રસીકરણ: દેશના નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં રસીનો ઉંચો બગાડ

0
439
Photo Courtesy: Times of India

ભારતભરમાં હાલમાં પુરજોશથી કોરોના વિરોધી રસીકરણ ચાલી રહ્યું છે, પરંતુ દેશના નવ રાજ્યો એવા છે જ્યાં રસીનો સહુથી વધુ બગાડ થઇ રહ્યો છે અને આ મામલામાં એક કેન્દ્રશાસિત પ્રદેશ પણ સામેલ છે.

નવી દિલ્હી: ભારતના દરેક રાજ્યમાં કોરોના વિરોધી રસી લેવા માટે ઈચ્છુક વ્યક્તિઓને એક તરફ ઓનલાઈન સ્લોટ નથી મળી રહ્યા તો બીજી તરફ રસીઓનો જબરો વેડફાટ પણ સામે આવી રહ્યો છે.

દેશના ઓછામાં ઓછાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં રસીનો વેડફાટ દેશની સરેરાશ 3 ટકા કરતાં પણ ઘણો ઉંચો છે.

તો સામેપક્ષે દેશના એવા રાજ્યો પણ છે જ્યાં વેક્સિનની સપ્લાય ખૂબ ઓછી અથવાતો નહીવત હોવાની બૂમ પણ પડી રહી છે.

આગળ જણાવ્યું તેમ સમગ્ર દેશમાં COVISHIELD તેમજ COVAXIN ની વેડફાટની સરેરાશ 3.06 ટકા જોવા મળી છે જ્યારે રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ, આસામ, બિહાર, પંજાબ, નાગાલેન્ડ, મણીપુર અને મેઘાલયમાં આનાથી પણ વધુ સરેરાશથી વેક્સિનનો બગાડ થઇ રહ્યો છે કારણકે અહીં પ્રજા વેક્સિન અંગે બિલકુલ ઉત્સાહી નથી.

આ રાજ્યો ઉપરાંત ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ વેક્સિન વપરાયા વગર મોટી સંખ્યામાં બગડી રહી છે.

તમામ રાજ્યોમાં હરિયાણામાં સહુથી વધુ 6.49 ટકા વેક્સિનનો બગાડ સામે આવ્યો છે અને તેની પાછળનું કારણ રાજ્ય સરકાર તેને મળેલી COVAXIN ને ગણી રહી છે.

COVAXINના એક બંચમાં 20 વાયલ્સ આવતી હોય છે અને એક વખત તેને ખોલવામાં આવે તો પછી 4 કલાકમાં આ તમામ 20 વાયલ્સનો ઉપયોગ કરવો પડતો હોય છે.

જો કે તમિલનાડુથી રાહતના સમાચાર એ આવી રહ્યા છે કે અગાઉ અહીં વેક્સિનનો 10% જેટલો ઉંચો બગાડ જોવા મળતો હતો તેને છેલ્લા અમુક દિવસોમાં ઘટાડીને 4.13 ટકા સુધી લઇ જવામાં આવ્યો છે.

એક ધારણા અનુસાર વેક્સિનનો બગાડ સમગ્ર રાજ્ય કે પછી દેશની વસ્તીના 1% ની આસપાસ હોય તો તે સ્વીકાર્ય હોય છે.

પરંતુ આંકડાઓ એમ જણાવી રહ્યા છે કે ભારતમાં COVAXINનો બગાડ 6% જેટલો ઉંચો રહ્યો છે જ્યારે COVISHIELD સ્વીકાર્ય એવા 1% બગાડની સરેરાશ ધરાવી રહી છે.

થોડા દિવસો અગાઉ આ બંનેના બગાડની ટકાવારી અનુક્રમે 16 ટકા અને 6 ટકા રહી હતી, જેના પરથી ખ્યાલ આવી રહ્યો છે કે ધીરેધીરે વેક્સિનનો બગાડ તો ઘટી રહ્યો છે પરંતુ હજી પણ તે ઘણો ઉંચો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here