ગુજરાત રાજ્ય, જૂનાગઢ જિલ્લો, ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી લગભગ 67 કિલોમીટર દૂર જાંબુર નામનું ગામ. અંદાજે 5000 લોકોની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ વર્ષોથી મૂળ આફ્રિકાના સિદ્દી જાતિના લોકોનું ઠેકાણું રહ્યું છે. મૂળ આફ્રિકન, રાષ્ટ્રીયતા ભારતીય પરંતુ ભાષા અને બોલી ગુજરાતી – એવું આ સોહામણું ગામ! જેમ ગીર પંથકના સિંહ વિશ્વભરમાં પ્રખ્યાત તેમ જાંબુર ગામના હીરબાઈ ઈબ્રાહીમ લોબી પણ અતિ પ્રખ્યાત!
***
થોડાક ફ્લેશબેકમાં જઈએ.
લગભગ 60-62 વર્ષો પહેલાની વાત. જાંબુર ગામમાં એક ગરીબ ઘરમાં હીરબાઈનો જન્મ થયો. બાળપણમાં તકલીફોનો પાર નહોતો. પાંચેક વર્ષની ઉંમરે માતાને અને પંદર વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા. ભણતરના નામે મીંડું. દાદીએ ભરણપોષણ કર્યું. ગામની પરિસ્થિતિ એવી કે સ્ત્રીઓને તો ભણવાની તક નહોતી મળતી પણ પુરુષો એ અભણ, કારણ કે ગામમાં કોઈ નિશાળ જ નહોતી.
પુરુષો દારૂનું સેવન પણ કરે અને બેરોજગારી તો હતી જ! એવામાં હીરબાઈને ગામના એક પુરુષ સાથે પરણાવી પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડ્યો. લગ્ન થયા અને હીરબાઈ સમજણા થયા ત્યારે દાદીએ કહ્યું કે હીરબાઈના પિતા અર્ધો એકર જમીન તેમના નામે કરી ગયા છે અને તેમની માથે પાડોશી ગામના એક વેપારીનું એક લાખ રૂપિયાનું દેવું છે. હીરબાઈ પાસે ફક્ત જમીન હતી અને હિંમત! ખેતી કરીને પાંચેક વર્ષમાં બધું જ દેવું ઉતારી દીધું. વર્ષો મહેનત કરીને થોડી ઘણી મૂડી જમા કરી.
***
પોતે જેમતેમ સદ્ધર થયા પરંતુ તે સમયે જાંબુરની મહિલાઓ પોતાના પગભર ઊભી નહોતી. હીરબાઈએ નક્કી કર્યું કે લોકોની પરિસ્થિતિ સુધારવી પડશે. વર્ષોથી સિદ્દી સમુદાયની સ્ત્રીઓ અલ્પ સંસાધનો સાથે જીવતી આવી છે અને તેમની પાસે કોઈ વાસ્તવિક તક પણ નહોતી. પરંતુ આ બધી હકીકત બદલવાનું બીડું હીરબાઈ લોબીએ ઝડપ્યું.
તેમની પાસે એક રેડિયો હતો. એક દિવસ રેડિયો સાંભળતા હતા ત્યારે સેન્દ્રીય ખાતર બનાવવાની પધ્ધતિ ધ્યાનમાં આવી. રેડિયો દ્વારા આદિવાસીઓને ખેતીની વૈજ્ઞાનિક રીતો અને યુક્તિઓ અમલમાં લેવા માટે પ્રેર્યા. તેમણે ઓર્ગેનિક કમ્પોસ્ટ ફાર્મ શરૂ કરવા માટે લોન લીધી હતી અને સિદ્દી સમુદાયની મહિલાઓને રોજગાર આપ્યું.
મહિલાઓને પગભર કરવા જુદા જુદા કામ કરાવે – કેસર કેરીમાંથી નીકળતા રસને ડબામાં પેક કરાવે, સેન્દ્રીય ખાતર બનાવવાનું કામ કરાવે, સસ્તા ભાવે લોકોને સારું બિયારણ મેળવી આપે વગેરે વગેરે. ફકત જાંબુર ગામ જ નહીં, આસપાસના 20 ગામની બહેનો માટે હીરાબાઈએ કામ કરવાનું શરૂ કર્યું. તેમની પાસે આવતી બહેનોને તેઓ પોતાની રીતે સદ્ધર બનાવી કામ કરતી કરીને વિકાસ માટે મુકત કરે. જિલ્લા સ્તરે તેમની સલાહ લેવાય. કૃષિ હોય કે ડેરી ઉદ્યોગ કે વિકાસના કાર્ય – તેમની પાસે માહિતી અને જ્ઞાન હોય જ.
સૌરાષ્ટ્રના 18 ગામોમાં ફેલાયેલ આ સમુદાયમાં હીરબાઈ લોબીએ જે પરિવર્તન લાવ્યું તેમાં સહકારી પેઢીઓ, કુટુંબ આયોજન અને નાના બચત જૂથો શામેલ છે. 11 જેટલી મહિલા સહકારી પેઢીઓથી હીરબાઈએ શરૂ કરેલી પહેલ આખા સમુદાયમાં મદદરૂપ રહી. પરંતુ આ કોઈ રાતોરાતનો ચમત્કાર નહોતો. હીરાબાઈ ગામના સરપંચ તરીકે અને કેટલાક એન.જી.ઓ. સાથે, દાયકાઓ સુધી શાંતિથી તેના પર સતત કામ કરતા રહયા.
હીરાબાઈ લોબી યાદ કરતા કરતા કહે છે કે, “અમારા સમુદાયની સમસ્યા એ હતી કે લોકો સકારાત્મક પરિવર્તન માટે અચકાતા હતા. અમે અહીં વર્ષોથી દયનીય પરિસ્થિતિમાં રહીએ છીએ. શરૂઆતમાં, જ્યારે મેં પરિવર્તન માટે દબાણ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ મારા હેતુ અંગે પણ શંકા કરી હતી. ગામની બાયું પોલીસથી ડરતી અને ગામની બહાર જવા પણ રાજી નહોતી.”
હીરબાઈએ સમાજમાં બદલાવ લાવવા એજન્ટો તરીકે મહિલાઓ પર વિશ્વાસ રાખવાનું પસંદ કર્યું. એક એન.જી.ઓ.ની મદદથી, માસિક બચત માટે એક મહિલા સહકારી સાથે જોડાણ કર્યું.
“સમુદાયના માણસો મને હંમેશા નિરાશ કરતા રહેતા. વસ્તુઓ એટલી મુશ્કેલ હતી કે બચત કરવા માંગતી મહિલાઓ પણ તેમને બચતનાં પૈસા છુપાવીને દેતી હતી. હું માસિક બચતનો હપ્તો લેવા માટે સાદા કપડા પહેરીને મહિલાઓના ઘરે જતી, જેથી તેમના પુરૂષ પરિવારના સભ્યો મને ઓળખી ન શકે”, હીરાબાઈ કહે છે.
ધીમે ધીમે મહિલા સહકારી મંડળીઓએ સભ્યોને ધિરાણ આપવાનું શરૂ કરી દીધું. સહકારી સંસ્થાઓ અમલમાં મૂકતા પહેલા, હીરબાઈ લોબીએ આરોગ્યની મૂળભૂત સમસ્યાઓ પર મહિલાઓમાં જાગૃતિ શરૂ કરી.
એક નવીનતમ પહેલ એટલે સિદ્દીઓ દ્વારા બનાવવામાં આવેલા બ્રાન્ડેડ વર્મી કંપોસ્ટ (કૃમિ ખાતર)નું માર્કેટિંગ. સિદ્દી મહિલા સહકારી મંડળી દ્વારા ‘પંચત્ત્વ બ્રાંડ સેન્દ્રિય ખાતર પાવડર’ વેચવામાં આવે છે. આ ઉત્પાદન મહિલાઓનો સામૂહિક પ્રયાસ છે, પરંતુ સ્થાનિક રીતે આ બ્રાન્ડ હવે આ ધંધામાં આવી રહેલી બીજી મોટી કંપનીઓને કડક સ્પર્ધા આપી રહી છે.
હીરબાઈ લોબીની સફળતા નોંધપાત્ર એટલા માટે છે કે અગાઉ આ મહિલાઓ બજારની પરિસ્થિતિઓ વિષે ઓછા જાણીતા ખેડુતો અને દુકાનદારોને કૃમિ ખાતર વેચવા માટે વ્યક્તિગત રૂપે ફરતી હતી, હવે મહિલાઓ પાસે નવ જુદા જુદા માર્કેટિંગ એજન્ટો છે જેઓ વેચાણનું ધ્યાન રાખે છે. હીરબાઈ લોબીના વર્મી કંપોસ્ટ મેન્યુફેક્ચરિંગ ગ્રુપ, નાગરચી મહિલા મંડળની 25 મહિલાઓમાંની એક જીલુબેન મોદી કહે છે, હવે તે વર્ષે 6-7 લાખ રૂપિયાનું કૃમિ ખાતર વેચે છે.
શરૂઆતથી જ તેમના તમામ પ્રયત્નોમાં હીરબાઈ લોબીની સાથે રહેનારા 65 વર્ષીય અમુલાબેન દરજાદા કહે છે કે શરૂઆતના દિવસોમાં પુરુષો અમારાથી દૂર રહયાં હતા. તેમાંથી કોઈ પણ શરૂઆતમાં અમારી મદદ કરવા આવ્યું ન હતું. ફક્ત હીરબાઈમાં પરિવર્તન કરવાની હિંમત હતી.
પુરુષો પણ હવે પ્રયત્નોની કદર કરવા લાગ્યા છે. બચુ મકવાણા નામનો ગામનો પુરુષ કહે છે, “તેના પ્રયત્નોને કારણે હવે ઘણી મહિલાઓને રોજગાર મળવાનું શરૂ થયું છે. તેના સહકારી આંદોલનને પગલે હવે પુરુષો પણ તેમાં રસ દાખવવાનું શરૂ કરી દીધા છે.”
ગામની મહિલાઓ સાથે કામ કરતા હીરબાઈને થયું કે આ દરેક અજ્ઞાનતા અને બેરોજગારીનું મૂળ અશિક્ષણ છે. ધીમે ધીમે તેમને ગામમાં બાળમંદિર શાળાની સ્થાપના કરી. લોબીને સમુદાયની શાળા શરૂ કરવામાં મદદ કર્યા પછી, સિદ્ધીઓએ હવે તેમના ગામમાં મોટી સ્કુલ અને કોલેજ બનાવવાનું પણ કાર્ય શરૂ કર્યું છે.
હીરબાઇના મતે વિકાસ એટલે ફકત પૈસા કમાવા નહીં, પરંતુ તમામ ક્ષેત્રે જીવનધોરણ સુધરવું જોઇએ. મુટ્ઠી કેટલી પણ બંધ કરો તેમાં જો કોઈ સુગંધિત વસ્તુ હોય તો તેની સુગંધ છૂપી રહેતી નથી. હીરબાઈની સોડમ પણ દેશ-વિદેશમાં પ્રસરેલી છે. તેમને દેશ-વિદેશમાં લોકો વક્તવ્ય આપવા માટે બોલાવે છે અને અનેક એવોર્ડથી તેમનું સન્માન થયું છે.
તેમને સન 2010માં CNN IBN Real Heroes Award મળ્યો. આ એવોર્ડ તેમને રિલાયન્સના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના હસ્તે એનાયત થયેલો. આ એવોર્ડ આપતી વખતે એક નાનો 3 મિનિટનો વિડીયો બનાવેલો જે યુટ્યુબ પર ઉપલબ્ધ છે:
આ સિવાય જાનકીદેવી બજાજ પુરસ્કાર, ગોડફ્રે ફિલીપ્સ નેશનલ બહાદુરી એવોર્ડ, વુમન્સ વર્લ્ડ સમિટ 2002 (નેધરલેન્ડ) તરફથી પણ એવોર્ડ એનાયત થયો છે. હીરબાઈ લોબી અને જાંબુર ગામ વિશેની વધુ વાતો આ વિડીયોમાં:
આસપાસના અનેક ગામોમાં સફળ રીતે વ્યવસાય કરતી બહેનોની કહાણી જાણવા મળે અને તેમનું પીઠબળ હોય હીરબાઇ લોબી. એક ગામડાની અભણ સ્ત્રી, જે વાંચી કે લખી શકતી નથી, એક અજીબ ક્રાંતિની શરૂઆત કરી.
સંદર્ભ:
https://realherohirbai.blogspot.com/