Review: ધ ફેમિલી મેન 2 – રોમાંચથી ભરપૂર, પરંતુ ભૂલો પણ ખરી

1
2015
Photo Courtesy: DNA

જ્યારે ધ ફેમિલી મેન વેબ સિરીઝની પહેલી સિઝન જે જગ્યાએ પૂર્ણ થઇ હતી ત્યારે તેની બીજી સિઝન જોવાની ઉત્કંઠા અનેકગણી હતી. આ પાછળનું કારણ એ હતું કે એ સિઝનના અંતમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે ભારતની રાજધાની નવી દિલ્હી એક કેમિકલ એટેકના ભય હેઠળ છે. જ્યારે ધ ફેમિલી મેન 2નું ટ્રેલર જોયું ત્યારે એમ લાગ્યું કે આ સિઝનમાં તો દિલ્હીની એ ઘટના વિષે કશું જ છે નહીં, એક નાનકડી વાત પણ એ બાબતે ટ્રેલરમાં જોવા મળી ન હતી. આ જ નિરાશા સાથે એક વિચાર એવો પણ આવ્યો કે કદાચ આગળનું બધું ભૂલી જઈને નવા પાત્રો સાથે ફ્રેશ સિઝન શરુ થવા જઈ રહી છે અને તેમાં પણ રોમાંચ અને ઉત્સાહ કાયમ રહેશે અને આથી આપણને કદાચ પહેલી સિઝનને ભૂલી જવામાં કોઈ વાંધો નહીં આવે.

જો તમે ધ ફેમિલી મેન 2 હજી સુધી જોઈ નથી અથવાતો હાલમાં તેને જોઈ રહ્યા છો તો અહીંથી આગળ વાંચવાનું બંધ કરી દેશો કારણકે આ આખો આર્ટિકલ સ્પોઈલર્સથી ભરપૂર છે. આપણે આ વેબ સિરીઝનો રિવ્યુ શરુ કરીએ એ અગાઉ તેના વિષે કેટલીક મહત્ત્વની માહિતી જાણી લઈએ ત્યારબાદ તેનો કથાસાર જાણીએ અને છેવટે તેનો વિગતવાર રિવ્યુ કરીશું.

વેબ સિરીઝ: ધ ફેમિલી મેન 2 (2021)

કલાકારો: મનોજ બાજપાઈ (શ્રીકાંત તિવારી). પ્રિયામણી (સુચિત્રા/સુચી), શારીબ હાશ્મી (જેકે તલપડે), દર્શન કુમાર (મેજર સમીર). રવિન્દ્ર વિજય (મુથુ પાંડિયન). દેવદર્શીની (ઉમ્યળ), માઈમે ગોપી (ભાસ્કરન), અઝગમ પેરુમળ (દીપન), આનંદસામી (સેલ્વાસન), સીમા બિસ્વાસ (વડાપ્રધાન બાસુ), વિપિન શર્મા (સંબિત), દલીપ તાહિલ (કુલકર્ણી),  શાહાબ અલી (સાજીદ ગની), સન્ની હિન્દુજા (મિલિન્દ), શરદ કેળકર (અરવિંદ) આશ્લેષા ઠાકુર (ધ્રિતી), વેદાંત સિન્હા (અથર્વ), અભય વર્મા (કલ્યાણ/સલમાન), ઉદય મહેશ (ચેલ્લમ) અને સામંથા અક્કીનેની (રાજી).

નિર્દેશકો: રાજ અને ડીકે

કુલ એપિસોડ્સ: 9 (નવ)

OTT પ્લેટફોર્મ: એમેઝોન પ્રાઈમ

ધ ફેમિલી મેન 2નો કથાસાર

શ્રીકાંત તિવારી હવે મુંબઈની એક IT કંપનીમાં કામ કરે છે કારણકે તેણે TASC છોડી દીધું છે. આ પાછળનું કારણ એ છે કે દિલ્હીવાળી ઘટનાને TASCના ઉચ્ચ અધિકારીઓએ આતંકી હુમલો ગણવાને બદલે ‘ઉપરથી આવેલા દબાણને’ કારણે તેને ટાળવામાં આવેલી એક મોટી દુર્ઘટના ગણીને કેસ બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો જેની સાથે શ્રીકાંત બિલકુલ સહમત ન હતો. પરંતુ એક સૈનિક કાયમ સૈનિક જ રહે છે એ ન્યાયે શ્રીકાંત તેની આ નવી IT જોબથી જરા પણ સંતુષ્ટ નથી કારણકે આ તેના રસનો વિષય નથી. તેની આ હતાશા ઘરમાં તણાવ લાવે છે અને તેને કારણે તે દરરોજ પોતાની પત્ની સુચી સાથે કોઈને કોઈ વિષય પર લડતો રહેતો હોય છે અને આ બંનેનું લગ્નજીવન હવે લગભગ તૂટવાના આરે આવી ગયું છે.

શ્રીકાંતનો ખાસ મિત્ર અને પૂર્વ સહકર્મચારી જેકે તલપડે તેને સતત TASC પછી જોઈન કરવાની વિનંતીઓ કરતો રહે છે પરંતુ શ્રીકાંત ઉપર-ઉપરથી એ સ્વીકારી નથી શકતો કે તેણે TASC ફરીથી જોઈન કરી લેવું જોઈએ કારણકે તે એ કાર્ય માટે જ બન્યો છે, પરંતુ તેને એ સતત ભયમાં આપતા કામને બદલે પોતાના કુટુંબની શાંતિ જોઈતી હોય છે. એક દિવસ જેકેને કૉલ કરતાં શ્રીકાંતને ખબર પડે છે કે તે ચેન્નાઈમાં છે અને કોઈ તમિલ ટાઈગરને પકડવાના મિશનમાં જોડાયો છે. આ તમિલ ટાઈગર્સે એકાદ દાયકાઓ અગાઉ શ્રીલંકામાં આતંક ફેલાવીને કાળો કેર વર્તાવ્યો હતો. શ્રીકાંતને પહેલીવાર પોતાના જુના કામમાં ફરીથી રસ પડે છે અને તે ચેન્નાઈ ખાતે ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓના પૂર્વ એસેટ એવા ચેલ્લમ સરનો સંપર્ક કરીને જેકેને મદદ કરે છે.

પરંતુ ઘરના મોરચે એક અજાણ્યું યુદ્ધ શ્રીકાંત પર ઘેરાઈ રહ્યું હતું જેની તેને કલ્પના પણ ન હતી. શ્રીકાંતની સોળ વર્ષની પુત્રી ધ્રિતી કલ્યાણ નામના એક છોકરાને ડેટ કરે છે પરંતુ ખરેખર તો કલ્યાણ એ સલમાન નામનો એક મુસ્લિમ હોય છે જે લવ જેહાદના વિશાળ કાવતરાનો એક ભાગ હોય છે. આ ભયથી અજાણ એવો શ્રીકાંત પોતાના લગ્નને બચાવવાના સતત પ્રયાસો કરતો રહેતો હોય છે. આ પ્રયાસોમાં તે સુચીને તેના જ જન્મદિવસે ડિનર માટે ખાસ એક ચાઇનીઝ રેસ્ટોરાંમાં લઇ જાય છે પરંતુ અહીં જ એ બંને વચ્ચે મોટો ઝઘડો થઇ જાય છે.

આ ઝઘડાની અસર હેઠળ બીજી સવારે પોતાની નોકરીએ શ્રીકાંત જબરદસ્ત માનસિક તણાવ અનુભવી રહ્યો હોય છે ત્યારે જ તેને સતત હેરાન કરતો તેનો મેનેજર તેને ફરીથી હેરાન કરે છે અને શ્રીકાંત તેના પર શારીરિક અને શાબ્દિક હુમલો કરીને એ જ સમયે  નોકરી છોડી દે છે. નોકરી છોડ્યાની મિનિટોમાં જ શ્રીકાંત TASC બોસ કુલકર્ણીને ફોન કરીને પોતે ફરીથી જોડાવા માંગે છે તેવી ઈચ્છા વ્યક્ત કરે છે અને કુલકર્ણી તુરંત જ શ્રીકાંતને ચેન્નાઈવાળા મિશનમાં જોડાઈ જવાનું કહે છે.

તમિલ વિદ્રોહીઓ ભારતના વડાપ્રધાન બાસુ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રુપાતુંગાની હત્યા એકસાથે ત્યારે કરવા માંગતા હોય છે જ્યારે આ બંને શ્રીલંકાના પોર્ટ અને એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવા ચેન્નાઈમાં મળવાના હોય છે. આ હુમલા અંગે પાક્કી ગુપ્તચર માહિતી હોવા છતાં બાસુ TASCની બેઠક માટે ચેન્નાઈને બદલે કોઈ અન્ય શહેર પસંદ કરવાની વિનંતીને નકારી દે છે. બાસુ આ બધામાં પોતાનો રાજકીય લાભ જુએ છે જ્યારે તમિલ ટાઈગર્સ પણ જો ચેન્નાઈમાં જ બેઠક થાય તો પોતાને થનારા લાભ માટે કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે.

શ્રીકાંત જેકે તલપડે અને ચેન્નાઈ પોલીસના અધિકારી મુથુ પાંડિયન સાથે મળીને ભારતીય વડાપ્રધાન અને શ્રીલંકાના રાષ્ટ્રપતિની હત્યાની આ યોજનાને નિષ્ફળ બનાવવાના કાર્યમાં લાગી પડે છે. સ્વાભાવિક છે કે આમ કરવું એટલું સરળ નથી હોતું અને તમિલ વિદ્રોહીઓના સ્લિપર સેલ જેને હવે એક્ટીવેટ કરી દેવામાં આવ્યો છે તેની સહુથી ખતરનાક સભ્ય રાજીએ તેને વધુ મુશ્કેલ બનાવી દીધું છે. રાજીના જીવનનો એકમાત્ર ધ્યેય હોય છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રુપાતુંગાને મારી નાખવાનો.

ધ ફેમિલી મેન 2નો રિવ્યુ

જે રીતે આ આર્ટીકલનું શિર્ષક કહી રહ્યું છે તેમ આ સમગ્ર સિરીઝ રોમાંચથી ભરપૂર છે અને પહેલી સિઝનની જેમ બીજી સિઝનમાં પણ તમામ એપિસોડ્સ એક જ બેઠકે જોઈ લેવાનું મન પણ થાય છે. મેં પણ છેલ્લા ત્રણ એપિસોડ્સ એકસાથે જોઈ લીધા કારણકે સાતમા એપિસોડ જોયા પછી બાકીના બે એપિસોડ્સ બીજા દિવસે જોવાની રાહ જોઈ શકાય એમ ન હતી. દરેક એપિસોડ બાદ આગલા એપિસોડમાં શું આવશે તે અંગેનો રોમાંચ વધતો જ જતો હતો અને જેમ આગળ કહ્યું એમ છેલ્લા ત્રણ એપિસોડ્સનો તો રોમાંચ જ અનોખો છે. એક હકીકતનો પણ અહીં સ્વીકાર કરવો રહ્યો કે તમિલ સમસ્યાનું જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તે અધિકૃત લાગે છે.

તમિલ વિદ્રોહીઓની ટ્રેઈનીંગની પદ્ધતિ, તેમના નેતાઓના નામ, એકાદા દાયકા અગાઉ શ્રીલંકામાં તેમની સાથે શું થયું, શા માટે તમિલ વિદ્રોહીઓ માટે શ્રીલંકન અને ભારતીય સરકાર એકસરખી દુશ્મન છે, કેવી રીતે તેમના આગેવાનો અન્ય દેશોમાં શરણ લઈને એક સમાંતર સરકાર ચલાવે છે વગેરે. આ બધું થયું હોવાનું આજથી વર્ષો અગાઉ સમાચાર માધ્યમો દ્વારા જાણકારી મેળવી હોવાને કારણે બધુંજ સત્યથી ઘણું નિકટ હોય એવું લાગે છે. આટલું જ નહીં પરંતુ તમિલ ટાઈગર્સના સર્વોચ્ચ નેતા જેને અહીં ભાસ્કરન કહેવામાં આવ્યો છે તેનું નામ પણ ઓરીજીનલ તમિલ ટાઈગર્સના લિડર વેળુપિલ્લઇ પ્રભાકરન સાથે મળતું આવે છે.

જો દર્શકને નવેનવ એપિસોડ્સ સુધી બાંધી રાખવાની ક્રેડિટ તેના સચોટ સ્ક્રિનપ્લેને તેમજ નિર્દેશકોને આપવામાં આવતી હોય તો એટલીજ માત્રામાં અને સ્તરની ક્રેડિટ સિરીઝના કલાકારોને, તેમજ અહીં દર્શાવેલા સ્ટંટ અને થ્રીલ્સને પણ આપવી જોઈએ. અંતિમ એપિસોડમાં એરોપ્લેન ચેસિંગનું દ્રશ્ય તેમજ રાજી કઈ રીતે સ્પિનિંગ મિલના તેના બોસની હત્યા કરીને તેના શરીરના ટુકડા ઠંડા કલેજે શહેરના વિવિધ ભાગોમાં જઈને ફેંકી આવે છે તે ક્રૂર દ્રશ્યો સમગ્ર સિરીઝની હાઈલાઈટ કહી શકાય.

મનોજ બાજપાઈ અતુલ્યપણે અદભુત છે. વારંવાર આપણે તેને પોતાનું શ્રેષ્ઠ આપતાં જોયો છે અને શ્રીકાંતની તેની ભૂમિકા આ બધાંથી જરાપણ અલગ નથી. તેને જોઇને સતત એવું લાગ્યા કરે કે જો આ ભૂમિકા તેના બદલે કોઈ અન્ય કલાકારે ભજવી હોત તો તેને જોવાની એટલી  મજા ન આવત, બસ આ જ સાબિત કરે છે કે કેટલી હદ સુધી જઈને મનોજ બાજપાઈએ શ્રીકાંતના પાત્રમાં જીવ રેડી દીધો છે. એક હોંશિયાર સૈનિક, ચિંતાતુર પિતા, માનસિક રીતે ભાંગી પડેલો પતિ, હતાશ નોકરિયાત આ તમામ પ્રકારના શેડ્સ મનોજ બાજપાઈએ શ્રીકાંત તરીકે અત્યંત સરળતાથી રજુ કર્યા છે.

સહાયક કલાકારોમાં પ્રિયામણી અને શરદ કેળકર સંતોષકારક છે. જ્યારે જેકે તલપડે તરીકે શારીબ હાશ્મી દર્શકોનો પ્રેમ જ નહીં પરંતુ શ્રીકાંત સાથે ખભેખભો મેળવીને કાયમ ઉભા રહેવા માટે તેમનું સન્માન પણ મેળવી જાય છે. ચેન્નાઈ પોલીસ અધિકારી મુથુ તરીકે રવિન્દ્ર વિજય પ્રભાવિત કરે છે. આ ઉપરાંત તમિળભાષી નાના કલાકારો પણ ખૂટતી કડી પૂરી પાડે છે. તેમની હાજરીમાં નીચે આવતા સબટાઈટલ્સ વાંચવા ફરજીયાત હોવા છતાં તેમની અદાકારી જોવી ગમે છે.

આ સમગ્ર સિઝનમાં જો મનોજ બાજપાઈના સ્તરની એક્ટિંગ કરીને સહુથી વધુ પ્રભાવિત જો કોઈએ કર્યા હોય તો તે છે સામંથા અક્કીનેની. એક સ્ત્રી જેને બાળપણથી સતત ભાવનાત્મકરીતે અને શારીરિકરીતે ત્રાસ આપવામાં આવ્યો છે તેનો અભિનય, કોઈ વખત મૂંગા મોઢે તો કોઈ વખત બોલીને સામંથાએ જે રીતે કર્યો છે એ કોઈને પણ આશ્ચર્ય પમાડી જાય. સલામ છે તેને! આ સમગ્ર સિઝન દરમ્યાન સામંથા અક્કીનેનીએ ઓવર ધ ટોપ જઈને એક્ટિંગ નથી કરી, એક રીતે જોઈએ તો તેણે ગુસ્સો, હતાશા અને મક્કમ નિર્ધારના ત્રણ ભાવ મિશ્ર કરીને પોતાના ચહેરા પર ફક્ત એક જ ઈમોશન દેખાડ્યું છે જે કાબિલે દાદ છે. આપણે ઉત્તર ભારતીય મનોરંજન પ્રેમીઓ એવી ઈચ્છા જરૂર કરી શકીએ કે આવનારા વર્ષોમાં આપણને આપણે સમજી શકીએ એવો ભાષામાં બોલતી અને અદાકારી કરતી સામંથા અક્કીનેની જરૂર જોઈશું.

હવે ધ્યાન આપીએ કેટલીક ભૂલો તરફ જે ધ ફેમિલી મેન 2માં જોવા મળે છે. સહુથી પહેલાં તો દર્શકોને એ ભૂલી જવા માટે ફરજ પાડવામાં આવી છે કે ગત સિઝનના અંતમાં જે થયું એને અમે વાળીચોળીને શેતરંજીનીચે ભેગું કરીને છુપાવી દીધું છે તો તમે બધાં પણ એમ જ કરો. એ સિઝનનો અંત જેમ આગળ ચર્ચા કરી તેમ એટલો રોમાંચિત કરી દે એવો હતો કે તેનાથી જ નવી સિઝન શરુ થશે એવી અપેક્ષા હતી તે ધારી શરૂઆત દર્શકોને નથી મળી. જો દિલ્હીવાળી ઘટનાને આપણી ઈન્ટેલીજન્સ એજન્સીઓએ ખાસકરીને TASCએ યોગ્યરીતે ટાળીને દિલ્હીવાસીઓને કેવી રીતે બચાવી લીધા એ દર્શાવીને બાદમાં તમિલ સમસ્યા પર આવ્યા હોત તો એ વધુ યોગ્ય રહ્યું હોત.

પરંતુ અહીં થયું છે એવું કે દિલ્હીવાળી ઘટનાને અચાનક જ દુર્ઘટનાનું કારણ આપીને ‘પતાવી દીધી’ એમ કહીને વાત આપણે ગળે પરાણે ઉતારવાનો પ્રયાસ કર્યો છે. ધ ફેમિલી મેન 2 માં પણ ISIના આતંકીઓ જોવા મળે છે. હા અહીં  લવ જેહાદનો વિષય ખૂબ સચોટરીતે દર્શાવવામાં આવ્યો છે પરંતુ સિઝન પત્યા બાદ જો મનોમંથન કરવામાં આવે તો એમ લાગે કે આ વિષયને ખોટો ઢસડવામાં આવ્યો છે. બહેતર એ રહેત કે દિલ્હીની ઘટનાનો આધાર લઈને જેહાદી આતંકવાદીઓ શ્રીકાંતના પરિવારને નિશાન બનાવીને લવ જેહાદ દ્વારા ધૃતિને ફસાવે અને શ્રીકાંત તેનો જ આધાર લઈને ભારતમાં રહેલા અન્ય ISI એજન્ટ્સ કે આતંકવાદીઓનો નાશ કરે.

તમિલ સમસ્યા અને ISIને ભેગા કરીને ભારત વિરુદ્ધ કાવતરા કરતા દેખાડવા એ બિલકુલ કુદરતી નથી દેખાતું. જરા વિચારો કે જો ISI ખરેખર તમિલ વિદ્રોહીઓને સમર્થન કરે છે તો પણ સાજીદને છેક પોઈન્ટ પેદ્રો સુધી જઈને બોમ્બ માટે જરૂરી સાધનો ભારતમાં લાવવા માટે રાજી અને સેલ્વાને મદદ કરવાની શી જરૂર હતી જ્યારે તમિલ વિદ્રોહીઓને વર્ષોથી ખબર હતી કે સમાન ક્યાં પડ્યો છે? આ ઉપરાંત આ વિદ્રોહીઓ જ નાનકડા પ્લેનને કેવી રીતે છુટું પાડવું અને ફરીથી જોડવાની ટેક્નિક પણ જાણતા હોય છે તો પછી તેમાં પણ સાજીદની મદદની શી જરૂર પડી?

જે રીતે અહીં ISIનો એન્ગલ ઉમેરવાની જરૂર ન હતી એ જ રીતે શ્રીકાંત જે એક-બે દિવસ માટે મુંબઈ જઈને પોતાની પુત્રીને સલમાન અને જેહાદીઓની પકડમાંથી છોડાવવાનું કાર્ય કરે છે એ પણ ટિપિકલ બોલિવુડીશ લાગે છે. અહીં પુત્રીને બચાવવા કરતાં સાજીદ સાથે પોતાની જૂની દુશ્મનીનો સ્કોર સેટલ કરવા જ તે મુંબઈ માત્ર અડતાળીસ કલાક માટે આવ્યો હોય એવું વધુ લાગે છે. ગત સિઝનમાં હિંદુ-વિરોધી કેટલાંક દ્રશ્યો અને સંવાદો હતા, કદાચ તેને બેલેન્સ કરવા માટે ખાસ લવ જેહાદનો એન્ગલ ઉમેરવામાં આવ્યો હોય તો નવાઈ નહીં.

સોશિયલ મિડીયામાં આજકાલ ચેલ્લમસરના પાત્ર વિષે ખાસ્સો ઉત્સાહ જોવા મળે છે. હા, આ પાત્ર એટલા માટે મહત્ત્વનું છે કારણકે તે શ્રીકાંતને કાયમ ત્યારે મદદ કરે છે જ્યારે તકલીફમાંથી બહાર નીકળવા માટે તેની પાસે કોઈજ રસ્તો નથી હોતો. પરંતુ નવાઈ ચેલ્લમસરને મળેલી લોકપ્રિયતાને કારણે વધુ લાગે છે. જ્યાં જુવો ત્યાં આ પાત્રને લગતાં મિમ્સ જોવા મળે છે. કારણકે આ પાત્ર સમગ્ર સિરીઝમાં કદાચ ચાર કે પાંચ વખત જ આવે છે અને એ પણ થોડીજ મિનિટો માટે. હા દર વખતે જ્યારે ચેલ્લમસર વિદાય લે છે ત્યારે તેના સંવાદો કોઈને પણ સ્મિત આપવા માટે મજબુર કરી દે છે. બોલિવુડના એવા ઘણા અમર પાત્રો છે જે નાના હોવા છતાં દર્શકોના મન પર અમીટ છાપ છોડી ગયા હોય પરંતુ ચેલ્લમસરના પાત્રની લંબાઈ એટલી છે પણ નહીં કે તે કોઈ છાપ છોડી શકે. પણ હા છેવટે તો દર્શક જ રાજા છે એટલે રાજાને ગમ્યું તે ખરું!

આ તમામ ભૂલોનો સરવાળો કરીએ તો એમ પ્રતીત થાય છે કે લેખકો અને નિર્દેશકો આપણને એમની એ જીદ માનવા માટે દબાણ કરે છે કે ધ ફેમિલી મેન 2 એ તેની પ્રથમ સિઝનને જ આગળ વધારે છે, પરંતુ ખરેખર જોવા જઈએ તો એવું નથી. જેમ આગળ વાત કરી તેમ પ્રથમ સિઝન જ્યાં પતી ત્યાંથી વાર્તા આગળ વધારીને બીજી સિઝન બની શકત અને તમિલ વિદ્રોહીઓ સાથે ત્રીજી સિઝનમાં લડી શકાયું હોત.

આવી તમામ પ્રકારની તાર્કિક ભૂલો હોવા છતાં એટલું જરૂર કહી શકાય કે ધ ફેમિલી મેન 2 જોઇને તમને જરાપણ નિરાશ નહીં થાવ. એક સફળ વાર્તાકારની આ જ ભૂમિકા હોય છે કે તે તેની વાર્તામાં ભૂલો હોવા છતાં વાંચનાર કે તેનું નાટ્યરૂપાંતરણ જોતી વખતે દર્શકને મજા આવે.

અંતે એટલુંજ કહેવાનું કે જો તમારી પાસે એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રિપ્શન હોય અને તમે હજી સુધી ધ ફેમિલી મેન 2 ન જોઈ હોય તો અત્યારે જ જોઈ નાખો અને સિરીઝ જોયા બાદ નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં તમારા અભિપ્રાયો જરૂર આપશો.

૧૩ જુન ૨૦૨૧, રવિવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

  1. સમીર હજુ ફ્રાન્સ માં છે હવે પછી ચીન સાથે મળી ને કામ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here