મનોરંજનનો જમાનો: જ્યારે ફિલ્મો જોવી એક ઉત્સવ હતો – ૫

0
514

ગત અઠવાડિયે આપણે ઈલેક્ટ્રોનિક ક્રાંતિની વાત પર અર્ધવિરામ મુક્યું હતું. આજે આપણે એ જ ઈલેક્ટ્રોનિક ક્રાંતિની વાત કરીશું જેમણે ભારતભરના સિનેમાગૃહોને બંધ કરી દેવાની હાલતમાં અથવાતો બંધ જ કરી દેવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ ઈલેક્ટ્રોનિક ક્રાંતિ બે રીતે થઇ એક તો VCR અને VCPના આગમન અને તેના પ્રસારથી અને બીજી થઇ કેબલ ટીવીના ઉદભવથી. પહેલાં આપણે વાત કરીએ VCR અને VCPની અને ત્યારબાદ કેબલ ટીવીની.

VCR અને VCPનો મૂળ ફરક એ હતો કે VCR એટલેકે વિડીયો કેસેટ રેકોર્ડરમાં એના નામ પ્રમાણે પ્રોગ્રામ્સ રેકોર્ડ થઇ શકતા હતા અને VCP એટલે વિડીયો કેસેટ પ્લેયરમાં માત્ર વિડીયો કેસેટ પ્લે થઇ શકતી હતી. VCRની કિંમત પ્રમાણમાં મોંઘી રહેતી એટલે એને ખરીદી ન શકનારાઓ માટે VCPનો વિકલ્પ આપવામાં આવતો હતો. શરૂશરૂમાં તો બંને ખૂબ મોંઘા આવતાં એટલે સામાન્ય વ્યક્તિઓ તો તેને ખરીદવા વિષે વિચારી પણ ન શકતાં.

પરંતુ અમુક મિત્રો ભેગા થઈને આ VCRની ખરીદી કરી લેતા અને પછી તેને એક રાત માટે કે ચોવીસ કલાક માટે ભાડે આપતા. આ જ લોકો તેમના ગ્રાહકોની મનપસંદ ફિલ્મોની વિડીયો કેસેટ્સની વ્યવસ્થા પણ કરી આપતાં. મોટાભાગે કુટુંબ, ફ્લેટ્સ કે સોસાયટીઓમાં રજાનો મેળ કરીને કોઈ રાત્રે આખી રાત એટલે રાત્રે દસેક વાગ્યાથી શરુ કરીને વહેલી સવાર સુધી ત્રણ કે ચાર ફિલ્મો ભેગામળીને જોવામાં આવતી. આમાં જયા-પાર્વતી વ્રતના જાગરણ ખાસ મહત્ત્વ ધરાવતાં. મધ્યરાત્રી પછી એટલેકે બે ફિલ્મો પત્યા બાદ ગરમાગરમ નાસ્તો અને ચ્હાની મોજ પણ માણી લેવાતી.

તો મોટેભાગે કોઈ ઉત્સવ કે જાગરણ ન હોય અને ફિલ્મ નવી હોય તો એકલી એ જ ફિલ્મ જોવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી જેથી નોકરિયાતોને તેમજ વિદ્યાર્થીઓને સવારે અનુક્રમે પોતાની નોકરીએ કે શાળાએ જવામાં તકલીફ ન પડે. આ વિડીયો શો જો મોટી સંખ્યામાં દર્શકો થયા હોય તો ઘરની કે ફ્લેટની અગાસીમાં ગોઠવવામાં આવતા.

કોઈ એક ઘરનું ટીવી પહેલાં અગાસીમાં ચડાવવામાં આવતું. પછી જેની પાસેથી VCR કે VCP ભાડે લીધું હોય એ વ્યક્તિ એક મોટી સુટકેસમાં એને લઈને આવતો. આ વ્યક્તિનું પણ જબરું મનપાન જળવાતું. એ આવે એટલે તરતજ તેને પાણીની પૃચ્છા કરવામાં આવતી અને જો એ ના પાડે તો ઋતુ અનુસાર શરબત કે ચ્હા/કોફી તો દબાણ કરીને પીવડાવવામાં આવતા.

આ બધામાં સહુથી વધુ ઉત્સાહી ઘરના કે બિલ્ડીંગના બાળકો હોય. એ VCRના માલિક કે એના માણસને બાળકો ઘેરી વળે અને જાતજાતના સવાલ કરવા માંડે. કેવી ફિલ્મ છે? કેટલી લાંબી છે? તમે રાત્રે પાછા લેવા આવશો? સવારે ક્યારે આવશો? વગેરે. આ બધા સવાલો ચાલતાં હોય ત્યારે પેલો વ્યક્તિ શાંતિથી મૂંગો મૂંગો VCR/VCPને ટીવી સાથે અને ઇલેક્ટ્રિક આઉટલેટ સાથે કનેક્ટ કરવાની માથાકૂટ કરતો હોય.

જ્યારે એ બધું કનેક્ટ થઇ જાય પછી વારો આવે ‘કેસેટ ચેક કરવાનો’. એક પ્રશ્ન મને ત્યારે પણ સતાવતો હતો અને આજે પણ હેરાન કરે છે કે જો કેસેટ એ ભાઈ પોતાને ત્યાંથી જ લાવ્યા હોય તો પછી એમણે ચેક કરીને ન લાવવી જોઈએ? જે હોય તે પણ આ ચેકિંગ જે તે ગ્રાહકના ત્યાં જ થતું. એટલે કેસેટ જેવી ઇન્સર્ટ થાય કે પહેલાં તો બે ત્રણ આડા વરસાદ જેવી લીટી આવે, પછી મેઘધનુષના રંગના ઉભા પટ્ટા આવે, પછી કેસેટ કંપનીનો ‘ઇન્ટ્રો’ આવે.

1980ના દાયકામાં મોટેભાગે આ વિડીયો કેસેટ્સ મોટેભાગે દુબઈથી દાણચોરીથી જ ભારતમાં આવતી એટલે આ વિડીયો કેસેટ્સના મૂળ માલિક Esquire જ રહેતા. ફિલ્મમાં આ Esquire કંપનીના અન્ય બિઝનેસ જેમાં એ સમયે તેઓ દુબઈમાં મોટા મોલ્સ ધરાવતા એની જાહેરાતો પણ આવતી. હા એ વખતે આવડી મોટી જગ્યાને મોલ કહેવાય એનું ભાન ન હતું પણ એને મોટું શોપિંગ સેન્ટર જરૂર કહેતા.

હવે પેલો ભાઈ વિડીયો થોડો ‘દોડાવી દેતો’ એટલે વિડીયો ક્વોલીટીની એને ખબર પડી જાય અને એ ઓકે થાય ત્યારે જ અમે બધાં ફિલ્મ જોવા પામતાં. હા જો કેસેટ 24 કલાકમાં જ કોઈ અન્ય ગ્રાહકને ત્યાંથી આવેલી હોય તો એને પહેલાં રિવાઈન્ડ કરવી પડતી અને આ રિવાઈન્ડ થતાં થતાં ઓછામાં ઓછી પાંચ મિનીટ થતી. એ વખતે VCR/VCPન ડિજીટલ ડિસ્પ્લે પર ઉંધા ફરતા આંકડા જોવાની એક અલગ મજા હતી.

આ તો થઇ સમૂહ ફિલ્મ દર્શનની વાત. ધીમેધીમે VCR અને VCPની માંગ ભારતમાં વધવા લાગી એટલે એની કિંમત પણ ઓછી થવા લાગી. ભારતમાં SONY, National Panasonic અને BPL SANYO વગેરે કંપનીઓના VCRનું ધૂમ વેચાણ થવા લાગ્યું. તેની સાથે સાથેજ હવે ભારતીય વિડીયો કેસેટ્સ કંપનીઓ પણ મેદાનમાં આવી જે હિન્દી ફિલ્મોના વિડીયો રાઈટ્સ લઈને વિડીયો કેસેટ્સ બનાવીને વેચવા લાગી. આ કંપનીઓમાં મહત્ત્વની હતી TIME, Shemaroo અને BOMBINO.

પછી તો ઠેરઠેર વિડીયો કેસેટ લાઈબ્રેરી પણ ખુલી ગઈ. અહીં મહિનાનું 200 રૂપિયા સુધીનું ભાડું આપીને શરૂઆતમાં મહિનાની 50 કેસેટ્સ અને પછી અનલિમિટેડ કેસેટ્સ 24 કલાક માટે મળવા લાગી. અહીં પણ વ્હાલા-દવલાની નીતિ જોવા મળતી. કોઇપણ નવી ફિલ્મ જે શુક્રવારે થિયેટરમાં રિલીઝ થતી તેની કોપી એ જ દિવસે સાંજે આ વિડીયો કેસેટ લાઈબ્રેરીમાં આવી જતી. એટલે લાઈબ્રેરીવાળાના નજીકના સગાં અને મિત્રોને તેનો લાભ પહેલાં મળતો. હા, પછી આ લોકો બ્લેન્ક કેસેટ્સ પર કે જૂની થઇ ગયેલી ફિલ્મોની કેસેટ્સ પર રેકોર્ડીંગ કરીને તેની દસ-બાર કોપીઝ બનાવીને ભાડે આપવા લાગ્યા.

પરંતુ, થિયેટર સુધી ક્યાં લાંબા થાય એવું વિચારનારા કે પછી એડવાન્સ બુકિંગની લાઈનમાં ઉભા રહેવાનો કંટાળો આવતો હોય એ બધા આ રીતે વિડીયો કેસેટ્સ લાઈબ્રેરીનો લાભ લેવા લાગ્યા. જેણે ધીમેધીમે સિંગલ સ્ક્રિન થિયેટર્સની ભીડ ઓછી કરવાનું શરુ કરી દીધું. આ બધામાં ‘પેલા પ્રકારની ફિલ્મો’નું પણ એક આગવું મહત્ત્વ હતું. યુવાનો પોતાના કોઈ મિત્રને ઘેર જ્યારે કોઇપણ ન હોય ત્યારે ‘પેલી ફિલ્મો’ જોવા માટે ભેગા થતા.

આ ફિલ્મોની કેસેટ માંગવી એ પણ એ જ વિડીયો લાઈબ્રેરીવાળા પાસે જ્યાં આપણા પપ્પા પણ હિન્દી ફિલ્મોની કેસેટ્સ લેવા જતા હોય એ અત્યંત તકલીફ આપતું કાર્ય રહેતું. આથી મોટેભાગે જ્યાં મેમ્બરશીપ હોય એ લાઈબ્રેરીની અવગણના કરીને અન્ય લાઈબ્રેરીમાંથી વધુ ભાડું ચૂકવીને આ પેલી ફિલ્મો લઇ આવવામાં આવતી. આ ઉપરાંત પાનના ગલ્લાઓ પર પણ “પેલી છે?” એવો ગર્ભિત પ્રશ્ન કરવાથી પણ એ કેસેટ્સ મળી જતી.

અચ્છા આ ફિલ્મોની કેસેટ્સના કવર પણ ‘એવા જ હોય’ એટલે જેમ અત્યારે મેડિકલ સ્ટોર્સવાળા કાળા રંગની કોથળીમાં સેનેટરી પેડ્સ આપે છે એમ જ કાળા રંગની કોથળીમાં આ કેસેટ્સ આપવામાં આવતી અને એને ઘેરે લઇ જઈને પરિવારજનોની આંખોથી બચાવીને સુરક્ષિત સ્થાને સંતાડી દેવામાં આવતી. જો કે પેલી ફિલ્મોની કેસેટ્સ આમ તો માંગો ત્યારે મળી જ જાય પણ કોઈક વખત એડવાન્સમાં ઓર્ડર પણ આપવો પડતો. એક વસ્તુ નોંધવા જેવી એ હતી કે આ પ્રકારની ફિલ્મોના કોઈ નામ ન રહેતાં, અને જો રહેતાં તો કોઈ ધ્યાને પણ ન લેતાં.

હવે આવીએ એક મહત્ત્વના મુદ્દા પર. જેમ જેમ વિડીયો કેસેટ્સ અને VCR/VCPનો ફેલાવો વધવા લાગ્યો એમ 1990ના દાયકાની શરૂઆતમાં જ ઠેરઠેર કેબલ ટીવીનું જોર પણ વધતું ચાલ્યું. સેટેલાઈટ ટીવી તો ભારતમાં 1992ની આસપાસ આવ્યું પરંતુ તે પહેલાં જ કેબલ ટીવીનો કાળો વાયર ઘેરઘેર પહોંચી ગયો હતો. અઠવાડિયામાં અમુક નક્કી કરેલા દિવસોએ જૂની અને નવી ફિલ્મો રાત્રે 9.30 વાગ્યે દેખાડવામાં આવતી.

સેટેલાઈટ ટીવી આવ્યા અગાઉ એક ખાસ સ્વિચ આપવામાં આવતી જેમાં એક તરફ ટીવી જોઈ શકાય એવી વ્યવસ્થા હતી અને બીજી તરફ કેબલ ટીવીની ફિલ્મો. એટલે નિયત સમયે સ્વિચ બીજી તરફ ‘પાડીએ’ એટલે ફિલ્મ જોવા મળતી. પરંતુ સેટેલાઈટ ટીવી આવ્યા બાદ નક્કી ચેનલ પર જ ફિલ્મ શરુ થઇ જતી. હા જ્યારે બાળકોને વેકેશન પડી જાય ત્યારે દરરોજ રાત્રે અને અમુક કેબલવાળા તો બપોરે પણ ફિલ્મો દેખાડતા.

બપોરની ફિલ્મોમાં મોટા મોટા એક્ટર્સની ‘સિરીઝ’ દેખાડવામાં આવતી, એટલે જો અમિતાભની ‘સિરીઝ’ ચાલુ થાય તો દરરોજ બપોરે તેની એક સુપરહિટ ફિલ્મ જોવાનો લ્હાવો વેકેશનમાં મળતો. એમ કરીને દર અઠવાડીએ નવા નવા અદાકારોની સિરીઝ જોવા મળી જતી. પરંતુ ફિલ્મ રિલીઝ થવાની સાથે એ જ શુક્રવારે કેબલ પર ફિલ્મો રજુ થવાની સાથે જે મરણતોલ ધક્કો થિયેટર્સને VCR કે VCP નહોતા આપી શક્ય એ કેબલ કલ્ચરે જરૂર આપી દીધો.

શરૂઆતમાં તો પૂરેપૂરી ફિલ્મો એ જ દિવસે લોકો રાત્રે જોઈ લેતાં જે  દિવસે બપોરે તે થિયેટરમાં રિલીઝ થતી. આમ થિયેટરમાં બહુ ઓછા કલાકારોની ફિલ્મ જરૂરી બિઝનેસ કરવા લાગી. જે ફિલ્મો હીટ કે સુપરહિટ ગઈ હોય એના નિર્માતાઓ પણ કદાચ એમ વિચાર કરતા કે જો આ કેબલ ટીવી ન હોત તો અમને આનાથી પણ અનેકગણો વધુ બિઝનેસ મળતો. પછી તો અમુક નિર્માતાઓ કોર્ટમાં જવા લાગ્યા અને વિડીયો પર એટલીસ્ટ એક અઠવાડિયું મોડી ફિલ્મો રિલીઝ કરવાની દાદ માંગવા લાગ્યા.

જ્યારે આ રીતે કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે દસ-પંદર દિવસ કેબલવાળા જાતેજ સમજીને ફિલ્મો દેખાડવાનું બંધ કરી દેતા. પછી જ્યારે પરિસ્થિતિ કાબૂમાં આવે એટલે ફરી બધું એનું એ જ શરુ થઇ જતું. ઘણી વાર નિર્માતાઓ કોર્ટમાં જવા પહેલાં વિવિધ સ્થળોએ કેબલવાળાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરતા ત્યારે પોલીસ દરોડા પાડીને VCR કબજે લઇ લેતા અને થોડા દિવસ બાદ પાછું પણ આપી દેતાં.

એક સમય એવો આવ્યો કે વિડીયો કંપની અને ફિલ્મ નિર્માતાઓએ વચલો રસ્તો કાઢ્યો. જ્યારે ફિલ્મ નવી નવી રિલીઝ થઇ હોય ત્યારે અને એજ દિવસે બહાર પડેલી કેસેટ્સમાંથી અમુક મહત્ત્વના દ્રશ્યો અને એકાદ-બે ગીત કાપી નાખવામાં આવ્યા હોય અથવાતો એને અધૂરા જ છોડી દેવામાં આવતા, જેથી દર્શકોને થિયેટર્સમાં જવાનું મન થાય. પછી જ્યારે એક કે બે અઠવાડિયા જતાં રહે એટલે પૂરેપૂરી ફિલ્મ વિડીયો પર ફરીથી રિલીઝ કરવામાં આવતી. દિલીપકુમાર અને રાજકુમારની ‘સૌદાગર’ અને અમિતાભ બચ્ચનની ‘શહેનશાહના’ ઉદાહરણો આ બાબતે યાદ આવે છે.

તો આમિર ખાન-માધુરી દિક્ષિતની ‘દિલ’, અનિલ કપૂર-માધુરી દિક્ષિતની ‘તેઝાબ’ અને અક્ષય કુમાર-આયેશા ઝુલ્કાની ‘ખિલાડી’માં ફિલ્મ સુપરહિટ થયા બાદ એક નવું ગીત ઉમેરવાની નવી પ્રથા ઉભી કરવામાં આવી હતી. નવું ગીત ઉમેરતી વખતે તેનો જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવ્યો હતો, જેથી આ ફિલ્મોને રિપીટ ઓડિયન્સ પણ મળ્યું હતું.

પરંતુ આ પ્રયાસોએ ન તો તમામ ફિલ્મોને ઈચ્છિત માત્રામાં પ્રાણવાયું પૂરો પાડ્યો કે ન તો તમામ સિંગલ સ્ક્રિન થિયેટર્સને જીવતદાન આપ્યું. એક સમયમાં મેગેઝીન્સમાં જ વાંચેલા મોલ કલ્ચર જેમાં થિયેટર્સ પણ મોલ્સમાં જ હોય એવી કલ્પનાતીત વાતો 1990નો દાયકો વીતતાં વીતતાં ભારતમાં પણ શક્ય બનવા લાગી.

સિંગલ સ્ક્રિન થિયેટર્સ પહેલાં VCR અને VCPનો અને બાદમાં કેબલ ટીવીનો બમણો માર સહન ન કરી શક્યાં અને મોટાભાગના યા તો બંધ થઇ ગયા અથવાતો તેના સ્થાને મોલ્સ બન્યાં અને એમાં જ થિયેટર્સ એટલેકે મલ્ટીપ્લેક્સ શરુ થયા જેનું ગણિત જે કોઇપણ હોય, પરંતુ આજે બે દાયકા બાદ પણ વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને નવી ફિલ્મો કરોડો રળી પણ રહી છે.

આશા છે ભારતમાં લગભગ ત્રીસેક વર્ષ અગાઉ ફિલ્મો જોવાની કેવી સંસ્કૃતિ હતી તેના વિષેની આ સિરીઝ આપને જરૂર ગમી હશે. આપ આપના મંતવ્યો કમેન્ટ્સ સેક્શનમાં જરૂર આપશો.

eછાપું

૧૦ જુન ૨૦૨૧, ગુરુવાર

અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here