પેટ કરાવે વેઠ – ડેરડેવિલ ટ્રોલી પુશર ઓફ મનીલા તેનું ઉદાહરણ!

0
950
Photo Courtesy: The Morning Call

મનીલા – એક મેગાપોલીસ, મહાનગર – વિશાળ મહાનગર એટલે બધું જ મહા. મહા ઓપોર્ચ્યુનિટી, મહા સગવડો, મહા હાડમારી, મહા સ્ટ્રગલ, મહા જુગાડ, મહા જોખમો!!

મનીલા – એક કરોડ પચાસ લાખ આસપાસની વસ્તી ધરાવતું ફિલિપાઇન્સનું પાટનગર. વસ્તીથી ફાટ ફાટ થતું આ શહેર રોજગારીની તકો ધરાવે છે. પણ સમસ્યાઓ પણ વિકરાળ છે: કન્જસ્ટેડ રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર સતત વિકસતું રહે છે. પણ અતિ વસ્તી વિસ્ફોટ સાથે મેળ ખાતો જ નથી, સ્થાનિક મ્યુનિસિપલ તંત્રના ભ્રષ્ટાચાર, ઓછા નાણાકીય સંસાધનોને કારણે જરૂરી ડેવલપમેન્ટ શક્ય એટલી ઝડપે નથી વિકસાવી શકાતું. લગભગ દરેક એશીયન મહાનગરની આ જ સમસ્યાઓ છે. આપણે ત્યાં શટલ રીક્ષાઓ કે છકડાઓ પ્રચલિત છે. પણ મનીલાએ પોતાનો અલગ જ રસ્તો શોધ્યો છે. 

રોજગારી માટે દરરોજ લાંબુ અંતર કાપવું પડે અને રોજ બસ ભાડાં કે રેલ્વેની ટીકીટનો ખર્ચો ખિસ્સા પર મોટો કાપ લગાવે. આ ઉપરાંત ભયંકર ટ્રાફિક જામમાં વેડફાતો સમય.  તો એનો સસ્તો રસ્તો કયો? થોડો જોખમી છે. અકસ્માત થાય તો એ જીવલેણ જ હોય એ બધાંને જાણ છે છતાં આ રસ્તો લોકો અપનાવે છે. 

એનો જુગાડ મનીલામાં નોકરી માટે આવતા લોકોએ શોધી કાઢ્યો છે. હાથ બનાવટની ટ્રોલી, એના ઉપર આઠ-દસ લોકો બેસી શકે એવી વ્યવસ્થા અને ધક્કા મારીને પેસેન્જરને એક ઠેકાણેથી બીજા ઠેકાણે પહોંચાડવાના. અને એ પણ એકદમ વ્યસ્ત રેલ્વે લાઈન ઉપર!! અને પાછી ગળાકાપ આંતરીક હરીફાઇ પણ એટલી જ છે.

સખત મહેનત અને એના કરતાં પણ વધારે સખત જોખમી કામ છે. ટ્રેન આવતી દેખાય એટલે પેસેન્જર સહીત ટ્રોલીને ટ્રેક પરથી નીચે ઉતારી દેવાની અને ટ્રેન પસાર થઈ જાય એટલે ફરી સફર ચાલુ. જોખમી એટલે વધારે કે ક્યારેક પુલ પરથી ટ્રોલી પસાર થતી હોય અને ટ્રેન આવે તો અકસ્માત પણ ઘણા થતા હોય છે.

અને લોકપ્રિયતા પણ એટલી છે કે ત્યાંની સરકાર આંખ આડા કાન કરી આને ચાલુ રાખે છે. હજારોની સંખ્યામાં લોકો આ જોખમી વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમના રહેઠાણ પણ ટ્રેક આસપાસ જ હોય છે. મનીલાની રચના ઢોળાવ વાળા વિસ્તારો વધારે છે. એટલે ધક્કા મારવા માટે શારીરિક રીતે સખત પરિશ્રમ વડે દિવસના અંતે 15-20 ડોલર જેટલું એક વ્યક્તિ કમાઈ શકે છે. અને પેસેન્જર્સ પણ રોજબરોજના ખર્ચ બચાવવા આ જોખમ અપનાવતા હોય છે.

મહત્વની વાત એ છે કે આ શારીરિક શ્રમને કારણે વધીને પાંચ – સાત વરસ સુધી જ કામ કરવા સક્ષમ રહે છે. સપનાઓ પુરા કરવા મહાનગરમાં આવતા લોકો સફળતા તો મેળવે છે. પરંતુ દર હજારે બહુ જુજ એવા હશે કે આ સપનાંઓ પુર્ણ કરી શકે છે. બાકીના આ ટ્રોલી પુશરની જેમ ક્યાંક ગુમનામીની ગર્તામાં ગાયબ થઈ જાય છે. 

આ કથા ફક્ત મનીલાની જ નથી, આપણી આસપાસ પણ આવા અલગ અલગ પ્રકારના ટ્રોલીઓને ધક્કા મારતા પુરુષાર્થી લોકો મળી આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here