મારોય એક જમાનો હતો (2): હાં રે અમે છંઇયે વાયા વિરમગામના..

0
565
Photo Courtesy: India Railway Info

“એ જામનગર પહોંચતા કેટલો સમય લાગશે?” 

વહેલી સવારે સાત વાગ્યે મુંબઈ છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ 2 પરથી ‘એર ઇન્ડિયા’ના હવાઈ જહાજ દ્વારા જામનગર જવાની તૈયારી હતી. એ દરમિયાન નવી પેઢીના એક બાળે ઉપરોક્ત પ્રશ્ન કર્યો. 

મેં જવાબ આપ્યો,  “આમ તો પંચાવન મિનિટ પણ, હું તારી જેવડો હતો ત્યારે આટલું જ અંતર કાપતા 18-20 કલાક થતા હતા.” 

એ મૂંઝાઈ ગયો. “20 કલાક? એ કેવી રીતે?” 

મેં કહ્યું, “ચાલ, તને એ વીસ કલાકની મજેદાર ટ્રેન  યાત્રાનો એક પરિચય કરાવું – વાયા વિરમગામ.” 

***

સૌરાષ્ટ્ર માટે એક સમય આ શબ્દપ્રયોગ કૉમન હતો. પણ “વાયા વિરમગામ” જ કેમ?

1981 પહેલાં જેમણે મુંબઈથી અમદાવાદ થઈને સૌરાષ્ટ્ર તરફ ટ્રેન દ્વારા મુસાફરી કરી હશે એમને આ બાબતનો ખ્યાલ હશે. મુંબઈથી વિરમગામ બ્રોડગેજ લાઈન હતી અને પછી બાકીની સફર માટે મીટરગેજ લાઈન.

એક સમયે પોણા આઠ વાગે ઉપડતી અને બપોર બાર આસપાસ રાજકોટ. બે આસપાસ જામનગર પહોંચાડતી. 

આજે રાત્રે સાડા નવે ઉપડે છે અને સવારે સવા દસ વાગે રાજકોટ પહોંચાડે છે. જે મુસાફરીનો સમયગાળો ઘટ્યો એમાં આ “વાયા વિરમગામ”નું પરિબળ મહત્વનું હતું.

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી તે સમયે ત્રણ ટ્રેન ઉપલબ્ધ હતી (જો કે આજે પણ બહુ વધી નથી). સૌરાષ્ટ્ર મેઇલ પકડવા માટે સાંજે સાત વાગે સ્ટેશન પર પહોંચી રિઝર્વેશનના ચાર્ટ રીફર કરવાના અને ત્યાર બાદ કોચ શોધી સ્થાન જમાવવાનું.

કોચમાં એટલે કે રેલવેના રિઝર્વેશનના ડબ્બામાં બેઠા પછી થોડી સમસ્યાનો અંત આવે? અરે સમસ્યા નહી, મજાની શરૂઆત સમજો. રિઝર્વેશન ન હોય એવા મુસાફરો ટીકીટ ચેકરની પાછળ ટોળે વળીને ફરતા હોય, અને જેની પાસે કનફર્મ્ડ ટિકિટ હોય એ અંદરો અંદર પરિવારને એક સાથે બેસવા માટે સેટીંગ ગોઠવતા રહે. બોરીવલી સુધી તો ટ્રેઇનના એન્જિન કરતાં લોકોના મગજ વધારે ગરમ જોવા મળે. 

અને બોરીવલી બાદ ટીફીનના પથારા ખૂલે, દહાણુની દાળ, ભેળ, સેવપુરી, ફળોની ટોપલીઓ, વડા પાંઉ અને ગરમા ગરમ ચાની જ્યાફત ઉડે. ગરમ થયેલા મગજ હવે મિત્રો બની ગયા હોય. અરસ-પરસ થેપલાંની લહાણી થતી હોય અને અથાણા પર તો વખાણના પુલો પર સંબંધ તરતા હોય. 

બસ ભોજનને ન્યાય આપીને ચિંતા એ હોય કે વહેલી સવારે વિરમગામ સ્ટેશન પર ટ્રેન આવે એ પહેલાં અને આમ તો અમદાવાદથી ઊપડે એટલે તરત જ બિસ્તરા (યસ ત્યારે રેલવે બેડીંગ આપે એ કલ્પના બહારની વસ્તુ હતી) ચાદર વગેરે સંકેલીને તૈયાર રહેતા. સામાન પગ પાસે ગોઠવાઈ ગયો હોય. ઉંઘરેટી હાલતમાં જાણે એક યુદ્ધની તૈયારી કરવાની હોય એમ બધાં જંગના સૈનિકો જેવા લાગે. એક રીતે એ જંગ જ ગણી શકાય.

કારણ રિઝર્વેશન બ્રોડગેજમાં વિરમગામ સુધી જ વેલીડ. ત્યારબાદ મીટરગેજ ટ્રેન બદલાવવાની. અને એમાં તો બળિયાના બે ભાગ. એવી પરિસ્થિતિ રહેતી.

વિરમગામ આવે એટલે કાબરોના અવાજથી ગાજતાં પ્લેટફોર્મ પર લાલ કપડાંની સેના નજરે ચડે. એ કુલીઓ હોય. દરેક કોચ નજીક પાંચ-સાત કુલીઓ ટાંપીને બેઠાં હોય. જેવી ટ્રેન સ્લો થાય એટલે દરવાજામાં હલ્લો બોલાવતા ચડી જાય, ગ્રાહકો શોધી કાઢે. જેનો સામાન વધુ હોય એને પહેલાં પકડે.

ટ્રેન થોભે એટલે જે મજબૂત હોય તે ચાદર અને થેલી લઈ મીટરગેજ ટ્રેન તરફ હલ્લો બોલાવે. સાથે એક મદદનીશ પણ હોય. અને એ ટ્રેનની બારીમાંથી ચાદરનો ઘા કરી પાટિયું રોકવાની ગડમથલ ચાલે. પછી એ મદદનીશને કબજે કરેલ પ્રદેશની ચોકીદારી માટે બેસાડી બાકીના સદસ્ય અને સામાન લેવા જવાનું. 

ટ્રેઇન ઊપડવાને તો હજી કલાકની વાર હોય, પણ જગ્યા તો કબજે કરવી અનિવાર્ય ગણાય. એ પછી વારો આવે પાણી છાપ ચા અને કડક લાકડા જેવા ગાંઠિયાનો. ટેકનીકલી હવે સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરતા હોય એટલે ગાંઠિયાથી સવાર પાડવી જ પડે એ ન્યાયે સાડા-ચાર પાંચ વાગ્યે ગાંઠિયા અને ચ્હા પર કટક ઉમટી પડે.

મીટરગેજ ટ્રેનના કોચની બારીમાં એ સમય સળિયાઓ ન હોવાથી બહાર જોવાની ખૂબ મજા રહેતી. સાથે સાથે તકલીફો પણ. સ્ટીમ એન્જિન હોય એટલે કોલસાનો ધુમાડો, ઝીણી રજ કણો ઉડે એટલે જે બારીમાં બેઠું હોય એની આંખો લાલ થઈ જાય. જેમ જેમ સ્ટેશનો આવતા જાય એમ ટ્રેન ખાલી થવા લાગે. 

સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર અને રાજકોટ. રાજકોટ પછીનું સ્ટેશન પડધરી અને પછી આવતું હડમતીયા. એના ભજીયાં માટે પણ દોડાદોડી થાય. જો કોઈ ટ્રેનનું ક્રોસીંગ હોય તો ફેરિયા જ બતાવે કે ઉતાવળ ન કરતા. બધાંને ગરમ મળશે. છાપાના કાગળમાં ચટણી સાથે ભજીયાં આવે એ સાથે ખાલી થઈ જતાં. એક જણો તો ભજીયાં સારવામાં જ બીઝી રહે.

પિત્તળના હાંડામાં પાણી વેંચાતું, દસ પૈસા અને પચીસ પૈસામાં કુંજો ભરી આપે. ત્યારે બધું જ હાઈજીનીક હતું.  બોટલના પાણીના દિવસોને હજી ત્રણ દસકાની વાર હતી. 

છેવટે જામનગર સ્ટેશન પરથી ઘોડાગાડી કરીને ઘરે પહોંચીને હાશ થાય. બે દિવસ સુધી એમ જ ફીલ આવ્યા કરે કે ટ્રેનમાં બેઠાં છીએ. એને કદાચ ટ્રેન લેગ કહી શકાય, જેટ લેગની જેમ યુ નો.

હવે આજે બાય એર પંચાવન મિનિટમાં પહોંચીએ તો આ મજાનો લાભ કેમ મળી શકે? અને ટ્રેનમાં બંધ બારીઓ વાળા એસી કોચમાં આંખ લાલ કરવાની મઝા નથી રહી.

અને આ વાત પૂર્ણ થઈ ત્યાં જામનગર એરપોર્ટ પર બેગેજ કાઉન્ટર પર બેગ આવી ગઈ હતી. પંચાવન મિનિટમાં. હવે જામનગર એરપોર્ટથી ઘરે પહોંચતા બીજી કલાક ખરી. એટલે એ બાળકે પૂછ્યું કે આવા કોઈ અન્ય પ્રસંગ છે? 

હા, હવે પછી જણાવું છું. 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here