ધરપકડ: દિલ્હીમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની કાળાબજારીનો આરોપી કાલરા ઝડપાયો

0
763
Photo Courtesy: Twitter

કોરોનાની મહામારીના સમયમાં માનવતાને નેવે મુકીને નવી દિલ્હીમાં રેસ્ટોરન્ટની ચેઈન ધરાવતા નવનીત કાલરા પર ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની કાળાબજારી કરવાનો આરોપ હતો તે ગુરુગ્રામથી ઝડપાઈ ગયો છે.

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં પણ કોરોનાને લીધે ઓક્સિજનની ખોટ મોટા પાયે પડી હતી, આવા સમયમાં શહેરની જાણીતી ખાન માર્કેટમાં મોટો બિઝનેસ ધરાવતા નવનીત કાલરા પોતાના ત્રણ રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર સંઘરી રાખેલા 524 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પકડાઈ જતાં અજાણ્યા સ્થળે ભાગી ગયો હતો.

દિલ્હી પોલીસે ગઈ મોડીરાત્રે નવનીત કાલરાને ગુરુગ્રામ સ્થિત તેના સાળાના ઘરેથી પકડી પાડ્યો છે.

કાલરાએ આટલી મોટી માત્રામાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મેટ્રિક્સ સેલ્યુલર પાસેથી તેમજ કેટલીક ચાઇનીઝ કંપનીઓ પાસેથી સ્થાનિકોએ આયાત કર્યા હતા તેમની પાસેથી ભેગા કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હી પોલીસના કહેવા અનુસાર કાલરાએ આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ રૂ. 16 થી 22 હજારમાં આયાત કર્યા હતા જેને તે દિલ્હીની વિવિધ હોસ્પિટલ્સમાં ઓક્સિજન માટે વલખાં મારતા દર્દીઓના સ્નેહીજનોને પ્રતિ કોન્સન્ટ્રેટર રૂ. 70 હજારમાં વેંચતો હતો.

થોડા દિવસ અગાઉ દિલ્હી પોલીસને એક વોટ્સએપ મેસેજમાંથી આ કૌભાંડ અંગેની ટિપ મળી હતી.

આ વોટ્સએપ મેસેજમાં નવનીત કાલરાએ તેની પાસે ઓક્સિજન કોન્સન્ટ્રેટર માંગનાર વ્યક્તિને પોતાની બેંક ડીટેઈલ્સ તેમજ વ્યક્તિગત માહિતી મોકલી હતી અને તેના પરથી આ સમગ્ર મામલા પરથી પડદો ઊંચકાયો હતો.

5મી મે ના દિવસે દિલ્હી પોલીસે નવનીત કાલરાના ત્રણ જુદાજુદા રેસ્ટોરન્ટ પર રેઇડ પાડી હતી અને ત્યાંથી આટલી મોટી સંખ્યામાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ઝડપાયા હતા.

આ ત્રણ રેસ્ટોરન્ટ્સમાં ખાન માર્કેટમાં કાલરાની સહુથી પ્રખ્યાત એવી ચાચા ઈટરી પણ સામેલ હતી.

આ રેસ્ટોરન્ટ્સમાં રેઇડ પાડ્યા બાદ પોલીસે અહીંથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમણે દિલ્હી નજીક આવેલા મંડી ગામ ખાતેના ખુલ્લર ફાર્મનો ઉલ્લેખ કર્યો હતો અને અહીંથી પણ 387 બીજા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ દિલ્હી પોલીસે કબ્જે કર્યા હતા.

ગુરુવારે સેશન્સ કોર્ટ અને શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે નવનીત કાલરાની જમીન અરજી રદ્દ કરી હતી.

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ નવનીત કાલરા વતી દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેને નકારતાં દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે નવનીત કાલરા વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે અને સમગ્ર કૌભાંડ બહાર લાવવા માટે તેની કસ્ટડીમાં પૂછપરછ કરવી જરૂરી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here