સમસ્યા: ફક્ત અલગ દેખાવને કારણે લગ્ન ન જ થાય એવું કેવું?

0
304
Photo Courtesy: ED Times

તમે તમારી આસપાસ એવાં છોકરાઓ-છોકરીઓ જોયાં જ હશે જે પરણવા માટે તમામ રીતે યોગ્ય હોવા છતાં સુયોગ્ય પાત્ર મેળવી શકતાં નથી. અતિ મહત્વની બાબત એ કે દેખાવે કુરૂપ કે કઢંગા હોવાથી તેને કોઈ પસંદ કરતું નથી. એમની ઓળખ આપતાં ઉપનામ બદલતાં રહે. એક સામાન્ય ઘરની યુવતી શરીરથી બેડોળ, આંખે ચશ્મા અને તેલિયો લાંબો ચોટલો લઇ નીકળે. ભણવે-ગણવે એકદમ તેજ. નામ તિલોત્તમા પણ બધા મજાકમાં ‘કિલોની માં’ કહીને ઉડાવે.

આવું જ એક કોલેજના યુવકનું હતું.એકદમ સીધો,સાદો. માબાપે નોકરી કરી માંડ ઘર ઉભું કરેલું હતું. બસ આ યુવકનું એકમાત્ર સપનું; જલ્દી કોઈ સારી ડિગ્રી મેળવી માબાપની જિંદગીમાં ચારચાંદ લગાડવા પછી પરણવું. મેદસ્વી હોવા સાથે જાડા ચશ્મા પહેરતો આ યુવક-ઓજસ સીડી ચડે તો આજુબાજુની દિવાલો ધ્રુજી જાય. ઓજસ પરસેવે રેબઝેબ કલાસરૂમમાં દાખલ થાય. એની બાજુમાં બેસનારની હાલત કફોડી થાય. બેસવાની બેન્ચ પોણી ઓજસ પચાવી પડે અને ઉપરથી પરસેવાની દુર્ગંધ ! ઓજસ અંતે કોઈ દિશામાં સફળ ન થયો. જ્યાં નોકરી લેવા જાય ત્યાં હાંસીને પાત્ર બને અને અકળાઈને ઓજસ નોકરી બદલે.

ઓજસથી તદ્દન વિરોધી તેવો વિકાસ. નામ વિકાસ પણ કાયા અવિકસિત.આ કેસમાં પણ ચશ્માનો એક આગવો રોલ હતો. વિકાસ નોકરી બાબતે સદ્ધર અને એટલે જ સમયસર પરણવા અપેક્ષિત હતો. સાવ સળી જેવો બાંધો,ઉંમર એકત્રીસ. વિકાસના માતા પિતા વિકાસને એક અતિ લાયક મુરાતિયો ગણતા. કમનસીબે દીકરીઓના વાલીઓ વિકાસને ખાનગીમાં ‘કાકા છાપ’ બોલાવતા.

વિકાસ અને તિલોત્તમાના નામ લગ્ન કરાવી આપતી એક જાણીતી વેબસાઈટ પર રજીસ્ટર્ડ છે. તિલોત્તમાનું વજન વાંચનાર ત્યારે ને ત્યારે પેઈજ એક્ઝિટ કરે છે. વિકાસનો દેખાવ તેને હીણપત ભર્યા અનુભવ કરાવે છે.

દેખાવડા અને ભણેલા યુવાનો જાતે જ લગ્ન મોડાં કરી બિન્દાસ જીવન જીવવામાં માને છે અથવા પોતાની જોડી મેળે જ સેટ કરે છે. બાકી રહ્યું હોય તેમ માબાપ પણ મેદાનમાં પડે અને નડતા ગ્રહો શનિ મંગળને ય ઠેકાણે પાડી દે.

તિલોત્તમા જેવી જાડી પરંતુ પગભર યોગ્ય કન્યાઓ જિમ જઈ, ભૂખે મરીને પણ ‘સેટલ’ થવાનાં સપના જુએ છે. વિકાસ અને ઓજસ almost પોતાની નોકરીમાં સંતુષ્ટ રહી એક નાનકડી દુનિયા વસાવવા કમર કસે છે. એકવાર ઓજસથી ફ્લેટની બહાર કચરો ઢોળાઈ ગયો.સામે રહેતા મિ.દેસાઈએ ઓજસને જાટકી નાખ્યો. વરસાદમાં મિ.દેસાઈ પડી ગયાં ત્યારે ઓજસ જ દોડતો ગયો.

કુદરતની કરામત એ કે એમને કોઈ ગર્લફ્રેન્ડ,બોયફ્રેન્ડ નથી.એક સરળ જીવનની આશામાં એમની ઉંમર રેતીની માફક હાથથી સરતી જાય છે, જયારે કેટલાય કમાતા ધમાતા યુવક-યુવતીઓ પરણવાનું ટાળી, જલસા કરવામાં બીઝી છે. કાળી રાત્રે મદદ માટે બોલાવો તો માન અપમાનની પરવાહ કર્યા વગર કદાચ ઓજસ કે તિલોત્તમા આવશે.

ડીસ્કોબારમાં ઝૂમતી સંસ્કૃતિ-રૂપાળી, આધુનિક અને ગ્લેમરસ ચોક્કસ લાગશે પણ આગલે દિવસ કરેલ અપમાનને ભૂલીને તો ઓજસ જ આંગણે આવીને ઉભો રહેશે. દુઃખભરેલી સત્ય હકીકત એ છે કે લાયકાતને નસીબ હંફાવી જતું હોય છે. આશાસ્પદ ઉમેદવારોના નામ લગ્નની ડિરેક્ટરીને વેબ સાઇટ્સમાં મહિનાઓ અને વર્ષો સુધી દેખાતાં રહે છે પણ એમનું રિલેશનશિપ સ્ટેટસ હંમેશા ‘સિંગલ’ રહી જતું હોય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here