ઝાક સ્નાઈડરની જસ્ટિસ લીગ અને એની પાછળની રસપ્રદ વાર્તા – 1

0
433
Photo Courtesy: Slash Film

ગત માર્ચ માં એચબીઓ મેક્સ નામની નવી સ્ટ્રીમિંગ સર્વિસ પર ઝાક સ્નાઈડરની જસ્ટિસ લીગ રિલીઝ થઇ. આ ફિલ્મ 2017માં આવેલી વોર્નર બ્રધર્સ અને ડીસીની (માર્વેલ ના એવેંજર્સ જેવી) ટિમ અપ ફિલ્મ જસ્ટિસ લીગનું ડિરેક્ટર્સ કટ વર્ઝન છે. આ ફિલ્મ કોમિક બુક ફિલ્મોના ઇતિહાસમાં સહુથી વધારે ચર્ચાયેલી ફિલ્મોમાંથી એક છે અને કદાચ પહેલી વાર એવું થયું છે કે વર્ષોથી ચાલી આવતી ફેન્સની માંગણીને ફિલ્મ સ્ટુડિયોએ સ્વીકારી હોય. આ ફિલ્મ અને અને એની પાછળની વાર્તા ખરેખર રસપ્રદ છે. આવો જાણીએ આ ફિલ્મ બનાવવા દરમ્યાન ઘટેલી રસપ્રદ ઘટનાઓ વિષે.

ઝાક સ્નાઈડર ની જસ્ટિસ લીગ નું ઓફિશિયલ પોસ્ટર Courtesy: Wikipedia.

ઝાક સ્નાઈડરની જસ્ટિસ લીગ (2021)

રન ટાઈમ: 4 કલાક 2 મિનિટ

ડિરેક્ટર અને મૂળ વાર્તા: ઝાક સ્નાઈડર

સ્ક્રીનપ્લે: ક્રિસ ટેરીઓ

સંગીત: ટોમ હોલ્કનબર્ગ (જંકિ XL)

એક્ટર્સ: હેન્રી કેવિલ(સુપરમેન/ક્લાર્ક કેન્ટ), બેન એફલેક(બ્રુસ વેઇન/બેટમેન), એમી એડમ્સ(લોઈસ લેન), ગાલ ગેડોટ(ડાયના પ્રિન્સ/વંડર વુમન), જેસન મોમોઆ(આર્થર કરી/એક્વામેન), રે ફિશર(વિક્ટર સ્ટોન/સાયબોર્ગ), એઝરા મિલર(બેરી એલન/ફ્લેશ), વિલિયમ ડેફો(વાલ્કો), જેરેમી આયરન્સ(આલ્ફ્રેડ પેનિવર્થ), જે કે સિમન્સ(કમિશ્નર ગોર્ડન), સીઆરાન હિન્ડ્સ(સ્ટેપનવુલ્ફ), રે પોટર(ડાર્કસીડ).

સ્ટ્રિમિંગ: અમેરિકામાં એચબીઓ મેક્સ. ભારતમાં રેન્ટ પર અવેલેબલ છે. (સ્ટ્રીમિંગ લિસ્ટ)

ફિલ્મનું બેકગ્રાઉન્ડ

જેમ માર્વેલમાં એવેંજર્સ છે એમ ડીસી કોમિક્સ પાસે જસ્ટિસ લીગ છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સ પહેલા કોમિકમાં એવેંજર્સ એક્સ-મેન પછીની બી-ટિમ હતી અને એના સુપરહીરો ઓછા જાણીતા હતા. પરંતુ ડીસીની જસ્ટિસ લીગના મેમ્બર્સ સહુથી વધારે જાણીતા હતા. સુપરમેન અને બેટમેનને આપણે એકથી વધારે માધ્યમમાં એકથી વધારે વાર જોઈ ચુક્યા છીએ. સર ક્રિસ્ટોફર રીવ અને બ્રાન્ડન રૂથ (2006)ના સુપરમેન કે ટિમ બર્ટન-માઈકલ કીટનના બેટમેનથી લઇ ક્રિસ નોલાન-ક્રિસ્ટીઅન બેલની બેટમેન લોકો ને ઘણી યાદ છે. પણ આ ફિલ્મો અને લોકોની પસંદ નો (સંપૂર્ણ કંટ્રોલ હોવા છતાં)  ડીસી અને વોર્નર બ્રધર્સ ફાયદો ન ઉઠાવી શક્યા અને માર્વેલ યોગ્ય પ્લાનિંગની મદદથી ઓવરટેક કરી ગયું. (ડીસી અને એના પ્લાનિંગની મોટી ભૂલ ત્યાં જ આવી જયારે એવેંજર્સ આવ્યું હતું ત્યારે બેટમેન ધ ડાર્ક નાઈટ રાઇઝિસ આવ્યું હતું, પણ એ જ બેટમેનને  કન્ટિન્યુ રાખવાના બદલે, અને એની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાના બદલે લગભગ દસ વર્ષમાં એક પણ બેટમેન ફિલ્મ ન બનાવી અને સાથે સાથે બે અલગ અલગ બેટમેન લઇ આવ્યા).

2013માં ડીસીએ માર્વેલની જેમ જ એક સિનેમેટિક યુનિવર્સ બનાવવાના પ્રયાસો શરુ કર્યા, અને એની મહત્વની અને પહેલી ચાર ફિલ્મો મેન ઓફ સ્ટીલ (સુપરમેન), બેટમેન વર્સીસ સુપરમેન: ડૉન ઓફ જસ્ટિસ, અને જસ્ટિસ લીગના બે ભાગનો દોરીસંચાર ડિરેક્ટર ઝાક સ્નાઈડરને આપવામાં આવ્યો. ઝાક સ્નાઈડર આ પહેલા 300 અને વોચમેન જેવી ફિલ્મથી જાણીતો હતો. મેન ઓફ સ્ટીલ એક ફિલ્મ તરીકે થોડી ડીવીઝીવ હતી પણ ઓવરઓલ સફળ રહી. એ પછી આવેલી બેટમેન વર્સીસ સુપરમેન: ડૉન ઓફ જસ્ટિસ રિલીઝ થાય એ પહેલાજ જસ્ટિસ લીગ માટે કામ શરુ થઇ ગયું હતું.

પણ બેટમેન વર્સીસ સુપરમેનને ધાર્યો રિસ્પોન્સ ન મળ્યો. કોમિકબુક ફિલ્મોના રસિયાઓ, ડીસી, બેટમેન અને સુપરમેનના ફેન્સ બધાએ આ ફિલ્મને મન ભરીને ગાળો દીધી. પણ આવનારી જસ્ટિસ લીગ માટે આ ફિલ્મની વાર્તા ઘણી કામની હતી.

જસ્ટિસ લીગથી જોસટીસ લીગ

એપ્રિલ 2016માં જસ્ટિસ લીગનું વાજતે ગાજતે પ્રોડક્શન શરુ થયું અને ડિસેમ્બર 2016માં પૂરું પણ થઇ ગયું. આઠ-નવ મહિનામાં બનેલી જસ્ટિસ લીગના (ઓરિજિનલી એનો પહેલો ભાગ, ઝાક સ્નાઈડરના પ્લાન પ્રમાણે એના પછી એક સુપરમેનની ફિલ્મ અને બીજી બે જસ્ટિસ લીગ આવવાની હતી) એક કરતા વધારે વર્ઝન હતા, જેમાંથી ઝાક સ્નાઈડરને ગમતો કટ લગભગ સાડા ચાર કલાક નો હતો. પોતાની રેગ્યુલર સ્ટાઇલથી અલગ થઇ ઝાક સ્નાઈડર અને સહલેખક ક્રિસ ટેરીઓએ જસ્ટિસ લીગનો ટોન ઘણો હળવો કર્યો હતો, પણ આ હળવા ટોન અને સાડા ચાર કલાકની ફિલ્મ વોર્નર બ્રધર્સને ન ગમી, એમને વધુમાં વધુ બે-અઢી કલાક જેટલી લાંબી ફિલ્મ જોઈતી હતી. ઉપરાંત ઝાક સ્નાઈડર જે રસ્તે ડીસી યુનિવર્સને લઇ જઈ રહ્યો હતો એ પણ વોર્નર બ્રધર્સને ગમ્યું ન હતું. અધૂરામાં પૂરું આ એ સમય હતો જયારે બેટમેન વર્સીસ સુપરમેનને બધેથી જાકારો મળી રહ્યો હતો. એટલે વોર્નર બ્રધર્સ ઝાક સ્નાઈડરથી કંટાળી ગયા હતા. એટલે જસ્ટિસ લીગને વધારે ટૂંકી અને વધારે હળવી બનાવવા વોર્નર બ્રધર્સે એવેંજર્સ અને એવેંજર્સ એજ ઓફ અલ્ટ્રોન ના ડિરેક્ટર જોસ વ્હેડનની મદદ લીધી, જોસ વ્હેડનને ફિલ્મ ની સ્ક્રીપ્ટ માં ફેરફાર કરવાના હતા અને એ પ્રમાણે ફિલ્મનું રી-શૂટ થાય એમાં મદદ કરવાની હતી.

જસ્ટિસ લીગ થિયેટ્રિકલ વર્ઝન નું ઓફિશિયલ પોસ્ટર: Courtesy Wikimedia

આ બધું થઇ રહ્યું હતું ત્યારે ઝાક સ્નાઈડરની પુત્રી ઓટોમન સ્નાઈડરનું અવસાન થયું, થોડો સમય ઝાક સ્નાઈડરે એનું દુઃખ ભુલાવવા આ ફિલ્મ પર કામ કરે રાખ્યું. પણ સ્ટુડીઓના સ્નાઈડર પ્રત્યેના વલણ અને સતત થતી દખલઅંદાજીથી કંટાળીને ઝાક સ્નાઈડરે ડિરેક્ટર તરીકે અને એની પત્ની અને પાર્ટનર ડેબ્રા સ્નાઈડરે પ્રોડ્યુસર તરીકે જસ્ટિસ લીગ છોડી દીધી અને હવે ફિલ્મ નો બધો દારોમદાર (જેમ વોર્નર બ્રધર્સ ઇચ્છતું હતું એમ) જોસ વ્હેડન પર આવી ગયો. જોસ વ્હેડનએ મૂળ ફિલ્મનું માળખું એમનું એમ રાખીને સ્ક્રીપ્ટમાં ધરખમ ફેરફાર કરી દીધા. અને એ ફેરફારથી નવું વર્ઝન સ્નાઈડરના ટોન કરતા પણ ઘણું હળવું હતું. ટેસ્ટ સ્ક્રીનિંગમાં સ્નાઈડરના વર્ઝનને નબળો આવકાર મળ્યો હતો, પણ જોસ વ્હેડનના વર્ઝનને ઘણા લોકોએ વખાણ્યું. એટલે વોર્નર બ્રધર્સે નવેમ્બર 2017માં જોસ વ્હેડનના વર્ઝનને ઓફિશિયલ થિયેટ્રિકલ વર્ઝન ગણીને રિલીઝ કર્યું.

થિયેટ્રિકલ વર્ઝનને એની એક્ટિંગ અને એક્શન માટે લોકોએ વખાણી પણ જોસ વ્હેડનના પ્લોટ, ફિલ્મની ગતિ, ફિલ્મની વાર્તા અને એની બકવાસ સ્પેશિયલ ઇફેક્ટ માટે ફિલ્મને બહુ ગાળો પડી. માર્વેલની એવેંજર્સ ના જવાબ રૂપે બનેલી આ ફિલ્મ ડીસીના ફેન્સને સહેજેય ન ગમી. આ ફિલ્મ માં જોસ વ્હેડન ના ઘણા બદલાવ હતા જે મૂળ વર્ઝન ની અલગ હતા એટલે આ ફિલ્મ ને ઓરીજીનલ જસ્ટિસ લીગના બદલે લોકો જોસટીસ (Josstis) લીગ તરીકે ઓળખવા લાગ્યા. જોસ વ્હેડને આ ફિલ્મના ટોન અને વાર્તામાં ઉપરાંત ફિલ્મના મૂળ સંગીતકારને પણ બદલી નાખ્યો. આટલુંજ નહિ આ ફિલ્મના રિશૂટિંગ વખતે પણ ઘણા વિવાદો થયા હતા.

ફેન્સને ખબર હતી કે ઝાક સ્નાઈડરના આટલા ઇન્વોલ્વમેન્ટના લીધે આ ફિલ્મનું કોઈ ઓરીજીનલ વર્ઝન જરૂર હશે. એટલે એ લોકોએ સ્નાઈડરના ઓરીજીનલ કટને રિલીઝ કરવા માટે લિટરલી એક ચળવળ ચલાવી અને એ ચળવળ હતી રિલીઝ ધ સ્નાઈડર કટ.

હેશટેગ રિલીઝ ધ સ્નાઈડર કટ

જોસટીસ લીગને બધેથી મળેલા અસ્વીકાર અને ઝાક સ્નાઈડરનું ઓરીજીનલ વર્ઝન છે એ બંને માહિતીઓ પરથી ડીસી અને સ્નાઈડરના ફેન્સ દ્વારા સ્નાઈડરનું ઓરીજીનલ કટ રિલીઝ કરવા માટે એક ચળવળ ચલાવી હતી. લોકોના મતે જસ્ટિસ લીગના થિયેટ્રિકલ વર્ઝન અને સુપરમેનની સિક્વલ વચ્ચે સામ્યતા હતી. સર ક્રિસ્ટોફર રીવની સુપરમેન 2માં પણ જસ્ટિસ લીગની જેમ અધવચ્ચે ડિરેક્ટર બદલાયો હતો, અને જયારે સુપરમેન 2 ના મૂળ ડિરેક્ટર દ્વારા ડિરેક્ટર્સ કટ વર્ઝન રિલીઝ થયું હતું એ થિયેટ્રિકલ કટ કરતા ઘણું સારું હતું. એટલે ફેન્સ દ્વારા સુપરમેન 2 ના ડિરેક્ટર્સ કટની જેમ જ જસ્ટિસ લીગના ડિરેક્ટર્સ કટ માટે રિલીઝ ધ સ્નાઈડર કટની ઓનલાઇન મુવમેન્ટ શરુ કરવામાં આવી. આ મુવમેન્ટને શરુ થતાની સાથે જ આ ફિલ્મના કલાકારો અને કસબીઓનું આ મુવમેન્ટને જોરદાર સમર્થન મળ્યું હતું અને કોમિકબુક ફિલ્મો સાથે સંકળાયેલા બીજા કલાકાર અને કસબીઓ એ પણ સ્નાઈડરના ઓરીજીનલ વર્ઝનવાળી ફિલ્મ રજુ થવી જોઈએ એ મત પ્રદર્શિત કર્યો હતો.

ટાઈમ્સ સ્કવેર માં ફેન્સ દ્વારા ન્યુ યોર્ક કોમિક્સ કોન નિમિત્તે દર્શાવાયેલું સ્નાઈડર કટ ને સમર્થન આપતું પોસ્ટર. Courtesy: IGN

સ્નાઈડર કટ રિલીઝ કરવા માટે ફેન્સ દ્વારા ઘણા પ્રયત્નો થયા. એ લોકો વોર્નર બ્રધર્સના અધિકારીઓને મળ્યા. 2019માં એમની સ્ટ્રીમિંગ સર્વિસના લોન્ચ પહેલા સાન ડિએગો અને ન્યુ યોર્ક બંને જગ્યાએ થઇ રહેલ કોમિક કોન્ફરન્સ (કોમિક કોન)માં સ્નાઈડર કટના સમર્થનમાં પોસ્ટરો અને મોટા બિલબોર્ડ લગાવ્યા અને આ ચળવળ ઝાક સ્નાઈડરના ધ્યાનમાં પણ આવી અને ઝાક સ્નાઈડરે આ લોકોના વખાણ પણ કર્યા.

આ ફેન મુવમેન્ટને વિવાદો પણ નડ્યા.જે લોકો આ સ્નાઈડર કટ રિલીઝ ન થાય એવો મત ધરાવતા હતા, કે ઝાક સ્નાઈડર, જસ્ટિસ લીગ કે એની સાથે સંકળાયેલા કલાકારોના ટીકાકારો હતા એ લોકોને આ ફેન મુવમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ ઓનલાઇન અને ઓફલાઈન ઘણા હેરાન પણ કર્યા. વોર્નર બ્રધર્સના અમુક અધિકારીઓને એના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડીલીટ કરવા પડ્યા. આ ઉપરાંત ચળવળ સાથે સંકળાયેલા લોકોએ વોર્નર બ્રધર્સના કસ્ટમર સપોર્ટને એ હદે હેરાન કરેલા કે કસ્ટમર સપોર્ટે કંટાળીને ઝાક સ્નાઈડર, જસ્ટિસ લીગ કે ડિરેક્ટર્સ કટ શબ્દો જે ચેટ, કોલ કે ઇમેઇલમાં હોય એવા ચેટ, કોલ કે ઇમેઇલને સાવ ઇગ્નોર કરવા પડ્યા હતા.

પણ માર્ચ 2019 માં જયારે ઝાક સ્નાઈડરે એવું સ્વીકાર્યું કે એને પસંદ એવો ડિરેક્ટર્સ કટ અસ્તિત્વમાં છે અને એકાદ વર્ષ પછી ફેબ્રુઆરી 2020માં વોર્નર બ્રધર્સે એની નવી લોન્ચ થનારી સ્ટ્રીમિંગ સર્વિસ એચ બી ઓ મેક્સ પર આ સ્નાઈડર કટ રિલીઝ થશે એવી જાહેરાત કરી ત્યારથી આ ફિલ્મ અને આ આખી મુવમેન્ટનું નસીબ બદલાઈ ગયું….

આવતા અંકમાં જોઈશું એચ બી ઓ મેક્સ પર સ્નાઈડર કટ ની રિલીઝની કહાની, થિયેટ્રિકલ કટ અને સ્નાઈડર કટ વચ્ચેનો ફરક, સ્નાઈડર કટ ની રિલીઝ વખતે સામે આવેલા અમુક જુના વિવાદો, અને ડીસી ઈ યુ નું ભવિષ્ય.

ત્યાં સુધી

ઘરે રહો, સેફ રહો, આ વાયરસને હળવાશ થી ન લેશો.

અને

મે ધ શક્તિ બી વિથ યુ…..

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here