આપણામાંથી ઘણા માટે ઉનાળો એટલે કેરી ખાવાના દિવસો, મારા જેવા અનેક લોકો માટે તો ઉનાળાનો અર્થ જ કેરી થાય છે, એ સિવાય ઉનાળો એક ત્રાસદાયક પરિસ્થિતિ છે. આપણે કેરીનો ઉપયોગ રાંધણકળામાં વ્યાપક રીતે કરીએ છીએ. ખાટી, કાચી કેરીની ચટણી, અથાણા તથા અન્ય સાઈડ ડીશમાં ઉપયોગ થાય છે. અથવા તેને મીઠું, મરચું, અથવા સોયા સોસ સાથે કાચી પણ ખાઈ શકાય છે. એક ઉનાળાનું પીણું, આમ પન્ના, કેરી માંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત પાકી કેરી – તેમાંથી રસ,લસ્સી અને ફજેતો( અથવા આમ્ટી) બનાવવામાં પણ વપરાય છે. પાકી કેરી સાઉથ-ઇસ્ટ એશિયામાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં પણ વપરાય છે.
એશિયાટિક કન્ટ્રીઝ સિવાયના દેશોની વાત કરીએ તો કેરીનો મહત્તમ ઉપયોગ સવારના નાસ્તામાં વપરાતા સીરીઅલ્સ તથા ગ્રનોલા બાર બનાવવામાં થાય છે, જે સામાન્ય રીતે પાકી કેરી હોય છે. આ ઉપરાંત હવાઈમાં તેનો ઉપયોગ ‘બાર્બેક્યુ’ બનાવવામાં થાય છે.
કેરીની ન્યુટ્રીશિયન વેલ્યુની વાત કરીએ તો, 100 ગ્રામ કેરીના સર્વિંગ દીઠ 250 kJ (60 kcal) કેલરી મળે છે. કેરી વિવિધ પોષક તત્વો સમાવે છે, પરંતુ માત્ર વિટામિન સી અને ફોલેટ (અનુક્રમે 44% અને 11%) નું પ્રમાણ જ રોજીંદી જરૂરિયાતોને અનુરૂપ છે.
કેરી ભારત, પાકિસ્તાન અને ફિલિપાઇન્સનું રાષ્ટ્રીય ફળ છે તથા બાંગ્લાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે. મુઘલ સમ્રાટ અકબર એ દરભંગામાં 100,000 કેરીના વૃક્ષો વાવી આંબાવાડિયાનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે. હિંદુ ધર્મમાં સંપૂર્ણપણે તૈયાર કેરી ઘણીવાર ભગવાન ગણેશનાં હાથમાં મૂકવામાં આવે છે, જે ભક્તના સંપૂર્ણ સમર્પણના પ્રતીક તરીકે દર્શાવાય છે. કેરીના મ્હોરનો ઉપયોગ દેવી સરસ્વતીની પૂજામાં થાય છે. તમિળનાડુમાં, કેરી તેની મીઠાશ અને સ્વાદ માટે, કેળા અને ફણસ સાથે ત્રણ શાહી ફળોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે. ફળોની આ ત્રિપુટી મા-પાલા-વાઝાઈ તરીકે ઓળખવામાં આવે છે.
આજે આપણે કેરીમાંથી બનતી કેટલીક અલગ પ્રકારની વાનગીઓ જોઈશું, જેમકે મેંગો સાલસા, આમરસ કે આલુ અને મેંગો પાના-કોટા. મેંગો સાલસા એક મેક્સિકન સાલસા છે, જેને નાચોસ કે અન્ય કોઈપણ મેક્સિકન વાનગી સાથે સર્વ કરી શકાય છે. મેંગો સેવૈયા ટ્રેડીશનલ ઇન્ડિયન મીઠાઈનું એક રસપ્રદ વર્ઝન છે, જયારે મેંગો પાના-કોટા એ એક ઇટાલિયન ડેઝર્ટ છે.
મેંગો સાલસા

સામગ્રી:
1 કેરી (છોલીને સમારેલી)
½ કપ કાકડી (છોલી, બી કાઢીને સમારેલી)
1 મોટો ચમચો ઝીણા સમારેલા હલાપીનીઓ મરચા
¼ કપ સમારેલી ડુંગળી
1 મોટો ચમચો લીંબુનો રસ
1 મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર
મીઠું,મરી સ્વાદ મુજબ
રીત:
- કેરી, કાકડી, હલાપીનીઓ મરચા, ડુંગળી, લીંબુનો રસ અને કોથમીર ને એક બાઉલમાં ભેગા કરી, સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદમુજબ મીઠું અને મરી નાખી બરાબર ભેળવી દો.
- નાચોઝ, તોર્તિયા ચિપ્સ કે ટાકોઝ સાથે સર્વ કરો.
મેંગો પાના-કોટા

સામગ્રી:
1 1/4 કપ દૂધ
1/4 કપ ખાંડ
2 ટીસ્પૂન અગર અગર પાઉડર
1 કપ કેરીનો રસ
1 કેરી (લગભગ 1/2 કપ હોવી જોઈએ)
1 ટીસ્પૂન વેનીલા એસેન્સ
રીત:
- એક મધ્યમ સોસપેનમાં દૂધ, ખાંડ અને અગર અગર પાવડર ભેગા કરો.
- તેને 5 મિનિટ માટે મૂકી રાખો.
- ગેસ ઉપર મૂકી તેને ખદખદવા દો, ત્યારબાદ ગરમી ઘટાડી અગર-અગર ઓગળે ત્યાં સુધી, 6-8 મિનિટ રાંધો.
- ગેસ પરથી દૂર કરો.
- એક ફૂડ પ્રોસેસર માં કેરીનો રસ, અગર અગર મિશ્રણ અને વેનીલા નો એસેન્સ ઉમેરો.
- મિશ્રણને ડેઝર્ટ ગ્લાસમાં સરખા ભાગે વહેંચી દો.
- ફ્રીજમાં લગભગ 1 થી 2 કલાક સેટ થવા દો.
- ઠંડુ ઠંડુ સર્વ કરો.
મેંગો સેવૈયા

સામગ્રી:
½ કપ વર્મેસીલી
4 કપ દૂધ
2 ટેબલસ્પૂન સમારેલા ડ્રાયફ્રૂટ
1 કેરી, પ્યુરી કરેલી
½ ટેબલસ્પૂન ઘી
1/4 કપ ખાંડ
¼ ટીસ્પૂન ઈલાયચી પાઉડર
રીત:
- એક હેવી બોટમ પેનમાં ઘી ગરમ કરી તેમાં ડ્રાયફ્રૂટ સાંતળી લો. સહેજ ગુલાબી રંગ થાય એટલે ડ્રાયફ્રૂટને કાઢી, વધેલા ઘીમાં વર્મેસીલી સાંતળી લો.
- વર્મેસીલી સંતળાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી વર્મેસીલી લગભગ ચડી જાય ત્યાં સુધી ઉકળવા દો.
- તેમાં ઈલાયચી પાઉડર અને ખાંડ ઉમેરીને વર્મેસીલી પૂરેપૂરી ચડી જાય ત્યાં સુધી પકવો. બહુ વધુ દૂધ ન રહેવું જોઈએ અને વર્મેસીલી ગળી ન જવી જોઈએ તે ધ્યાન રાખવું.
- તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીને સેવૈયાને સહેજ ઠંડી થવા દો.
- રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેમાં કેરીની પ્યુરી ઉમેરીને બરાબર ભેળવી દો.
- ફ્રીજમાં એકાદ કલાક ઠંડી થવા દો અને ઠંડી ઠંડી પીરસો.
eછાપું