O Womaniya (4): દરેક માતામાં એક ‘હિરકણી’ જરૂર હોય છે!

0
592
Photo Courtesy: Facebook

સન 1600-1700 દરમિયાનનો કાળ – છત્રપતિ શિવાજી મહારાજનો સમય! 1670ના દશકમાં તેમણે પોતાની રાજધાની તરીકે રાયગઢની પસંદગી કરેલી. રાયગઢ શિવાજીના સામ્રાજ્યની રાજધાની હતી એટલે તેમનો રાજ્યાભિષેક પણ રાયગઢમાં જ સન 1674માં થયો. આ એ જ રાજ્ય હતું જ્યાં જીજાબાઈ અને શહાજી રાજાના ‘શિવબા’ હવે ‘છત્રપતિ શિવાજી મહારાજ’ બન્યા હતા.

આ રાયગઢના મ્હાડ જિલ્લામાં એક કિલ્લો હતો જે ‘રાયગઢનો કિલ્લો’ કહેવાતો. આ કિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ શિવાજી મહારાજના રાજ્ય માટે ખૂબ જ મહત્વનો હતો. આ કિલ્લો પશ્ચિમ ભારતમાં આવેલી સહ્યાદ્રી પર્વતમાળા એટલે કે પશ્ચિમ ઘાટમાં સ્થિત હતો (અને આજે પણ છે). આ કિલ્લો એક પર્વતની ટોચ પર છે અને આ પર્વતમાળાના તળિયે એક ગામ છે.

આકરા ઢાળવાળી (લગભગ સીધી) દિવાલો આ કિલ્લાની લગભગ બધી બાજુથી રક્ષા કરતી, સિવાય કે એક વિશેષ બાજુ. આ બાજુએ કિલ્લાના સેનાપતિઓએ દિવાલ ન બનાવવાનો નિર્ણય કર્યો. તેઓએ વિચાર્યું ન હતું કે કોઈ પણ માણસ કોઈ પણ સૂચના વિના કિલ્લામાં પ્રવેશવા માટે એ બાજુનો ઉપયોગ પણ કરી શકે. એ બાજુનો તીવ્ર ઢાળ જ પૂરતું રક્ષણ આપે એમ હતો. રાતના સમયે તો ઘોર અંધારામાં કોઈ ત્યાં જવાની હિમ્મત પણ ન કરે.

Photo Courtesy: Hirkani Adventures and Travels

તળેટીમાં આવેલા ગામમાંથી થોડા લોકો પોતાની વસ્તુઓ વેચવા કિલ્લા પર આવતા. વિક્રેતાઓ રોજ પોતાનો માલ લઈને કિલ્લાના મુખ્ય દ્વાર પાસે આવે અને દરવાજા પાસે ઊભેલો પ્રભારી માણસ (દરવાન માવળા) માલ ચકાસીને મંજૂરી આપીને દરવાજો ખોલવાની પરવાનગી આપે. શિવાજી મહારાજનો આદેશ હતો કે આ દરવાજો દરરોજ સૂર્યાસ્ત સમયે બંધ કરવામાં આવે અને બીજા દિવસ સવાર સુધી ખુલે નહીં. રોજ દસેક જેટલા વેપારી અને વિક્રેતાઓ તળેટીના ગામમાંથી કિલ્લામાં આવતા અને પોતાનો માલ વેંચતા. વિક્રેતાઓનું જૂથ પોતપોતાની રીતે જુદા જુદા સમયે કિલ્લામાં આવતું પરંતુ બધાને કિલ્લાની બહાર નીકળવાનો સમય નિશ્ચિત હતો – સૂર્યાસ્ત પહેલા! કિલ્લાનો મુખ્ય દ્વાર બંધ થાય તે પહેલા દરેક વિક્રેતા બહાર નીકળી જાય. આ રોજનો ક્રમ. આમાં કોઈ ફેરફાર ના થાય કારણ કે આ તો રાજાના આદેશ હતા.

વિક્રેતાઓના આ જૂથમાં એક ગોવાલણી પણ આવતી. તેનું નામ હિરકણી. તે રોજ સવારે અને સાંજે કિલ્લામાં દૂધ આપવા આવતી. હિરકણી તળેટીના ગામમાં પોતાના પતિ, સાસુ અને એક વર્ષના દીકરા સાથે રહેતી. હિરકણી પાસે એક ગાય અને એક બકરી હતી, જેમના તાજા દૂધ રોજેરોજ દોહીને વેચવા નીકળતી.

એક દિવસ હિરકણીનો પતિ બીજે ગામ ગયેલો અને સાસુની તબિયત બગડેલી હતી. તેમ છતાં ઘરના બધા જ કામ કરીને હિરકણી કિલ્લા પર દૂધ આપવા આવી. શિયાળાનો સમય હતો એટલે સાંજના સમયે દૂધ આપતી વખતે સમયનું ભાન ન રહ્યું. હિરકણી નિયમિત ગ્રાહકોને દૂધ આપતી રહી અને શિવાજી મહારાજના આદેશ મુજબ સૂર્યાસ્ત થતા જ મુખ્ય દ્વાર બંધ થઈ ગયો.

હિરકણીનો આવવાનો સમય થઈ ગયો પરંતુ ઘરે આવી નહીં તેથી સાસુને ચિંતા થઈ. એક વર્ષના બાળકે પણ હિરકણીની રાહમાં રડવાનું શરુ કર્યું. થોડી વાર તો હિરકણીની સાસુએ તેના દીકરાને સંભાળ્યો પરંતુ પછી બાળકનું રડવાનું વધી ગયું. રડવાનો અવાજ એટલો જોરદાર હતો કે કિલ્લા સુધી સંભળાવા લાગ્યો. હિરકણીને સમયનું ભાન થયું કે તરત જ દોડીને મુખ્ય દરવાજે પહોંચી. પહોંચીને જોયું તો દરવાજો બંધ!

દ્વારે ઊભેલા માવળાની પાસે જઈ હિરકણીએ આજીજી કરી, “કૃપા કરીને થોડોક દરવાજો ખોલો. મારે ઘરે એક વર્ષનું બાળક છે અને જો હું આજ રાતે ઘરે ન પહોંચું તો તે ભૂખ્યો જ રહેશે. સાંભળો તેના રડવાનો અવાજ પણ આવે છે.”

માવળાએ જવાબ આપ્યો, “એ બાઈ, તું તો રોજ અહીં આવે છે. તને ખબર નથી કે સૂર્યાસ્ત પછી આ દરવાજો ખૂલતો નથી? આ ખુદ શિવાજી મહારાજનો આદેશ છે. હું તારી માટે આ દરવાજો નહીં ખોલીશ! હવે આખી રાત અહીં જ રહે”.

હિરકણીની લાખ વિનંતી છતાં દરવાન માવળો ટસથી મસ ન થયો. એક તરફ બાળકનો રડવાનો અવાજ હિરકણીના કાને અથડાતો હતો અને બીજી તરફ પેલો માવળો શિવાજી મહારાજના આદેશને લઈને અડગ હતો. પોતાના બાળકને મળવા અને ઘરે પહોંચવા હિરકણી તલપાપડ થઈ રહી હતી. એવામાં તેને યાદ આવ્યું કે કિલ્લાની એક બાજુએ મહારાજે કોઈ દિવાલ બનાવડાવી નથી. તરત જ દોડીને હિરકણી તે ઢાળવાળી જગ્યાએ આવી.

આજુબાજુ નજર કરી. દૂરના એક કાંગરા પર એક નાની મશાલ સળગતી હતી. મશાલના આછા અજવાળાને ચંદ્રમાનો સાથ મળ્યો. આ બે અજવાળાને આંખમાં ભરીને ‘જય ભવાની’ના નાદ સાથે પોતાના દીકરાને યાદ કર્યો. ઘોર અંધારાને ચીરતી, કાંટાળા માર્ગે હિરકણીએ એક મોટી છલાંગ લગાવી. છલાંગ લગાડતા જ સરરરરરરર….કરતી હિરકણી લોહીલુહાણ થતી કિલ્લાની તળેટીમાં પહોંચી. વચ્ચે મધપૂડા, ઝાડી-ઝાંખરા અને પથ્થરોના ધક્કાએ તેના કપડા ફાડી નાખ્યા અને લોહીલુહાણ કરી નાખી.

ભૂખ્યા બાળકના વિચારે હિરકણીને આવું સાહસ કરવા પ્રેરણા આપી. નીચે આવીને તરત જ પોતાના ઘરે ગઈ અને દીકરાને છાતી સરસો ચાંપીને ધાવણ ધવડાવ્યું. આખી રાત હિરકણી દીકરાની બાજુમાં જ સૂતી રહી. રડી રડીને 1 વર્ષનો દીકરો અડધો થઈ ગયેલો પણ માતાની હૂંફમાં શાંતિથી સૂઈ ગયો.

બીજે દિવસે સવારે હિરકણી રાબેતા મુજબ કિલ્લાના દરવાજેથી કિલ્લામાં પ્રવેશી. દરવાન માવળાએ હિરકણીને જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયો. કિલ્લાનો દરવાજો બંધ હોવા છતાં હિરકણી બહાર કેવી રીતે ગઈ એ વિચારે દરવાન તેને શિવાજી મહારાજ પાસે લઈ ગયો. માવાળાને ખાતરી હતી કે આ બાઈએ નિયમો તોડયા છે એટલે મોટી સજા થશે અને તેને ઈનામ મળશે. પરંતુ શિવાજીએ હિરકણીના મોઢે ગઈ રાત્રે બનેલી અદ્દભૂત, અવિશ્વસનીય અને હિંમતભરી ઘટના સાંભળી. તેના શરીરે થયેલા ઉઝરડા અને ફાટેલા કપડાં તરફ જોયું અને તરત જ છત્રપતિ શિવાજી મહારાજ પ્રભાવિત થયા.

Photo Courtesy: Facebook

તરત જ પોતાના સૈન્યને લઈને મહારાજ કિલ્લાના પેલા બાંધકામ ન થયેલા અસુરક્ષિત ભાગ પાસે પહોંચ્યા. દિવસે બિહામણા લાગતા તે જંગલી અને ખડકાળ રસ્તે કઈ રીતે હિરકણી નીચે પહોંચી હશે એ વિચારે મહારાજનું હૃદય દ્રવી ઊઠ્યું. પોતાના સેનાપતિને તે જ ક્ષણે ત્યાં એક દિવાલ બનાવવાનો આદેશ આપ્યો અને તેનું નામ “હિરકણી બુરુજ’ રાખ્યું. આજે લગભગ 400 વર્ષ થયા પરંતુ આ બુરુજ હજી પણ છે. ફક્ત આ બુરૂજ જ નહીં, પરંતુ મરાઠી સાહિત્યમાં અને પાઠ્યપુસ્તકોમાં હિરકણીની સાહસકથા પણ અમર થઈ ગઈ.

મરાઠી ભાષામાં એક અત્યંત પ્રચલિત કવિતા છે:

गोपनारी हिरकणी गडा गेली

दूध घालाया परत झणी निघाली

पायथ्याशी ते वसे तीचे गाव

घरी जाया मन घेई पार धाव॥ ध्रु ॥

शिवप्रभुंचा निर्बंध एक होता

तोफ व्हावी अस्तास सूर्य जाता

सर्व दरवाजे अचूक बंद व्हावे

कुठे कोणा जाऊ-न-येऊ द्यावे॥ १॥

सर्व दरवाजे फिरून परत आली

तिला भेटे ना तेथ कुणी वाली

कोण पाजील तरी तान्हुल्यास आता

विचारे या बहुदु:ख होय चित्ता ॥२॥

मार्ग सुचला आनंद फार झाला

निघे वेगे मग घरी जावयाला

नसे रक्षक ठेविला जेथ ऐसा

तेथ होता पथ रायगडी खासा ॥ ३॥

गडा तुटलेला कडा उंच नीट

घरी जाया उतरली पायवाट

पाय चुकता नेमका मृत्यु येई

परी माता ती तेथुनीच जाई ॥ ४॥

उतरू लागे मन घरी वेधलेले

शुद्ध नाही जरी तनुस लागलेले

अंग खरचटलेले वस्त्र फाटलेले

अशा वेषे ती घराप्रति चाले ॥ ५॥

वृत्त घडले शिवभूप कर्णि जाता

वदे आनंदे धन्य धन्य माता

कड्यावरती त्या बुरुज बंधियेला

नाव दिधले हिरकणी बुरुज त्याला ॥ ६॥

વાચકમિત્રો, 9મી મે 2021 (રવિવારે) ઇન્ટરનેશનલ મધર્સ ડે હતો એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ! 400 વર્ષ જૂની વાત હોય કે આજની વાત – દરેક માતામાં આવી હિરકણી સમાયેલી છે. પોતાના પરિવાર અને સંતાનો માટે કોઈ પણ પ્રકારનું સાહસ ખેડી જાણે તે જ માં કહેવાય! માતાઓને કોઈ અલગ મેજીકની જરૂર નથી. માતા બનવું એ જ એક મેજીક છે!

સંદર્ભ:

https://www.thebetterindia.com/201565/hirkani-movie-sonalee-kulkarni-shivaji-maratha-legend-raigad-fort-india/

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here