O Womaniya (6): ઝાંસીના ઈતિહાસની અકથિત વીરાંગના ‘ઝલકારી બાઈ’

0
1148
Photo Courtesy: Jansatta

‘ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસીવાલી રાની થી’ – ઝાંસીની વાત આવે એટલે સૌથી પહેલું નામ આપણને રાણી લક્ષ્મીબાઈનું યાદ આવે. પરંતુ 1857ના બળવામાં ઝાંસીના યુદ્ધ દરમિયાન રાણી લક્ષ્મીબાઈના મહિલાસૈન્યમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર એક યોદ્ધા હતી જેનું નામ હતું: ઝલકારી બાઈ! આજે ભારતીય ઇતિહાસની આ અકથિત વીરાંગના ઝલકારી બાઈની વાત કરવી છે.

***

ઝાંસી નજીક ભોજલા નામનું ગામ. ગામમાં દલિત સમાજની ‘કોરી’ જાતિનું એક દંપતી રહે. પતિનું નામ સદોબા સિંહ અને પત્નીનું નામ જમુના દેવી. લારીયા ગોત્ર ધરાવતા આ દંપતી ખેતીવાડીનું કામ કરતા. કોરી જાતિનો એક ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. એવું માનવામાં આવે છે કે કોરી જાતિના લોકો એક સમયે અતિ સમૃદ્ધ હતા. શમ્બા અસુર મહારાજ એક કોરી શાસક હતા. ગૌતમ બુદ્ધના પત્ની યશોધરા પણ કોરી જાતિના હતા. કેવી રીતે યોદ્ધા અને સમૃદ્ધ કોરી સમાજના લોકો અજ્ઞાત બની ગયા તે આજે પણ એક રહસ્ય જ છે.

22 નવેમ્બર 1830ના રોજ સદોબા અને જમુનાદેવીને ત્યાં એકમાત્ર પુત્રીનો જન્મ થયો. પરિવારમાં ખુશી વ્યાપી ગઈ. દીકરીનું નામ ઝલકારી રાખવામાં આવ્યું પરંતુ કુટુંબમાં હુલામણું નામ ચલોરિયા હતું. દીકરીના જન્મના થોડા જ વર્ષોમાં જમુના દેવીનું અવસાન થયું. ખૂબ જ નાની ઉંમરે માતાને ગુમાવ્યા બાદ ચલોરિયાને તેના પિતાએ ખૂબ જ કાળજી, પ્રેમ અને સ્નેહથી ઉછેરી. ઝલકારી બાઈ એક મજબૂત, હિંમતવાન, સુંદર છોકરી હતી. ખૂબ જ નાની ઉંમરે દીકરીને તેના પિતાએ બધી જ વિદ્યા શીખવી – શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો, ઘોડેસવારી કેમ કરવી, અને યોદ્ધાની જેમ લડવાની તાલીમ પણ આપી.

12 વર્ષની ઉંમરે જ્યારે તે વનવિસ્તારમાં ઈંધણનું લાકડું લેવા ગઈ ત્યારે એક દીપડા સાથે તેનો પનારો પડ્યો. પોતાની કુહાડીથી દીપડા પર હુમલો કરતી વખતે તે ચૂકી ગઈ અને કુહાડી તેના હાથમાંથી પડી ગઈ. પછી હિંમતભેર દીપડાને તેના બંને જડબામાંથી પકડીને ફાડી નાખેલો એવી એક દંતકથા છે. આવું કરવામાં તેને થોડાં ઘાવ થયા અને તેના કપડા પણ ફાટી ગયા. આ સમાચાર ઝાંસી શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં દાવાનળની જેમ પ્રસરી ગયા અને બધાએ ચલોરિયાના બહાદુરીના વખાણ કર્યા. બીજા એક પ્રસંગે, ચલોરિયાએ ગામના વેપારીના ઘરે દરોડા પાડવા આવેલા ડાકુઓની ટોળકીને પડકારીને તેમને પીછેહઠ કરવા દબાણ કર્યું હતું.

નમાપુર ઝાંસીના પૂરણે આ વિષે સાંભળ્યું. પૂરણ પોતે કોરી જાતિના જ હતા અને એક હિંમતવાન પ્રખ્યાત કુસ્તીબાજ હતા. તેમને ઘોડેસવારી, બંદૂક, તલવાર અને તીરંદાજીનો કુશળ અનુભવ હતો. પૂરણે તેમની માતાને કહ્યું કે તે બહાદુર ઝલકારી બાઈ સાથે લગ્ન કરવા માંગે છે. આ વિચારનો ઝલકારી બાઈના પિતાએ પણ સ્વીકાર કર્યો. બંને પરિવારની સંમતિથી ઘડિયા લગ્ન લેવાયા અને લગ્નપ્રસંગને ધાર્મિક વિધિ અને ઉમંગથી ઉજવવામાં આવ્યો.

ઝલકારી બાઈના સાસુ-સસરા વણકર હતા અને તેમની પાસેથી જ ઝલકારી બાઈએ કાપડ વણવાની કળા પણ શીખી. પૂરણ કોરી ઝાંસીના મુખ્ય દરવાજા પર તોપ ચલાવનાર હતા. પોતાના પતિદેવથી પ્રભાવિત થઈને ઝલકારી બાઈને લશ્કરી તાલીમ મેળવવાની ઈચ્છા થઈ. પૂરણ કોરીએ પત્નીના વિચારને ટેકો આપ્યો અને ઝલકારી બાઈને રક્ષણાત્મક અને આક્રમક બંને પ્રકારની માર્શલ આર્ટ્સમાં તાલીમ આપી.

તે સમયમાં સ્ત્રીઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું તો આવી તાલીમ તો ક્યાંથી મળે? એટલે જ ઝલકારી બાઈનું આ પરાક્રમ સમાજના વડીલોને ન ગમ્યું. વડીલો માટે મહિલાઓને ઘરની બહારની કોઈ પણ સૈન્યની પ્રવૃત્તિ કરવાની છૂટ નહોતી. તેમને તો વહુવારુઓને પતિદેવની સેવા, બાળકોના ઉછેર અને ફક્ત ઘરની ફરજોમાં બાંધી રાખવી હતી. ઝલકારી બાઈ અને પૂરણ કોરી – આ નવા દંપતી વિકસિત વિચારધારા વાળા હતા એટલે આ પ્રકારની ટીકા તરફ આંખ આડા કાન કર્યા.

ઝલકારી બાઈ પતિ સાથે રાજ દરબારમાં પણ જતી. એક વાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ગૌરી પૂજાના પ્રસંગે પોતાના વિસ્તારની મહિલાઓને આમંત્રણ આપ્યું. ઝલકારી બાઈ પણ રાણીની આજ્ઞાનું પાલન કરીને નવી વહુ તરીકે નવા કપડા પહેરીને પોતાની સાસુ સાથે રાણીના મહેલમાં ગઈ. ઝલકારી બાઈ સાથે વાતચીત કરતી વખતે રાણીને તેની નિર્ભયતાની ખબર પડી. વધુ પૂછપરછ કરતા ખબર પડી કે ઝલકારી બાઈને રાણીની સેનામાં જોડાવાની ઇચ્છા છે.

ઝલકારી બાઈનો ખુશ મિજાજ, મજબૂત બાંધો અને રૂપરેખાએ રાણીને પ્રભાવિત કરી. ઝલકારી બાઈની તેમના સાથેની અલૌકિક સામ્યતાથી લક્ષ્મીબાઈને સુખદ આઘાત લાગ્યો. રાણીને લાગ્યું કે ઝલકારી બાઈ તેમની જોડિયા બહેન જ છે. અન્ય મહિલાઓ દ્વારા ઝલકારી બાઈની હિંમતકથાઓ વિશે જાણ્યા પછી રાણીએ ઝલકારી બાઈને ઝાંસીની મહિલા સેના (દુર્ગા દળ)માં સામેલ કરવાનો આદેશ આપ્યો.

સૈન્યમાં ભરતી થયા બાદ ઝલકારી બાઈને દરરોજ રાણીને મળવાનું પણ કહેવામાં આવ્યું. ઝલકારી બાઈને ખુદ રાણીએ તીરંદાજી, ઘોડેસવારી, નિશાનબાજી, કુસ્તી અને અન્ય શારિરીક કસરતોની તાલીમ આપી. ઝાંસી સૈન્યની અન્ય મહિલાઓને જે સમયે બ્રિટિશ ઘુસણખોરીનો સામનો કરવા માટે મજબૂત બનાવવામાં આવી રહી હતી તે સમયે ઝલકારી બાઈને તોપોના ગોળીબાર અને સળગાવવાની તાલીમ આપવામાં આવી.

થોડાં જ દિવસો બાદ ઝલકારી બાઈને દુર્ગા દળના કમાન્ડર બનાવવામાં આવ્યા. દુર્ગા દળની મહિલાઓ અતિશય બળવાન હતી. દુર્ગા દળને કારણે જ બ્રિટીશ સૈન્ય દ્વારા વારંવાર કરવામાં આવેલા હુમલા નિષ્ફળ થયેલા. પરંતુ લક્ષ્મીબાઈના એક સેનાપતિ દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાતને કારણે ઝાંસીનો કિલ્લો બ્રિટિશરોએ કબ્જે કર્યો, જો એમ ન થાત તો એ કિલ્લો વધુ સમય માટે અજેય રહ્યો હોત. ઝલકારી બાઈએ રાણીને કઈ રીતે મદદ કરી એ જાણવા થોડો ઈતિહાસ જાણવો જરૂરી છે:

રાણી લક્ષ્મીબાઈના એકમાત્ર પુત્રનું  4 મહિનાની ઉંમરે જ અવસાન થયેલું, જેના આઘાતથી તેમના પતિ રાજા ગંગાધર રાવ બીમાર પડ્યા. તે જ સમયે દૂરના પિતરાઈ ભાઈ દામોદર રાવને તેમના વારસદાર તરીકે સ્વીકારવાની તૈયારી બતાવી. રાજા ગંગાધર રાવનું 12 નવેમ્બર 1853 ના રોજ અવસાન થયું અને રાણીએ તરત જ તેમના દત્તક દીકરાને અનુગામી તરીકે સ્વીકારવાની તૈયારી કરી. પરંતુ રાણીની આ વિનંતીને લોર્ડ ડેલહાઉઝીએ (સબ-ઓર્ડિનેટ અધિકારીનું સમર્થન હોવા છતાં) નકારી કાઢી. તે સમયે નવા કપ્તાન એલેક્ઝાંડર સ્કીનને 1848ના સિદ્ધાંત હેઠળ ઝાંસીનો હવાલો સંભાળવાનો આદેશ આપવામાં આવ્યો. આ સિદ્ધાંતનો અમલ થાય તો ઝાંસીને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રભુત્વમાં સમાઈ જવું પડે.

રાણીને પોતાના મહેલને નિવાસસ્થાન તરીકે જારી રાખવાના સૂચન સાથે વાર્ષિક રૂ. 60,000/- નું પેન્શન મંજૂર કરાયું. દામોદર રાવને રાજાની મિલકત વારસામાં મળી પરંતુ તેમની પદવી કે રાજ્ય મળ્યું નહીં. રાણીએ અંગ્રેજોને કહી દીધેલું, “હું કોઈ પણ પરિસ્થિતિમાં ઝાંસીને કોઈ પણ બીજા શાસકને સોંપીશ નહીં”. એટલે જ ઈતિહાસકારો એવું લખે છે કે ઝાંસીની રાણીએ બ્રિટિશરો વતી 1855-56 માં ઝાંસી પર શાસન કર્યું હતું.

1857ના વર્ષમાં મેરઠમાં અને ત્યારબાદ ઝાંસીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતીય સિપાઈઓએ બળવો કર્યો, તેમ છતાં તે વખતે લક્ષ્મીબાઈ બ્રિટિશરોને વફાદાર રહ્યા. બળવાખોરોને બંદૂકના જોરે દૂર રાખીને તરત જ બ્રિટિશ સરકારને ખબર આપ્યા. બ્રિટિશરોએ રાણી લક્ષ્મીબાઈને એજન્ટ તરીકે નિયુક્ત કર્યા અને તેમને શાસન કરવાનો સંપૂર્ણ અધિકાર આપ્યો, જે તેમણે વફાદારીથી નિભાવ્યો.

8 જૂન,1857ના રોજ, લગભગ 72 જેટલા યુરોપિયન પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની (જેમને ઝાંસીથી સુરક્ષિત પસાર થવાનું વચન અપાયું હતું) બળવાખોર સૈનિકો દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી. બ્રિટિશરોએ રાણી પર આ વાતની જવાબદારી સોંપી હતી. રાણીએ આ હત્યામાં પોતે સામેલ નથી એમ કહેડાવ્યું, પરંતુ બ્રિટિશરોએ તેમના પર વિશ્વાસ ન કર્યો. ટૂંક સમયમાં જ લક્ષ્મીબાઈને સ્પષ્ટ થઈ ગયું કે જ્યારે ઝાંસી અને બુંદેલખંડ સહિત મધ્ય ભારતમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે ત્યારે તેમને દેશદ્રોહી તરીકે તેમની ધરપકડ કરવા આવશે.

ફાંસીની સંભાવનાનો સામનો કરી રહેલા લક્ષ્મીબાઈએ તે સમયે જ અંગ્રેજો સામે બળવો કર્યો. નાથેખાન નામના તેમના મિત્રએ પણ બ્રિટીશ સેનાને મદદ કરવા માટે 20,000 સૈનિકોના મજબૂત સૈન્ય સાથે ઝાંસી પર હુમલો કર્યો. ઝાંસી તરફથી પૂરણ કોરી, ભાઉ બકાશી, ઝલકારી બાઈ, જવાહરસિંહ, ગુલામ ગોયાસ લડતા હતા. એક ભયંકર લડત ચાલી રહી હતી અને જેવો નાથેખાન હારી ગયો, તેને દારૂગોળો છોડીને ભાગવાની ફરજ પડી. પીઅર અલી ખાને પણ બ્રિટિશરો સાથે હાથ મિલાવ્યો અને જાર ટેકરી બાજુથી ઝાંસી પર હુમલો કરવાનું સૂચન આપ્યું. તે સમયે ફક્ત તાત્યા ટોપેએ લક્ષ્મીબાઈને મદદ કરવા હાથ લંબાવ્યો.

છેવટે એક પછી એક વિશ્વાસઘાતનો મારો કરતા, બ્રિટીશ સૈન્યએ રાણી લક્ષ્મીબાઈના કિલ્લામાં પ્રવેશ મેળવ્યો. રાણીએ પૂરણ કોરી, ભાઉ બકાશી, જવાહરસિંહ, ગુલામ ગોયાસ અને ભોપતકરને કિલ્લાની બહારથી દુશ્મનના પ્રવેશનો સામનો કરવા કહ્યું. સૈનિકો મોટી સંખ્યામાં માર્યા ગયા. દરમિયાન ઝલકારી બાઈએ રાણીને તેમના દત્તક દીકરા સાથે કિલ્લામાંથી બીજા સ્થળે જવા કહ્યું, કેમ કે ઝાંસીની સ્વતંત્રતાની લડત ચાલુ રાખવા માટે રાણીનું અસ્તિત્વ મહત્વપૂર્ણ હતું.

રાણી લક્ષ્મીબાઈ રાતના અંધકારમાં ઝાંસી કિલ્લાથી પૂરણ કોરીના હવાલા હેઠળ ભંડેરી ગેટ થઈને તેના પુત્રને સાથે લઈને બહાર ગયા એટલે પછી બ્રિટિશરોનો સામનો કરવાની અલગ યોજના બનાવી શકે. ઝલકારી બાઈ અને લક્ષ્મીબાઈના દેખાવમાં સામ્યતા હોવાને કારણે ઝલકારી બાઈ રાણીનો પોશાક પહેરીને લશ્કરની અગ્રણી બની રહી. ભંડારી ગેટ પર પહોંચતાં જ તેમણે જોયું કે પતિ પૂરણ કોરીએ લડતી વખતે શહાદત મેળવી છે. પતિનું મૃત્યુ જોઈને આઘાત લાગ્યો છતાં સલામ કરી ખૂબ જ શોક સાથે તેણે કહ્યું કે તે વધુ ઉગ્રતાથી લડશે.

ઝલકારી બાઈનો એકમાત્ર ઉદ્દેશ્ય રાણી લક્ષ્મીબાઈ કોઈ સુરક્ષિત ગંતવ્ય સુધી પહોંચી ન જાય ત્યાં સુધી દુશ્મન દળોને વ્યસ્ત રાખવાનું હતું. તેણે બ્રિટિશરોને છેતરવાની યોજના બનાવી. તેણે લક્ષ્મીબાઈની જેમ સજ્જ થઈને ઝાંસીના સૈન્યની કમાન સંભાળી. કેટલીક મહિલા સૈનિકોને પણ “રાણી ઝાંસી કી જય” ના નારા સાથે તેમની પાછળ આવવાનું કહ્યું.

ઝલકારી બાઈએ બ્રિટિશરોની સામે બૂમ પાડી કે તે તેમના જનરલને મળવા માંગે છે. તરત જ બ્રિટિશરોએ ઝલકારી બાઈને પકડી પાડી. ઝાંસી કબ્જે કરવા ઉપરાંત, બ્રિટીશરોને લાગ્યું કે તેઓએ રાણીને જીવંત પકડી છે. જ્યારે જનરલે રાણીના વેશમાં ઝલકારી બાઈને પૂછ્યું કે તેને શું સજા કરવી જોઈએ, ત્યારે તેણે નિશ્ચિતપણે કહ્યું, ‘મને ફાંસી આપો.’ પરંતુ તેનો અવાજ સાંભળીને એક સૈનિક ઓળખી ગયો અને કહ્યું કે તે રાણી લક્ષ્મીબાઈ નહીં પણ ઝલકારી બાઈ હતી. આમ ઝલકારી બાઈનું અસત્ય પકડાઈ જતા તરત જ તેમને ફાંસી આપવામાં આવી.

ટૂંકમાં ઝલકારી બાઈનો જન્મ એક દલિત પરિવારમાં થયેલો અને મોટી થઈને એક સૈનિક બની અને ધીમે ધીમે રાણી લક્ષ્મીબાઈની વિશ્વસનીય સલાહકાર બની. ઝલકારી બાઈની સૌથી નોંધપાત્ર કામગીરી એ હતી કે પોતે રાણીનો વેશ ધારણ કરીને રાણીને સલામત રીતે કિલ્લાની બહાર નીકળવામાં મદદ કરી હતી. આજે પણ ઝલકારી બાઈને તેમની હિંમત અને બલિદાન માટે યાદ કરવામાં આવે છે.

ઝલકારી બાઈના જીવન પર વિવિધ લેખકોએ વાર્તાઓ અને કવિતાઓ લખી છે. કોમિક્સ, કવિતાઓ, નાટકો, નવલકથાઓ, જીવનચરિત્રો, નૌટંકી અને તેમના નામે સામયિકો અને સંસ્થાઓ પણ શામેલ છે, જેમ કે – ‘વીરાંગના ઝલકારી બાઈ કાવ્યો’, ‘ઝાંસી કી શેરની: વિરાંગના ઝલકારી બાઈ કા જીવન ચરિત્ર’, વિવિધ નાટકો અને નૌટંકી (નામે ‘વીરાંગના ઝલકારી બાઈ’ અને ‘અચ્છુત વીરાંગના’), ‘ઝલકારી સંદેશ’ નામનું સામાયિક વગેરે વગેરે. બુંદેલખંડની પ્રજા આજે પણ કવિતાઓ દ્વારા પ્રેમથી યાદ કરે છે:

ખૂબ લડી ઝલકારી તું તો, તેરી એક જવાની થી,

દૂર ફિરંગી કો કરને મેં, વીરો મેં મરદાની થી,

હાર બોલો કે મૂંહ સે સુન હમ તેરી એ કહાની થી,

રાની કી તું સાથી બનકર, ઝાંસી ફતેહ કરાની થી,

મચા ઝાંસી મેં ઘમાસાન, ચહુ ઔર મચી કિલકારી થી,

અંગ્રેજો સે લોહ લેને, રણ મેં કૂદી ઝલકારી થી…

સંદર્ભ:

https://dalitvision.blogspot.com/2014/07/veerangini-jhalkari-bai-kori-story-of.html

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here