O Womaniya (9): SIAA ના સૌપ્રથમ અને એકમાત્ર મહિલા પ્રમુખ ‘અંજલિ દેવી’

0
380
Photo Courtesy: Chitramala

સન 1930 થી 1940 ની વચ્ચે દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કે. સુબ્રહ્મણ્યમ દરેક તામિળ કલાકારોને એકત્ર કરવા માટેનો એક વિચાર લાવ્યા અને તેથી 1950માં કેટલાક વરિષ્ઠ કલાકારોની સાથે તેમણે ‘દક્ષિણ ભારતીય ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ’ની સ્થાપના કરી. વિકસિત કારકિર્દી સાથે અભિનેતાઓને એક સાથે લાવવાનું તે સમયે આ પહેલું પગલું હતું.

અભિનેતાઓની જરૂરિયાત અને બીજા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, શ્રી ટી. એન. શિવથાનુ અને આર. એમ. એસ. સોમસુંદરમે 1952માં દક્ષિણ ભારતીય કલાકારોની સહાય માટે એક આવું જ સંગઠન ઊભું કર્યું – South Indian Artistes’ Association (SIAA)

આ સંગઠનને તામિળ ભાષામાં ‘નાદિગાર સંગમ’ કહેવાય છે, જેનો શાબ્દિક અર્થ થાય ‘કલાકારોનું સંગઠન’ (Actor’s Association)! તમિલનાડુના મદ્રાસમાં આ સંગઠન ફિલ્મ, ટેલિવિઝન અભિનેતાઓ અને નાટ્યકલાકારો માટેનું એક સંઘ બન્યું અને તે આજે પણ ત્યાં જ છે. આ સંગઠન અતિશય સમૃદ્ધ છે – તેમની પાસે નિવૃત્ત અભિનેતાઓને પેન્શન આપવા ચેરિટેબલ ટ્રસ્ટ ફંડ છે, અત્યાર સુધી ઘણાં વિવાદમાં ફસાયેલા કલાકારોને આ સંઘ ટેકો આપ્યો છે, અને સામાજિક-રાજકીય મુદ્દાઓનો સામૂહિક વિરોધ પણ કર્યો છે.

સ્થાપનાના વર્ષ 1952 થી 1959 સુધી આ સંગઠનના 4 પ્રમુખ થયા – ટી. વી. સુન્દરમ ઐયંગર, ચિત્તોર નાગૈયા, એન. એસ. કૃષ્ણન અને એમ. જી. રામચંદ્રન! 1959માં જ્યારે પ્રમુખ પદ માટેની ચૂંટણી થઈ ત્યારે એક મહિલા પ્રમુખ ચૂંટાઈને આવ્યા જેમનું નામ અંજલિ દેવી! આજે આ અંજલિ દેવી વિષે વાત કરવી છે.

***

ઑગસ્ટ 1927માં તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના પેડ્ડાપુરમ ગામમાં (આજના આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં) અંજામ્માનો જન્મ થયેલો. ફક્ત 8 વર્ષની કુમળી વયે અંજામ્માએ પોતાની કારકિર્દીની શરૂઆત એક નૃત્ય-નાટક કલાકાર તરીકે કરી. નાટકોમાં અભિનય કરતી વખતે તેણે પોતાનું નામ અંજની કુમારી રાખ્યું. બાદમાં 9 વર્ષની ઉંમરે, તેલુગુ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’માં બાળ કલાકાર તરીકે કામ મળ્યું અને નિર્દેશક સી. પુલ્લૈયાએ 1947 માં તેનું નામ બદલીને અંજલિ દેવી રાખ્યું.

અંજલિ દેવીએ જે સમયમાં ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો ત્યારે સિનેમામાં પુરૂષોનું વર્ચસ્વ હતું. અંજલિ દેવી જીવનમાં પણ અને પુરુષોને પ્રાધાન્ય આપનારા ફિલ્મ જગતમાં ઝઝૂમતી રહી. બાળપણમાં એક નાની એવી નૃત્ય કારકિર્દીથી માંડીને નાદિગાર સંગમના અધિનિયમ અને અધ્યક્ષતા સુધી, અંજલિ દેવીએ ઘણો સંઘર્ષ કર્યો પરંતુ તેમની પ્રગતિ પણ થઈ.

ચેન્નાઈ શહેરમાં અંજલિ દેવીની રજૂઆત રોચક રહી. જ્યારે અંજલિ દેવી 16 વર્ષની ઉંમરના હતા ત્યારે બીજા વિશ્વયુદ્ધના સંદર્ભમાં નાણાં એકત્રિત કરવા માટે તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના રાજ્યપાલ આર્થર હોપની અધ્યક્ષતામાં એક નૃત્ય શોનું આયોજન થયેલું. અંજલિ દેવીએ આ શોમાં નૃત્યની રજૂઆત કરી. તેમના અભિનયથી તેલુગુ નિર્દેશક સી. પુલ્લૈયા સહિત ઘણાં લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. તેમણે અંજામ્માને તેમની 1947 માં આવેલી તેલુગુ ફિલ્મ ‘ગોલભમા’માં અંજલિ દેવી તરીકે રજૂ કર્યા. આ ફિલ્મ તેલુગુ સાથે તામિળ ભાષામાં પણ ડબ કરવામાં આવી હતી અને રજૂ કરવામાં આવી હતી. જ્યાં સુધી તે જીવ્યા ત્યાં સુધી ‘અંજલિ દેવી’ નામ અને ચેન્નાઈ શહેરને પોતાના ઘર તરીકે સ્વીકારી લીધું.

અંજલિ દેવીએ 1947 થી તામિળ ફિલ્મજગતમાં અભિનય શરૂ કર્યો. તેમની પ્રથમ તામિળ ફિલ્મ ‘મહાત્મા ઉધંગર’ હતી, જે હિટ ન થઈ. પરંતુ તે જ વર્ષે રિલીઝ થયેલી તેમની બીજી તામિળ ફિલ્મ (ટી.આર. મહાલિંગમ સાથે) ‘આધિથન કનાવુ’ સુપર ડુપર હિટ થઈ. આ ફિલ્મ સાથે જ અંજલિ દેવીની અભિનયની ગાડી પૂરપાટ દોડવા લાગી. તામિળ ફિલ્મજગતમાં તેમની પ્રગતિ એ સ્તરની હતી કે 1950 થી 1951ના વર્ષને તામિળ સિનેમાનું ‘અંજલિ દેવીનું વર્ષ’ પણ કહી શકાય. તેમની ફિલ્મોના પોસ્ટરો વર્ષો સુધી તમિલનાડુની શેરીઓને શણગારતા રહયાં.

તેમની ફિલ્મોની સૂચિમાં ‘સ્વપ્ન સુંદરી’, ‘માયાકારી’, ‘માયામળાઈ’, ‘સ્ત્રી સહસમ’ અને ‘નિરભારતી’ જેવી સુપરહિટ ફિલ્મો નો સમાવેશ થાય છે. 1954 માં આવેલી તેમની તામિળ ફિલ્મ ‘પેન’માં તેમણે કનમાનીની ભૂમિકા ભજવી હતી, જે પેરિયારના સ્વાભિમાન આંદોલનની વિચારધારાને સ્પર્શી ગઈ, જેમણે આંતર જાતિના લગ્નનો પ્રચાર પણ કર્યો. અંજલિ દેવીની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ સદાબહાર ફિલ્મ ‘લવ કુશ’ છે, જેને રિલીઝ થવા માટે 7 વર્ષનો સમય લાગ્યો. આ ફિલ્મે તેલુગુ પ્રેક્ષકોને રામાયણ મહાકાવ્યથી ઉદ્ભવેલી તેમની પોતાની ‘સીતા દેવી’ આપી.

અંજલિ દેવીએ તે સમયના તમામ અગ્રણી કલાકારો જેમ કે તામિળ ફિલ્મોમાં એમ.જી.આર., શિવાજી ગણેશન, એસ.એસ. રાજેન્દ્રન, જેમિની ગણેશન, તેલુગુ ફિલ્મોમાં એન.ટી. રામારાવ, નાગેશ્વર રાવ અને કન્નડ ફિલ્મોમાં રાજકુમાર સાથે લગભગ 350 ફિલ્મોમાં રસપ્રદ કારકિર્દી ભોગવી. મુખ્ય અભિનેત્રી તરીકે રોલ કર્યા પછી પણ અંજલિ દેવી પોતાની વય મુજબ બહેન કે માતા જેવા પાત્રો દ્વારા ફિલ્મોમાં અભિનય કરવાનું ચાલુ રાખ્યું.

વર્ષ 1948 માં જ અંજલિ દેવીએ સંગીત નિર્દેશક પી. આદિનારાયણ રાવ સાથે લગ્ન કરેલા. સન 1953 માં પતિદેવ સાથે મળીને તેમણે ‘અંજલિ પિક્ચર્સ’ની સ્થાપના કરી. આ કંપનીએ તામિળ-તેલુગુ દ્વિભાષીય પ્રકાશન તરીકે પ્રથમ ફિલ્મ ‘પૂનગોથાઈ’/’પરદેસી’ નિર્માણ કરી. આ ફિલ્મ અભિનેતા શિવાજી ગણેશનની પહેલી ફિલ્મ હતી, પરંતુ તેની રિલીઝ શિવાજી ગણેશનની પ્રચલિત થયેલી ફિલ્મ ‘પારસક્તિ’ પછી થઈ હતી. આ પ્રોડક્શન હાઉસે તે સમયની નવીનતમ ટેક્નિક (જેમ કે સ્લો મોશન) દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં પહેલી વાર રજૂ કરી. અંજલિ પિક્ચર્સે તેના સમયગાળા દરમિયાન તામિળ અને તેલુગુમાં 27 ફિલ્મોનું નિર્માણ કર્યું.

અંજલિ દેવીને અભિનય માટે 4 ફિલ્મફેર એવોર્ડ અને ‘લવ કુશ’ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રપતિનો ‘ગોલ્ડ મેડલ’ સહિત અનેક એવોર્ડ્સ અને પ્રશંસા મેળવી હતી.

અંજલિ દેવી ચેન્નાઈમાં શાંતિપૂર્ણ વ્યક્તિગત જીવન જીવ્યા. 80 વર્ષની ઉંમરે તેમણે વિધવાઓ માટે લડત આપી. તેમણે તામિળ સમુદાયમાં વર્ષોથી ચાલી આવતી સથાભિષેકમની પરંપરા બદલી – આ પરંપરામાં પત્નીની ઉંમરને ધ્યાનમાં લીધા વિના, પતિના જીવનના 80 વર્ષ પૂરા થાય ત્યારે દંપતીના ફરીથી લગ્ન કરવામાં આવે છે. અંજલિ દેવીએ તો તેમના પતિના નિધન પછી, પોતાના 80મા જન્મદિવસની સમાપ્તિ પર પોતાના પતિનો ફોટો તેમની બાજુમાં મૂકીને સથાભિશેકમની ઉજવણી કરી.

ચેન્નાઈની વિજયા હોસ્પિટલમાં 13 જાન્યુઆરી, 2014 ના રોજ, હૃદયરોગના કારણે અંજલિ દેવીનું 86 વર્ષની વયે અવસાન થયું. તેમના અવયવો રામચંદ્ર મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યા હતા.

***

SIAA ના પ્રમુખ બન્યા બાદ અંજલિદેવીએ સંગઠન માટે એક લોગો પણ ડિઝાઈન કર્યો. આ લોગોમાં એક માતા અને ચાર બાળકોનો ફોટો છે – અંજલિ દેવીએ ખરેખર સિને’મા’ને માતાનો દરજ્જો આપ્યો. આ લોગો આજે 62 વર્ષ પછી પણ અળીખમ છે.

અંજલિ દેવીએ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અડધી સદી સુધી અભૂતપૂર્વ અભિનય અને નિર્માણ કારકિર્દી સાથે ખૂબ યોગદાન આપ્યું હતું. આજ સુધી દક્ષિણ ભારતીય ફિલ્મ આર્ટિસ્ટ્સ એસોસિએશનના અંજલિ દેવી સિવાય એક પણ મહિલા પ્રમુખ થયા નથી. દાયકાઓ પહેલાં પ્રભાવશાળી રીતે નિયમો તોડીને કઈ રીતે ફિલ્મ જગતમાં પોતાની ઓળખ બનાવી તે ખરેખર પ્રેરણાદાયક છે.

સંદર્ભ:

http://www.nadigarsangam.org/

https://www.thenewsminute.com/article/remembering-actor-producer-anjali-devi-stalwart-esouth-indian-films-104586

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here