સાઉથ ઇન્ડિયન અફેર: ઈડલી-વડા સંભારથી આગળ પણ એક દુનિયા છે!

0
414
Photo Courtesy: Vanita's Corner

eઆપણે ત્યાં ઘણા લોકો માટે હજુ પણ સાઉથ ઇન્ડિયન ફૂડ એટલે ઈડલી, વડા, ઢોંસા જ છે, પરંતુ જે લોકો ખરેખર સાઉથના પાંચમાંથી કોઈ એક રાજ્ય માંથી આવે છે એ લોકો માટે સાઉથ ઇન્ડિયન ફૂડ  કન્નડ ફૂડ, તમિલીયન ફૂડ, કેરાલિયન ફૂડ, ચેટ્ટીનાડ ફૂડ અને આંધ્ર/તેલંગ ફૂડમાં વહેંચાયેલું છે.

આપણે જે સામાન્ય રીતે સાઉથ ઇન્ડિયન ફૂડ તરીકે ખાઈએ છે એ મુખ્યત્વે કર્ણાટકી કે ઉડીપી ફૂડ હોય છે, તમિલ ફૂડની મોટાભાગની વાનગીઓ ભાત, જે ત્યાંનો મુખ્ય ખોરાક છે, તેની સાથે ભેળવીને ખાવામાં આવતી કરી પ્રકારની વાનગીઓ હોય છે, જેમકે વિવિધ પ્રકારનાં રસમ, સંભાર, પરુપુ એટલે કે દાળ અને કુળ્મ્પુ એટલે કે વિવિધ પ્રકારની કરી/કઢી. 

કેરાલિયન ફૂડ અત્યંત વૈવિધ્યપૂર્ણ છે, અહીં ખાનપાનનો આધાર અહીં વસેલા વિવિધ સમુદાયોના આધારે શ્રેષ્ઠ રીતે ક્લાસીફાય કરવામાં આવે છે. સીરિયન ખ્રિસ્તી વાનગીઓ અને મલાબારી મુસ્લિમ વાનગીઓ જગતભરમાં પ્રસિદ્ધ છે. કેરળનો મુખ્ય પાક નારિયેળ હોવાથી, કોઈ જ જાતના ભેદભાવ વગર લગભગ બધી જ વાનગીઓમાં નારિયેળ સંકળાયેલું હોય છે, ખમણેલા નારિયેળ રૂપે અથવા તેનાં તેલ રૂપે. અહી દરિયાઇ પ્રદેશોમાં સીફૂડ પણ ખૂબ જ લોકપ્રિય છે અને લગભગ દરેક દિવસ ખાવામાં આવે છે.     

ચેટ્ટીનાડ ફૂડ મુખ્યત્વે તેના માંસાહારી ખોરાકની બનાવટમાં ઉપયોગમાં લેવાતા વિવિધ મસાલાના ઉપયોગ માટે પ્રખ્યાત છે. અહીની વાનગીઓ તાજા પીસેલા મસાલાના ઉપયોગને કારણે તેજ અને તીવ્ર સ્વાદ ધરાવતી હોય છે. આ વિસ્તારમાં સૂકા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશમાં સૂકવેલ માંસ અને મીઠું ચડાવેલ વિવિધ પ્રકારના શાકભાજીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. અહીં મહત્વના મસાલામાં અનસીપૂ – એટલે કે સ્ટાર અનીસ અને દગડફૂલ છે. આ ઉપરાંત આમલી, આખા લાલ મરચા, તજ, લવિંગ, વરીયાળી અને તમાલપત્રનો પણ ખૂબ ઉપયોગ થાય છે.

પનીર મીલાગુ કુળ્મ્પુ : તમિલ ક્વીઝીન

Photo Courtesy: Relish The Bite

સામગ્રી:

તાજું પનીર – 250 ગ્રામ

નાની ડુંગળી – 10 નંગ

લસણ (છુન્દેલું) – 2 કળી

રાઈ – 1 ટીસ્પૂન

મેથીના દાણા ચપટી

હળદર પાવડર – 1/4 ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ – 2 ટેબલસ્પૂન

મસાલા (દળવા માટે)

(નીચેની સામગ્રીની બારીક પેસ્ટ દળવી)

સફેદ મરીના દાણા2 ટીસ્પૂન

જીરું – 1 ટીસ્પૂન

લસણ – 1 કળી

ખમણેલું નાળિયેર – 1/4 કપ

કાજુ – 6 નંગ

રીત:

  1. પનીરના ટુકડા કરી, તેને તળી લઇ બાજુમાં રહેવા દો.
  2. એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ અને મેથીના દાણા ઉમેરો. રાઈ અને મેથી તતડે એટલે તેમાં ડુંગળી અને લસણ ઉમેરીને લગભગ બે મિનિટ માટે સાંતળો.
  3. તેમાં વાટેલા મસાલાની પેસ્ટ ઉમેરી માધ્યમ તાપે ૩ મિનીટ સુધી સાંતળો.
  4. હળદર પાવડર, મીઠું અને પાણી ઉમેરીને ગ્રેવીને ઉકાળવા દો.
  5. ગ્રેવીમાં પનીરના ટુકડા ઉમેરીને ધીમા તાપે ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો.
  6. કોથમીર વડે સજાવીને રાઈસ કે પરાઠા સાથે ગરમ ગરમ પીરસો.

ચેટ્ટીનાડ પોટેટો: ચેટ્ટીનાડ ક્વીઝીન

Photo Courtesy: Vanita’s Corner

સામગ્રી:

ચેટ્ટીનાડ મસાલા માટે

2 ટીસ્પૂન જીરું

1 ટેબલસ્પૂન ધાણા

5 સૂકાં લાલ મરચાં

1 ટીસ્પૂન કાળા મરી

1 ટેબલ સ્પૂન અડદ દાળ

1 ટેબલસ્પૂન ચણા દાળ

અન્ય સામગ્રી

20 બાફીને છોલેલા નાના બટાકા

1/2 કપ સમારેલી ડુંગળી 

8 થી 9 મીઠા લીમડાના પાન

1 ચમચી રાઈ

સ્વાદ મુજબ મીઠું

1/4 ટી સ્પૂન હળદર

ચપટી હિંગ

2 ટેબલસ્પૂન તેલ

રીત:

  1. સૌથી પહેલા ચેટ્ટીનાડ મસાલા માટેની સામગ્રીને તવા પર મધ્યમ થી ધીમી આંચે લગભગ 5 મિનીટ માટે ડ્રાય રોસ્ટ કરો. મસાલો ઠંડો પડે એટલે એને ગ્રાઈન્ડરમાં પીસી લો.
  2. એક પેનમાં તેલ લો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો.
  3. રાઈ તતડે એટલે એમાં મીઠા લીમડાના પાન અને ડુંગળી ઉમેરો અને લગભગ 1 મિનિટ માટે સાંતળો.
  4. હવે તેમાં બાફેલા બટાકા ઉમેરીને બરાબર ભેળવી દો.
  5. સ્વાદ મુજબ મીઠું અને ચેટ્ટીનાડ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  6. બટાકા અને મસાલો સહેજ રંગ બદલે ત્યાં સુધી, લગભગ 5 થી 6 મિનિટ સુધી, પકવીને ગેસ બંધ કરી દો.
  7. પૂરી કે રોટલી સાથે પીરસો.

પાઈનેપલ પચડી: કેરાલીયન ક્વીઝીન

Photo Courtesy: YouTube

સામગ્રી:

1 અનેનાસ 

2 ટીસ્પૂન મરચાંનો પાઉડર 

1 ટી સ્પૂન હળદર 

અડધું નાળિયેર, ખમણેલું 

1 ટીસ્પૂન વરીયાળી 

3 અથવા 4 લીલા મરચાં 

2 ટીસ્પૂન ખાંડ 

મીઠું જરૂર મુજબ

4 સૂકા લાલ મરચાં 

2 ટી સ્પૂન રાઈ 

1 ડાળખી મીઠા લીમડાના પાન 

રીત:

  1. પાણી મદદથી અનેનાસની સ્લાઈસને બાફી લો.
  2. જ્યારે તે રંધાઈ જાય ત્યારે તેમાં હળદર અને મરચાંનો પાઉડર ઉમેરો.
  3. તેમાં મીઠું અને ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  4. ત્યારબાદ તેમાં લીલું મરચું, નારીયેળ અને વરિયાળી ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  5. ત્યારબાદ તેમાં દહીં ઉમેરી, સારી રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દો.
  6. હવે એક અન્ય પેન કે વઘારીયામાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં સૂકા લાલ મરચાં અને લીમડો નાખી લગભગ 2-3 મિનિટ માટે સાંતળો. ત્યારબાદ આ મિશ્રણને પચડી પર રેડો અને બરાબર હલાવી દો.
  7. આ પચડીને રાઈસ અથવા પર્રાટ્ટા સાથે સર્વ કરો. 

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here