O Womaniya (3): 110 વર્ષીય ‘વનદેવી’ સાલુમર્દા થિમક્કા આજે પણ અડીખમ!

0
552
Photo Courtesy: The Hindu

22મી એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ છે – World Earth Day! પર્યાવરણના સંરક્ષણને સમર્થન આપવા દર વર્ષે 22 એપ્રિલના રોજ ‘વર્લ્ડ અર્થ ડે’ ઉજવાય છે. તો આ અઠવાડીયે એક એવા પર્યાવરણવાદીની વાત કરવી છે જે આજે લગભગ 109 વર્ષની ઉંમરના છે અને અડીખમ છે.

સન 1910-11ની વાત. કર્ણાટકના ટુમકુરુ જિલ્લાના ગુબ્બી તાલુકામાં એક ગરીબ પરિવારમાં થિમક્કા નામની એક દીકરીનો જન્મ થયો. ગરીબીમાં જીવન જીવનારા થિમક્કાને પરિવારની વિષમ પરિસ્થિતિને કારણે ભણતર ન મળ્યું. ના તો કોઈ બીજું મનોરંજન એ સમયે હતું – બસ ખેતરમાં કામ કરો અને ઘરે રોટલા ઘડો. થોડી ઉંમર વધી એટલે થિમક્કા ખાણકામ અને મજૂરી કરવા પણ જવા લાગી.

સન 1928માં થિમક્કાના લગ્ન મગાડી તાલુકાના હુલિકાલ ગામના એક યુવાન બિક્કાલા ચિકૈયા સાથે થયા. જ્યાં થિમક્કા મજૂરી કરતી ત્યાં જ ચિકૈયા પણ ખાણમાં મજૂરી કરતો.

લગ્નજીવન ખૂબ સુખ-શાંતિથી ચાલતું હતું પરંતુ દુર્ભાગ્યે દંપતીને સંતાન સુખ નહોતું. સંતાન ન હોવાથી થિમક્કા ખૂબ નિરાશ હતી અને એક વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગર્ભધારણ કરી ન શકવા બદ્દલ પતિ-પત્નીની સમાજમાં ટીકા પણ થઈ. પરંતુ સમજદાર દંપતીએ કોઈ પણ પ્રકારની ટીકા અવગણીને પોતાનું જીવન પ્રકૃતિ અને પર્યાવરણને સમર્પિત કરવાનું નક્કી કર્યું. વર્ષો રાહ જોયા પછી થિમક્કાએ એક દિવસ પતિદેવને વાત કરી કે આપણને સંતાન સુખ પ્રાપ્ત થાય ત્યાં સુધી એકાદ વૃક્ષ વાવીને તેનો ઉછેર કરીયે તો?

પતિદેવને આ વાત ગમી અને બંનેએ મળીને એક વડનું ઝાડ વાવ્યું. તેનો ઉછેર શરૂ કર્યો અને એ ઝાડને પોતાનું સંતાન સમજીને તેનું પોષણ કર્યું. થિમક્કાને ખબર નહોતી કે આ એક વડનું વૃક્ષ તેમને એક પર્યાવરણવાદી બનવાના માર્ગે લઈ જશે.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ દંપતીને વધુને વધુ વૃક્ષો વાવવાનો સુંદર વિચાર આવ્યો. થિમક્કાના ગામની પાસે વડના વૃક્ષો નહોતા. બંનેએ થોડા છોડવા અને રોપા એકત્રિત કર્યા અને નજીકના ગામોમાં દસ રોપાઓ વાવ્યા. એક વર્ષમાં તેઓએ તે દસ વડના ઝાડ ઉગતાં જોયા. પછીના વર્ષે તેઓએ પંદર રોપાઓ રોપ્યા અને તે વર્ષ પછી વીસ.

1948માં, થિમક્કાએ તેમના પતિ સાથે પોતાના ગામ હુલિકાલથી બીજા ગામ કુડૂર સુધી 4 કિલોમીટરના રસ્તે ઝાડ રોપવાનું મન બનાવ્યું. થિમક્કા અને તેમના પતિએ અવિરત, નિસ્વાર્થ પ્રેમ અને સમર્પણ દ્વારા આ ઝાડ રોપવાનું અને વૃક્ષો ફળ આપે ત્યાં સુધી તેનું પોષણ કરવાના એક સફરની શરૂઆત કરી.

સૌથી રસપ્રદ હકીકત એ છે કે તે બંનેએ પોતાની પાસે ઉપલબ્ધ હોય એવા ફક્ત નાના સંસાધનોનો ઉપયોગ કર્યો. દરરોજ તેઓ પાણીની ડોલ ભરીને લઈ જતા અને ચાર કિલોમીટરની મુસાફરી કરી વડના રોપાઓને પાણી પીવડાવતા. ચોમાસાની ઋતુમાં વાવેતર કરેલા રોપાઓ આપમેળે ઉગવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મેળવશે તે વાત એ લોકોને સમજાઈ એટલે ચોમાસુ શરૂ થવા પહેલા છોડની સારી માવજત કરતા. પ્રાણીઓથી છોડને બચાવવા તેઓએ દરેક વૃક્ષની આસપાસ વાડ પણ બાંધી.

માતાપિતા પોતાના બાળકો માટે કરે તેવી જ રીતે આ દંપતીએ વૃક્ષોને પોષણ આપ્યું અને સંભાળ રાખી. દંપતીએ કરેલા કાર્ય અને પ્રયત્નોના પરિણામે, થોડાં વર્ષોમાં, 384 મોટા વડના ઝાડ જોવા મળ્યાં. આ ઉપરાંત, તેઓએ 8000 જેટલા અન્ય વૃક્ષો પણ વાવ્યા.

384 વડના ઝાડ ઉગાડવા કોઈ સરળ વાત નથી. વૃક્ષોને ખૂબ કાળજી અને નિરીક્ષણની જરૂર હોય છે. પતિ-પત્ની બંનેએ ખાતરી કરી કે દરેક છોડને પ્રેમ અને કાળજીથી ઉછેરવા. દરરોજ પોતાના રોજિંદા કામ કર્યા પછી સાંજે બંને જણ તે સ્થળે ચાલતા જાય અને દરેક ઝાડને પાણી પીવડાવે.

બંનેના કામને ઘણી પ્રશંસા મળી પરંતુ ઈશ્વરને કદાચ કંઈક બીજું જ મંજૂર હશે. દુર્ભાગ્યે, સન 1991માં થિમક્કાના પતિ ચિકૈયાનું અવસાન થયું. થિમક્કા ખૂબ જ દુ:ખી થયા. છતાં, વૃક્ષો વાવવાનો ઉત્સાહ અટક્યો નહીં. જુસ્સા અને નિશ્ચય સાથે થિમક્કા પોતાના કાર્યમાં અડીખમ રહ્યા. થોડા જ દિવસોમાં બીજી એક મુસીબત આવી – એક ચોમાસા દરમિયાન ભારે વરસાદથી થિમક્કાનું ઘર ધોવાઇ ગયું. જેમ તેમ કરીને થોડા નજીકના લોકોની મદદથી તેમણે પોતાના માટે કાદવ-માટીનું નવું મકાન બનાવ્યું.

કિશોરવયથી જ પતિ-પત્ની બંને મજૂર તરીકે કામ કરતા. તેમની પાસે તેમના દૈનિક ખર્ચ માટે પણ ભાગ્યે જ પૈસા હતા. તેમ છતાં, નાણાકીય સંસાધનોના અભાવથી વૃક્ષો રોપવાના ઉદ્દેશ્યને ક્યારેય અસર થઈ નહીં. તેઓ વૃક્ષો ઉગાડવામાં અને સંભાળ રાખવાનું કોઈ પણ રીતે ચાલુ રાખતા. જ્યારે તેમના પતિનું નિધન થયું ત્યારે થિમક્કાએ વિધવા પેંશન માટે અરજી કરી. તે સમયે થિમક્કાને 75 રૂપિયાનું માસિક પેંશન મળતું.

વનસ્પતિ અહેવાલો અનુસાર, સરકારના ચોપડે થિમક્કા અને તેમના પતિએ વાવેલા વૃક્ષોની કિંમત આશરે પોણા બે કરોડ રૂપિયા જેટલી થાય. પરંતુ પોતાના માટે કંઈ પણ રાખ્યા વિના થિમક્કાએ આ સંપત્તિ કર્ણાટક સરકારને સોંપી દીધી. તેમના કાર્યને રાષ્ટ્રવ્યાપી માન્યતા મેળવ્યા પછી પણ થિમક્કાને માત્ર 500/- રૂપિયાનું માસિક પેંશન મળવાનું શરૂ થયું.

કન્નડ ભાષામાં ‘સાલુમર્દા’ શબ્દનો અર્થ થાય ‘ઝાડની પંક્તિ અથવા કતાર’ અને આથી થિમક્કાના કાર્યને રાજ્યભરમાં માન્યતા મળ્યા પછી તેમનું નામ ‘સાલુમર્દા થિમક્કા’ રાખવામાં આવ્યું.  આજે પણ પર્યાવરણની જાળવણી પ્રત્યેનો તેમનો ઉત્સાહ ચાલુ છે. સાલુમર્દા થિમક્કા હજી પણ રસ્તાઓ, પર્વતો, ટેકરીઓ અને જાહેર સ્થળોએ વૃક્ષો રોપે છે.

થિમક્કાના કાર્યને ધીમે ધીમે કર્ણાટક રાજ્યમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળવાનું શરૂ થયું. ભારત સરકાર તરફે રાષ્ટ્રીય નાગરિક એવોર્ડ (National Citizen Award), કર્ણાટક સરકાર તરફથી રાજયોત્સવ પુરસ્કાર, ઇન્દિરા રત્ન એવોર્ડ, મધર ઑફ ટ્રી એવોર્ડ, ડો. બી.આર. આંબેડકર સ્ટેટ એવોર્ડ, સુવર્ણ શ્રી એવોર્ડ, ગ્રીન ઈન્ડિયા પુરસ્કાર, વાગદેવી પરિસર રત્ન એવોર્ડ (2012) , રાષ્ટ્રીય ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ (1997), સેવક હરિત ક્રાંતિ પુરસ્કાર, અખિલ ભારતીય જૈન મહિલા સંમેલન તરફે એવોર્ડ, હમ્પી યુનિવર્સિટી દ્વારા 2010 માં નાડોજા એવોર્ડ, 1997માં વીરચક્ર પ્રશસ્થિ એવોર્ડ, Indian Institute of Wood Science and Technology  બેંગ્લોર તરફથી પ્રશંસાપત્ર, કર્ણાટક કલ્પવલ્લી એવોર્ડ, ગોડફ્રે ફિલિપ્સ બ્રેવરી એવોર્ડ (2006), ગ્રીન ચેમ્પિયન એવોર્ડ જેવા અનેક એવોર્ડ થિમક્કાને પ્રાપ્ત થયા છે. સન 2016માં બી.બી.સી.ની 100 પાવરફુલ મહિલાઓની સૂચીમાં પણ સાલુમર્દા થિમક્કાનો સમાવેશ થયેલો. ઉપરોક્ત એવોર્ડ્સ ઉપરાંત, થિમક્કાને ‘વનમિત્ર’, ‘વૃક્ષપ્રેમી’, ‘નિસર્ગરત્ન’ અને ‘વૃક્ષશ્રી’ જેવી પદવીઓથી પણ સન્માન કરવામાં આવેલ છે.

2019માં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદહસ્તે થિમક્કાને ‘પદ્મશ્રી’ એવોર્ડ પ્રાપ્ત થયો. રસપ્રદ વાત એ છે કે થિમક્કા રાષ્ટ્રપતિ ભવનમાં ઉઘાડે પગે આવેલા. તેમની સિદ્ધિઓ અને વયને આદર આપતા રાષ્ટ્રપતિએ તેમના આશીર્વાદ માંગ્યા. ‘વૃક્ષોની માતા’ તરીકે જાણીતા 107 વર્ષની વૃદ્ધ મહિલાએ ભારતના રાષ્ટ્રપતિને આશીર્વાદ આપ્યા. પોતાનું કામ પણ ચાલુ રાખ્યું – રાષ્ટ્રપતિ ભવનમાં પણ એક રોપાનું વાવેતર થિમક્કાએ કર્યું. જુઓ આ વીડિયોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ થિમક્કાને ‘પદ્મશ્રી’ એવોર્ડ આપતા અને આશીર્વાદ લેતા:

જે દિવસે થિમક્કાને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો તે દિવસે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર લખેલું:

It is the President’s privilege to honour India’s best and most deserving. But today I was deeply touched when  an environmentalist from Karnataka, and at 107 the oldest Padma awardee this year, thought it fit to bless me.

2019 માં જ એક સમય એવો આવ્યો હતો જ્યારે બાગેપલ્લી-હલાગુરુ માર્ગને પહોળો કરવા માટે થિમક્કા દ્વારા વાવેલા અને પાલન કરવામાં આવતા વડના વૃક્ષ કાપી નાખવાની ધમકી મળી હતી. થિમક્કા સાથે વાત કર્યા બાદ કર્ણાટક સરકારે આ 70 વર્ષ જૂના વૃક્ષોને બચાવવા માટે વિકલ્પો શોધવાનું નક્કી કર્યું.

થિમક્કા ઘણી અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ રહી છે, જેમ કે તેમના ગામમાં યોજાયેલા વાર્ષિક મેળા માટે વરસાદી પાણી સંગ્રહ કરવા માટે ટાંકી બનાવવી. થિમક્કાને પોતાના પતિની યાદમાં ગામમાં હોસ્પિટલ બનાવવાનું સપનું છે અને આ હેતુ માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. થિમક્કા હવે તેમના પાલક પુત્ર ઉમેશ સાથે રહે છે જે પણ એક પર્યાવરણવાદી છે. થિમક્કા દેશભરમાં વનીકરણના કાર્યક્રમોમાં ભાગ લે છે અને તેમને શાળાઓ, કોલેજોના કલ્યાણલક્ષી કાર્યક્રમોમાં પર્યાવરણ અને વૃક્ષોના બચાવ અંગે જાગૃતિ લાવવા માટે પણ આમંત્રણ અપાય છે.

1999માં, “થિમક્કા મથુ 284 મક્કાલુ” નામની એક દસ્તાવેજી ફિલ્મ તેમના કાર્ય પર બનાવવામાં આવી હતી અને તે ભારતમાં સન 2000ના વર્ષના  આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં દર્શાવવામાં આવી. પોતાના નિસ્વાર્થ કામ દ્વારા થિમક્કા ભારતભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમણે સાબિત કર્યું છે કે સમાજમાં પરિવર્તન લાવવા માટે દરેકને શિક્ષણ કે આર્થિક સહાયની જરૂર નથી. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઉત્કંઠા, દ્દઢ નિશ્ચય અને ધ્યાન કેન્દ્રિત કરવા જરૂરી છે.

થિમક્કાના જીવન પર આધારિત ફક્ત સાડા 7 મિનિટની દસ્તાવેજી ફિલ્મ જુઓ:

સંદર્ભ:

https://www.esamskriti.com/e/Special-Sections/Good-Work-India/Saalumarada-Thimmakka-is-the-Daughter-of-Nature-1.aspx

http://www.goodnewsindia.com/Pages/content/inspirational/thimmakka.html

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here