શું તમને ખબર છે કે આપણા દેશમાં સાસુઓના કુલ કેટલા પ્રકાર હોય છે?

0
521
Photo Courtesy: vivahcreations.com

લખવાની શરૂઆત કરું છું ત્યારે એક વાતની સ્પષ્ટતા કરવાની છે. આ લેખ માત્ર મારાં અવલોકનનો નિષ્કર્ષ છે અને કોઈ સન્નારીએ લાગતી વળગતી અટકળો કરી વાત મન પર ન લેવી. (સ્ત્રી પોતે જ એક જટિલ કોયડો છે. સાસુ માત્ર એનું એક સ્વરૂપ.)

ઓનલાઇન ખરીદીના વિકલ્પમાં કિંમત ચડતા ઉતરતા ક્રમમાં આવે તેમ ગુણ અવગુણ મુજબ High to low કે low to high જવું એ વિમાસણ છે. ગુજરાતીને low to high વધુ ફાવશે.

પહેલી કેટેગરી ક્યારેય ન નડી શકે તેવી સાસુની છે. લગ્ન પહેલાં જ ‘સ્વ.’ લાગેલા સાસુઓ. ફોટો સિવાય ક્યારેય રૂબરૂ ભેટો થવાનો સવાલ જ ન આવે. આખી જિંદગી એ કેવા હતાં એ જ સાંભળવાનું, એથી વિશેષ કશું નહીં.

બીજું લેવલ. ‘બુદ્ધ સાસુ’. આવી સાસુઓ જવલ્લે જ મળે. મોટા ભાગે આવી સાસુઓને અમુક જ્ઞાન લાધેલું જ હોય છે, પોતાના જીવન પરથી. પોતે ખૂબ સહન કર્યું હોય અથવા અત્યારે સમાજમાં ભણેલી છોકરીઓ કેવું લગ્ન જીવન પસંદ કરે છે તેની આ સાસુઓને પૂરેપૂરી સમજ હોય છે. વહુ ગમે તે પહેરે, મન પડે ત્યાં જાય, નોકરી કરે અથવા ઘરમાં બેસી ટીવી જુએ આપણે શું? (વહુ આવે પછી જ આ ક્યાં ગયા, કેમ ગયા પળોજણ શરૂ થાય. દીકરા જ્યાં સુધી અપરણિત હોય ત્યાં સુધી વાંધો હોતો જ નથી.) આ પ્રકારની સાસુ લાંબે કે ટુંકે ગાળે સન્માનપત્ર બને જ છે.

આ પ્રકારમાં એક પેટા પ્રકાર છે ડરપોક સાસુનો. લાંબી સમજ હોય કે ના હોય, એમને સતત ભય હોય કે ન કરે નારાયણને વહુ જોરદાર હશે તો ક્યાંક આપણને એમ એસ ધોનીના હેલિકોપ્ટર છગ્ગા શોટ માફક ફટકારી મેદાન બહાર ફેંકી ન દે. એટલે બને ત્યાં સુધી વહુથી દુર જ રહેવું સારું.

ક્રમાંક ત્રીજો. સખી સહિયર. વહુની પસંદગી થાય એટલી વાર. ‘…અરે મારે મન તો એ દીકરી જ છે. અમારે ત્યાં એવું છે જ નહીં. મને પોતાને બહુ શોખ. હવે અમે ફ્રેન્ડ્ઝ ની જેમ રહીશું. મારે હવે કંપની !’ ક્યારેક કમનસીબે બહુ નિખાલસ સાસુને વહુ ભટકાઈ જતી હોય છે અને આ મિત્રતાની ‘કહું તેવી’ વહુ તુરંત કરી નાખે છે. પણ જો સખી સંબંધો ટક્યા તો ય શું? જાણ્યે અજાણ્યે તેમાં હરીફાઈ ઉમેરાય છે. વહુએ આમ લીધું તો હું કેમ રહી જાઉં અથવા વહુને સાસુ દરેક વાતમાં સમોવડી થવા પ્રયત્ન કરે તે ના ગમે. ઉંમર તો જોવી પડે ને !

ચોથા નંબરે આવે મીંઢી સાસુ. માસ્તર મારે ય નહિ ને ભણાવે ય નહિ એ ટાઇપ. પહેલા દિવસથી એને કળવી જ મુશ્કેલ હોય. શું ગમશે કે નહિ ગમે તે કહી ન શકાય. મુંગે મોએ બધું ધ્યાનમાં રાખતી આ સાસુ મનમાં ઘણું ભરીને બેઠી હોય. મોકો મળે પદ્ધતિસર હુમલો કરે પણ ખરી. ડોળા આમતેમ ફેરવી તમામ હિસાબ રાખતી હોય એટલે વહુ પણ અમુક રસ્તા કરી લેતી હોય અને અમુક છુપાવતી હોય. માઈક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરનારી સાસુ અંતે તો બધું આમેય જાણી જ લેશે એટલે શું ફરક પડે, વ્યક્ત કરો કે ના કરો. જાહેરમાંય આ સાસુ કેટલું સાચું કહે છે કે નથી કહેતી તે કળી ના શકાય. કેમકે વ્યક્ત કરવું કે છતું થવું એના સ્વભાવ વિરુદ્ધ છે. દાવપેચ અને લુચ્ચાઇમાં આ કેટેગરીને પડકાર આપવો મોંઘો પડી શકે.

હોંશિયાર સાસુ-પંચમ પદ. વહુને ઘરમાં લાવે એ તો પછીની વાત. ઘર બતાવે ત્યાં જ પોતે કેટલી આવડત વાળી છે તેનો પરચો મળવા લાગે. ઘરની સજાવટ, અથાણાં,પાપડ, મસાલાની જાળવણી, રસોઈ અને મહેમાનગતિ, પલંગ, ટેબલ, ખુરશી, પડદાની માવજત, કામવાળી પરની લગામથી માંડીને સસરા પરની પકડ. રેડી રેકનર જ સમજોને. તમે કોઈ પણ પ્રશ્ન રજૂ કરો તેટલી વાર. મુદ્દાસર થિયરી અને પ્રેકટીકલ. હલ આવ્યો જ સમજો, પ્રશ્નની સાથોસાથ પ્રશ્ન પૂછનારનો પણ. કોઈપણ કાળે આ પ્રકારની સાસુને હરાવી શક્ય જ નથી. અભિમન્યુના કોયડાની જેમ વહુએ ફર્યા કરવાનું. સામી થાય કે શરણાગતિ સ્વીકારે, સલાહ સૂચનાઓ અને ડહાપણ પુરવઠો મફતમાં મળતો જ રહેવાનો. નોંધપાત્ર બાબત એ કે આ પ્રકારની સાસુની દીકરી પોતે ‘દીવા પાછળ અંધારા’ હોય પણ વહુને સાસુની ઝેરોક્સ કોપી બનવા ફરજ પડે.

નંબર છ: મુંહ મેં રામ, બગલ મેં છુરી. આ સાસુ બહારની દુનિયા માટે ખૂબ પ્રેમાળ આદર્શ સ્ત્રી હોય. કોઈ માની ન શકે કે ઘરમાં તેઓ કેટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મંદિરમાં ભજન અને ઘરમાં નર્યો ત્રાસ. કોઈને એમની ઉપસ્થિતિમાં જરા જેટલી શંકા ના જાય કે આ ભોળા દેખાતા ચહેરા પાછળ સીરિયલ કિલર જેટલી જ ગૂઢ વ્યક્તિ છે. આ પ્રકારની સાસુ બીમાર પડે ત્યારે ન થાય એટલા નાટકો ઓછાં.

સપ્તમ સ્થાન ઉપર સર્વ ગુણ સંપન્ન- તોડી નાખ તબલાં ને ફોડી નાખ પેટી બ્રાન્ડ સાસુ. બધી જ સાસુમા ટોપ સ્થાન પર આનો સમાવેશ થાય. હિન્દી ટીવી પર આવતી તમામ સામાજીક શ્રેણીઓનું આગવું મિશ્રણ સમજવું. છળ, કપટ, ખટપટ, ત્રાસ, વેર, ઝેર, કાવા દાવા, માઠા સાચા, કડવાશ અને શું નું શું ન કરી શકે તે શ્રુંખલા આ છે. વહુ પછીની વાત, એક એક માણસને એમના અનુભવ થયેલા હોય. જોવાની વાત એ કે સંપૂર્ણ બિન્દાસ, એક ગુંડા સમાન ધાક ધરાવતી આ સાસુ ક્યારેય કોઈ સાથે સ્થિર સંબંધ જાળવી શકતી નથી હોતી. ખુલ્લી તલવાર સાથે આક્રમણ કરવાની તૈયારી ધરાવતી આવી મહિલાઓને બધા દૂરથી જ સલામ કરે છે. સાસુ તરીકેની છાપ તો બાજુ પર, ખતરનાક મહિલાના રોલમાં આવી સ્ત્રીઓ ઓલ રાઉન્ડર તરીકે ઝળકે છે. રૂઆબ કે ઠસ્સો એવા કે કોઈ આડું ઉતરે શેનું ?

દલીલ એવી પણ થઈ શકે કે દીકરાની મા જ કેમ ખરાબ. મારે પુત્ર નથી પણ સાસુ તો હું ય બનીશ. હું સહમત થાઉં છું કે દીકરીના જીવનમાં જોર કરે તેવી સાસુઓ પણ પડી છે. દીકરીનો વાળ વાંકો ન થાય તેની તકેદારી તો રાખવી પડે ને! જમાઈની દયાજનક સ્થિતિ હોય તેવા કિસ્સાઓ પણ બને. ઘર ઉપર અધિકાર દીકરી અને તેની માનો. એક એક વસ્તુ એમની મરજી મુજબની અને છતાં કંટ્રોલ ગુમાવવાની ધાસ્તી.

સાસુ જ નહી, વહુ તરીકે પણ આ જ રીતે ચડતા ઉતરતા ક્રમમાં ભાગ પડી ઘણું લખી શકાય. ભારત જેવા દેશોમાં, જ્યાં સમાજ વ્યવસ્થા અમુક પ્રકારની હોય ત્યાં સામસામી બંને બાજુએ પ્રશ્નો રહેવાના. પુરુષો ઉપર હિંસક આક્ષેપો હોય, જ્યારે સ્ત્રીઓ વગર હથિયારે કત્લ-એ-આમ કરી શકે.

બહેનો, સૌના નસીબે ઉપરની કોઈ એક કેટેગરી અથવા મિક્સ ચવાણાની માફક બે ત્રણ પ્રકારનું કોમ્બિનેશન આવ્યું હોય તો ય અહી લખી નહિ શકાય, ફક્ત સમજી શકાશે. હા, અહીં કોઈ વેરાયટી ચુકાઈ હોય તો ચોક્કસ ધ્યાનમાં લાવજો.

समझ समझ के समझ को समझो,

समझ समझना भी एक समझ है,

समझ समझ के जो ना समझे,

मेरी समझ में वो नासमझ है l

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here