O Womaniya (8): મહિલા કામગાર ચળવળના પ્રણેતા ‘મોટાબેન’ અનસુયા સારાભાઈ

0
774
Photo Courtesy: Live History India

સન 1885માં 11 નવેમ્બરના દિવસે અમદાવાદના એક સમૃદ્ધ પરિવારમાં અનસુયા સારાભાઈનો જન્મ થયો. આ પરિવાર ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિક લોકોનું હતું પરંતુ માત્ર નવ વર્ષની ઉંમરે અનસુયાએ માતાપિતા બંનેને ગુમાવી દીધા. તેમના પિતાના નાના ભાઈ ચીમનભાઈ સારાભાઈએ અનસુયા અને તેમના બે નાના ભાઈ-બહેનોને ઉછેર્યા. લગભગ 13 વર્ષની ઉંમરે, અનિચ્છા હોવા છતાં અનસુયાના લગ્ન તેમના કાકાએ કરાવ્યા. પરંતુ આ લગ્ન વધુ સમય ટક્યા નહીં. અનસુયાબેન લગ્નજીવનમાં ખુશ નહોતા અને એટલે જ પતિને છૂટાછેડા આપી પોતાના પરિવારમાં પાછા ફર્યા.

અનસુયાબેનને હંમેશાં આગળ ભણવાની ઈચ્છા હતી પરંતુ કાકા ચીમનભાઈ હંમેશા આ વાતને નકારતા. છૂટાછેડા પછી કાકાના ઘરે પરત ફર્યા ત્યારે જ તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો. આ સંકલ્પમાં તેમના ભાઈ અંબાલાલનો સંપૂર્ણ ટેકો મળ્યો જે બાળપણથી જ અનસુયાબેનની ખૂબ નજીક હતા. પુખ્ત વયના થયા ત્યારે એકમેકથી વિરોધી કે વિરોધાભાસ ધરાવતા વ્યવસાય કરતા છતાં ભાઈ-બહેનનો એકબીજા પ્રત્યેનો આ સ્નેહ અને પરસ્પર આદર જીવનભર ટકી રહેલો.

સન 1912માં, તેમના ભાઈનું સમર્થન મળ્યું અને અનસુયાબેન પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાં જ તેમણે સામાજિક સમાનતા માટે સેવા આપવાનું બીડું ઝડપ્યું. તેમના ઇંગ્લેંડમાં વીતાવેલા સમય દરમિયાન અનસુયાબેન પીડિતો અને ફેબિયન સમાજવાદીઓ (જેમ કે બર્નાર્ડ શો, સિડની વેબ અને ચેસ્ટરટન)ને મળ્યા. તેમના સામાજિક સમાનતાના વિચારોને કારણે અનસુયાબેનને પ્રેરણા મળી.

સન 1913માં, તે ભારત પરત ફર્યા અને વિતરિત સમુદાયો સાથે કામ કરવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તમામ જાતિના ગરીબ વિદ્યાર્થીઓ માટે એક શાળા ખોલીને પોતે તે શાળામાં ભણાવવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે મહિલાઓ માટે શૌચાલયો, એક પ્રસૂતિગૃહ અને દલિત કન્યાઓ માટે એક છાત્રાલય પણ ખોલ્યું. તે પછી તેમણે મિલ મજૂરોના વિષય પર કામ શરૂ કર્યું.

જ્યારે અનસુયાબેન ઇંગ્લેન્ડથી પરત ફર્યા ત્યારથી જ મહિલાઓ અને પછાત વર્ગના પડકારોનો સામનો કરવા માટે કામ શરૂ કર્યું પરંતુ એક ખાસ બનાવ પછી તેમને ભારતના મજૂરવર્ગની વાસ્તવિકતાઓનો પરિચય થયો. અનસુયા સારાભાઈના જ શબ્દોમાં આ અનુભવનું વર્ણન કંઈક આ રીતનું હતું:

એક સવારે, હું મારા કમ્પાઉન્ડમાં બાળકોના વાળ ઓળવી રહી હતી ત્યારે લગભગ પંદરેક મજૂરોનું જૂથ અતિશય થાકેલી હાલતમાં ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. હું તેમને સારી રીતે ઓળખતી નહોતી છતાં મેં તેમને બોલાવ્યા અને પૂછ્યું, શું વાત છે? તમે આટલા થાકેલા કેમ લાગો છો?

તેમાંથી એક મજૂરભાઈ બોલ્યા – બહેન, અમે હમણાં સળંગ 36 કલાકનું કાર્ય પૂર્ણ કર્યું છે. અમે બે રાત અને એક દિવસ કોઈપણ વિરામ વગર કામ કર્યું છે, અને હવે અમે અમારા ઘરે જઈએ છીએ. શબ્દોએ મને અંદરથી હચમચાવી દીધી. સ્ત્રીઓ જે પ્રકારની ગુલામીનો સામનો કરી હતી તેના કરતાં જરા પણ જુદું નહોતું!

આ સાંભળીને અનસુયાબેનને આશ્ચર્ય થયું અને તેમણે તરત જ નિર્ણય લીધો કે આ પરિસ્થિતિને બદલવા માટે કંઈક કરવું જોઈએ. મિલ મજૂરો જે પરિસ્થિતિમાં રહેતા અને કામ કરતા તે વિશે જાણીને અનસુયાબેન તેમને મદદ કરવા વધુ નિર્ધારિત અને ઉત્સુક બન્યા.

સન 1914માં અમદાવાદમાં પ્લેગનો રોગ ફેલાયો. અત્યંત ઓછા વેતનનો વિનાશક ભાર સહન કરવામાં અસમર્થ મિલ મજૂરો અનસુયાબેન પાસે આવ્યા અને તેમને મદદ કરવાની વિનંતી કરી. તેમની વિનંતી સ્વીકારીને અનસુયાબેને સાબરમતી નદીના કાંઠે મિલ મજૂરોની પ્રથમ સભાનું સંબોધન કર્યું. મિલ મજૂરો માટે સારું વેતન અને કામ કરવાની સારી પરિસ્થિતિની માંગ કરી. મિલ માલિકોને તેમની માંગ પૂરી કરવા 48 કલાકનો સમય આપ્યો, જેના પછી મજૂરો હડતાલ પર ઉતરશે એવી ધમકી પણ આપી. આ જ કારણે મિલ ઓનર્સ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ અંબાલાલ સારાભાઈ (જે અનસુયાબેનના મોટા ભાઈ હતા) નારાજ થયા તેમ છતાં તેમની સામે અનસુયા બેન લડ્યા.

અનસુયાબેનના વિચારો અને ભાવના મહાત્મા ગાંધીના વિચારોને મળતા હતા. સારાભાઈ પરિવારના એક સારા મિત્ર ગાંધીજી આતુરતાથી આ મિલ મજૂરોની હડતાલનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમણે મજૂરોનું વેતન વધારવા માટે મિલ માલિકોને પત્ર પણ લખ્યો હતો. લગભગ 21 દિવસ સુધી હડતાલ ચાલુ રહી, અને અંતે વાટાઘાટો શરૂ થઈ. આખરે મિલ-માલિકો મજૂરોને વધારે વેતન ચૂકવવા સંમત થયા. આમ, અનસુયાબેને ભારતમાં ‘ટ્રેડ યુનિયન આંદોલન’ માટેના બીજ વાવ્યા.

ત્યારબાદ, અનસુયાબેને ખેડા સત્યાગ્રહમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી જે ‘રોલેટ કાયદા’નો વિરોધ કરવા માટે મહાત્મા ગાંધીના ‘સત્યાગ્રહ પ્રતિજ્ઞા’નું સૌ પ્રથમ સોપાન હતું.

આ પ્રકારે લોકોની નજીક રહીને તેમના પ્રશ્નો હલ કરવાની નીતિને કારણે અનસુયાબેનને ‘મોટાબેન’ તરીકે લોકો ઓળખવા લાગ્યા. સન 1918 માં, અમદાવાદ વણકરોએ પોતાના વેતનમાં ન્યાયી 35% વધારાની માંગ કરી, પરંતુ મિલ માલિકો માત્ર 20% વધારો આપવા તૈયાર હતા. આ બાબતે મહાત્મા ગાંધીએ અનસુયાબેન અને શંકરલાલ બેન્કરની સાથે મળીને સાબરમતી નદીના કાંઠે ઝાડ નીચે બેઠકોને સંબોધી. શાંતિપૂર્ણ હડતાલ (જેમાં હજારો મજૂરોએ ભાગ લીધો હતો) છેવટે જ્યારે ગાંધીજીએ 12 માર્ચ, 1918 ના રોજ આમરણાંત ઉપવાસ કરવાનો નિર્ણય લીધો ત્યારે સફળ થઈ.

આ આંદોલન દ્વારા ગુજરાતના સૌથી પ્રાચીન મજૂર સંઘ એવા “મજુર મહાજન સંઘ” (અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન અથવા TLA) ની 25 ફેબ્રુઆરી, 1920 ના રોજ સ્થાપના કરવામાં આવી. પ્રથમ બેઠક મોટાબેનના મિર્ઝાપુર બંગલામાં થઈ હતી, જ્યાં ગાંધીજીએ અનસુયાબેનને આજીવન યુનિયનના અધ્યક્ષ જાહેર કર્યા. 1927 માં, અનસુયાબેને અમદાવાદના કાપડ કામગારની પુત્રીઓ માટે કન્યાગૃહની સ્થાપના પણ કરી. અનસુયાબેનના સક્ષમ માર્ગદર્શન હેઠળ, સન 1978 સુધીમાં આ યુનિયન ફક્ત ગુજરાતની જ 65 કાપડ મિલોના લગભગ 1.5 લાખ કામગારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું હતું.

1950 ના દાયકામાં, ઈલા ભટ્ટ નામના એક યુવા કોલેજ ગ્રેજ્યુએટ મહિલાએ અનસુયાબેન હેઠળ TLAમાં કામ શરૂ કર્યું. નાનકડી યુવતી ઈલાએ તે સમયે પોતાનું માથુ ઢાંક્યું ન હતું જે તે દિવસોમાં કામ કરતી સ્ત્રીઓમાં રિવાજ હતો. જ્યારે કેટલાક લોકોએ આ સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે અનસુયાબેને ઈલાની સાથે ઊભા રહીને તેના નિર્ણયનો બચાવ કર્યો. ઈલા ભટ્ટને આ ગમ્યું.

આગળ જતા ઈલા ભટ્ટ અનસુયાબેનના સૌથી નજીકના સહયોગીઓ અને સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEWA) નામની સંસ્થાના સ્થાપક બન્યા. TLA હેઠળ ઈલા ભટ્ટનું કામ તેમને કાપડ ક્ષેત્રની અનૌપચારિક મહિલા કામગારો સાથે સંપર્કમાં લાવ્યું અને તેમને 1972 માં SEWAમાં મદદ કરવા પ્રેરણા આપી. દુર્ભાગ્યે, ઈલાના પ્રિય ‘મોટાબેન’ તે જ વર્ષે અવસાન પામ્યા જે વર્ષે SEWA ની રચના કરવામાં આવી.

તેમના મૃત્યુના ચાર દાયકા પછી, ઈલાબેને અમદાવાદમાં, કાપડ જગતની આર્થિક અને સામાજિક રચનાને આકાર આપનારા મહાન અનસુયા સારાભાઈ ના જીવન પર આધારિત એક કાયમી ગેલેરી સ્થાપિત કરવામાં મદદ કરી.

અમદાવાદના સૌથી પ્રખ્યાત વેપારીઓમાંની એક બહેન તરીકે જેમણે જન્મ લીધેલો તેવા અનસુયા સારાભાઈ એક અસંભવિત ટ્રેડ યુનિયનના નેતા હતા. તેમ છતાં, ફક્ત એક વિશ્વસનીય નેતા જ નહીં, પરંતુ તેમણે ભારતના મજૂર ઇતિહાસને એક મોકળો માર્ગ દર્શાવવા માટે અગ્રેસર નેતાની ભૂમિકા નિભાવી. લગભગ બે લાખ મજૂરોનું નેતૃત્વ કરતા હોવા છતાં તેમણે ક્યારેય પોતાની સત્તાનો દુરૂપયોગ ન કર્યો – ક્યારેય કોઈ ક્રેડિટ અથવા હોદ્દો લેવાનો દાવો પણ ન કર્યો. ગાંધીજીએ પોતાના જીવનમાં ‘પૂજ્ય’ અથવા ‘ધન્ય’ તરીકે સંબોધન કર્યું હોય તેવા એકમાત્ર મહિલા અનસુયા સારાભાઈ હતા.

1972 માં, ‘મોટાબેન’ એક અપ્રતિમ વારસો છોડીને ચાલ્યા ગયા પરંતુ 11 નવેમ્બર 2017 ના રોજ તેમની 132 મી જન્મ જયંતિએ ગૂગલે તેમને ડૂડલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. એક હિંમતવાન મહિલા, જેમણે પોતાનું જીવન મિલ-મજૂરોના સશક્તિકરણ માટે સમર્પિત કર્યું એવા અનસુયાબેન સારાભાઈ ભારતના મજૂર અધિકાર ચળવળના પ્રણેતા હતા અને ઈતિહાસમાં હંમેશા તેમનું યોગદાન યાદગાર રહેશે.

સંદર્ભ:

https://www.independent.co.uk/news/world/asia/anasuya-sarabhai-who-was-she-india-google-doodle-first-woman-union-leader-life-career-a8049171.html

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here