સપાટો: બાંગ્લાદેશે ચીનને એનીજ ભાષામાં જવાબ આપી દીધો!

0
575

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના QUAD ગઠબંધનમાં બાંગ્લાદેશના જોડાવા સામે ચીની રાજદૂતે બે દિવસ અગાઉ જે ચેતવણી આપી હતી તેની સામે બાંગ્લાદેશે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે.

ઢાકા: બે દિવસ અગાઉ ચીનના બાંગ્લાદેશ ખાતેના રાજદૂત લી જીમીંગે બાંગ્લાદેશને ચેતવણી આપી હતી કે જો તે QUAD ગઠબંધનમાં સામેલ થશે તો બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સબંધો પર માઠી અસર પડી શકે છે.

QUAD એ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને ચીની સમુદ્રમાં ચીનની વધતી જતી દાદાગીરીને રોકવા માટે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા દ્વારા રચવામાં આવેલો એક સમૂહ છે.

ચીન આ QUAD સમુહને પોતાનું દુશ્મન ગણે છે અને આથી તેણે બાંગ્લાદેશને ઉપરોક્ત ચેતવણી આપી હતી.

બે દિવસ અગાઉ ચીનના રક્ષા મંત્રી વેઈ ફેંગ બાંગ્લાદેશની મુલાકાતે આવ્યા હતા આ સમયે આયોજીત એક ડિજીટલ બેઠક દરમ્યાન લી જીમીંગે ઉપરોક્ત ધમકી આપી હોવાનું જાણવા મળે છે.

ચીને બાંગ્લાદેશને એમ પણ કહ્યું હતું કે QUAD ખાસ દેશોનું ગઠબંધન છે અને તેમાં જો બાંગ્લાદેશ જોડાશે તો તે ચીનના હિતોની વિરુદ્ધ ગણવામાં આવશે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે.

પરંતુ આજે બાંગ્લાદેશના વિદેશમંત્રી ડૉ. એ કે મોમીને ચીની રાજદૂતની ધમકીનો એ જ ભાષામાં જવાબ આપતા કહ્યું હતું કે બાંગ્લાદેશ બિનજોડાણવાદી તેમજ સંતુલિત વિદેશ નીતિનું અનુસરણ કરે છે.

બાંગ્લાદેશની પોતાની વિદેશનીતિ છે અને તે જાતે જ નક્કી કરશે કે તે ઉપરોક્ત સિદ્ધાંતોનું પાલન કેવી રીતે કરે.

અમે સ્વતંત્ર અને સંપ્રભુ દેશ છીએ આથી અમે અમારી વિદેશનીતિમાં કોઈની દખલગીરી પસંદ નથી કરતા અને જો કોઈ દેશ અમારી વિદેશનીતિ પર પોતાનું મંતવ્ય રજુ કરવા માંગે તો કરી શકે છે.

મોમીને આગળ જણાવ્યું હતું કે ચીની રાજદૂત તેમના દેશનું પ્રતિનિધિત્વ કરતાં પોતાની વાત આગળ રાખી શકે છે અને તેઓ બાંગ્લાદેશ QUADનો હિસ્સો ન બને તેવી ઈચ્છા જરૂર રાખી શકે છે.

જો કે બાંગ્લાદેશના વિદેશમંત્રી ડૉ. એ કે મોમીને એ સ્પષ્ટ કર્યું હતું કે હજી સુધી એક પણ QUAD દેશે આ અંગે બાંગ્લાદેશનો સંપર્ક કર્યો નથી.

બાંગ્લાદેશની ન્યૂઝ એજન્સી યુનાઇટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશ (UNB) એ આ સમાચાર પર પોતાની ટીપ્પણી કરતાં કહ્યું છે કે ચીની રાજદૂત લી જીમીંગે પોતાની વાત કરવામાં જરૂર કરતાં વધુ ઉતાવળ દર્શાવી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here