eછાપું લઘુકથાઓ – આજની લઘુકથા: ચરિત્રહીન – રૂપલ વસાવડા

0
368

શિયાળો ઠંડાગાર તબક્કામાં હતો. વસુધા બપોરે બાર વાગ્યે પોતાના અડધા સફેદ માથાને તેલ ઘસવા તડકે બેઠી હતી. અરીસામાં નજર જતાં દાયકાઓની ઝાંખી, પલકવારમાં આંખો સામેથી પસાર થઈ ગઈ. અરીસો લાકડાની ફ્રેમમાં મઢેલો હતો. ફ્રેમમાં ફરતે નાના મોટાં મોતી જડેલા હતાં. સંસાર માંડ્યો ત્યારે તેનો પતિ ચંદ્રશેખર આ અરીસો લાવ્યો હતો. પોતે જેને શેખરના નામે સંબોધતી એવો તેનો પતિ એક નાટકની પૂર્વતૈયારી વખતે મળી ગયો હતો.

વસુધાને બાળપણથી જ માતા નહોતી. પિતા સરકારી નોકરીમાં ઊંચો હોદ્દો ધરાવતા હતા. સિત્તેરના દાયકામાં વસુધા એક ઉત્તમ નર્તકી અને રંગમંચની કલાકાર હતી. પિતાએ કદી તેને નાટકો ભજવવા, દેશના દૂરનાં ખૂણે જતાં રોકી નહોતી.

લાંબા ભરાવદાર વાળનો અંબુડો, સુરેખ ચહેરો અને રેશમી રંગબેરંગી સાડીઓમાં સજેલી વસુધા જ્યારે ગાડીમાંથી ઉતરતી ત્યારે લોકો જોઈ રહેતાં.

ઘણાં વર્ષો લગી નાટકોમાં ભાગ ભજવી વસુધા અમુક ઉંમર વટાવી ગઈ. પરણવા માટે જ્યારે યોગ્ય પાત્રની તપાસ આદરી ત્યારે ચંદ્રશેખર પર દૃષ્ટિ સ્થિર થઈ. શેખર એક પત્રકાર હતો, થોડો ધૂની ખરો પણ વસુધાને પસંદ હતો.

જેમ ઘણાંખરા લગ્નોમાં થાય છે તેમ શરૂઆતના વર્ષો સારી રીતે વીત્યાં. શેખરનું કુટુંબ વસુધાને ‘નાટકવાળી’ કહી બહુ આવકારતું નહી. મહાપરાણે ઘરે આવેલી શેખરની માતાએ એકવાર વસુધાને આ જ અરીસો સામે ધરી મેકઅપ લગાડતી જોઈ કથન કર્યું હતું “જોજે ભાઈ ! છે તો રંગમંચની નટી. કઈ ભરોસો નહીં. કહે છે આ કલાકારોને કોઈ કાયમી સાથીદાર ફાવે જ નહીં. ”

શંકાનું સમાધાન થાય એવા એકાદ બે બનાવ બન્યા. શેખરની ગેરહાજરીમાં આવેલા પ્રોડ્યુસર અને બીજા કોઈ કલાકાર અંગે શેખર ક્રોધે ભરાયો. વાતમાં કોઈ દમ ન હોવા છતાં તેણે વસુધા જોડે વધુ પડતું આકરું વલણ દાખવ્યું.

વસુધા સ્વરૂપવાન હતી ને વળી સફળ અભિનેત્રી. સારા કપડાં પહેરવા કે કેશકલપ કરવા એના માટે એક સહજ વાત હતી. પણ શેખરે એનો ઊંધો અર્થ પકડ્યો. એક કાર્યક્રમમાં જવા તૈયાર થતી વખતે વસુધા ખૂબ ઉત્સુકતાપૂર્વક વાત કરવા લાગી “શેખર તું જાણે છે આજે મને કોણ કોણ મળશે ?” અરીસા સામે જોઈ વસુધા માથામાં પિન લગાડી રહી હતી. “નાચનારીનું આંગણ વાંકું! તારો બધો મેકપનો સામાન કાલે ઊંચે મૂકી દેજે બાકી હું ફેંકી દઈશ…! ચરિત્રહીન !!!” ભભૂકી ઉઠેલા શેખરે, બાવડું ઝાલી, અરીસો આંચકીને, આગ ઝરતી આંખે ધમકી આપેલી.

તે સમય જુદો હતો અને વળી તે સ્ત્રી હતી. વસુધાએ અભિનય છોડ્યો અને શાસ્ત્રીય નૃત્યના વર્ગો શરૂ કર્યા. એક પુત્રી હોવાથી બંનેએ મનેકમને સંસાર ચલાવ્યો. ઘરમાં ચાલતા ક્લેશ કંકાસથી દીકરી પણ વાકેફ થઈ ગઈ.

વસુધાની પુત્રી મેધાવી એક ખ્યાતનામ નર્તકી બની. વસુધાથી અલગ વાત એના કિસ્સામાં બની, તે નાની ઉંમરે ચિરંજીવ નામના સહકલાકાર જોડે પરણી. માતાપિતાના કાયમી કલેશથી કંટાળીને કદાચ તેણે આ નિર્ણય લીધો. એટલું જ નહીં જિંદગીભર માનસિક પરિતાપ જીરવી ચૂકેલી માતા પણ પોતાની સાથે રહી શકે એવી વ્યવસ્થા કરી.

જીવનમાંથી શેખરની બાદબાકી થઇ પણ વસુધા મનમાં કાયમી ધોરણે એક ધાસ્તી ભરીને બેઠી. શંકાના વમળમાં ઘેરી સતત પોતાની અવહેલના થઈ. શું મેધાવી સાથે પણ આવું જ થશે? વળી એ અપરિપક્વ હતી. ઉતાવળે તો જીવનસાથી પસંદ નહિ કરી બેઠી હોય ને?

અત્યારે તો ચિરંજીવ મેધાવીની રાહ જોતો આમતેમ આંટા મારતો હતો. એ કરતાંય વધુ વસુધાને ફિકર હતી. મન ભૂતકાળને સતત વર્તમાન સાથે જોડી બેસતું હતું.

ત્યાં તો મેધાવી દાખલ થઈ. ચિરંજીવ સામો દોડ્યો. વસુધા પણ ઝડપથી ઊભી થઈ. ચિરંજીવનો પ્રત્યાઘાત ફક્ત મોડા પાડવા અંગેનો જ હતો. મેધાવી પર કોઈ જાતનો આક્ષેપ થશે એ ડરમાં વસુધાના હાથમાંથી અરીસો પડી ગયો ને તેના ટુકડે ટુકડા થઈ ગયા.

મેધાવી અને ચિરંજીવ તરત વસુધા પાસે આવ્યાં.. “વાગ્યું તો નથી ને!! અરેરે વર્ષો જૂની યાદગીરી તૂટી ગઈ.”

“ના રે! સારું થયું તૂટ્યો…અમુક ભૂતકાળને તિલાંજલિ મળે એમાં જ મજા છે !”

‘ચરિત્રહીન’ આ શબ્દ હવે બહુ દૂર, આઘો પડઘાતો લાગ્યો. પગ ફરતે વેરાયેલા અરીસાના બારીક ટુકડાઓ સામે જોઇ રહેલી વસુધા હળવાશ અનુભવી રહી હતી. એક સ્ત્રી કે અભિનેત્રી માટે સમય ખરેખર બદલાયો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here