Late Review | જરાય ન ગમતા અભિનેતાની બહુ ગમતી ફિલ્મ એટલે આનંદ

0
409
Photo Courtesy: YouTube

જીવનમાં ઘણીબધી અણગમતી બાબતો આપણે કરવી પડતી હોય છે. મુન્નાભાઈ એમ.બી.બી.એસ નો પેલો ડાયલોગ છે ને? “ઝીંદગી મેં બહુત કુછ પહેલી બાર હોતા હૈ મામુ!” બસ એમજ. એમ બાળપણ અને યુવાવસ્થા સુધી મને જરાય ન ગમતાં ‘અભિનેતા’ રાજેશ ખન્નાની ક્લાસિક ફિલ્મ આનંદ વિષે થોડીઘણી વાતો કરવી છે.

ફિલ્મ: આનંદ

કલાકારો : રાજેશ ખન્ના (આનંદ સેહગલ), અમિતાભ બચ્ચન (ડો. ભાસ્કર ભટ્ટાચાર્યાજી), સુમિતા સન્યાલ (રેનુ), રમેશ દેવ (ડો. પ્રકાશ કુલકર્ણી), સીમા દેવ (સુમન કુલકર્ણી), લલીતા પવાર (મેડમ ડીસા) અને જોની વોકર (ઈસાભાઈ) 

ક્રેડીટ્ઝ : 

કથા :  હૃષીકેશ મુખરજી 

પટકથા : હૃષીકેશ મુખરજી, બિમલ દત્તા, ગુલઝાર, ડી.એન.મુખરજી અને બીરેન ત્રિપાઠી

ગીતો : ગુલઝાર અને યોગેશ 

સંગીત : સલીલ ચૌધરી 

નિર્માતાઓ : હૃષીકેશ મુખરજી અને એન. સી. સિપ્પી  

નિર્દેશક : હૃષીકેશ મુખરજી 

રીલીઝ ડેટ : ૧ લી જાન્યુઆરી, ૧૯૭૧ 

લંબાઈ : ૧૨૩ મિનીટ્સ

ગીતો:

મૈને તેરે લીએ હી સાથ રંગ કે સપને ચુને” (મુકેશ – ગીતકાર: ગુલઝાર)

ઝીંદગી કૈસી હૈ પહેલી હાયે” (મન્ના ડે – ગીતકાર: યોગેશ) 

કહીં દૂર જબ દિન ઢલ જાયે” (મુકેશ – ગીતકાર : યોગેશ)

ના…જીયા લાગે ના” (લતા મંગેશકર – ગીતકાર: ગુલઝાર) 

જેમ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ રાજેશ ખન્ના ઉપર મને કોઈ જ પ્રેમ નહી પહેલે થી જ. પરંતુ એ સ્વીકારવું પણ જરૂરી છે કે ‘આનંદ’ અને ‘બાવર્ચી’ જેવી ફિલ્મો જોઇને મને રાજેશ ખન્ના એક સારો અભિનેતા પણ છે એવું ભાન થયું હતું.

એવું કહેવાય છે કે જો સારો નિર્દેશક મળી જાય તો સારો અદાકાર પણ નીખરી જતો હોય છે. રાજેશ ખન્નાએ રોમેન્ટિક રોલ્સમાં ભલે એક સરખી અદાકારી કરી હોય પરંતુ જ્યારે હ્રીશીકેશ મુખરજી જેવા નિર્દેશકે તેમને કસ્યાં ત્યારે તેમની અદાકારી જોવા મળી. ‘આનંદ’ અને ‘બાવર્ચી’ બંને રાજેશ ખન્નાની સર્વશ્રેષ્ઠ અભિનય ધરાવતી ફિલ્મો છે અને આ બન્ને ફિલ્મોને હ્રીશીકેશ મુખરજીએ જ ડાયરેક્ટ કરી છે.

કથાસાર:

આનંદ સેહગલ ‘લીમ્ફોસર્કોમા ઓફ ધ ઇન્ટરસ્ટાઇન’ એટલે કે આંતરડાના કેન્સરથી પીડાય છે. આ લા-ઈલાજ દર્દ છે. તેમ છતાં આનંદ એના મિત્ર અને ડોક્ટર પ્રકાશ કુલકર્ણી પાસે સારવાર માટે મુંબઈ આવ્યો છે. આનંદની વાત નિરાળી છે. આવા જીવલેણ દર્દવાળા વ્યક્તિથી સામાન્ય રીતે તેનું દર્દ કે રોગ છુપાવવામાં આવતું હોય છે પણ આનંદને ફક્ત આ દર્દ જ નહી પણ તે કેટલા દિવસનો મહેમાન છે તેની પણ ખબર છે.

બીજા લોકોની જેમ આનંદ આ હકીકતથી હતાશ નથી થઇ જતો પણ એ હવે બાકી બચેલી જિંદગીની એક-એક પળને એના નામની જેમજ આનંદથી જીવવા માંગે છે. ડો.પ્રકાશના દવાખાને આનંદને ડો.ભાસ્કર મળે છે. ડો.ભાસ્કરને આનંદના આવા વર્તનથી ફક્ત નવાઈ જ નહી પણ ચીઢ પણ ચડે છે કે આટલી ગંભીર અને જીવલેણ બીમારીમાંથી પસાર થઇ રહેલો દર્દી આવી રીતે પોતાના દર્દને કેવીરીતે આમ સાવ રમતમાં લઇ શકે? આ તરફ આનંદ પણ નક્કી કરે છે કે તે જ્યાં સુધી આ શહેરમાં છે ત્યાં સુધી તે ભાસ્કરને ઘેર જ રેહશે.

શરુશરુમાં ભાસ્કરને આનંદનું વર્તન જુદુંજુદું લાગતું. જયારે સમય મળે ત્યારે આનંદ ઘરની બહાર અચાનક નીકળી જતો અને જે મળે એની પીઠ ઉપર ધબ્બો મારીને તેને મુરારીલાલ કહીને વાતો શરુ કરી દેતો. પણ ધીરેધીરે ભાસ્કરને આનંદની ફિલસુફી સમજાવા લાગે છે અને તે પણ આનંદના પ્રેમમાં પડી જાય છે.

ફક્ત ડો.ભાસ્કર જ નહી પણ આનંદના પરિચયમાં આવનાર ભાસ્કરની મિત્ર રેનુ કે પછી ડો. કુલકર્ણીના પત્ની સુમન કે પછી કડક મેટ્રન મેડમ ડી’સા કે પછી પીઠ પાછળ ધબ્બો મારીને એક ઔર મુરારીલાલ બનનાર ઈસાભાઈ દરેકનો આનંદ લાડકો થઇ જાય છે. પણ આનંદ નું આવનાર મૃત્યુ નિશ્ચિત હતું. ડો.ભાસ્કર  અને ડોક્ટર પ્રકાશના અથાગ પ્રયાસો અને રેનુ, સુમન, મેડમ ડી’સા અને તમામ મુરાલીલાલોની પ્રાર્થના છતાય અંતે તો જે થવાનું હતું તે થઇ ને જ રહે છે. આનંદ આ દુનિયા છોડી ને ચાલ્યો જાય છે…

ज़िन्दगी और मौत उपरवाले के हाथ में है जहाँपनाह , जीसे न आप बदल सकते हैं न में | हम सब तो रंगमंच की कठपुतलिया है, जीसकी डोर उपरवाले के हाथ में बंधी है , कब,कौन,कीसे उठाएगा ये कोई नहीं जानता .. हा हा हा हा  

રિવ્યુ

કહે છે કે આ ફિલ્મની વાર્તા હૃષીકેશ મુખરજી એ રાજ કપૂર ને ધ્યાનમાં રાખીને લખી હતી. રાજ કપૂર અને હૃષી’દા બન્ને અંતરંગ મિત્રો હતા. એક વાર રાજકપૂર ખુબ બીમાર પડ્યા હતા તેમ છતાં આનંદની જેમજ પોતાના મિત્રોને હસાવતા રહેતા હતાં. આ ઉપરાંત રાજકપૂર, હૃષીકેશ મુખરજીને કાયમ ‘બાબુમોશાય’ કહીને સંબોધતા. પણ કોઈક કારણોસર રાજ કપૂર સાથે તેઓ આ ફિલ્મ ન બનાવી શક્યા. ‘હૃષી’દા’ની ફિલ્મો જોવામાં, સમજવામાં એકદમ સરળ હોય, મોટાભાગે હળવી હોય અને એમાં મેસેજ પણ હોય. આનંદ એ જમાનામાં બની હતી જયારે કેન્સરનું નામ પડતા જ માણસની છાતીનાં પાટિયા બેસી જતા. એ સમયમાં આનંદ જેવું પોઝિટીવ પાત્ર દેખાડીને ઘણા લોકોને કદાચ હકારાત્મકતા પહોંચાડવાનો પ્રયાસ હૃષી’દા કરવા માંગતા હશે. વ્યક્તિગત ખ્યાલથી એમાં તે સફળ પણ થયા. ઘણા નિર્દેશકો સીરીયસ વિષય સાથે સીરીયસ ફિલ્મો બનાવે છે પણ આ ફિલ્મ કેન્સર જેવા અત્યંત ગંભીર વિષયને સ્પર્શ કરતી હોવા છતાય એકંદરે હળવી ફિલ્મ છે.

રાજેશ ખન્ના મારે માટે આ ફિલ્મ જોયા પહેલા ફક્ત ‘એક ઔર એક્ટર’ હતા અને એમના પ્રત્યેનો મારા નાનપણમાં મારો વિરોધ માત્ર તેઓ એ સમયે અમિતાભ બચ્ચનના હરીફ હોવાનાં કારણે જ કરતો. આ ફિલ્મ છેક કોલેજમાં આવ્યો ત્યારે કેબલ ઉપર ઘેરે જોઈ હતી. અત્યાર સુધી કેન્સર વિષે છે એટલે રો-કકળ વાળી જ હશે એમ ધારીને  અવોઇડ કરતો હતો, પ્લસ ‘રાજેશ ખન્ના વિરોધ’ નું ફેક્ટર તો ખરુંજ. પણ લગભગ પહેલા જ સીનથી રાજેશ ખન્નાનો અભિનય જે ગમ્યો છે…જે ગમ્યો છે…. આ રાજેશ ખન્ના છે કે આનંદ સેહગલ? આપણને વિચારતાં કરી દે એટલી હદે ઓતપ્રોત થઇને તેમણે અભિનય કર્યો છે.

અમિતાભ બચ્ચન સાથેની એમની કેમિસ્ટ્રી પણ બરોબર બેસે છે. કાશ એમનો (અને અમિતાભનો પણ) વ્યક્તિગત અહંકાર આડે ન આવ્યો હોત તો આપણને આ કેમેસ્ટ્રી હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં ફક્ત બે વાર નહી પણ ઘણી વાર જોવા મળી હોત. કાશ…………….

અમિતાભ બચ્ચન સેકંડ લીડમાં પણ એટલા જ જામ્યા છે કે ‘બેસ્ટ એક્ટર ઇન સપોર્ટીંગ રોલ’નો તે વર્ષનો ફિલ્મફેર એવોર્ડ એ જીતી લાવ્યા હતા. બાકી અમિતાભનું મોઢું તો જરાય હીરો જેવું તે વખતે લાગતું જ નહોતું હો! રાજેશ ખન્નાએ એક દમ ઓન ધ ટોપ અને અમિતાભ બચ્ચન એકદમ અન્ડર પ્લે કર્યું છે. આવું આપણી ફિલ્મોમાં ઘણી વાર બન્યું છે કે મૂળ હીરોની ઈમેજને ઉપસાવવા એના જેટલાજ કે એનાથી વધુ ટેલેન્ટેડ એક્ટરઝને અન્ડર-પ્લે કરવાનો કાં તો ફોર્સ કરાયો હોય અથવા એનો રોલ જ એવો લખાયો હોય.

આમ છતાય એમની આભા જ કંઈક એવી હોય કે મૂળ હીરો કરતા એના વખાણ વધુ થાય. રાજેશ ખન્નાને આજ તકલીફ પડી. તે એટલા મોટા સુપર સ્ટાર હતાં કે અમિતાભ વિષેની વાહવાહી એમને પસંદ ન પડી અને ગળે પણ ન ઉતરી. આ ફિલ્મનાં બે વર્ષ પછી આવેલી નમક હરામમાં પણ આ જ હાલ થયા હતાં રાજેશ ખન્નાનાં. અમિતાભ ફરી મેદાન મારી ગયા.

જો તમે આનંદ જોશો અને પછી નમક હરામ જોશો તો બચ્ચનની બોડી લેન્ગવેજમાં હજાર ગણો ફર્ક દેખાશે. નમક હરામમાં પણ હીરો તો રાજેશ ખન્ના જ  હતા પણ અમિતાભનાં અભિનયમાં જબરો આત્મવિશ્વાસ દેખાય છે. આનંદનાં છેલ્લા સીનમાં આનંદને બચાવી ન શકવાની (ડોક્ટર હોવા છતાં) બચ્ચનની મજબુરી જોઈ ને કોઈ ને પણ લાગે કે પુત્રનાં લક્ષણ પારણાંમાં હતાં જ અને એટલેજ સમય જતાં તેઓ સદીના મહાનાયક પણ બની ગયાં.

સપોર્ટીંગ કાસ્ટમાં રમેશ દેવનું કામ સહુથી સારું દેખાઈ આવે છે. લગભગ આખી ફિલ્મમાં એમની આવ-જા રહે છે. બાકી બધા પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. સલીલ ચૌધરીનું સંગીત આ’લા ગ્રાન્ડ!! ચાર જ ગીતો પણ ચારેય આજની તારીખ સુધી એટલાજ લોકપ્રિય જે એ સંગીતના સ્તર માટે આના થી બીજો મોટો પુરાવો કયો હોઈ શકે?

ઓલ ઇન ઓલ આનંદ ગમ્મે ત્યારે ગમ્મે તેટલી વાર જોઈ શકાય તેવી ફિલ્મ. જિંદગી કેટલી ટૂંકી છે તે કદાચ કેન્સર જેવા રોગથી પીડાતા લોકોને ખબર હોય પણ આપણને પણ તેની લંબાઈ વિષે ક્યાં કશી ખબર છે? એટલે આનંદની જેમ બને તેટલા મિત્રો બનાવવા અને જીવનની દરેક મિનીટ તેમની મજામાં જ ગાળવાનો પ્રયાસ કરવો એ સંદેશ આનંદ સ્પષ્ટરૂપે આપે છે.

| रास्ता |

રાજેશ ખન્નાના મરવાના સીન બાબતે મેં ખુબ મહેનત કરી હતી. ખુબ રીહલ્સર્સ કર્યા. પણ મજા ન આવી એટલે હું મેહમૂદભાઈને (કોમેડિયન મેહમૂદ) મળ્યો. એમણે કહ્યું કે “તું એમ વિચાર કે રાજેશ ખન્ના સાચે જ તારી નજર સમક્ષ મરી રહ્યો છે અને પછી એ સીન ભજવ”. બીજા દિવસે ટેક કરતી વખતે મેં મારી બધી જ ઈમોશન ઠાલાવવી શરુ કરી. મને અત્યાર સુધી પડેલા દરેક દુઃખોને યાદ કરી કરીને હું ડાયલોગ્ઝ બોલવા લાગ્યો, અચાનક હૃષી’દ એ બૂમ પાડી !! “કટ” અને મને ધમકાવી નાખ્યો. “અમિત આ બધું શું છે? બી નોર્મલ.

અમિતાભ બચ્ચન હૃષીકેશ મુખર્જી અને આનંદ વિષે ટાઈમ્સ નાઉ નાં ‘ટોટલ રિકોલ’ પ્રોગ્રામ માં

Reloaded on ૧૭ જુન ૨૦૨૧, ગુરુવાર

અમદાવાદ 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here