લોકડાઉન: બેધારી તલવાર; સરકાર માટે અને આપણા માટે પણ

0
321
Photo Courtesy: Quartz

ગુજરાતમાં દિવસે ન વધે એટલા રાત્રે વધી રહેલા કોરોનાના કેસીઝને ધ્યાનમાં લઈને મંગળવારે બપોરે ગુજરાત હાઈકોર્ટે જાતેજ સંજ્ઞાન લઈને ગુજરાત સરકારને સમગ્ર રાજ્યમાં વિકેન્ડ લોકડાઉન અથવાતો ચાર દિવસના મિની લોકડાઉન અમલી બનાવવાની સલાહ આપી. પરંતુ, કદાચ ગુજરાત હાઈકોર્ટના સન્માનીય ન્યાયાધીશોને પણ ખબર નહીં હોય કે તેમની આ એક સલાહ લગભગ દસ કલાક સુધી સમગ્ર ગુજરાતમાં માનસિક, શારીરિક તેમજ બુદ્ધિજીવી અંધાધુંધી ફેલાવી દેશે.

શરુઆત કરી આપણા ગુજરાતના ધરાર તટસ્થ ડિજીટલ મિડિયાએ જેણે હાઈકોર્ટની ‘સલાહ’ને ‘આદેશ’ અને ‘નિર્દેશ’નું વાઘું પહેરાવીને કાયમની જેમ સામાન્ય પ્રજાને ડરાવવાનું અબઘડીથી ચાલુ કરી દીધું. ભૂતકાળમાં પણ આ પ્રકારે દેશભરની અદાલતોએ દેશભરની સરકારોને સલાહ આપી છે, અને દેશભરની સરકારોએ તેને સન્માન સાથે સ્વીકારી છે અથવાતો સન્માન સાથે નકારી દીધી છે.

પરંતુ અહીં તો આ સલાહ જાણેકે આદેશ હોય એ રીતે આપણી ગુજરાતી ન્યૂઝ ચેનલોએ પોતાના ઓનફિલ્ડ પત્રકારોને દોડતા કરી દીધા અને “તમારું શું માનવું છે?” પ્રકારના પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં ચૌટેને ચૌટે પૂછાવા લાગ્યા. વળી, આપણે બધાં પણ લોકડાઉન બાબતે વીતેલા એક વર્ષમાં ‘પીએચડી’ કરી લીધું હોવાથી ઠાવકાઈથી આપણા મંતવ્યો પણ આપવા લાગ્યાં. લોકડાઉનની તરફેણ કરનારાઓના મંતવ્યોને બહુ મહત્વ ન અપાયું જેટલું કે માસ્ક પહેર્યા વગરના કે ગળામાં માસ્ક લટકાવીને પોતાની પંડિતાઈનું પ્રદર્શન કરતાં કરતાં લોકડાઉનનો વિરોધ કરનારાને આપવામાં આવ્યું.

ખૈર! જેમ કાયમ બને છે એમ એક લીટીનો મુદ્દો હાથમાં લાગી જવાથી રાજ્ય, દેશ અને દુનિયામાં બીજી ઘટનાઓ ઘટવી બંધ થઇ જતી હોય છે એમ મોટાભાગના ગુજરાતી ડિજીટલ મિડિયાએ સળંગ દસ કલાક માત્ર લોકડાઉન થશે કે નહીં એના પર જ ચર્ચા કરી. આ દસ કલાકમાં જે ચિત્ર ઉભું કરવામાં આવ્યું એનાથી સામાન્ય જનને સ્વાભાવિક ભય લાગ્યો અને સાંજ પડતાં સુધીમાં તો જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ઉભરાઈ ગઈ.

મિડિયાએ લોકડાઉન આવશે એવી ભવિષ્યવાણી કરતા સમયે એ માહિતી આપવાનું કે પછી એ સ્પષ્ટતા કરવાનું  યોગ્ય ન માન્યું કે હાઈકોર્ટે વિકેન્ડ અથવાતો ચાર દિવસના લોકડાઉનની ભલામણ કરી છે તો વિકેન્ડ શરુ થવાને હજી બીજા ત્રણ દિવસ બાકી છે અને જો ચાર દિવસનું લોકડાઉન એટલેકે ગુરુવારથી અમલી બનશે તો તેને પણ પુરા 30-35 કલાક બાકી છે તેથી કોઈએ પણ દોડાદોડી કરવાની જરૂર નથી.

અગેઇન, આપણા મિડિયા પાસેથી આ પ્રકારની અપેક્ષા રાખવી જ અયોગ્ય છે પછી તે ડિજીટલ હોય કે પ્રિન્ટ, રાજ્યનું હોય કે નેશનલ મિડિયા! પણ આ જ મિડિયાને ચોવીસે કલાક સોશિયલ મિડિયામાં વખોડે રાખતાં લોકોએ ત્યારબાદ મેદાન સંભાળ્યું હતું. સહુથી પહેલાં તો આપણે બધાએ કોર્ટને અને તેના નામદારોને કોરોના વિષે કેટલુંક જ્ઞાન છે એ અંગે પ્રશ્નો કર્યા અને પછી આપણે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને સલાહો આપવાની શરુ કરી દીધી.

આ બધામાં પેલું ચૂંટણીવાળું અને ક્રિકેટ મેચવાળું આપણે ખાસ ભૂલ્યા નહીં. હજી થોડા દિવસો અગાઉજ જે લોકો ફરીથી જો લોકડાઉન આવશે તો નાના રોજમદારોને કેટલી તકલીફ પડશે એની ચિંતા કરતા હતા તે લોકો જ પંદર દિવસનું સખત લોકડાઉન આપવું જોઈએ એવી કડક સલાહો રાજ્ય સરકારને આપવા લાગ્યા હતા. આનાથી સાવ ઉલટું કરનારાઓ પણ એ જ સમયે જોવા મળ્યા હતા. આ બધાને ખબર હતી કે છેવટે તો સરકારને જે કરવું હશે એ જ કરશે.

અને બન્યું પણ એવુંજ. લગભગ રાત્રે નવ વાગ્યે એટલેકે ચારથી પાંચ કલાકની મંત્રણા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી લાઈવ આવ્યા અને તેમણે વિકેન્ડ અથવાતો ચાર દિવસના લોકડાઉનની બદલે ગુજરાતના મુખ્ય વીસ શહેરોમાં રાત્રે આઠથી સવારે છ વાગ્યા સુધીના કરફ્યુની જાહેરાત કરી દીધી. સાંજે જે લોકો જેમાં મિડિયા અને સોશિયલ મિડિયા બંને સામેલ છે, લોકડાઉનની આતુરતાથી અને વિશ્વાસપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ તમામ નિરાશ થયા અને ફરીથી 2031માં બાલમંદિરની પરીક્ષામાં પૂછવામાં આવનારો પેલો સવાલ વહેતો થઇ ગયો કે શું હવે કોરોના રાત્રે નવને બદલે આઠ વાગ્યે આવશે?

ગયા વર્ષના ત્રણ મહિનાના સંપૂર્ણ અને ત્યારબાદ પણ લગભગ બે મહિના ચાલેલા અંશત: લોકડાઉનની પરિસ્થિતિથી આપણે સહુ વાકેફ છીએ. એ સમય એવો હતો કે કોરોના શું છે એની આપણને કે સરકારને કોઈજ ગતાગમ ન હતી એટલે લોકડાઉન જ એક ઉપાય એવી એક થીયરી માત્ર ભારત સરકારે જ નહીં પરંતુ વિશ્વભરની સરકારોએ અપનાવી લીધી હતી. પરંતુ તેને કારણે મોટાભાગના દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ હતી.

તેને કારણે આપણા દેશમાં મજુરોએ પલાયન શરુ કર્યું હતું અને લોકડાઉન પૂર્ણ થયા બાદ માંડમાંડ તેઓ પોતપોતાની કર્મભૂમિ પર પરત થયા હતા. મજુરોના પરત થયા બાદ પણ ઘણા લાંબા સમયે આર્થિક પ્રવૃત્તિઓ પાટે ચડી છે અને આવામાં કોઇપણ પ્રકારનું લોકડાઉન આ જ મજૂરોમાં કોઈ ખોટો સંદેશ પહોંચાડવા માટે પૂરતો હતો.

આખા ભારતની વાત ન કરીએ અને માત્ર ગુજરાતની જ વાત કરીએ તો લોકડાઉન એ બેધારી તલવાર છે; સરકાર માટે અને આપણા માટે પણ. સરકાર જો વિકેન્ડ કે ચાર-પાંચ દિવસનું લોકડાઉન કરે તો આપણું મિડિયા તૈયાર જ બેઠું છે એવી હવા ફેલાવવા માટે કે આ લોકડાઉન વધશે અને મહિનાઓ સુધી ચાલશે આથી ફરીથી મજૂરોમાં પેનિક ફેલાય અને તેઓ પોતાના વતન ભણી ડગ માંડવા લાગે. ફરીથી એમના માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવી પડે અને વળી કોરોના કાબૂમાં આવે એટલે એમને પરત લાવવા મનામણાં શરુ કરવા પડે.

આ ઉપરાંત હાલમાં જે જોરશોરથી કોરોના વિરોધી રસીનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તે લોકડાઉનને કારણે અટકી પડે અને તેને કારણે જે ગતિએ લોકોને રસી આપવાની ઈચ્છા સરકાર ધરાવે છે એ ગતિ મંદ તો શું એકદમ અટકી જ જાય એ શક્યતા પણ સરકારને લોકડાઉન લાવવાથી રોકી રહી છે.

અને જો સરકાર લોકડાઉન ન લાવે જેમ કરવામાં આવ્યું છે તો પ્રજા તો એટલી શિસ્તબદ્ધ નથી જ કે કારણ વગર સ્વયંભુ જ બહાર નીકળવાનું બંધ કરે જેથી કોરોનાનું સંક્રમણ આપોઆપ કાબૂમાં આવી જાય. આથી સરકાર લોકો કાયદાના ભયે બને તેટલો ઓછો સમય ઘરની બહાર રહે એવી વ્યવસ્થા ઉભી કરી શકે છે, જે તેણે કર્યું છે. આમ સરકારનો મરો બંને તરફ છે, લોકડાઉન લાવે તો પણ અને ન લાવે તો પણ.

લોકડાઉન બેધારી તલવાર પ્રજા માટે પણ છે. જો લોકડાઉન ફરીથી લાવવામાં આવે અને ઉપર જણાવ્યું તેમ આપણું મિડિયા તેની નકારાત્મક ભૂમિકા સુપેરે ભજવી બેસે અને ફરીથી જો વ્યાપાર ઉદ્યોગો બંધ થઇ જાય તો જેની નોકરી કે ધંધા ગયા વર્ષના લોકડાઉન પછી પણ એકદમ પાતળા દોરે લટકી રહ્યા છે એ જવાનો ભય પણ સાચો પડે એ શક્ય છે. અને જો લોકડાઉન ન લાવવામાં આવે, જેમ બન્યું છે, તો સમજુ નાગરિકો જે માસ્ક પહેરે છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે તે પણ અશિસ્ત પ્રજાજનોને લીધે સંક્રમિત થઇ જાય તેવા પુરા ચાન્સીઝ છે.

જ્યારે અમદાવાદ અને અન્ય ચાર મહાનગરોમાં દિવાળી બાદ રાત્રી કરફ્યુ ધીમેધીમે ઘટાડવામાં આવ્યો એમ લોકો વધુને વધુ બહાર નીકળવા લાગ્યા હતા. નાના ધંધાદારીઓ ખાસ કરીને ખાણીપીણીની લારીઓ ચલાવનારાઓ માટે રાત્રી કરફ્યુ શ્રાપ છે એમાં કોઈજ શંકા નથી, પરંતુ લોકો એ જ ખાણીપીણીની લારીઓ પર ભીડ કરતા હતા એ પણ આપણે જોયું જ છે. વધુ કમાણીની લાલચમાં આ લારીવાળાઓએ પણ તેના ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે એવા કોઈજ પગલાં લીધા ન હતા. આ જ કારણસર રાત્રી કરફ્યુ અમલમાં મુકવામાં આવે છે, બાકી કોરોનાતો અત્રતત્ર સર્વત્ર છે જ અને એ પણ ચોવીસ કલાક.

મુદ્દાની વાત એટલી જ છે કે લોકડાઉન હવે ન તો સરકારને પોસાય એમ છે કે ન તો આપણને. હા વિકેન્ડ લોકડાઉન હાલના સંજોગોમાં એક ઉપાય છે ખરો પરંતુ તે એટલો અસરકારક નથી એવું નિષ્ણાતો કહી રહ્યા છે. આ બધાનો એક જ ઉપાય છે અને એ એવો છે કે જ્યાં સુધી આપણને એટલેકે સામાન્ય પ્રજાને અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન જ નીકળવું અને આ નિયમ આપણા તમામ પરિવારજનો પાસે પણ સખતાઈથી અમલમાં મુકાવવો.

જ્યાં પણ ભીડ હોય ત્યાં ન જ જવું, પછી તે હોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય, ચ્હાની લારી હોય, ખાણીપીણી બજાર હોય કે પછી ચૂંટણી સભા હોય, રેલી હોય કે ક્રિકેટ મેચ. આપણને કોઇપણ લમણે બંદૂક મુકીને આ જગ્યાએ જવાનું કહેતું નથી. જો બહાર જવાનું થાય અને એ પણ ખાસ કારણોસર તો માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, ખિસ્સામાં સેનેટાઈઝરની નાનકડી બોટલ રાખી તેનો જરૂર પડે ઉપયોગ કરીએ અને ઘેર પરત આવ્યા બાદ ન્હાઈને શરીરને સંપૂર્ણ સ્વચ્છ કરી દઈએ.

કોઇપણ ગામ, નગર, મહાનગર, રાજ્ય કે દેશ હશે, ઉપરોક્ત સલાહનો અમલ જ આપણને કોરોનાથી ફક્ત દૂર રાખી શકશે, સુરક્ષિત નહીં રાખી શકે કારણકે આ સલાહનું પાલન ન કરનારનું પાપ આપણને ગમે ત્યારે લાગી શકે છે.

૭ એપ્રિલ ૨૦૨૧, બુધવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here