આજના સમયની માંગ: સકારાત્મકતા જ દરેક બીમારીની દવા છે

0
360
Photo Courtesy: enterprise irregulars

કોવિડના કારણે આજે પરિસ્થિતિ ખરાબ જ છે તે આપણે જાણીએ છીએ પરંતુ કોઈપણ ખરાબ પરિસ્થિતિ માં સકારાત્મક રહેવું એ પણ એક કળા છે. સકારાત્મકતા દરેક બીમારીની દવા છે. એક વાત એ પણ સાચી છે કે જયારે પોતાના લોકો પર વીતે ત્યારે કેટલું સકારાત્મક રહેશો !! ઘણા લોકોને મનમાં લાગે  કે ખાલી વાતો કરવાથી કે લખવાથી થોડી સકારાત્મકતા આવી જાય? તો તેમની વાત પણ સાચી… અત્યારે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સાચો જ છે. 

સરકાર દોષી છે, લોકો નથી સમજતા, હોસ્પિટલો ફૂલ છે, તકલીફ વધારે છે, માણસ પીડા ભોગવી રહ્યો છે, ડોકટરો ખૂબ કામ કરી રહ્યા છે…. ઘણું બધું આપણી આજુબાજુ થઈ રહ્યું છે..તેમાં દરેકને પોતાની સ્ટોરી હશે જ… દરેક વ્યક્તિ ક્યાંકને ક્યાંક માનસિક, શારીરિક કે આર્થિક રીતે ઝઝૂમતો હશે. શું કરી શકાય આવી પરિસ્થિતિમાં? આપણી આજુબાજુ કેવી રીતે સકારાત્મક વાતાવરણ ઊભું કરી શકાય? અત્યારે શું કરી શકાય?

  1. રહેવાનું તો ઘરમાં જ છે જેને ફરજીયાત કામ માટે જવું પડશે તે જવાના છે, તો પરિસ્થિતિનો સ્વીકાર કરવો. જે લોકોને કોરોના થયો છે તે લોકો કોઈને કોઈ રીતે લડી રહ્યા છે. તેમને સપોર્ટ આપવો. જે લોકોને નથી થયો તે લોકો કોરોનાથી કેમ બચવું તે માટે લડી રહ્યા છે, કોઈ રોજી રોટી માટે લડી રહ્યું છે, બધાની પોત પોતાની લડાઈ છે. બની શકે તો વ્હોટસેપ પર નેગેટીવ માહિતી શેર ન કરવી. આ એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણી આજુબાજુના લોકો ને સકારાત્મકતા આપવી. એકબીજાની હૂંફથી જ સારું થઈ શકશે.
  2. જયારે તમને નકારાત્મક વિચાર આવે ત્યારે તમારું મન ક્યાંક બીજે ડાયવર્ટ કરી દો. કોઈકની સાથે વાત કરી લો, ટીવીમાં ન્યુઝ નહિ પણ કોઈ કોમેડી મુવી જોઈ લો, મોબાઈલમાં નેગેટીવ ન્યૂઝ જોવાનું ટાળો. ગાર્ડનીંગ કરી શકાય, સુડોકુ રમી શકાય. બની શકે તો છાપું બંધ કરાવી શકાય. આજકાલ દરેક જાણવા જેવા ન્યુઝ મોબાઈલમાં મળી જ જાય છે. છાપામાં મોટાભાગે નેગેટીવ ન્યૂઝ હોવાના અને તે વાંચીને તમને શું અસર થશે તે વિશે વિચારો. દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ હોય છે તેવી જ રીતે દરેક વ્યક્તિ ના ડાયવર્ટ થવાના માર્ગ પણ અલગ અલગ હોય છે. તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે તમે કઈ વસ્તુ કરવાથી ડાયવર્ટ થઈ શકો છો.
  3. આધ્યાત્મિકતા કેળવો. જરૂરી નથી પૂજા પાઠ અને દીવો કરવો એટલે જ આપણે આધ્યાત્મિક કહેવાય. તમને ફાવે તે રીતે કરો. તેને લગતું વાંચન કરો, તેને લગતા વિડીયો જુઓ, મંદિરોને લગતી ઘણી બધી માહિતી હોય છે તે જુઓ. કોઈ સ્તુતિ સાંભળવી ગમતી હોય તો સાંભળો. 
  4. કહેવાય છે કે સારું વિચારો તો સારું થાય તો તમારા વિશે સારું વિચારવાનું ચાલુ કરી દો. દરેક વાત માં કંઈક ને કંઈક સારી વાત શોધો. તમે એકલા છો તેવું વિચારવાનું છોડી દો.
  5. પોતાના શોખ કોઈ પણ ઉંમરમાં પુરા કરી શકાય છે એટલે ઉંમર વિશે ન વિચારતા તમારા શોખ પુરા કરવા વિશે વિચારો. અને ખાસ વાત નકારાત્મક લોકોથી દુર રહો. ઘણા લોકોને પોતાના દુઃખ વારંવાર કહેવાની ટેવ હોય છે. એકવાર આપણે સાંભળી લઈએ પણ જો તે વ્યક્તિ વારંવાર પોતાના જ દુઃખ ને વાગોળતી હોય તો તે વ્યક્તિ સાથે વાતચીત ઓછી કરી દો. મહેરબાની કરી ને એવું ન વિચારતા કે એ વ્યક્તિ કોની પાસે જશે? તે વ્યક્તિ તમે નહિ સાંભળો તો બીજા ને શોધી જ લેશે. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં પણ કોઈ બીજી બાબતોને લઇ ને પણ નેગેટીવીટી ન રાખો. ખુશ રહો અને સકારાત્મક વાતો કરો.
  6. તમારી આત્મા કે મન ને ભાર લાગે તેવું કઈ ન કરો. મન હળવું થઇ શકે તેવું કરો. વિચારો કરો , આત્મમંથન કરો હવે પછી ને 10 વર્ષમાં તમે શું કરવા માંગો છો તેનું લિસ્ટ બનાવો. જયારે તમારા મન પર વાસ્તવિકતા નો ભાર ખુબ વધી જાય ત્યારે કાલ્પનિક દુનિયા માં જવું હિતાવહ છે. શેખચલ્લી ની જેમ સપના જુઓ. મજા આવશે. એટલીસ્ટ તમે નેગેટિવ વિચારો માંથી તો બહાર આવી જ જશો.
  7. છેલ્લું પણ યાદ રાખવા જેવું ભગવાન માં શ્રદ્ધા રાખો. તમારી પોતાની જાત પર શ્રદ્ધા રાખો. ખરાબ પરિસ્થિતિ માં પણ ભગવાન પર ભરોસો રાખો. તમારું મનોબળ મક્કમ રાખો. મક્કમ મનોબળ થી કોઇપણ જંગ જીતી શકાય છે. 

આ આર્ટીકલ વાંચ્યા પછી તમને જો તમારી કોઈ વાત શેર કરવી હોય તો અમે તે સાંભળવા તૈયાર છીએ, જો કોઈને સતત નેગેટિવ વિચારો આવતા હોય અને થોડી હકારાત્મકતા જોઈતી હોય તો તમે નીચે  મેઈલ પર સંપર્ક કરી શકો છો. [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here