વડીલો અને સંતાનોની સમજણથી સબંધોનો કાલ્પનિક ભય ટાળી શકાય છે

0
364
Photo Courtesy: vivahcreations.com

સપન અને સાંવરી રાતના સાડા બારે ઘરે પહોંચ્યા. સોમથી શનિ કામ અને રવિવારે પાર્ટીઓ. બંનેના લગ્નને ત્રણ મહિના થયા હતા. હજુ ઘર સાવ સો ટકા વ્યવસ્થિત રીતે વસ્તુઓથી સજ્જ નહોતું. કોઈને કોઈ મિત્ર લગ્ન પછી પોતાને ઘરે બોલાવી લેતા અથવા કોઈ એમને ત્યાં આવી ચડતું.

સપનના માતાપિતાનો કોલ અને મેસેજ જવાબ આપ્યા વગરના પડ્યા હતા. ” સપન! તું આમ કેમ કરી શકે છે? બે મિનીટ વાત તો કરી લેવી જોઇતી’ તી.”

“સાંવરી…! કાલે કરીશ ને હું વાત ! ઇટ્સ ઓ કે.” સપન વધુ કંઈ બોલ્યા વગર પાણીની બોટલ લેવા ફ્રીઝ તરફ ધસ્યો.

સવાર પડી. સાંવરીને થોડી ફિકર હતી. સાસુ સસરા પ્રથમ વખત આવવાના હતાં. ખબર નહીં ઘર જોઈને શું પ્રત્યાઘાત પડશે? સપન ખૂબ સ્થિતિસંપન્ન કુટુંબનો પુત્ર હતો. એનું ઘર જાજરમાન વસ્તુઓથી ભરેલું હતું. આ ભાડે રાખેલા બે બેડરૂમ વાળા ઘરમાં કેટલુંક રાચરચીલું સમાઈ શકે એ વિચારી વિચારીને સાંવરી ધીરે ધીરે ગોઠવણ કરતી હતી.

સપને બીજા દિવસે ફોન જોડ્યો ” હા, પપ્પા ! ….અચ્છા….ભલે…ચોક્કસ… અમને કંઇ વાંધો નથી ..કોઈ પ્રોગ્રામ નથી. તમે આવો આવતા શુક્રવારે ..! સાંવરીને ફોન આપું ..”

સાંવરીએ ફોન લીધો. થોડા ગભરાટ સાથે સાસુ સસરાના આગમનના સમય જાણ્યા. ” હા, હા..ના રે …હું તો સાંજે વહેલી જ આવી જાઉં છું. તમે આવશો ત્યારે હું ઘરે જ હોઈશ…” ઔપચારિક વાતો પતાવી સાંવરીએ ફોન મૂક્યો.

સપન એકધારી સૂચનાઓ આપતો હતો. શું બનાવવું, કેટલાં શાકભાજી લાવવાં વગેરે. પણ સાંવરીના કાને કશું પડતું જ નહોતું. એને મન ધ્રાસકો એ જ વાતનો હતો કે ઘરની છાપ સારી પડશે કે નહીં.

પડોશી વાસંતીની સાસુ તો કબાટ સુદ્ધાં ખોલી બધું જોતી એ વાત યાદ આવી. સોફા, કાર્પેટ, ડાઇનિંગ ટેબલ, ચાદરો, પડદા, રસોડું, બાથરૂમ બધું જ વ્યવસ્થિત છે કે કેમ એ ચકાસી સરખાં કરવામાં આગલા પાંચ દિવસ નીકળી ગયા અને સપનના માતાપિતા આવી પહોંચ્યા.

ગેઇટ પરથી ફોન આવ્યો, ” મિ. શ્રીકાંત અને શારદા….” ધડકતા હૈયે સાંવરી દરવાજે પહોંચી. માતાપિતાના હાથમાંથી સામાન લઈ એમના રૂમ સુધી દોરી ગઈ. શારદાની નજર બધે શાંતિથી ફરી વળી.

બધાં સોફા પર ગોઠવાયાં. સાંવરી ચા નાસ્તો લઈ આવી. શારદાએ તુરંત ઘરનાં વખાણ કર્યાં. સંવરીના મોં પર હરખ છવાઈ ગયો. શ્રીકાંત અને શારદા સાથે થોડા કલાકો વિતાવી એ નિશ્ચિંત થઈ ગઈ. લગ્ન પહેલાં એમની સાથે અલપઝલપ જ સમય વિતાવી શકેલી. લગ્ન પછી સપન સાથે દિલ્હી જવાનું હતું.

રાત્રે શ્રીકાંત અને શારદા પોતાના રૂમમાં એકલાં પડ્યાં. શ્રીકાંતે પૂછ્યું ” ઘર મને તો બહુ ગમ્યું. સપન અને સાંવરી નાના છે પણ હવેના સંતાનો આપણા કરતાં ઘણાં જ સૂજ, સમાજ વાળા હોય છે. ત્રણ જ મહિનામાં કેટલું ગોઠવી નાખ્યું. ”

શારદાએ હળવેકથી સ્મિત આપી કહ્યું, “જેવું રાખે તેવું મને તો મંજૂર જ હતું. સાંવરીને જેમ સગવડ પડે, ગમે તેમ જ વસાવે એ બરાબર. ભૂલે ચૂકે મારાથી કોઈ વસ્તુ આમથી આમ મુક અથવા મને વધુ ખબર પડે કરી એને કશું કહેવાય ના જાય એની આમેય મેં તકેદારી રાખી છે. એનું ઘર છે. ખુશીથી એ બંનેને ગમે તેમ રહે.

મારી ઉંમર ૬૨ વર્ષ છે, અને લગ્નના ૩૫ વર્ષથી મેં મને ગમતું વસાવ્યું છે, જીવ્યું છે. હવે અહીં પણ મારી જ વિચારધારા મુજબ ચાલે એવું ન જ કરી શકું. મારી સમજ, મારી ઉંમર અને મારો અનુભવ મારા બાળકને ભૂલ કરવા પણ સ્વતંત્ર ન બનાવે એનો શું અર્થ? ભય મને એજ વાતનો હતો કે સાંવરીને ના ગમે એવું સૂચન આપણે બંને ના કરીએ, બસ એટલું જ.” શ્રીકાંત જાજરમાન ઘરની રચયિતા શારદાની ઉમદા સમજ પર મનોમન વારી ગયો.

સપન સાંવરીએ માતાપિતા સાથે ઘણી મોજથી સમય વિતાવ્યો. જ્યાં પરસ્પર મોકળાશ ન હોય ત્યાં સંબંધોનું દીવાલની ધાર પર ચાલવા જેવું કટોકટ બને છે, ક્યારે કઈ બાજુ ધસી પડાય તે ના કહેવાય.

જો માતાપિતા પોતે પોતાની મરજી મુજબ જીવ્યાં હોય તો સંતાન પોતાનો ચીલો પોતે પાડે તે જોવું દરેક માતાપિતાની જવાબદારી છે. માતાપિતાનું માર્ગદર્શન ઉવેખવું નહિ એ સંતાને પણ જોવું ઘટે.

સંતાન કાબેલ હોય તો એ એના શોખ અને આવડત મુજબ કેમ જીવી ના શકે ? માર્ગદર્શક બનવું કે માર્ગરોધક તે ભેદરેખા સમજી લેવા જેવી છે. જો વડીલ આખી જિંદગી જમણી બાજુ ટેબલ રાખવા ટેવાયેલા હોય તો સંતાન ડાબી તરફ તેને મૂકવા વિચારી સુદ્ધાં ન શકે એવી પરિસ્થિતિ આજે પણ ઘણા ઘરોમાં મોજુદ છે.

અફસોસ, સંતાનો માબાપનો લખેલો એકડો જ પુનઃ ઘૂંટવા રીતસરના તૈયાર કરાય છે. આવું સંતાન સાંઠે પહોંચે તો ય શું? માબાપની વિચારધારા મુજબની જિંદગીમાં સંતાનના પોતાના શોખ, ઈચ્છાઓ અને આવડત તો ક્યારના મૃત્યુ પામ્યાં હોય છે.

કથા સારને એક નિચોડના સ્વરૂપે થોડું ઉમેરવાની પ્રેરણા આપવા બદલ ડૉ. ઝંખના બુચની ખૂબ આભારી છું.

અત્રે મારી પુત્રીએ સૂચવેલ એક વાત ઉમેરું છું

Your children are not your children. They are the sons and daughters of Life’s longing for itself. They come through you but not from you. You may give them your love but not your thoughts. For they have their own thoughts.

–  Khalil Gibran.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here