પ્રતીક્ષા: ન્યૂયોર્કમાં એક વર્ષ પછી પણ મૃતદેહોની અંતિમવિધિ નથી થઇ શકી

0
519
Photo Courtesy: CNN

કોરોનાથી મૃત્યુ પામ્યાને એક વર્ષ થયું હોવા છતાં અમેરિકાના ન્યૂયોર્કમાં હજી પણ અસંખ્ય મૃતદેહો રેફ્રીજિરેટેડ ટ્રકમાં શહેરની હદ બહાર અંતિમવિધિની રાહ જોઈ રહ્યા છે.

ન્યૂયોર્ક: શહેરના ચિફ મેડિકલ એક્ઝામિનરે ન્યૂયોર્ક સિટી કાઉન્સિલ કમિટીને ગયા અઠવાડીએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લગભગ 750 નાગરિકોના મૃતદેહો રેફ્રીજિરેટેડ ટ્રક્સમાં આજે પણ રાખવામાં આવ્યા છે.

ગયા વર્ષે ન્યૂયોર્કમાં કોરોનાને કારણે મૃત્યુદરમાં આવેલા અચાનક જ ઉછાળાને લીધે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં તકલીફ પડી હતી અને તે સિવાય અમુક મૃતકોના સગાંઓ તેમજ પરિવારોએ આ અંગે કોઈજ સૂચના ન આપતાં શહેરની બહાર એક સ્થળે કામચલાઉ મોર્ગ આ પ્રકારના ટ્રક્સમાં ઉભાં કરવામાં આવ્યાં હતા.

મેડિકલ એક્ઝામિનર્સ ઓફીસના એક્ઝીક્યુટીવ ડેપ્યુટી કમિશનર ડાયના મેનીઓટીસે જણાવ્યું હતું કે આ તમામ મૃતદેહોની અંતિમવિધિ કદાચ હાર્ટ આયલેન્ડ પર કરવામાં આવી શકે છે જ્યાં ગરીબ અને અજાણ્યા લોકોની અંતિમવિધિ છેલ્લી એક સદી કરતાં પણ વધુ સમયથી કરવામાં આવી રહી છે.

મેનીઓટીસે ઉમેર્યું હતું કે તેમનું કાર્યાલય મૃત્યુ પામેલા લોકોના પરિવારો સાથે સતત સંપર્કમાં છે અને જ્યારે આ પરિવારો તેમના પ્રિય સભ્યોના મૃતદેહોને હાર્ટ આયલેન્ડ પર દફનાવવાની મંજૂરી આપશે કે તરતજ આ મૃતદેહોને ત્યાં લઇ જવામાં આવશે.

ગત વર્ષે માર્ચ અને એપ્રિલમાં ન્યૂયોર્કમાં દરરોજ લગભગ 200 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયાં હતાં, જે તેની સરેરાશ 20 મૃત્યુ પ્રતિ દિન કરતાં ઘણાં વધુ હતા.

એક સરવે અનુસાર આ રેફ્રીજિરેટેડ ટ્રક્સમાં હાલમાં 500 થી 800 મૃતદેહો પોતાની અંતિમવિધિ થવાની રાહ જોઈ રહ્યાં છે અને આ તમામ મૃતદેહો કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના જ છે.

મેનીઓટીસે ઉમેર્યું હતું કે મોટાભાગના પરિવારો પોતાના પ્રિયજનોના મૃતદેહોને હાર્ટ આયલેન્ડમાં દફનાવી દેવા માટે તૈયાર થઇ ગયા છે, પરંતુ કેટલાક પરિવારોનો સંપર્ક હજી પણ થઇ શક્યો નથી અથવાતો તેમની સાથેનો સંપર્ક એકદમ જ તૂટી ગયો છે.

હજી ગયા મહીને જ અમેરિકાના મોટાભાગના અખબારોમાં ભારતમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેર દરમ્યાન મૃત્યુ પામેલાઓના અંતિમ સંસ્કારના ફોટોગ્રાફ્સ છવાઈ ગયા હતાં, પરંતુ અમેરિકામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોવાની નોંધ ભારતના મુખ્યધારાના મિડિયા હાઉસ લેતા હોય તેવું જાણમાં આવ્યું નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here