શપથવિધિ: હેમંતા બિસ્વા શર્મા આસામના 15માં મુખ્યમંત્રી બન્યા

0
406
Photo Courtesy: ANI

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર હેમંતા બિસ્વા શર્માએ આજે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

ગુવાહાટી: આસામના 15માં મુખ્યમંત્રી તરીકે આજે થોડા સમય અગાઉ હેમંતા બિસ્વા શર્માએ પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ અહીં આવેલા શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ શર્માને શપથ લેવડાવ્યા હતા.

ગઈકાલે જ આસામ ભાજપાના નવનિર્વાચિત વિધાનસભ્યોએ હેમંતા બિસ્વા શર્માને વિધાનસભા પક્ષના આગેવાન તરીકે સર્વાનુમતે ચૂંટી લીધા હતા.

શર્માનું નામ આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જ આગળ ધર્યું હતું જેને સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યું હતું.

ત્યારબાદ શર્મા રાજ્યપાલ મુખીને મળ્યા હતા અને સરકાર બનાવવાનો પોતાનો દાવો રજુ કર્યો હતો.

આજના શપથવિધિ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હાજર રહ્યા હતા.

હેમંતા બિસ્વા શર્મા સાથે આજે બીજા 13 મંત્રીઓએ પણ શપથ લીધા હતા.

આ મંત્રીઓમાં 10 ભાજપાના, 2 AGPના તેમજ 1 UPPLના વિધાનસભ્યો છે.

મંત્રી તરીકે શપથ લેનારાઓમાં મુખ્ય નામ છે આસામ ભાજપા પ્રમુખ રંજીત કુમાર દાસ, AGPના પ્રમુખ અતુલ બોરા, UPPL નેતા યુ જી બ્રહ્મા તેમજ ભાજપના આસામના વરિષ્ઠ નેતાઓ પરિમલ શુક્લબૈધ અને ચંદ્ર મોહન.

શપથવિધિ અગાઉ હેમંતા બિસ્વા શર્માએ પ્રખ્યાત કામખ્યા મંદિર, ઉત્તરી ગુવાહાટીમાં આવેલા દૌલ ગોવિંદા મંદિરની મુલાકાત લઈને આશિર્વાદ મેળવ્યા હતા.

આ શપથવિધિ સમારોહમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, મણીપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંગ અને નાગાલેંડના મુખ્યમંત્રી નેઇફીયુ રિયોએ પણ આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે હાજરી આપી હતી.

રાજ્યમાં હાલમાં યોજવામાં આવેલી વિધાનસભાની 126 બેઠકોની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના સહયોગીઓ સહીત 75 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળના મહાજોટે 50 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here