રાઉત: રાષ્ટ્રીયસ્તરે વિપક્ષી મોરચો બહુ જલ્દીથી; કોંગ્રેસ તેનો આત્મા હશે

0
299
Photo Courtesy: The Indian Express

પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓમાં મળેલી સફળતા બાદ હવે કોંગ્રેસ સહીત વિપક્ષી મોરચો ઉભો કરવા માટેની કવાયદ શરુ થઇ ગઈ હોવાનું શિવસેના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું છે.

મુંબઈ: શિવસેનાના પ્રવક્તા અને વરિષ્ઠ આગેવાન સંજય રાઉતે ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી મોરચો ઉભો કરવા અંગેની ચર્ચા બહુ જલ્દીથી શરુ થઇ જશે.

રાઉતે જણાવ્યું હતું કે તેમણે આ અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવાર સાથે આ અંગે થોડા દિવસો અગાઉ જ ચર્ચા કરી છે.

સંજય રાઉતના જણાવ્યા અનુસાર સૂચિત વિપક્ષી મોરચામાં કોંગ્રેસની પણ મહત્ત્વની ભૂમિકા હશે અને આ મોરચાનો તે આત્મા  હશે.

રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે, દેશમાં હાલમાં એક સંયુક્ત વિપક્ષી મોરચાની ખૂબ જરૂર છે પરંતુ આ મોરચો કોંગ્રેસ વગર ઉભો કરવો અશક્ય છે કારણકે તે તેનો આત્મા હશે. આ મોરચાની નેતાગીરી અરસપરસની ચર્ચા બાદ જ નક્કી કરી શકાય છે.

ઇકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર સંજય રાઉતનું એમ પણ માનવું હતું કે મહારાષ્ટ્રમાં ત્રણ અલગ અલગ વિચારધારા ધરાવતી પાર્ટીઓ એટલેકે શિવસેના, NCP અને કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી હતી અને તેની નેતાગીરી ઉદ્ધવ ઠાકરેને સોંપી હતી અને હાલમાં આ મોરચા સરકાર વ્યવસ્થિતપણે પોતાનું કાર્ય કરી રહી છે.

શરદ પવાર હાલમાં અસ્વસ્થ છે અને મુંબઈમાં જ છે અને પોતે તેમની સાથે આ વિષય પર ચર્ચા કરી હોવાનું રાઉતે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ મુદ્દે (પવારના સ્વસ્થ થયા બાદ) વિવિધ પાર્ટીઓ સાથેની ચર્ચા બહુ જલ્દીથી શરુ થઇ જશે.

સંજય રાઉતના કહેવા અનુસાર હાલમાં જ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે આસામ, કેરળ અને તમિલનાડુમાં સારો દેખાવ કર્યો હતો પરંતુ પશ્ચિમ બંગાળમાં તે એક પણ બેઠક જીતી શકી ન હતી જે યોગ્ય ન કહેવાય અને આથી પક્ષને વધુ મજબૂત કરવાની જરૂર છે.

કોંગ્રેસ રાષ્ટ્રીયસ્તરની પાર્ટી છે આથી તેની અવગણના ન કરી શકાય, પછી તે સરકારમાં હોય કે વિપક્ષમાં હોય તેમ રાઉતે ઉમેર્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here