O Womaniya (7): ગુરુદ્વારામાં લંગરની પ્રથા શરૂ કરનાર ‘માતા ખીવીજી’

0
612
Photo Courtesy: Pinterest

શીખ સમુદાય હંમેશાથી ‘સેવા પરમો ધર્મ’ના સિદ્ધાંતને વળગી રહ્યો છે. ખાસ કરીને શીખ સમુદાયના પ્રાર્થનાસ્થળ ‘ગુરુદ્વારા’માં સદીઓથી ભૂખ્યાને ભોજન (જેને ‘લંગર’ કહેવાય છે) અપાય છે. આ પ્રથા લગભગ 16મી સદીમાં શરૂ થઈ અને શરૂ કરનાર એક મહિલા હતા, જેમનું નામ છે – માતા ખીવીજી!

‘લંગર’ પ્રણાલી (વિનામૂલ્ય શીખ સમુદાયનું રસોડું) એ લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના સેવા આપવા માટે શીખ ધર્મ સાથે સંકળાયેલી પરંપરા છે. આ સિસ્ટમ પાછળનો હેતુ જાતિ, રંગ, ધર્મ, લિંગ કે વર્ગના આધારે કોઈ પણ ભેદભાવ વિના એક જ જગ્યાએ બધાને એક સાથે ભોજન પીરસવામાં આવે – તેવી સમાનતાના વિચારનો પ્રચાર કરવાનો હતો. લંગર પ્રણાલીની શરૂઆત શીખ ધર્મના પ્રથમ ગુરુ – ગુરુ નાનકદેવ – દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તે પછી માતા ખીવીજી દ્વારા આ પરંપરાનું અખંડ પાલન કરવામાં આવ્યું, જેમણે નિ:સ્વાર્થ સેવાથી યાત્રિકો અને મુલાકાતીઓની સેવા કરી.

માતા ખીવીજીનો જન્મ સન 1506 માં બીબી કરણ દેવી અને ભાઈ દેવીચંદ ખત્રીના ઘરે સંઘર નામના એક નાનકડા શહેરમાં થયો હતો. સંઘર હવે પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં સ્થિત છે. તેમના પિતા એક દુકાનદાર હતા અને તેમની પાસે સારી એવી સંપત્તિ હતી. ભાઈ દેવીચંદ જે વિસ્તારમાં રહેતા તે વિસ્તારમાં પોતાના સરળ સ્વભાવને કારણે લોકપ્રિય હતા. પિતાજી તરફથી ઉદારતા અને મૈત્રીપૂર્ણ ભાવના જેવા અનેક ગુણો માતા ખીવીજીને વારસામાં મળ્યા હતા.

માતા ખીવીજીના લગ્ન ફક્ત 13 વર્ષની વયે સન 1519 માં થયા. તેમના પતિ તે સમયે ફક્ત 20 વર્ષના હતા જેમનું નામ હતું – લેહનાજી. તે સમયે લેહનાજી ગુરુ નાનકજીના ભક્ત હતા (અને તેમની અઠંગ ભક્તિ બાદ 20 વર્ષે એટલે કે સન 1539 માં શીખ સમુદાયના જ બીજા ગુરુ બન્યા. ગુરુ બન્યા બાદ લેહનાજીનું નામ ગુરુ અંગદ દેવ રાખવામાં આવ્યું). લેહનાજી અને માતા ખીવીજીને 4 સંતાનો હતા: સૌથી મોટા ભાઈ દાસુનો જન્મ સન 1524માં, ત્યારબાદ બીબી અમરોનો જન્મ સન 1532માં, પછી સન 1535માં બીબી અનોખી અને સન 1537 માં સૌથી નાના ભાઈ દાતુનો જન્મ ખડુર સાહેબ ખાતે થયેલો. માતા ખીવીજીને ત્યાં સૌ સારાવાના હતા. તેઓ શહેરના સૌથી ધનિક વ્યક્તિના પત્ની હતા અને સમાજમાં પણ તેમનું ખૂબ માન-સન્માન હતું. તેમનું જીવન સંતોષી અને વૈભવી હતું.

ભાઈ લેહનાજી સત્યના સાધક હતા અને તેમની ઉત્સુકતા પણ સજાગ હતી. 1532 માં, તેમની પ્રથમ પુત્રી બીબી અમરોના જન્મ પછી, ભાઈ લહેનાજી તેમની વાર્ષિક યાત્રા માટે નીકળ્યા. તે યાત્રા દરમિયાન તેમના માર્ગથી છૂટીને કરતારપુર ગયા. ત્યાં ગુરુ નાનકદેવજીના દર્શન કરી તેમને સાંભળ્યા. ત્યારબાદ તેમની સાથે રહેવા અને તેમના શિષ્ય બનવા માટે મંજૂરી લીધી. ભાઈ લેહનાજીને તેઓ જે સત્ય શોધી રહ્યા હતા – તે મળી ગયું હતું, તેમણે ચરણ અમૃત અને નામનો સ્વીકાર કર્યો અને દિવસ-રાત ગુરુ નાનકજીની ખૂબ જ પ્રેમથી સેવા કરતા સાચા શીખ બન્યા.

સંતાનોનું પોષણ કરતા માતા ખીવીજી ‘માઈ ભીરાઈ’ના પ્રભાવમાં આવ્યા, જેમણે તેમને શીખ સમુદાય અને ગુરુ નાનકદેવજી વિશે વધુ કહ્યું. તે જ સમયે તેમના પતિદેવ ભાઈ લેહનાજીએ ‘ગુરુબાની’ ગાતા સાંભળ્યા. ભાઈ લેહનાજીના ગુરુએ તેમને સ્ત્રી-પુરુષ સમાનતા પણ શીખવી. ગુરુજીની સેવામાં થોડા સમય રહ્યા પછી તેમના કુટુંબને મળવા માટે અને તેમના વિસ્તારમાં શીખ સમુદાયનો પ્રચાર કરવા માટે તેમને ખડુર સાહેબ મોકલવામાં આવ્યા.

માતા ખીવીજીએ તેમના પતિ પાસેથી ‘શીખી’ વિશે જાણકારી મેળવી અને તેનો દિલથી સ્વીકાર કર્યો. કહેવામાં આવે છે કે ગુરુ નાનકદેવજીએ ભાઈ લેહનાજી વિશે સારા અહેવાલો સાંભળીને બે વાર ખડુર સાહેબની મુલાકાત પણ લીધી હતી. ગુરુ નાનકદેવજીની પહેલી મુલાકાત પછી જ માતા ખીવીજીને ચરણ અમૃત અને નામ પ્રાપ્ત થયું. માતાજીએ રાત-દિવસ ગુરુબાની પાઠ શરૂ કરી દીધા. ગામની મહિલાઓએ તે સમયે તેમની હાંસી ઉડાવી અને કહ્યું કે તેમના પતિ એક પવિત્ર પુરુષ બની રહયા છે, અને તેથી જલ્દીથી માતા ખીવીજીનો ત્યાગ કરશે. માતાજી જાણતા હતા કે તેમને ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી અને પોતાની ભક્તિ શરૂ રાખી.

જ્યારે માતા ખીવીજીના પતિ ગુરુ બન્યા, ત્યારે તેમનું જીવન ખૂબ વ્યસ્ત બની ગયું. લોકો તેમના ઘરે ગુરુજીને જોવા માટે આવતા. માતા ખીવીજી હંમેશાં સામાજિક જીવનમાં વ્યસ્ત રહેતા હતા. માતાજીએ લંગરનું સંચાલન પોતાના ધ્યાનમાં લીધું. તેઓ તેમની પાસે ઉપલબ્ધ શ્રેષ્ઠ ઘટકોનો (ingredients) ઉપયોગ કરતા અને દરેક સાથે ખૂબ જ સૌજન્ય અને આદર સાથે વર્તન કરતા. માતા ખીવીજી તેમના અમૃતવેળા અને જપ નામ માટે વહેલા ઊઠી જતા અને ગુરૂબાનીનો પાઠ કરતા, ત્યારબાદ તે લંગરના રસોડામાં સંપૂર્ણ દિવસ હાજર રહેતા.

માતા ખીવીજીએ તેમના પતિ ગુરુ બન્યા પછી જરાય અભિમાન કર્યું નહીં અને હકીકતમાં વધુ નમ્ર બન્યા. તેમના કારણે લંગરમાં સર્જાયેલું વાતાવરણ અતિ પ્રેમાળ રહેતું. માતા ખીવીજી ફક્ત પોતાના બાળકોને જ નહીં પણ સમુદાયના બધા જ બાળકોને ખૂબ ચાહતા અને એકસમાન પ્રેમ કરતા. તેમણે બાળકોને ગુરુમુખી લિપિ શીખવામાં પણ મદદ કરી. માતા ખીવીજીએ તેમના બાળકોને પણ શીખ સેવા માટેની સલાહ આપી અને પ્રોત્સાહન આપ્યું. માતાજીના પ્રોત્સાહનને કારણે તેમની પુત્રી બીબી અમરો અને બીબી અનોખીને લાંબી ગુરુબાનીઓ પણ કંઠસ્થ થઈ ગઈ.

જ્યારે ગુરુ અંગદ દેવજીએ ગુરુ જોતને બાબા અમરદાસને સોંપી, ત્યારે ભાઈ દાતુ (માતા ખીવીજીના નાના પુત્ર) નિરાશ થઈ ગયા. કેટલાક મિત્રો દ્વારા ઉત્તેજિત થઈને ભાઈ દાતુએ પોતાને વારસદાર જાહેર કરવાનો પ્રયાસ પણ કર્યો. ગુરુજીનું અનુસરણ કર્યું, જાતે સ્તોત્રો ગાયા પરંતુ માતા ખીવીજી આ વાતથી નારાજ થયાં. જ્યારે ભાઈ દાતુને ભયાનક માથાનો દુખાવો થયો ત્યારે માતા ખીવીજીએ તેમને માથાનો દુખાવો મટાડવાનો એકમાત્ર રસ્તો સાચા ગુરુ પાસે પાછા જવું અને તેમની માફી માંગવી, એવો સૂચવ્યો.

ભાઈ દાતુ સહમત થયા અને માતાજી તેમના પુત્રને ગુરુ અમરદાસજી પાસે લઈ ગયા. ભાઈ દાતુએ ગુરુજી પાસે ક્ષમાની વિનંતી કરી, જેમણે તેમને માફ કરી દીધા. ભાઈ દાતુનો માથાનો દુખાવો પણ અદૃશ્ય થઈ ગયો.

ગુરુ અમરદાસજીના સમય દરમિયાન માતાજીએ લંગરનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું, અને ગુરુ અર્જુન દેવજીના સમય સુધી સેવા કરી. હવે લંગર “ખીવી કા લંગર” તરીકે જાણીતું બન્યું. શ્રી ગુરુગ્રંથસાહેબજીમાં નામથી ઉલ્લેખિત ગુરુની પત્નીઓમાં એકમાત્ર માતા ખીવીજીનું નામ છે:

બાલવંદ કહે છે કે ગુરુની પત્ની ખીવી એક ઉમદા સ્ત્રી છે, જે સૌને સુખદ છાંયડા આપે છે.

તેમણે પીરસેલી ભાતની ખીર અને ઘી – મીઠા અમૃત જેવા છે.

અંગદની બહાદુરીથી ખુશ થઈને ભગવાને તેને મંજૂરી આપી છે.

આવી માતા ખીવીનો પતિ આખા વિશ્વને ટકાવી રાખે છે.

પતિદેવની ‘જોતી જોત’ પછી માતા ખીવીજી 30 વર્ષ જીવ્યા, તેમણે સંગતની સેવા કરવાનું ચાલુ રાખ્યું અને ગુરુના ઘર સાથે સંકળાયેલા રહ્યા. ગુરુ નાનકદેવજી થી ગુરુ અર્જુનદેવજી – એમ પાંચ ગુરુઓને મળવાનું સન્માન માતા ખીવીજીને મળ્યું. માતાજી 75 વર્ષની વય સુધી જીવતા હતા અને 1582 માં આ વિશ્વ છોડ્યું. ગુરુ અર્જુન દેવજીએ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી.

માતા જીવન લાંબું અને ઉત્પાદક હતું. તેમણે સખત મહેનત કરી હતી અને બધાના પ્રિય માતાજી બન્યા. તેમના રમૂજી સ્વભાવ અને સુખદ વ્યક્તિત્વને કારણે લંગરમાં એક પ્રેમાળ વાતાવરણ બન્યું રહેતું. આજે પણ દુનિયાભરના ગુરુદ્વારામાં લંગરની વ્યવસ્થા ખૂબ જ સરળ અને ભાવપૂર્વક બનેલી છે.

સંદર્ભ:

https://gurmatbibek.com/contents.php?id=416

https://www.sikhiwiki.org/index.php/Mata_Khivi

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here