મારોય એક જમાનો હતો (3): એન્ટિનાવાળા ટીવી અને એક જ ચેનલ!

0
549
Photo Courtesy: The Verge

“બાપુજી તમારા રૂમ માટે નવું સ્માર્ટ ટેલીવીઝન લેવું છે? 54 ઇંચનું. હાલમાં સ્કીમ ચાલે છે.”

“તે આ સ્માર્ટ અને નોન-સ્માર્ટ એમાં ફરક શું? અને ટી.વી.માં પણ સ્કીમ આવે?”

“બાપુજી તમે જોઈને સમજશો. સમગ્ર દુનિયા તમારા આંગળીના ટેરવે આવી જશે.” 

“એમ? તો કરો કંકુના. આજે ઑર્ડર આપે તો ક્યારે આવશે આ સ્માર્ટ ટીવી?” 

“બાપુજી, ઓનલાઇન ઑર્ડર અપાઈ ગયો છે. 24 કલાકની અંદર સાંજે ડીલીવરી થઈ જશે. અને એના એક-બે દિવસમાં ઇન્સ્ટોલેશન વગેરે થઈ જશે. એટલે રેડી ટુ ગો.”

“એલા ટેલીવીઝન ઓનલાઇન? અને એમાં પણ ઇન્સ્ટોલેશન? નક્કી મોટા એન્ટેના હશે.”

“કમ ઓન બાપુજી, આવે એટલે સમજી જશો. બાકી ઓનલાઈન પર કેમ પ્રશ્ન થયો? તમારા જમાનામાં કેવું હતું?” 

“અરે બેટા, આજે ઓનલાઈન સ્માર્ટ ટેલિવિઝન કે એન્ડ્રોઈડ ટેલિવિઝન અઢળક ઓપ્શનમાં સસ્તા ભાવે ગણતરીના દિવસોમાં ઘરે આવી જાય છે. શહેરમાં કે ગામમાં દુકાનમાં કે શોરૂમમાં અઢળક ઑપ્શન અને હોમ ડીલીવરી સગવડ સાથે, હપ્તા પદ્ધતિનો લાભ… કન્ઝ્યુમરીઝમ સતત ઊંચાઈ વધારતી જાય છે.

દેવદિવાળી 1976 આપણા ઘરે પહેલી વખત બ્રાન્ડ ન્યૂ ટેલિવિઝન આવ્યું હતું. EC TV બ્રાન્ડ. EC – Electronic Corporation of India ભારત સરકારનું ઉપક્રમ. નોંધણી પ્રક્રિયા હોળી એટલે કે માર્ચ 1976ની હતી. ‘ગેટ વે ઑફ ઇન્ડિયા’ પાસે આવેલા ધનરાજ મહેલમાં આવેલ ઑફિસમાં રૂપિયા 2750/- પુરા ભરી, પ્રતીક્ષા કરવાની. દર બે મહિને પૂછપરછમાં સ્ટાન્ડર્ડ જવાબ: યુ વિલ્લ ગેટ્ટ અ ફોસ્ટખાર્ડ યીન્ન ખપ્પલ ઓવ ડેય્ઝઝ બાબા. ત્યાં બેઠેલા અન્ના સમજાવીને કાઢી મૂકે. 

એક જ મોડેલ. બ્લેક એન્ડ વ્હાઈટ. 20″ સાઈઝ. વાલ્વ વાળા ટીવી. 

એસેસરીઝનો તો ખજાનો. શટર વાળી કેબિનેટ અને આંખો ન બગડે એટલે બ્લુ કલરનો પ્રોટેક્ટીવ સ્ક્રીન. બસ. 

એક જ ચેનલ, ગણતરીના કલાકો જ કાર્યક્રમ. અને તમામ પાછા સ્ટુડીયો ચર્ચાઓ. છતાંય લોકો જોતા. (ઓપ્શનમાં રેડિયો જ હતો).

પણ એ લક્ઝરી હતી. મુંબઈ દુરદર્શન તે સમયે દરરોજ સાંજે 6 થી રાત્રે 11 સુધી પ્રસારણ કરતું. અઠવાડિયામાં ચાર તો મનોરંજન કાર્યક્રમો આવતા. ‘સુંદર માઝા ઘર’, ‘આમચી માતી આમચા માણુસ’, ‘કામગાર વિશ્વ’ વગેરે. આ ઉપરાંત મરાઠી સમાચાર “બાતમ્યા”. ગુજરાતી ભાષામાં ‘પારીજાત’ અને ‘આવો મારી સાથે’. 

મનોરંજન માટે ‘છાયાગીત’ (નોન સ્ટોપ 16 ક્લાસિક ગીતો કોઈપણ જાહેરાત વગર), ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’ – બેબી તબસ્સુમ દ્વારા ફિલ્મો સાથે સંકળાયેલા લોકોની મુલાકાત. તબસ્સુમ જબરી બોલતી. સામે જે હોય એને ઝાઝું બોલવા મળે નહીં. પણ મજા આવતી. 

શનિવારે મરાઠી ચલચિત્ર, નાટક, ગુજરાતી ચિત્રપટ અને નાટક ઓલ્ટરનેટ આવે. રવિવારે ક્લાસિક હિન્દી ફિલ્મ. 

આખા બિલ્ડીંગમાં બીજું ટીવી આપણા ઘરે આવેલું. મારા દાદાએ દરેકને માટે ઘરના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. એટલે ‘છાયાગીત’, ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’, શનિવાર-રવિવાર ફિલ્મોમાં મારા ઘરમાં 35-40 જણ ગોઠવાઈ જતા. બહાર ચાલીમાં, બારીમાંથી જોનારા અલગ. લાદી લાદી પર રીઝર્વેશનના થપ્પા લાગી જતા. 

એ પછી તો ઘણા બધા લોકોના ઘરમાં ટીવી આવ્યા. પણ ભીડ તો એવી જ રહી. ઝીરોના બલ્બમાં બધા ફિલ્મો કે ગીતોની દુનિયામાં ખોવાઈ જાય. કરૂણ ફિલ્મના દ્રશ્યો આંસુ વહાવી દેતા. સમુહમાં રૂદન અને સમુહમાં ખડખડાટ હાસ્ય. આ જ કારણ કે જેના ખુદના ઘરમાં ટીવી હોય તો પણ એ તમારે ત્યાં ક્યારેક તો આવી જાય. 

એક જુનું ગીત હતું, “વિડીયો કિલ્ડ ધ રેડીયો સ્ટાર….” બસ આ નજરે જોયું છે. રેડીયો આઉટડેટેડ થઈ ગયો અને સાથે સાથે ચોપાટી કે જુહુ બીચ હોય કે હેંગિંગ ગાર્ડન, રાણીબાગની ભીડ હોય, આ ટીવી એ બધું ખાઈ ગયું. પ્રત્યેક રવિવારે લાખોની મેદની વડે મુંબઈના સમુદ્ર કિનારા ઉભરાતા. પણ એ ભીડ ગાયબ થવા લાગી. 

‘એક બિલ્ડીંગ એક ટીવી’નો જમાનો હતો. અને હવે ઘરમાં જેટલા રૂમ એટલા ટીવી. 350+ ચેનલ્સ દેશની વિદેશની ભારતની તમામ ભાષાની ચેનલ… અતિરેક થઈ ગયો. એમાં પાછા તમારા મોબાઈલ પર ગાળાગાળી વાળી સીરીયલો, હવે બકા અમને પણ ખબર છે કે ઓ.ટી.ટી. તમને ટીચી રહ્યું છે. તમને ભલે વહેમ હોય કે તમે એને ટીચી રહ્યા છો.

અને એટલે જ ટીવીનો ફેઝ પણ ઓસરતો જાય છે. બહુ જલ્દી ટીવી લુપ્ત (obsolete) થઈ શકે છે. મોબાઈલ હવે પર્સનલ ટીવી કમ એન્ટરટેઈનર બની ગયા છે. સાથે સાથે કોમ્પ્યુટીંગ ડીવાઇસ પણ.  

ઈનોવેશન, હેબીટ્સ, પસંદગી અને પ્રાથમિકતા ઘણું બદલી નાખશે.” 

“બાપુજી, તમને તો ઘણી ખબર પડે છે.” 

“હા બેટા, ઇટ્સ ઓકે છે.” 

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here