ઝાક સ્નાઈડરની જસ્ટિસ લીગ અને ધ સ્નાઈડર કટ કેમ હીટ રહ્યો

0
600
Photo Courtesy: No Film School

પાછલા અંકમાં આપણે જોયું કઈ રીતે ઝાક સ્નાઈડરની ઓરીજીનલ જસ્ટિસ લીગની વાર્તાને ધરમૂળથી બદલીને વોર્નર બ્રધર્સે જોસ વ્હેડનના “દિગ્દર્શન”માં જસ્ટિસ લીગનું થિયેટ્રિકલ વર્ઝન બનાવ્યું જેને ફિલ્મના રસિયાઓ, ડીસી કોમિક્સના ફેન્સ અને લોકોએ વખોડી નાખ્યું, કઈ રીતે રિલીઝ ધ સ્નાઈડર કટ મુવમેન્ટનો જન્મ થયો અને કઈ રીતે આ ફિલ્મ રિલીઝ થશે એવી જાહેરાત થઇ. આ ભાગમાં આપણે જોઈશું સ્નાઈડર કટની રિલીઝ, થિયેટ્રિકલ કટ અને ડિરેક્ટર્સ કટ વચ્ચેના ફેરફાર, આ આખા સમયગાળા દરમ્યાન સામે આવેલા જુના વિવાદો અને અત્યારનું ડીસી યુનિવર્સનું ભવિષ્ય.

જસ્ટિસ લીગ બનાવતી વખતે ઝાક સ્નાઈડર અને વિક્ટર સ્ટોન/સાયબોર્ગ નું પાત્ર ભજવતો એક્ટર રે ફિશર…. Courtesy: LRMOnline

ઝાક સ્નાઈડરની જસ્ટિસ લીગ (2021)

રન ટાઈમ: 4 કલાક 2 મિનિટ

ડિરેક્ટર અને મૂળ વાર્તા: ઝાક સ્નાઈડર

સ્ક્રીનપ્લે: ક્રિસ ટેરીઓ

સંગીત: ટોમ હોલ્કનબર્ગ (જંકિ XL)

એક્ટર્સ: હેન્રી કેવિલ (સુપરમેન/ક્લાર્ક કેન્ટ), બેન એફલેક (બ્રુસ વેઇન/બેટમેન), એમી એડમ્સ (લોઈસ લેન), ગાલ ગેડોટ (ડાયના પ્રિન્સ/વંડર વુમન), જેસન મોમોઆ (આર્થર કરી/એક્વામેન), રે ફિશર (વિક્ટર સ્ટોન/સાયબોર્ગ), એઝરા મિલર (બેરી એલન/ફ્લેશ), વિલિયમ ડેફો (વાલ્કો), જેરેમી આયરન્સ (આલ્ફ્રેડ પેનિવર્થ), જે કે સિમન્સ (કમિશ્નર ગોર્ડન), સીઆરાન હિન્ડ્સ (સ્ટેપનવુલ્ફ), રે પોટર (ડાર્કસીડ).

સ્ટ્રિમિંગ: અમેરિકામાં એચબીઓ મેક્સ. ભારતમાં રેન્ટ પર અવેલેબલ છે. (સ્ટ્રીમિંગ લિસ્ટ)

રિલીઝિંગ ધ સ્નાઈડર કટ

ઝાક સ્નાઈડરે પોતાના ડિરેક્ટર્સ કટનું અસ્તિત્વ સ્વીકાર્યું જયારે ડિસેમ્બર 2019માં જયારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ શૂટ કરેલી ડિરેક્ટર્સ કટની ફિલ્મની પેટીઓનો ફોટો મુક્યો. ત્યારબાદ ઝાક સ્નાઈડરે પોતાનો ડિરેક્ટર્સ કટ વોર્નર બ્રધર્સના અધિકારીઓને દેખાડ્યો અને જે સમયે રિલીઝ ધ સ્નાઈડર કટ મુવમેન્ટ પોતાની હાઈટ પર હતી એ સમયે (2019ના અંતમાં) વોર્નર બ્રધર્સ અને ઝાક સ્નાઈડર વચ્ચે વાટાઘાટો શરુ થઇ. આ વાટાઘાટોના અંતે વોર્નર બ્રધર્સના ચેરમેન દ્વારા ફેબ્રુઆરી 2020માં સ્નાઈડર કટ બનશે અને રિલીઝ થશે એવી જાહેરાત થઇ અને મે 2020માં એક ઓનલાઇન વોચ પાર્ટી વખતે ઝાક સ્નાઈડરે જસ્ટિસ લીગનું ડિરેક્ટર્સ કટ વર્ઝન 2021માં એચબીઓની નવી આવનારી સ્ટ્રીમિંગ સર્વિસ એચબીઓ મેક્સ પર રિલીઝ થશે એવી જાહેરાત કરી.

સ્નાઈડર કટ ને પબ્લિકલી રિલીઝ કરવા માટે ઝાક સ્નાઈડરને અમુક 5-10 મિનિટનું ફૂટેજ શૂટ કરવાની અને અમુક સ્પેશિયલ ઇફેક્ટ એડ કરવાની જરૂર હતી, આ ઉપરાંત જોસ વ્હેડનના કટના પોસ્ટ પ્રોડક્શન વખતે જે મૂળ કાસ્ટ અને ક્ર્રુ નહોતા એને ફરી એક વાર આ વર્ઝન પર કામ કરવા માટે આમંત્રણ આપ્યું. આ કામ જયારે ચાલુ થયું ત્યારે અમેરિકામાં કોરોના વાયરસ કાળો કહેર મચાવી રહ્યો હતો અને અલગ અલગ જગ્યાએથી કામ કરવું મુશ્કેલ થઇ રહ્યું હતું. વોર્નર બ્રધર્સે આ વર્ઝનનું કામ પૂરું કરવાની બધી જવાબદારી મૂળ ડિરેક્ટર ઝાક સ્નાઈડર અને પ્રોડ્યુસર ડેબ્રા સ્નાઈડરને આપી હતી. ઝાક-ડેબ્રા અને આખી ટીમે આખું 2020નું વર્ષ મહેનત કરી અને જાન્યુઆરી 2021માં સ્નાઈડર કટનું કામ પૂરું થયું.

રિલીઝ કરતી વખતે શરૂઆતમાં એવું નક્કી થયું હતું કે સ્નાઈડર કટ એક એક કલાકના ચાર એપિસોડની મીની-સિરીઝ તરીકે આવશે. ક્યાંક એવા પણ સમાચાર આવ્યા હતા કે એપિસોડની લંબાઈ 40-50 મિનિટ ની હશે અને કૂલ છ એપિસોડ આવશે. પણ આ બધી અફવાઓ અને સમાચારોનું ખંડન કરતા ઝાક સ્નાઈડર્સ જસ્ટિસ લીગ બહુ મોટી રાહ અને બહુ મોટા ફેન-ફેર સાથે એચબીઓ મેક્સ પર માર્ચ 2021માં 4 કલાકની ફિલ્મ તરીકે રિલીઝ થઇ અને પહેલી વાર આખી દુનિયાને ડીસી યુનિવર્સ અને સુપરમેન, બેટમેન જેવા પાત્રો માટેનું ઝાક સ્નાઈડરનું ઓરીજીનલ વર્ઝન જોવા મળ્યું. આ વર્ઝન ઓરીજીનલ હતું અને એટલેજ અડધા, અધૂરા અને ઉતાવળે બનાવેલા થિયેટ્રિકલ વર્ઝન કરતા ઘણું સારું અને મજા આવે એવું હતું. એકાદ બે મુદ્દાઓ અને ક્રિટિસિઝમને બાદ કરતા આ વર્ઝનને ફેન્સ અને રેગ્યુલર ફિલ્મ રસિકો બંનેએ મોટા પાયે વખાણી.

સ્નાઈડર કટ અને થિયેટ્રિકલ કટ વચ્ચેના ફેરફારો.

જોસ વ્હેડને જસ્ટિસ લીગની મૂળ વાર્તાનું માળખું એમનું એમ રાખીને વાર્તામાં ઘણા ફેરફાર કર્યા હતા. મૂળ વાર્તા જે બંને વર્ઝનમાં કોમન છે એ કૈક આ પ્રમાણે છે.

હજારો વર્ષો પહેલા પૃથ્વીને જીતવા અને એને પોતાના હોમવર્લ્ડ એપોકોલિપ્સ જેવું ઉજ્જડ અને વેરાન બનાવવા સ્ટેપનવુલ્ફ અને એના પેરાડેમન્સ તરીકે ઓળખાતા જીવડાં જેવા દેખાતા સૈનિકો સાથે આવે છે. એનો મુકાબલો કરવા ઓલિમ્પિયન ગોડ્સ, વંડર વુમનના પૂર્વજો એવા ઍમૅઝૉનિયન, એક્વામેનના પૂર્વજો એવા એટલાંટીયન અને મનુષ્યો ભેગા થઇ ને લડે છે અને સ્ટેપનવુલ્ફને અને એની સેનાને હરાવી દે છે. સ્ટેપનવુલ્ફ ભાગી જાય છે પણ પાછળ છોડી જાય છે ત્રણ મધરબોક્સ, આ મધરબોક્સ જો ભેગા થાય તો એ પૃથ્વીને એપોકોલીપ્સ બનાવી શકે છે. આ ત્રણ મધરબોક્સને છુટ્ટા પાડવામાં આવે છે, એક મધરબોક્સ એમેઝોનીયન લોકો પાસે એક એટલાંટીયન અને એક મનુષ્યો પાસે જાય છે. 

અત્યારના સમયમાં સુપરમેનના મૃત્યુ પછી ત્રણે મધરબોક્સ ફરી પાછા એકટીવ થાય છે અને સ્ટેપનવુલ્ફને સાદ પાડે છે. સ્ટેપનવુલ્ફ પહેલા એમેઝોનમાંથી મધરબોક્સ મેળવી લેવામાં સફળ થાય છે. આ વાતની જાણ એમેઝોનની રાણી અને વન્ડર વુમનની માતા વંડર વુમનને કરે છે. વંડર વુમન બેટમેનને સ્ટેપનવુલ્ફ અને મધરબોક્સ વિષે જાણ કરે છે અને નક્કી કરે છે કે જે મેટાહ્યુમન્સની વાત એ લોકો બેટમેન વર્સીસ સુપરમેનમાં કરતા હતા એ મેટાહ્યુમન્સને આ યુદ્ધમાં જોડવાનો સમય આવી ગયો છે.

થિયેટ્રિકલ કટ નો સ્ટેપનવુલ્ફ (ડાબે, કાળા જેવા રંગનો) અને સ્નાઈડર કટ નો સ્ટેપનવુલ્ફ(જામને ગોલ્ડન રંગનો) Courtesy : Times Of India

બેટમેન એક્વામેન (આર્થર કરી) પાસે અને ફ્લેશ (બેરી એલન) પાસે જાય છે અને વંડર વુમન સાયબોર્ગ પાસે. ફ્લેશ સહેલાઇથી બેટમેન અને ટિમ સાથે જોડાઈ જાય છે. પણ એક્વામેન અને સાયબોર્ગને સાથે જોડવા અઘરા છે. સ્ટેપનવુલ્ફ એટ્લાન્ટિસ પર આક્રમણ કરી મધરબોક્સ મેળવી લે છે અને એના લીધે એક્વામેન જસ્ટિસ લીગમાં જોડાય છે. પણ સાયબોર્ગને જોડવો થોડો કઠિન સાબિત થાય છે કેમકે ત્રીજું મધરબોક્સ એની પાસે છે અને એને સાયબોર્ગ બનવામાં ઘણું સહન કરવું પડ્યું હોય છે. પણ ત્રીજા મધરબોક્સને શોધતા શોધતા સ્ટેપનવુલ્ફ સ્ટાર લેબ્સના કર્મચારીઓ અને સ્ટાર લેબ્સ ચલાવતા ડોક્ટર સિલાસ સ્ટોન (સાયબોર્ગ ના પિતા)નું અપહરણ કરી લે છે અને એને બચાવતા સાયબોર્ગ જસ્ટિસ લીગ સાથે જોડાય છે.

બેટકેવમાં ભેગી થયેલી ટિમને એવી ખબર પડે છે કે આ મધરબોક્સથી સુપરમેન ને પાછો જીવિત કરી શકાય છે. એટલે એ મધરબોક્સની મદદ થી જસ્ટિસ લીગ ક્રીપ્ટોનીયન જહાજમાં સુપરમેનનું શબ લઇ જઈ  એને ફરીવાર જીવતો કરે છે. પણ પુનર્જીવિત સુપરમેન બધું ભૂલી ચુક્યો હોય છે. એટલે એને યાદ અપાવવામાં જસ્ટિસ લીગ અને સુપરમેન વચ્ચે લડાઈ થાય છે. લોઈસ લેનને સામે જોતાજ સુપરમેન ની થોડી યાદો પાછી આવવા લાગે છે અને સુપરમેન અને લોઈસ સ્મોલવિલે જતા રહે છે.

સ્ટેપનવુલ્ફ અને પેરાડિમનની સેનાને સુપરમેન વગર જ હરાવવી પડશે એવું ભાન થયા પછી બાકીની જસ્ટિસ લીગ સ્ટેપનવુલ્ફને હરાવવા નીકળી પડે છે. સ્ટેપનવુલ્ફ ત્રણેય મધરબોક્સને ભેગા કરવામાં સફળ થઇ જાય છે પણ ત્યાં સુપરમેન આવી જાય છે અને એ અને સાયબોર્ગ ત્રણેય મધરબોક્સ છુટ્ટા પાડવામાં મદદ કરે છે.

જોસ વ્હેડને વાર્તા તો આ જ રાખી છે, પણ અમુક સીનના ઓર્ડર, અમુક હ્યુમર અને વધારાના સાઈડ પ્લોટ નાખીને આખી ફિલ્મનું એક્ઝિક્યુશન બદલી નાખ્યું છે. બંનેમાં મેઈન વિલનનું કામ સ્ટેપનવુલ્ફ પાસે આવ્યું છે, પણ સ્નાઈડર કટમાં સ્ટેપનવુલ્ફનો એક બોસ ડાર્કસીડ અને એ બોસનો આસિસ્ટન્ટ ડિસાડ પણ છે, જે થિયેટ્રિકલ કટ માં નહોતો. આ ઉપરાંત અમુક નવા પાત્રો જેમકે ફ્લેશનો ક્રશ આઈરિસ વેસ્ટ, માર્શિયન મેનહન્ટર, રાયન ચોઈ ઉર્ફે સુપરહીરો એટમ અને સ્પાઇડરમેનમાં ગ્રીન ગોબ્લિન બનનારા વિલિયમ ડેફો જે જસ્ટિસ લીગમાં એક્વામેનના ગુરુ વલ્કો બન્યા હોય છે આ બધા કા તો થિયેટ્રિકલ કટમાં નથી અથવા એની સ્ક્રીન પ્રેઝન્સ બહુ ઓછી કરી નાખી છે. આ ઉપરાંત સ્નાઈડરે મુકેલી ઘણી વાર્તાઓ, જે ફિલ્મનો પ્લોટ સમજાવવામાં મદદ કરતી હોય કે આગામી પાત્રો કે ફિલ્મ સાથે કનેક્ટ કરતી હોય એને જોસ વ્હેડને આડેધડ કાપી નાખી હતી. અને એના બદલે ઘણા એવા સીન શૂટ કર્યા હતા જેનો મૂળ વાર્તા અને પાત્રાલેખન સાથે સહેજ પણ કનેક્શન નહોતું. અને આ આખી વાર્તા કોમેડી અને હળવાશના નામે બદલી નાખેલી.

આ રીશૂટ અને ઉતાવળે પુરી કરેલી સ્પેશિયલ ઇફેક્ટ આ ફિલ્મ માં વધારે ટીકાને પાત્ર બની હતી. ઉપર દેખાડેલા સ્ટેપનવુલ્ફનું ઉદાહરણ તો છે જ, પણ એનાથી વધારે હાંસીને પાત્ર બનેલી સુપરમેનની પેલી દબાવેલી મૂછ વધારે ચર્ચામાં રહી હતી. આ વાતથી ઝાક સ્નાઈડર અને ડેબ્રા સ્નાઈડર અને સ્નાઈડર પરિવારના ક્રિસ નોલાન જેવા મિત્રો એટલા હેરાન થયા હતા કે એમણે હજુ સુધી થિયેટ્રિકલ વર્ઝન જોયું નથી. વોર્નર બ્રધર્સે સ્નાઈડર્સને તો અન્યાય અને હેરાન કરેલા, પણ આ બધાથીય વધારે હેરાનગતિ અને અન્યાય થયો હોય તો રે ફિશર અને એના પાત્ર સાયબોર્ગને, ઝાક સ્નાઈડરે સ્નાઈડર કટનું મેઈન ફોકસ સાયબોર્ગના પાત્ર અને એની બેકસ્ટોરી ઉપર રાખેલું. જયારે જોસ વ્હેડને સાયબોર્ગના આખા પાત્ર અને એના મહત્વને કાઢી નાખ્યું અને આખી વાર્તાનો મેઈન ફોકસ સુપરમેન પર રાખ્યો અને સાયબોર્ગ એક સાઈડ કેરેક્ટર બની ને રહી ગયો.

અને આ વાત ના લીધે જોસટીસ લીગ ના રી-શૂટ વખતના ઘણા હાડપિંજર કબાટ માંથી નીકળ્યા…..

જોસટીસ લીગનું પ્રોબ્લેમેટિક રિશૂટિંગ

જોસ વ્હેડન વોર્નર બ્રધર્સમાં બેટ-ગર્લની ફિલ્મ બનાવવા આવ્યો હતો. પણ બેટ-ગર્લનું પ્રોડક્શન શરુ ન થઇ શક્યું અને એ ગાળામાં જ વ્હેડનને જસ્ટિસ લીગ માટે હાયર કરવામાં આવ્યો હતો.  જયારે જોસ વ્હેડને પોતાનો રીરાઈટ કરેલો ડ્રાફ્ટ એક્ટર્સને આપ્યો ત્યારે એમાં વંડર વુમન અને બેટમેન સિવાયના બધા પાત્રોના રોલમાં ધરખમ ઘટાડો આવ્યો હતો.આ ઘટાડામાં સહુથી મોટો ઘટાડો હતો રે ફિશરના સાયબોર્ગનો, એક તો કરિયરનો સહુથી પહેલો રોલ અને એમાં ય આ ફિલ્મમાં પોતાનું પાત્ર કેન્દ્રસ્થાને હતું. જેને કોઈ ખાસ કારણ વગર જોસ વ્હેડને કાપીને એક સાઈડ કેરેકટર કરી નાખ્યું, આ ઉપરાંત વ્હાઇટ લોકો દ્વારા લખાયેલા બ્લેક પાત્ર અને બ્લેક એક્ટરની માથાકૂટ તો ખરી જ. આ બધાની સાથે સાથે જોસ વ્હેડનના નવા ડ્રાફ્ટને લઇ ને રે ફિશર અને વોર્નર બ્રધર્સના અધિકારીઓ વચ્ચે ઘણા ડિફરન્સ હતા. પણ આ ઊંટની કાંધ પર છેલ્લું તણખલું સાબિત થયું જોસ વ્હેડનનું રિશુટિંગ વખતે સેટ ઉપરનું પ્રોબ્લેમેટિક બિહેવિયર.

જોસ વ્હેડને સ્ક્રીનપ્લેમાં એવા ઘણા ફેરફાર કર્યા હતા જે લગભગ દરેક પાત્રના બેઝિક સ્વભાવ અને પાત્રાલેખનથી વિરુદ્ધ હતા, અને એ ફેરફાર સામે જે સ્ટાર કૈક બોલે એટલે કાં તો જોસ વ્હેડન એને સાવ ઇગ્નોર કરતો અથવા એની સાથે ખરાબ વર્તન કરતો. જેમકે અમુક વાંધાજનક ડાયલોગ અને સીનના રેકોર્ડિંગ વખતે ગાલ ગેડોટે વાંધા ઉઠાવ્યા હતા તો જોસ વ્હેડને ગાલ ગેડોટની કરિયર ખતમ કરવા સુધીની ધમકી આપી હતી. રિશૂટિંગ વખતે વ્હેડનને લગભગ બધા સ્ટાર્સ સાથે વાંધા પડ્યા હતા, રે ફિશર સહીત જેસન મોમોઆ અને ગાલ ગેડોટ સહીત સિનિયર એક્ટર અને આલ્ફ્રેડ બનતા જેરેમી આયરન્સને પણ જોસ વ્હેડન સાથે પ્રોબ્લેમ ઉભા થયા હતા.

રે ફિશરે પોતાને થતા અન્યાયની ફરિયાદ કરતા વોર્નર બ્રધર્સે એક ઈન્કવાયરી બેસાડી હતી. આ ઈન્કવાયરીનું શું તારણ આવ્યું કે એના પર શું પગલાં લેવાયા એ ઓફિશિયલી જાહેર નથી થયું પણ એ ઈન્કવાયરી દરમ્યાન રે ફિશરને અન્યાયની લાગણી થતા એણે આ ઈન્કવાયરીમાં ભાગ લીધો ન હતો, અને એ પછી એને લઇ ને બનનારી સાયબોર્ગની ફિલ્મ કેન્સલ કરવામાં આવી, અને બીજા સુપરહીરોની ફિલ્મો માંથી એના પાત્રને કાઢી નાખ્યું. જોસ વ્હેડન પણ આ ઈન્ક્વાયરીના ત્રણ મહિના પછી પોતે જે પ્રોજેક્ટ લઇ વોર્નર બ્રધર્સ પાસે આવ્યો હતો એ બેટ-ગર્લ માંથી નીકળી ગયો. અત્યારે બેટ-ગર્લ જોસ વ્હેડન પછી ટોટલ ત્રણ ડિરેકટર બદલી ચૂક્યું છે અને હવે થિયેટ્રિકલ રિલીઝ છોડી એચબીઓ મેક્સ માટે તૈયાર થઇ રહ્યું છે.

ચાર વર્ષ પછી પણ બેટ-ગર્લના ઠેકાણા નથી, અને હજુ બીજા બે ત્રણ વર્ષમાં તો એ નથી જ આવવાની. અને આવું ડીસીની એક ફિલ્મ નહિ ઘણી બધી ફિલ્મો માટે થઇ રહ્યું છે. અને સ્નાઈડર કટની સફળતા એ આખી ડીસીઈયુની વાત વધારે જટિલ બનાવી દીધી છે.

સ્નાઈડર કટ અને ડીસી યુનિવર્સનું ભવિષ્ય.

આ લખાઈ રહ્યું છે ત્યારે માર્વેલની બહુ ચર્ચિત સિરીઝ લોકીનો પહેલો એપિસોડ રજુ થઇ ગયો છે અને એણે માર્વેલના આગામી બે ફેઝનો પાયો નાખી દીધો છે, જેને આગળ લઇ જવામાં ડોક્ટર સ્ટ્રેન્જ અને એન્ટ મેનની આગામી ફિલ્મો મદદ કરશે. મેઈન વાત એ છે કે જે સ્ટોરી પોઇન્ટનો ઉપયોગ માર્વેલ કરવાનું છે એ જ પોઇન્ટ નો ઉપયોગ ડીસી પણ કરવાનું છે: મલ્ટીવર્સ. પણ માર્વેલ એના પ્લાનિંગ અને એક્ઝિક્યુશન પર ઓલરેડી કામ કરી રહ્યું છે અને ડીસીની પિન હજુ  2022માં રિલીઝ થઇ રહેલી ફ્લેશની સોલો ફિલ્મ પર છે (જે છ વર્ષમાં ઓલરેડી ત્રણ થી ચાર વાર ડિરેક્ટર્સ અને રાઈટર્સ બદલી ચુકી છે). આ ફ્લેશની ફિલ્મથી વોર્નર બ્રધર્સ અને ડીસી મલ્ટીવર્સનો ઉપયોગ કરી  બધી ભૂલો (જેમકે ઝાક સ્નાઈડરની ફિલ્મો) અને સુધારી અને બધી સફળતાઓ (જેમકે વન્ડર વુમન અને એક્વામેન)ને જાળવી રાખવાના પ્લાનમાં છે. જેમકે ફ્લેશની ફિલ્મમાં બે બેટમેન છે, એક માઈકલ કીટન જે ’89ની ટિમ બર્ટન સાથેની બેટમેન સિરીઝનો બેટમેન બનવાનો છે, અને બીજો ઝાક સ્નાઈડરના સ્નાઈડર વર્સનો બેટમેન બેન એફલેક.

ફ્લેશની વાર્તા જયારે લખાઈ રહી હતી ત્યારે બેન એફલેક પોતે એક બેટમેન પરની ફિલ્મ ડિરેક્ટ કરવાનો હતો અને એમાં બેટમેન બનવાનો પણ હતો. પણ વખત જતા એણે પહેલા ફિલ્મનું દિગ્દર્શન છોડ્યું અને થોડા સમય પછી બેટમેનનો રોલ પણ છોડી દીધો, અને ડિરેક્ટર તરીકે મેટ રિવ્સ (જેણે ડૉન ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ અને વોર ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે) અને બેટમેન તરીકે રોબર્ટ પેટીસન (જે છેલ્લે ટેનેટમાં હતો અને એ પહેલા ટ્વિલાઇટ સિરીઝની ફિલ્મો થી જાણીતો થયો હતો) એ બંનેએ બેન એફલેકની જગ્યા લીધી. આ “ધ બેટમેન” ઝાક સ્નાઈડરના અત્યાર સુધીના ડીસી યુનિવર્સથી અલગ છે, અને આ “ધ બેટમેન”, અત્યાર સુધીનું ડીસી યુનિવર્સ અને હમણાં આવેલી અને ઓસ્કાર સુધી પહોંચી ગયેલી જોકર ત્રણેય અલગ અલગ યુનિવર્સમાં છે. આ ઉપરાંત ડીસીના અલગ અલગ ટીવી યુનિવર્સ પણ ખરા, જેમકે ફ્લેશ (ટીવીનો અને ફિલ્મનો અલગ), સુપરગર્લ, ગોથામ અને એરો જેવી વખણાયેલી સિરીઝ પોતપોતાના અલગ અલગ યુનિવર્સ માં છે. (સામે માર્વેલ ફિલ્મો અને ત્રણથી ચાર અલગ અલગ ચેનલ પર બનતી સિરીઝ બધું એક જ યુનિવર્સ માં ગણે છે).

મેટ રિવ્સ અને રોબર્ટ પેટીસન ની ધ બેટમેન નું પોસ્ટર, કર્ટસી: વિકિપીડિયા

આ ઉપરાંત ડીસી યુનિવર્સની નેક્સ્ટ ફિલ્મ છે ધ સ્યુસાઇડ સ્ક્વોડ જેને આ જ નામની અને એ જ પાત્રોને લઇને 2016માં આવેલી ડેવિડ આયરની ફિલ્મ સાથે નામ સિવાય કઈ લેવા દેવા નથી. અને એક સુપરમેનની ફિલ્મ આવી રહી છે, જેમાં સુપરમેન તરીકે હેન્રી કેવિલ નથી અને એને પણ ડીસી યુનિવર્સ સાથે કઈ લેવા દેવા નથી. આ સિવાય બેટગર્લ સહીત એવી છ થી સાત ફિલ્મો છે જે કમસેકમ પાંચ સાત વર્ષ થી કોઈ પ્રકારના અપડેટ વગર પડી છે. ઘણી ફિલ્મો એવી પણ છે કે જેમાં એક થી વધારે વાર લેખકો અને દિગ્દર્શકો ને બદલવા પડ્યા હોય. આવું ડીસી અને વોર્નર બ્રધર્સનું કન્ફ્યુઝિંગ કામ સ્નાઈડર કટ પહેલાથી હતું જેમાં કા તો ફિલ્મના શૂટિંગ પહેલા લેખક-દિગ્દર્શકો બદલવા પડ્યા હોય કે ફિલ્મના શૂટિંગ પછી આખી બનેલી ફિલ્મનો ટોન.

પણ જયારે સ્નાઈડર કટ રજુ થઇ, લોકોએ એને વખાણી અને જોયું કે સ્નાઈડરની ઓરીજીનલ વાર્તા પ્રમાણેની (ન બનેલી) બે જસ્ટિસ લીગ ફિલ્મોની વાર્તા ખરેખર સ્ટ્રોંગ હોઈ શકે છે, જે માર્વેલ કરતા સારી હોય કે નહિ પણ માર્વેલને ટક્કર પણ આપી શકે છે. આ જોઈને અને રિલીઝ ધ સ્નાઈડર કટ મુવમેન્ટની સફળતાથી પ્રેરાઈને ફેન્સ દ્વારા ધીમે ધીમે ઝાક સ્નાઈડરના યુનિવર્સને જાળવી રાખવા માટે રીસ્ટોર ધ સ્નાઈડર વર્સ મુવમેન્ટ પણ શરુ થઇ છે. અત્યારે તો વોર્નર બ્રધર્સ માટે થિયેટ્રિકલ કટ ઓફિશિયલ વાર્તા છે અને સ્નાઈડર કટ એ માત્ર એક ફેન સર્વિસ છે, જેનું કોઈ ભવિષ્ય નથી. પણ જેમ સ્નાઈડર કટનું ભવિષ્ય બદલાયું એમ સ્નાઈડર વર્સનું પણ ભવિષ્ય બદલાઈ શકે છે. કારણકે change is the only constant.

આ સાથે સ્નાઈડર કટ અને ઝાક સ્નાઈડરની જસ્ટિસ લીગની વાર્તા અહીં પુરી થાય છે. આગલી વાર્તાઓ સાથે મળીએ ત્યાં સુધી.

સ્ટે સેફ……

અને

મે ધ ફોર્સ બી વિથ યુ…..

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here