લઘુકથા: ‘ચોરી’ – જ્યારે પોતાના જ પારકાં થાય ત્યારે…

0
376
Photo Courtesy: Pinterest

નિકુંજની આંખો પ્રજ્ઞા સામેથી હટવાનું નામ નહોતી લઇ રહી. પ્રજ્ઞાએ આજ નિકુંજને ગમતી લાલ રંગની કુર્તી ધારણ કરી હતી અને સાથે જ તેના લલાટ પર મોટો લાલ ચટ્ટાક ચાંદલો શોભી રહ્યો હતો.

નિકુંજ અને પ્રજ્ઞાના લગ્ન થયે આશરે દોઢ વર્ષ થયું હશે. રૂઢિચુસ્ત વાતાવરણમાં ઉછરેલો નિકુંજ, પત્ની ઉપર ક્યારેય સંપૂર્ણપણે ન્યોછાવર થઇ શકતો નહોતો. ઘરમાં અપરિણીત મોટી બહેન , માતાપિતા અને દાદા. ઘર નાનું અને કડકપણે મર્યાદાઓમાં માનનારું.

પ્રજ્ઞા એક માસ માટે પોતાને પિયર ભાઈના લગ્ન નિમિતે જવા માંગતી હતી. જવાના બેચાર દિવસો બાકી હતા. સાસુના કહેવાથી પ્રજ્ઞા થોડું કરિયાણું,દવાઓ વગેરે લેવા નીકળી. આવી ત્યારે તેને લાગ્યું કે તેના ઓરડાની તમામ લાઈટો ચાલુ હતી. તેને આવતી જોઈને સાસુએ સટાક કરીને બારી આડેનો પડદો ખેંચ્યો. ઘરની ડોરબેલ દબાવી ત્યારે દરવાજો ખુલતાં પણ વાર લાગી. પ્રજ્ઞાને કશુંય સમજાયું નહિ કે સાસુએ શા માટે તેના ઓરડામાં જવું પડે ? જો કે તેને ઘણીવાર વહેમ જતો કે સાસુનો ચાંપતો ઈજારો તેના રૂમ સુધી અને રૂમની અંદર પણ સતત રહે છે.

પ્રજ્ઞા રસોડા તરફ વળતી હતી ત્યાં નિકુંજની માતાનો દમદાર અવાજ સંભળાયો : ” ચારુલતાની સફેદ કુર્તી દેખાતી નથી..તને ખ્યાલ છે ને …ચારુલતાને એ સફેદ કુર્તી ખૂબ પસંદ છે ???”

અત્યારે અચાનક આ સફેદ કુર્તીની વાત સાસુએ કેમ કરી હશે તે પ્રજ્ઞાને સમજાયું નહી. થોડી થોથવાઈ તે બોલી, ” કઈ કુર્તી મમ્મી..પેલી બ્લુ કાશ્મીરી બોર્ડર વાળી? ”

સાસુએ અવાજ વધુ મોટો કર્યો, ” તો બીજી કઈ ?? તું ઈસ્ત્રી માટે આપવા લઇ ગઈ હતી..પછી તે કુર્તી દેખાઈ નથી…” પવનના ઝપાટાની જેમ વીંઝાતી સાસુ રસોડામાં ધસમસતી આવી.

પ્રજ્ઞા ધ્રુજી ગઈ. હવે તેને સમજાયું પોતાના ઓરડામાં શેની તહેકિકાત ચાલતી હતી તે. આ તો પોતે કુર્તી ચોરીને સંતાડી છે એવો મતલબ થયો ને !!!ચારુલતા પણ સી.આઈ.ડીની માફક રસોડાના બીજા ખૂણે પ્રશ્નાર્થ ભાવ ધારણ કરીને ઊભીને હતી. કુટુંબના દરેક સભ્યોની કાયમ આમન્યા રાખનાર પ્રજ્ઞાને આજ ચોર ઠરાવવાની કોશિશ થઇ હતી. શું જવાબ આપવો કે કઈ રીતે નિર્દોષતા પુરવાર કરવી તે એ સમજી ન શકી. એ બોલી, ” હું હમણાં જઈને ઇસ્ત્રીવાળાને પૂછી આવું..કદાચ તેણે કોઈ ગડબડ ન કરી હોય. ”

હવે રુઆબદાર અને ધારદાર દલીલ ચારુલતા તરફથી આવી, ” પ્રજ્ઞા, ઇસ્ત્રીવાળો તો જૂનો ને જાણીતો છે..એ ગડબડ ન કરે હોં ” એ લુચ્ચું હસવાનું શરુ કરે તે પહેલાં જ પ્રજ્ઞા ઘરની બહાર નીકળી ગઈ.

થોડી મહેનત બાદ ઇસ્ત્રીવાળાને ત્યાંથી જ સફેદ કુર્તી મળી આવી. પ્રજ્ઞાએ ઘરે જઈ કુર્તી ચારુલતાને આપી. હજુ પણ તે અને તેની માં પ્રજ્ઞા સામે ટગરટગર જોઈ રહયાં હતાં.

ખેર, પ્રજ્ઞાને આ બનાવથી ખરાબ તો ખૂબ લાગ્યું પણ આ ઘરમાં ઈશ્વર પણ તેનો પક્ષ લઇ ન શકે તેટલી સજ્જડ પકડ બીજા લોકોની હતી. એક મહિના બાદ જયારે તે ભાઈના લગ્ન પતાવીને આવી તો નિકુંજે તેને રજાના દિવસે પેલી લાલ કુર્તી અને લાલ ચાંદલો કરવા કહ્યું. પ્રજ્ઞાએ આખા કબાટમાં કેટલીયે વાર ચકાસ્યું પણ પેલી લાલ કુર્તી ન મળી તે ન જ મળી.

મહિનાઓ બાદ દિવાળીની સફાઈ થઇ, કપડાં ભાંડીમા અપાયાં. લોભના માર્યા ખૂબ ઘસીને પહેરાયેલા કપડાંઓ વચ્ચે, ડૂચો વળેલી લાલ કુર્તી દેખાઈ. પ્રજ્ઞા દોડીને એ કુર્તી લેવા ગઈ ત્યાં સાસુએ ટોકી, ” રહેવા દે..ફાટી ગઈ છે..આવા કપડાં તે કઈ રજાને દિવસે પહેરાતાં હશે ???”

લાલ કુર્તીમાં કેટલીયે જગ્યાએ કાપા પડેલા હતા. આ સાથે જ બે ચોરીનો રહસ્ય સ્ફોટ થયો હતો : નિકુંજની પસંદનો તેની માતાને પૂરેપૂરો ખ્યાલ હતો અને કાતરથી ચીરીને, નવી કુર્તીને તેમણે જૂના કપડામાં, પ્રજ્ઞાના અરમાનોની જેમ ડૂચો વાળીને સંતાડી દીધી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here