ધ બિગ બુલ: હર્ષદભાઈ સામે હેમંતભાઈ ક્યાં કાચા પડ્યા? | Review

0
400
ધ બિગ બુલ_eChhapu

ગત શનિવારે ‘ધ બિગ બુલ’ જોતી વખતે એક જૂની વાત તાજી થઇ ગઈ હતી. 1984ની સાલમાં એક જ વિષય પર ત્રણ ફિલ્મો રિલીઝ થઇ હતી. અમિતાભ બચ્ચન અને શ્રીદેવીની ‘ઇન્કલાબ’, રાજેશ ખન્ના અને શબાના આઝમીની ‘આજ કા MLA રામાવતાર’ અને જીતેન્દ્ર અને ઝીનત અમાનની ‘યહ દેશ’. આ ત્રણેય ફિલ્મો એક જ વાત કહેતી હતી કે કેવી રીતે એક સામાન્ય માણસ સામે એવા સંજોગો ઉભા થાય છે કે તે અચાનક જ રાજકારણમાં જોડાઈ જાય છે અને છેવટે એ જ કાર્યો કરવા લાગે છે જે વસ્તુઓને તે સામાન્ય માણસ તરીકે ધિક્કારતો હતો.

તે સમયે અમિતાભ બચ્ચનનો ‘જમાનો’ હતો એટલે ‘ઇન્કલાબ’ સુપર ડુપર હીટ ગઈ જ્યારે બાકીની બંને ફિલ્મો ફ્લોપ. વ્યક્તિગત મતે રાજેશ ખન્નાવાળી ‘આજ કા MLA રામાવતાર’ની સ્ક્રિપ્ટ વધુ સારી હતી. જે હોય તે, પણ હકીકત એ છે કે જ્યારે પણ કોઈ એક જ વિષયને લઈને એકથી વધુ ફિલ્મો બને, સિરિયલ્સ બને કે પછી વેબ સિરીઝ બને, કોઈ એકે જરૂર સહન કરવાનું આવે છે. આ પાછળના કારણ અલગ અલગ હોઈ શકે, પહેલાં રિલીઝ થવાનું કારણ, બહેતર સ્ટારકાસ્ટ કે પછી બહેતર સ્ક્રિપ્ટ.

1984માં પોતાના સ્ટાર પાવરને કારણે અમિતાભ બચ્ચને તો એ ત્રિકોણીય જંગ જીતી બતાવ્યો હતો પરંતુ તેના લગભગ 37 વર્ષે તેમના પુત્ર અભિષેક બચ્ચનને એક દ્વંદ્વ યુદ્ધમાં સહન કરવાનું આવ્યું છે. ‘ધ બિગ બુલ’ 1992ના હર્ષદ મહેતા સ્કેમની વાત કરે છે, જે વાત આપણે ગયે વર્ષે Sony Liv એપ પર ‘Scam 1992’ વેબ સિરીઝમાં માણી ચુક્યા છીએ એટલે સહુથી પહેલાં તો આ ફિલ્મ આપણને તેના વિષયના નાવીન્ય બાબતે આશ્ચર્ય પમાડવામાં નિષ્ફળ નીવડે છે.

માત્ર જાણીતી વાર્તા જ આ ફિલ્મની સમસ્યા નથી, પરંતુ જે રીતે આ વાર્તા કહેવામાં આવી છે એ પણ એક સમસ્યા છે અને કદાચ તે આ ફિલ્મની સહુથી મોટી સમસ્યા પણ છે. વેબ સિરીઝમાં આરામથી વાર્તા કહી શકાય છે જ્યારે કોઈ ફિલ્મમાં એ જ વાર્તા તમને અઢીથી ત્રણ કલાકમાં કરી દેવાની હોય છે. આથી આ ફિલ્મને વાર્તા કહેવામાં જે પહેલી સમસ્યા નડી છે તે છે સમયના અભાવની જેથી તેની વાર્તાના બે થી ત્રણ દોરાઓ અંદરોઅંદર જ ગૂંચવાઈ જાય છે.

‘Scam 1992’ સિરીઝના 10 એપિસોડ્સ છે અને એવરેજ ગણીએ તો દરેક એપિસોડ 50 મિનીટ નો છે. આથી સિરીઝના લેખકને અધધધ 500 મિનીટ્સ મળે છે હર્ષદ મહેતા વિષે તેની વાર્તા કહેવા માટે. આ ઉપરાંત લેખક પાસે વાર્તાને વિકસિત કરવા માટે અને તેના દરેક પાત્રની જીણામાં જીણી વાત કહેવા માટે પૂરતો સમય છે. એટલેજ Scam 1992માં આપણને નાના-નાના પાત્રો જેવાકે મનુ મુંધડા અને તેના સ્ટાફના લોકો વિષે પણ પૂરતી માહિતી આપવામાં આવી હતી.

જ્યારે ધ બિગ બુલના લેખક પાસે સમયની જરા પણ સ્વતંત્રતા ન હતી અને એટલે જ તમે જો Scam 1992 જોઈ હોય તો તમને આ ફિલ્મ જોતાં ઘણુંબધું મીસ થઇ રહ્યું હોય એવો અનુભવ સતત થતો રહેશે. ફિલ્મમાં હર્ષદ મહેતા સિવાયના પાત્રોને વેબ સિરીઝ કરતાં ઘણું ઓછું અથવાતો નહિવત મહત્વ આપવામાં આવ્યું છે. ફિલ્મ જોતાં એવું જરૂર લાગે કે આ ફિલ્મમાં અભિષેક બચ્ચન જેણે હર્ષદ મહેતાનું પાત્ર ભજવ્યું છે તેને જ મહત્ત્વ આપવું બાકી બધા પાત્રોને નહીં એવું ફિલ્મના લેખક અથવાતો નિર્દેશક નક્કી કરીને બેઠાં છે.

એક બીજી હકીકત જેણે ધ બિગ બુલને સહુથી મોટું નુકશાન પહોંચાડ્યું છે તે એ છે કે સ્ટોક માર્કેટનું ગણિત સામાન્ય માણસને સરળતાથી સમજાય એવું નથી. એમાંય જો આ સ્ટોક માર્કેટનું સ્કેમ સમજાવવાનું હોય તો તો ભલભલા ધક્કે ચડી જાય. ‘Scam 1992’માં સમયની સ્વતંત્રતા હોવાને કારણે આપણને શેરબજારની નાનામાં નાની વાતો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે BR એટલેકે બેંક રિસીપ્ટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે, અથવાતો સ્ટોક માર્કેટમાં ઇનસાઈડર ટ્રેડીંગ શું છે અને તે કેમ થાય છે વગેરે. ધ બિગ બુલ પણ એ જ વાત કરે છે પરંતુ તે જોતી વખતે આપણને એવું લાગે છે કે કોઈ ફાસ્ટ પીચ પર ફાસ્ટ બોલરે આપણને બાઉન્સર નાખ્યો હોય, એટલેકે આપવામાં આવેલું બધું જ જ્ઞાન ઉપરથી જતું રહે છે.

ત્રીજી હકીકત જેણે ધ બિગ બુલ માટે કુસેવા કરવાનું કામ કર્યું છે તે એ છે કે ફિલ્મના બીજી હરોળના કલાકારો કે પછી સપોર્ટીંગ એક્ટર્સ એટલા બધા જાણીતા નથી જેટલા કે ‘Scam 1992’માં જોવા મળ્યા હતા. એ સિરીઝમાં સતીશ કૌશિક હતા જેણે આપણને એમની અદાકારી દ્વારા એ સમજાવી દીધું હતું કે તેઓ જ હર્ષદ મહેતાના સહુથી મોટા દુશ્મન છે, પરંતુ અહીં એ ભૂમિકા ભજવતા સૌરભ શુક્લા આપણામાં એ પ્રકારની લાગણી જન્માવી શક્યા નથી. કદાચ સૌરભ શુક્લાનું પાત્ર પુરતું વિકસિત કરવામાં નથી આવ્યું એ કારણ પણ પેલી લાગણી ઉભી કરવામાં નિષ્ફળતાનું મોટું કારણ હોઈ શકે.

આપણે ‘Scam 1992’ની ત્યાગી અને અજય કેડિયાની જોડીને કેમ ભૂલી શકીએ? અહીં ‘ધ બિગ બુલ’ એવા કોઈજ પાત્રોની વાત નથી કરતી. ઉપરાંત વેબ સિરીઝમાં અનંત મહાદેવન હતા જેમણે RBI ગવર્નરનો ઇમ્પ્રેસિવ રોલ કર્યો હતો. અને હા રજત કપૂરને કેમ ભૂલાય જે CBI જોઈન્ટ ડિરેક્ટર કે માધવન બનીને લગભગ આઠમાં એપિસોડમાં આવ્યા હતા અને છવાઈ ગયા હતા? આ ફિલ્મમાં કોઈ જ CBI ઇન્ક્વાયરી નથી દર્શાવવામાં આવી, હા ઇન્કમ ટેક્સની એક રેઇડ જરૂર દર્શાવવામાં આવી છે જે અત્યંત નીરસ લાગે છે. આ ઉપરાંત અહીં JPC ઇન્ક્વાયરીની ઉપરછલ્લી વાત જ કરવામાં આવી છે જે વેબસિરીઝમાં માંડીને કરવામાં આવી હતી.

છ મહિના પહેલાં આપણામાંથી મોટા ભાગના શ્રેયા ધનવંતરી, અંજલિ બારોટ કે પછી હેમંત ખેરને નહોતા ઓળખતાં જેમણે ‘Scam 1992’માં અનુક્રમે સુચેતા દલાલ, જ્યોતિ મહેતા અને અશ્વિન મહેતાની ભૂમિકાઓ ભજવી હતી પરંતુ હવે ઘેરઘેર આ તમામના નામ લોકપ્રિય થઇ ગયા છે. અહીં ઈલીયાના ડી’ક્રુઝ ‘સુચેતા દલાલ’નો રોલ કરે છે પરંતુ તેનું પાત્ર અધકચરું જ લાગે છે. વળી ઈલીયાના રસ્તામાં એકલા પડેલા પથ્થરની જેમ અભિનય કરે છે. ‘ધ બિગ બુલ’ જો કોઈ કારણસર યાદ રાખવામાં આવશે તો એ અભિષેક બચ્ચનને લીધે જ અને બાકીના તમામ કલાકારો ભૂલી જવામાં આવશે (કદાચ અત્યારથી જ ભુલાઈ ગયા હોય તો નવાઈ નહીં!).

કદાચ ‘Scam 1992’ એ સુચેતા દલાલના પુસ્તક પરથી ઓફિશિયલી બનાવવામાં આવેલી સિરીઝ હોવાને લીધે તેના પાત્રોના નામ જે હતાં તે જ રાખવામાં આવ્યાં છે અને આથી તે દર્શક માટે વધુ અસરકારક અને મન પર લાંબા સમય સુધી છાપ છોડનારા છે. જ્યારે અહીં આપણને એમ કહેવામાં આવ્યું છે કે અભિષેક બચ્ચન જે હેમંત શાહ બન્યા છે તેને તમે હર્ષદ મહેતા માનીને ચાલો. આ એક મહત્ત્વનો માઈનસ પોઈન્ટ ‘ધ બિગ બુલ’ પોતાની સાથે લઈને ચાલે છે.

જો કે ફિલ્મની શરૂઆત ખાસ્સી ઉત્સાહપ્રેરક છે, ખાસ કરીને જ્યારે અભિષેક યુનિયન લિડર સાવંત, જેની ભૂમિકા મહેશ માંજરેકરે ભજવી છે, તેને મળવા જાય છે. આ સીન જોતાં જોતાં એવું જરૂર લાગે કે ના, આ ફિલ્મ પેલી સિરીઝ કરતાં જરૂર થોડી અલગ હશે, ભલેને વાર્તા એક સરખી હોય? પરંતુ આ દ્રશ્યના તુરંત બાદ જેમ સોડાની બોટલ ખોલવાની સાથે આવેલો ઉભરો થોડીવારમાં શમી જાય છે એમ આપણો ઉત્સાહ તરતજ મોળો પડવા લાગે છે, કારણકે આપણે એક બહેતર ટ્રીટમેન્ટવાળી વાર્તા અગાઉ જોઈ ચુક્યા છીએ. એક દ્રશ્ય જ્યાં એવું લાગે છે કે અહીં જ ઈન્ટરવલ પડતો હશે, એ પત્યા પછી તો હવે આ ફિલ્મ ક્યારે પતે એવી લાગણી થવા લાગે છે.

ધ બિગ બુલમાં એક પણ ડાયલોગ એવો નથી જે  યાદગાર બની રહે, જ્યારે ‘Scam 1992’ તો જાણેકે યાદગાર સંવાદોની મશીનગન હતી, એક સાંભળો કે બીજો તૈયાર હોય તમને હચમચાવી નાખવા. ફિલ્મમાં એક ગીત છે પરંતુ એમાં પણ જરાય ‘મીઠું’ નથી (pun intended) અને ‘Scam 1992’નું થિમ મોટાભાગના લોકોના મોબાઈલની રીંગટોન કે પછી કોલર ટ્યુન બની ચૂકી છે.

વ્યક્તિગત રીતે અભિષેક બચ્ચન હર્ષદ મહેતાના દેખાવની વધુ નજીક લાગે છે, કદાચ એટલા માટે કારણકે તેણે હર્ષદ મહેતા દેખાવા માટે ખાસ વજન વધાર્યું હતું. પરંતુ જો હર્ષદ મહેતાને જીવંત કરવાની વાત હોય તો બેશક પ્રતિક ગાંધી મેદાન મારી જાય છે, તેના પાતળા શરીર સાથે. આ ઉપરાંત ફિલ્મમાં બે થી ત્રણ વખત અભિષેક બચ્ચન અટ્ટહાસ્ય કરતો બતાવે છે ત્યારે જાણેકે રાવણ હસી રહ્યો હોય એવું લાગે છે, જે અત્યંત અસહ્ય છે અને તેની અદાકારીના પોઈન્ટ્સ માઈનસ કરી દે છે. એનો મતલબ જરાય એવો નથી કે અભિષેકે ઓવર એક્ટિંગ કરી છે. ફિલ્મમાં એ જ અભિષેક બચ્ચન જોવા મળે છે જે અદાકારી પાછળ કાયમ તેની 100% મહેનત આપે છે. આપણને હેમંત શાહમાં ગુરુભાઈના શેડ્સ લાગે પણ બસ એ શેડ્સ પૂરતાં જ મર્યાદિત છે.

અભિષેક બચ્ચનનું કમનસીબ તેનો સાથ છોડવા કદાચ હાલપૂરતું તૈયાર નથી. શરૂઆતમાં તેની સરખામણી તેના પિતા અને લેજન્ડરી અભિનેતા અમિતાભ બચ્ચન સાથે થઇ જે તેની ખુદની અદાકારી પ્રત્યે અન્યાય હતો. હવે જ્યારે તેને ‘ગુરુ’ બાદ કદાચ પહેલીવાર એક અલગ જ વિષય પર પોતાની એક્ટિંગ દેખાડવાની તક મળી ત્યારે તેની સરખામણી પ્રતિક ગાંધી સાથે થશે કારણકે તેણે એ જ વિષય પર થોડા મહિનાઓ અગાઉ જ એક સફળ વેબ સિરીઝમાં એ જ પાત્રની અદાકારી કરી હતી.

અંતે, એમ કહી શકાય કે ધ બિગ બુલ એ માત્ર અને માત્ર અભિષેક બચ્ચન શો જ છે અને તેમાં એક પણ X ફેક્ટર નથી જે ફિલ્મને ‘Scam 1992’ જોયા પછી પણ જોવાલાયક બનાવે. ફિલ્મ સ્ટોક માર્કેટનો અત્યંત અઘરો વિષય લઈને આવી છે જે વિષયને તે પોતાના પ્રેક્ષકોને ન તો સમજાવી શકતી કે ન તો તેને સરળ બનાવીને તેને મજા કરાવી શકતી. ધ બિગ બુલના નિર્માતાઓએ ખરેખર તો પ્રવર્તમાન પરિસ્થિતિનો આભાર માનવો જોઈએ કારણકે તેમને આ  કારણે OTT પ્લેટફોર્મ પર ફિલ્મને ફરજિયાતપણે રિલીઝ કરવી પડી અને તેથી જ તેમને થિયેટરમાં મળવાના હતાં તેનાથી વધુ દર્શકો મળી રહેશે.

૧૫મી એપ્રિલ ૨૦૨૧, ગુરુવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here