના માત્ર એક સફળ વકીલ જ નહોતા. તેમણે ઘણીવાર કોર્ટરૂમની બહાર પણ પોતાની સક્રિયતા દાખવી. મહિલા અધિકારોની ચેમ્પિયન ગણાતી ઍના ચાંડીએ 1930 માં એક પ્રકાશન શરૂ કર્યું, જેનું સંપાદન તેમણે ‘શ્રીમતી’ નામથી કર્યું. મલયાલમ ભાષામાં આ પ્રકારનું મહિલાઓનું પહેલું મેગેઝિન હતું. આ મેગેઝિન દ્વારા ઍનાએ મહિલાઓના અધિકારોના રક્ષણ અને તેમની ઉન્નતિને સમર્થન આપ્યું. ઘરનું સંચાલન, સામાન્ય આરોગ્ય અને ઘરગથ્થુ ઉદ્યોગો વિશેની વાર્તાઓ અને લેખોની સાથે ‘શ્રીમતી’ મેગેઝિનમાં મહિલાઓની સ્વતંત્રતા અને વિધવા પુનર્લગ્નના પ્રશ્નની વિસ્તૃત ચર્ચા થતી. તેમના લેખન દ્વારા, તેમણે ખેતરોમાં મહિલા કામદારોની ફરિયાદોનું નિવારણ પણ કર્યું, જેમને તેમના મકાનમાલિકો દ્વારા વ્યાજબી વેતન આપવામાં આવતું નહોતું.

1930માં, ઍના ચાંડીએ સક્રિય રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને ત્રાવણકોર રાજ્યની ચૂંટાયેલી પ્રતિનિધિ સંસ્થા ‘શ્રી મૂલામ પોપ્યુલર એસેમ્બલી’ (એસ.એમ.પી.એ.) તરફથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. પુરુષોને ઍના પ્રત્યે પહેલેથી જ ઘૃણા હતી અને હવે વિરોધીઓએ ઍના સામે નિંદા અભિયાન ચલાવ્યું. તિરૂવનંતપુરમની દિવાલો પર ઍના વિષે નિંદાત્મક નારાઓ લખવામાં આવ્યા હતા, જેમાં ઍનાએ રાજ્યના દિવાન અને અન્ય સરકારી અધિકારીઓ સાથે અંદરખાને જોડાણ કર્યા હોવાનો આક્ષેપ થયો.

મહિલાઓ સામે વારંવાર ઉપયોગમાં લેવાતું એક સામાન્ય સાધન એટલે કોઈ પુરુષ સાથે તે સ્ત્રીના આડસંબંધો છે તેવું જાહેર કરવું. ઍના સાથે પણ એવું જ થયું – ત્રાવણકોરના દિવાન શ્રી સી.પી.રામસ્વામી અય્યર અને ઍના વિષે એલફેલ છપાયું અને આ નિંદા અભિયાનને કારણે ઍના 1931ની ચૂંટણીમાં હારી ગયા. તેમ છતાં પોતાના પ્રકાશન ‘શ્રીમતી’ માં આવા નિંદા અભિયાનની અયોગ્ય યુક્તિઓ વિશે ઘણું લખ્યું.

આવા આંચકાઓ હોવા છતાં ઍનાના વિરોધીઓ તેમની વધતી લોકપ્રિયતાને રોકી ન શક્યા. ઍના હવે એક પ્રખ્યાત જાહેર હસ્તી બની ગયા હતા. પછીના વર્ષે, ઍના ફરીથી ચૂંટણી લડ્યા અને તે જ બેઠક પર વિજય મેળવ્યો. સન 1932 થી 1934 સુધી તેમણે ત્યાં સેવા આપી.

તેમના કાર્યકાળ દરમિયાન, સાથી ધારાસભ્ય સદસ્યતિલકમ ટી. કે. વેલુ પિલ્લઈ (જે ત્રાવણકોર રાજ્યના જાણીતા મહાનુભાવ હતા) મહિલાઓને સરકારી નોકરી આપવાનો વિરોધ કરતા હતા. તેમનો સામનો કરવા માટે, ઍનાએ તેજસ્વીપણે કાયદાનો ઉપયોગ કર્યો અને વિધાનસભામાં કહ્યું:

“વિસ્તૃત અરજીઓથી એ સ્પષ્ટ થાય છે કે ફરિયાદીની તાત્કાલિક માંગ એ છે કે પુરુષોના ઘરેલુ સુખ માટે બનાવેલા ‘પ્રાણી’ઓનો સમૂહ એટલે કે મહિલાઓને રોજગાર આપવા માટેના તમામ પ્રયત્નો પર પ્રતિબંધ મૂકવો, નહીંતર રસોડું અને મંદિરોના પારિવારિક સુખને નુકસાન કરશે.”

ઍના ચાંડીએ સરકારી નોકરીઓમાં પ્રમાણસર અનામત ઉપરાંત મહિલાઓ માટે અલગ સમુદાયનો દરજ્જો માંગ્યો. મ્યુનિસિપલ એસેમ્બલીમાં તેમના દબાણને કારણે, જુદા જુદા વિભાગમાં સભ્ય બનવા માટેની મહિલાઓની અપાત્રતા દૂર થઈ. મહિલાઓની અનામતની માંગણી કરનારી પ્રથમ મહિલાઓમાંની એક ઍના ચાંડી બન્યા.

ઍના અત્યંત ન્યાયી અને સમાનતામાં માનનારા હતા. 1935 માં, તેમણે એવા કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ દલીલ કરી, જેણે સ્ત્રીઓને મૃત્યુદંડમાંથી મુક્તિ આપી. ટૂંક સમયમાં જ, ત્રાવણકોરના એક એવા કાયદાની વિરુદ્ધ લડત ચલાવી, જેમાં પુરૂષોને તેમની પત્નીની સંમતિ વિના તેમના લગ્ન સંબંધી હકોનો ઉપયોગ કરવાની શક્તિ આપી હતી. તેમના સમયથી આગળ એવા ઍનાએ મહિલાઓના પ્રજનન હકો માટે પણ લડાઈ કરી. 1935 માં એક ભાષણમાં ઍનાએ દલીલ કરેલી:

આપણી ઘણી મલયાલી બહેનો પાસે સંપત્તિના અધિકાર, મતદાનના અધિકાર, રોજગાર અને સન્માન, નાણાકીય સ્વતંત્રતા છે. પરંતુ કેટલી સ્ત્રીઓને પોતાના શરીર ઉપર નિયંત્રણ છે? સ્ત્રીઓનું શરીર પુરુષોની ખુશી માટેનું સાધન છે તેવા મૂર્ખ વિચારને લીધે કેટલી મહિલાઓને ગૌણતાની લાગણીઓ દ્વારા વખોડી નાખવામાં આવે છે?

આમ મહિલાઓના અધિકાર અંગેના મુદ્દાઓની ખુલ્લેઆમ ચર્ચા થાય તે પહેલાં 1930 ના દાયકાના ત્રાવણકોરમાં એક અગ્રણી કાર્યકર અને વક્તા તરીકે ઍના ચાંડીને સન્માન મળેલું. 1937માં, તત્કાલીન દિવાન (અથવા ત્રાવણકોર રાજ્યના વડાપ્રધાન) સર સી. પી. રામસ્વામી અય્યર દ્વારા ઍનાને પ્રથમ મહિલા મુનસિફ અથવા નિમ્ન ન્યાયિક અધિકારી (lowest judicial officer) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ ક્રાંતિકારી પગલે ઍનાના ખભા પર ઘણી જવાબદારી મૂકી. એક મહિલા ‘તાર્કિક નિર્ણયો’ લેવાની ક્ષમતા રાખે છે કે કેમ તે અંગે કોર્ટમાં ચર્ચાઓ શરૂ થઈ. પરંતુ ઍનાએ પોતાના કામ બાબતે પાછી પાની કરી નહીં. ઍનાએ જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું તેનું વર્ણન કરતા લખ્યું:

મારે સ્વીકારવું જ જોઈએ કે હું જ્યારે બેંચ સુધી પહોંચી ત્યાંરે હું ઘણી ગભરાયેલી હતી. જો કે, મારા મગજમાં અય્યર સરના આ પ્રયોગને સફળ બનાવવા માટેની એક જ વાત ગાંઠ બંધાયેલી હતી. હું જાણતી હતી કે હું પોતે એક પરીક્ષણનો કેસ છું, જો હું નિષ્ફળ થાઉં તો હું ફક્ત મારી પોતાની કારકીર્દિને જ નહીં પરંતુ મહિલાઓના સન્માનને પણ નુકસાન પહોંચાડીશ. તેમ છતાં હું અડગ છું.

નીચલી અદાલતમાં ઍનાની નિમણૂકથી, ભારતની આઝાદી બાદ 1948માં જિલ્લા અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂકનો તેમનો માર્ગ મોકળો થયો. 1956 માં ત્રાવણકોર અને કોચિન આ બે રાજ્યોના જોડાણ પછી કેરળ રાજ્યની રચના કરવામાં આવી ત્યારબાદ ઍનાની 1959 માં કેરળના ઉચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી. તે ફક્ત ભારતમાં જ નહીં પણ તમામ કોમનવેલ્થ રાષ્ટ્રોમાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બની.

પ્રસંગોચિત કારકિર્દી પછી, ઍના ચાંડી 1967 માં નિવૃત્ત થયા અને બાદમાં રાષ્ટ્રીય કાયદા પંચ (National Law Commission)ના સભ્ય તરીકે સેવા આપી જ્યાં તે સમયસર અને નોંધપાત્ર ફેરફારો કરવા માટે ઉત્સુક રહેતા. 1973 માં, ઍના ચાંડીએ ‘આત્મકથા’ નામની પોતાની આત્મકથા પ્રકાશિત કરી અને સન 1996 માં 91 વર્ષની વૃદ્ધાવસ્થામાં તેમનું અવસાન થયું.

Feminism in India નામની વેબસાઈટ પર ઍના ચાંડી વિષે લખેલું છે: It was due to her unrelenting fight for reservation for women in government jobs that led to the abolishing of the statute that prevented women from working in government jobs

સંદર્ભ:

https://en.wikipedia.org/wiki/Anna_Chandy

https://feminisminindia.com/2018/10/18/justice-anna-chandy/

https://www.thebetterindia.com/202265/anna-chandy-first-woman-high-court-judge-inspiring-kerala-india/

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here