વિચારવા જેવું – શું લોકડાઉનમાં તમારું બાળક ભણતું નથી?

1
354
Photo Courtesy: India Today

છેલ્લા 13 મહિનાથી બાળકો ઘરમાં છે, અને તેનાથી બાળકોમાં ઘણા પ્રશ્નો જોવા મળ્યા છે, જે આપણે નાના હતા ત્યારે, કે અત્યારે પણ વિચારી શકીએ એમ નથી. આ બધામાં સૌથી મહત્વનું એ છે કે જયારે બાળકો આખું વર્ષ ભણ્યા જ નથી અને તે પછી હવે ભણવા બેસવાનું કહીએ છીએ તો તેઓને પસંદ નથી પડતું. વાત સાચી જ છે, હકીકત પણ છે. પણ અહીં સવાલ એ છે કે બાળક એક વર્ષ કેમ ના ભણ્યું?

ભણતર કે શિક્ષણ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તેમાં અચાનક લાગતી બ્રેક કે અત્યારના સમયમાં ઉભી થયેલી પરિસ્થિતિને કારણે આ પ્રક્રિયા અટકી જાય છે. આ જ કારણસર અત્યારે દરેક સ્કૂલ પોતાની રીતે, પોતાનાથી બનતું શિક્ષણ આપે જ છે.

પરંતુ અત્યારે વાલીની માનસિકતા એવી છે કે આવા સમયમાં બાળક એક કે બે વર્ષ નહીં ભણે તો કંઈ વાંધો નહિ આવે, બહુ બહુ તો શું થશે? બાળક 17 ને બદલે 18મે વર્ષે 12મું ધોરણ પાસ કરશે. અત્યારે સ્કૂલ ઓનલાઈન ભણાવીને પૈસા પડાવે છે. ઓનલાઈન ભણાવે છે એમાં એ લોકોને ક્યાં કઈ ખર્ચો થાય છે, તો ફી લેવાની શું જરૂર છે, વગેરે વગેરે.

બાળક એક કે બે વર્ષ નહિ ભણે તો તમારે પૈસા બચશે જ, સાચી જ વાત છે. પણ સાથે સાથે એની બાળક પર શું અસર પડશે એ અંગે વિચારી જોયું? 

માણસ આમ જોઈએ તો સામાજિક પ્રાણી છે. એના પોતાના વિકાસ માટે એણે બીજા માણસ સાથે સંબંધ કે સગપણ રાખવો જરૂરી છે. બાળક માટે તેના મિત્રો કે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ આ સંબંધ છે. એ એક વર્ષ ભણશે નહીં તો એ એક વર્ષ આ સંબંધથી વંચિત રહેશે, પરિણામે તે એકલતા, ગુસ્સો કે પછી હતાશા અનુભવશે જે આગળ જઈને તેના માટે જ નુકસાનદાયક સાબિત થશે.

હવે તમે કહેશો કે ઓનલાઈન ભણવામાં બાળકની આંખને કેટલું નુકસાન થાય! તો શું એ નુકસાન ભણતી વખતે જ થાય છે? TV જોતી વખતે નહીં? ઓનલાઈન નહિ ભણાવો તો બાળક એ ફ્રી સમયમાં શું કરશે એ વિચાર કરી રાખ્યો જ હશે પણ છતાંય અત્યારે જ્યારે એમના બહાર રમવા કે ફરવા પર જ રોક લગાવી દીધી છે તો એ લોકો ઘરમાં TV કે મોબાઈલ પર જ રહેશે ને?

તો આનો રસ્તો શું? આનો રસ્તો એ કે બાળકને કોઈ ને કોઈ રીતે ભણવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. અત્યારે સમય ખરાબ છે એ વાત સાચી પણ એનો અર્થ એ નથી કે તમે બાળકને ના ભણવા બાબતે પ્રોત્સાહિત કરો. બાળક જો નાનું હોય તો રમતા રમતા શીખે એ રીતે ભણાવો.

બીજી વાત એ કે “સ્કૂલમાં તો છોકરાઓ જતા જ નથી તો ફી કેમ આપવાની?” કે “આટલી બધી ફી તો ન જ હોવી જોઈએ” એ એક મિથ્યા છે. તમે જ્યારે બાળકનું સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે જ તમને ખબર હતી કે ફી કેટલી છે, અને દરેક સ્કૂલ દર વર્ષે ફીમાં 8 થી 10 ટકા જેટલો વધારો કરવાની જ છે, કેમ કે તમે જે ફી ચૂકવો છો તેનો ઓછામાં ઓછા 75% અને વધુ માં વધુ 90% શિક્ષકોના પગાર તરીકે ચૂકવવામાં આવે છે અને દર વર્ષે એ પગારમાં 10 થી 15 ટકાનો વધારો આપવાનો જ હોય છે.

આનો રસ્તો એ કે એવી ઘણી બધી જૂની અને જાણીતી સ્કૂલ છે, ખાસ કરીને અમદાવાદમાં, જેમાં સારામાં સારી ગુણવત્તા વાળું શિક્ષણ, ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમમાં, મળે જ છે અને તેની ફી પણ એટલી બધી વધારે નથી (કારણકે એ જૂની સ્કૂલો છે, એટલે) તો આવી શાળામાં બાળકનું એડમિશન લઇ શકાય. 

બીજું, જો તમારી નોકરી આખા દેશમાં ગમે ત્યાં ટ્રાન્સફર આવી શકે એવી ન હોય તો CBSE કે ICSE બોર્ડનો મોહ ન રાખવો, હવે નવી નીતિ મુજબ ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકો પણ CBSE બોર્ડને સમકક્ષ અથવા તેનું સીધું ભાષાંતર જ હોય છે. 

આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને વિચારી જોજો કે તમે તમારા બાળકનું બગડેલું વર્ષ કેવી રીતે સુધારી શકો એમ છે. વધુમાં આ બાબતે કંઈપણ મદદ કે સલાહ જોઈતી હોય તો કમેન્ટ બોક્સ ખુલ્લું જ છે!

eછાપું 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here