અફવાઓથી સાવધાન!: અને જો આ અફવાઓ રાજકીય હોય તો તો ખાસ…

0
394
Photo Courtesy: Twitter

બાળકને અફવાઓની શક્તિની સમજણ ત્યારેજ આવી જતી હોય છે જ્યારે તે શાળાએ જતું હોય છે અને પોતાના સહાધ્યાયીઓ દ્વારા તે કોઈ અફવા ફેલાવવાનો ભાગ અજાણતા જ બની જતું હોય છે. ત્યારબાદ વ્યક્તિ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેની આસપાસ અફવાઓનું વાતાવરણ પણ મજબૂત બનતું જતું હોય છે. આ અફવાઓ કદાચ તેના પોતાના વિષે પણ હોઈ શકે અથવાતો કોઈ એવી વ્યક્તિ વિષે જેને તે અંગતરીતે જાણતો હોય અથવા ન પણ જાણતો હોય. આ ‘ગુણનું’ બીજું રૂપાળું નામ પણ છે જેણે અફવાની ધારને સહેજ નબળી કરી દીધી છે અને આ શબ્દ છે ‘ગોસિપ’.

ઇતિહાસમાં આપણને એવા અનેક દાખલાઓ મળી આવશે જેમાં કોઈ રાજા અથવાતો રાણીનું શાસન માત્રને માત્ર અફવાને કારણે તેનાથી દૂર થઇ ગયું હોય, એ પણ એવા સમયે જ્યારે તેમને એવું લાગી રહ્યું હોય કે તેમની સત્તા ચોમેરથી અત્યંત સુરક્ષિત છે, આથી આપણે સમજી શકીએ છીએ કે અફવાની શક્તિ કેટલી જબરદસ્ત હોઈ શકે છે. ભારતમાં સોશિયલ મિડિયાના ઉદય બાદ ભારતીયો કોઈને કોઈ રીતે એ જાણતા થયા છે કે કેવી રીતે ભારતીય મિડિયા જ “અમારા સૂત્રો અનુસાર” જેવા વાક્યપ્રયોગ દ્વારા અફવાને ફક્ત જન્મ જ નથી આપતું પરંતુ તેને ફેલાવવામાં પણ બહુ મોટો ભાગ ભજવતું હોય છે.

2014થી જ વિવિધ એથિકલ ફેક્ટ ચેકર્સ દ્વારા વારંવાર આ રીતે સૂત્રોને ટાંકીને ફેલાવવામાં આવેલી લગભગ દરેક અફવાઓને ખુલ્લી પાડી છે પરંતુ આપણું મિડિયા આ બાબતે કાયમ બિન્ધાસ્ત રહેતું હોય છે અને દેશના તેમજ સમાજના કેટલાક ખાસ વર્ગોમાં માત્ર ચર્ચા ઉભી કરવાના બહાને અફવા ફેલાવતું જ રહેતું હોય છે. આ ખાસ વર્ગોમાં રાજકારણ, ક્રિકેટ અને બોલિવુડ મુખ્ય હોય છે અને આ ત્રણ ક્ષેત્રો સદાય આપણા મિડીયાના પ્રિય રહ્યા છે જ્યાં તેઓ સૂત્રોની મદદથી કોઇપણ અફવાને સમાચાર બનાવી શકે છે અને પ્રજામાં તેને આસાનીથી ફેલાવી શકે છે.

ઘણીવાર આ પ્રકારની અફવાથી જેને સહન કરવું પડ્યું હોય છે તે વ્યક્તિ અથવાતો સમૂહ જાહેરમાં આવીને તેનો રદિયો આપે છે, ઘણીવાર તો પુરાવા સાથે પણ. પરંતુ આપણું મિડિયા તેને કાં તો બહુ મહત્ત્વ નથી આપતું અને જો મહત્ત્વ આપે તો પણ છેલ્લે ઉમેરી પણ લેતું હોય છે કે આ રદિયો કદાચ ખોટો પણ હોય અથવાતો દબાણમાં આવી જઈને આપવામાં આવેલો રદિયો હોઈ શકે છે. આમ રીતે મિડિયા અફવાઓની ચક્કી દિવસો સુધી ચલાવતું રહેતું હોય છે અને પોતાના TRP કમાતું રહેતું હોય છે.

આવું જ ફેક ન્યુઝનું પણ છે. મિડિયા હાઉસીઝની ઓફિસોમાં જ ફેક  ન્યુઝને જન્મ આપવામાં આવે છે અને પછી તેને એ રીતે ફેલાવવામાં આવે છે કે આ ફેક ન્યૂઝ આપણને સાચા લાગવા લાગે. જ્યારે પુરાવા સાથે ફેક ન્યૂઝનો રદિયો આપવામાં આવે ત્યારે પણ આ મિડિયા હાઉસ પોતાના દાવા પર થોડા દિવસ માટે કાયમ રહેતું હોય છે અને છેવટે ધીમેધીમે આ ફેક ન્યુઝને ભૂલી જવામાં આવતા હોય છે.

આપણે ક્રિકેટ અને બોલિવુડ અંગે ફેલાતી અફવાઓને હાલપૂરતી બાજુ પર રાખીએ અને માત્ર રાજકીય અફવાઓ પર ધ્યાન આપીએ તો એક સત્ય ઉડીને આંખે વળગે છે અને તે એમ છે કે જો કોઈ અફવા રાજકીય હોય તો એક વાચક કે દર્શક તરીકે આપણી જવાબદારી ઘણી વધતી જતી હોય છે. આપણને ગમે કે ન ગમે પરંતુ એક નાનકડી રાજકીય અફવા પણ આપણા તમામનું ભવિષ્ય ઘણી વખત નક્કી કરી દેતું હોય છે, ભલે તાત્કાલિક નહીં પરંતુ અમુક સમય વીત્યા પછી તો ખરું જ.

આ પાછળનું કારણ એ છે કે આપણી પસંદગીના રાજકારણી હોય કે આપણે તેમને પસંદ નથી કરતા તો પણ એ લોકો જ આપણું અને આપણા દેશનું ભવિષ્ય નક્કી કરતા હોય છે એ હકીકતથી ભાગી શકાય તેમ નથી. આ લેખની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી કે મોટા મોટા રાજાઓ અને રાણીઓએ ભૂતકાળમાં માત્ર અફવાઓને કારણે પોતાની સત્તા ગુમાવી છે. જ્યારે આ પ્રકારે કોઈ રાજા પોતાની સત્તા ગુમાવે તો પછી તેની પ્રજાએ કેટલું સહન કરવું પડ્યું હશે તેની કલ્પના થઇ શકે છે.

લોકશાહીમાં કોઇપણ રાજકીય અફવા સ્થિર અથવાતો અસ્થિર સરકારને આસાનીથી પાડી શકે છે. આપણે ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનો જ દાખલો લઈએ. એ સમયે એવી અફવા ફેલાઈ હતી કે દિલ્હી પોલીસના કેટલાક કોન્સ્ટેબલો તે સમયના કોંગ્રેસ પ્રમુખ અને ચંદ્રશેખર સરકાર જેમના સમર્થનથી ચાલી રહી હતી એવા રાજીવ ગાંધીના આવાસની બહાર ઉભા રહીને ચેક કરી રહ્યા છે કે એમને ઘરે કોની આવન-જાવન રહે છે. ટૂંકમાં કહીએ તો રાજીવ ગાંધીની જાસુસી થઇ રહી છે એવી અફવા ફેલાઈ હતી. ચંદ્રશેખર સરકારના મજબૂત રદીયા બાદ પણ કોંગ્રેસે માત્ર આ અફવાને આધાર બનાવીને તેમની સરકારને ટેકો પરત ખેંચી લીધો હતો અને માત્ર છ જ મહિના સત્તામાં રહ્યા બાદ ચંદ્રશેખર ઘરભેગા થઇ ગયા હતા.

લગભગ દસેક દિવસ અગાઉ મિડિયા દ્વારા બે અલગ અલગ રાજકીય અફવાઓ ફેલાવવામાં આવી હતી. એક અફવા શિવસેના NDAમાં પરત આવી શકે તેમ છે એ હતી અને બીજી અફવા જે આ અફવા કરતાં પણ વધુ મજબુત અને વધુ રાજકીય અસરો ઉભી કરી શકે તેવી હતી અને એ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથ વચ્ચે ઉભા થયેલા કહેવાતા ઘર્ષણ વિષે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને નવી દિલ્હીમાં મળ્યા હતા. આ મિટિંગ બાદ મિડીયાએ તેની ટેવ મુજબ ઠાકરેને સવાલ કર્યા હતા કે શું તેઓ NDAમાં પરત આવવા માંગે છે તેના માટે આ મિટિંગ કરી હતી? આ પ્રશ્નોના જવાબમાં ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ માત્ર અફવા જ છે અને તેવું કશું થવાનું નથી. મોદી સાથે તેમના વ્યક્તિગત સબંધો પણ છે અને તેઓ એને કારણે તેમને ઈચ્છા થાય ત્યારે મળી શકે છે.

આટલી સ્પષ્ટ વાત છતાં મિડિયાએ પોતાની અફવાને વધુ પગ આપવાથી દૂર રહેવાને બદલે તેને દોડવા માટે છૂટો દોર આપી દીધો અને આ દોડને ઢાળ આપવાનું કામ કર્યું શિવસેનાના ‘બહુબોલા’ પ્રવક્તા સંજય રાઉતે. દરરોજ સામનામાં મોદી અને ભાજપને ગાળો આપનારા રાઉતે ઉદ્ધવ ઠાકરેની દિલ્હી મુલાકાતના બીજા જ દિવસે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી દીધી. ફરીથી મિડિયા અને સોશિયલ મિડિયામાં વાતો ફેલાવા લાગી કે મહા વિકાસ આઘાડીમાં કુછ તો ગડબડ હૈ અને શિવસેના, NCP અને કોંગ્રેસ વચ્ચે બહુ મોટા મતભેદો ઉભા થયા છે.

Photo Courtesy: Twitter

પરંતુ મોદી-ઠાકરે બેઠકમાંથી આવેલા ફોટોગ્રાફ્સ પર ધ્યાન આપીએ તો સ્પષ્ટ દેખાય છે કે ઠાકરે અને મોદી સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચવાણ અને હાલના ઉપમુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવાર પણ બેઠા છે. સ્પષ્ટ છે કે આ ત્રણેય વડાપ્રધાન સાથે પોતાના રાજ્ય મહારાષ્ટ્ર સાથે સંલગ્ન કોઈ વિષય બાબતે ચર્ચા કરવા આવ્યા હતા. શું એવી કલ્પના થઇ શકે કે ઉદ્ધવ ઠાકરે NDAમાં શિવસેનાના પરત આવવા માટે મોદી સાથે ચવાણ અને પવારની હાજરીમાં ચર્ચા કરે, જે એમના હાલના ભાગીદારો છે?

તાર્કિક રીતે આ પ્રકારની ચર્ચા પહેલાં બંને પક્ષોની ઉચ્ચસ્તરીય નેતાગીરી વચ્ચે થતી હોય છે અને પછી એકબીજા સહમત થતાં હોય એવા મુદ્દાઓ લઈને મુખ્યમંત્રી કે વડાપ્રધાન વચ્ચે એકાંતમાં ચર્ચા થાય અને પછી જ આ પ્રકારના જોડાણને મંજૂરી મળતી હોય છે. જો ભારતીય રાજકારણની જરા પણ સમજણ હોય તો કોઇપણ વ્યક્તિ આ તર્કને આરામથી સમજી લેતો હોય છે પરંતુ આપણું મિડિયા દરેક વ્યક્તિને એક જ લાકડીએ હાંકે છે અને માને છે કે સરેરાશ ભારતીય એટલો તો મુર્ખ છે કે અમે જે કહીએ તે માની જ લે છે.

હવે આવીએ બીજી અને વધુ મજબુત દેખાતી અફવા પર જે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ વિષે ફેલાવવામાં આવી હતી. ફરીથી, ભારતીય રાજકારણને સારી રીતે સમજનાર વ્યક્તિને હસવું આવી જાય એ હદે આ અફવા ફેલાવવામાં આવી હતી. કોઇપણ રાજકીય પક્ષના બે મોટા આગેવાનો વચ્ચે મતભેદ અને મનભેદ પણ હોય તે સ્વાભાવિક છે, પરંતુ તેનો મતલબ એવો તો નથી જ કે તેમાંથી કાયમ કોઈ બળવો કે બળવાખોર જ ઉભો થાય? હાલમાં જો યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટીના મોટા કદના નેતા છે તો નરેન્દ્ર મોદી એ પક્ષના સર્વસ્વીકૃત તેમજ બિનહરીફ આગેવાન છે જેમાં શંકાને કોઈ સ્થાન નથી.

તો વાત શું હતી? એજ કે ઉત્તર પ્રદેશ ભાજપાના પોસ્ટરમાં નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફને સ્થાન ન મળતાં મોદી યોગી પર ગુસ્સે છે અને યોગી હવે મોદીનું માનવા તૈયાર નથી. અરે જરા વિચારો તો ખરાં? એક આટલા નજીવા મુદ્દે (ખરેખર તો આ કોઈ મુદ્દો જ નથી) આટલા ઉચ્ચ સ્તરના બે આગેવાનો એકબીજા સામે લડવા લાગે એ શક્ય છે ખરું? આટલું જ નહીં આ મુદ્દે સ્પષ્ટતા કરવા યોગી આદિત્યનાથ લખનૌથી ખાસ દોડતા દોડતા નવી દિલ્હી આવે અને નરેન્દ્ર મોદીને મળે? જો ભાજપાની આવતી પેઢી કેવી હશે તેની કલ્પના કરવી હોય તો એવી થઇ શકે કે મોદી પછી વારો અમિત શાહનો છે અને ત્યારબાદ આ બંનેથી ખાસ્સા યુવાન એવા યોગી આદિત્યનાથ પક્ષના સર્વોચ્ચ નેતા બની શકે છે.

આથી યોગી આદિત્યનાથ નરેન્દ્ર મોદીને પડકાર ફેંકે એ વાત તો દૂર પરંતુ એમને હજી એ પદ સુધી પહોંચવાની કોઈ ઉતાવળ પણ નહીં હોય. ઉપરાંત કોરોનાને કારણે દેશના નાગરિકોએ ખૂબ સહન કર્યું હોવા છતાં તાજા રેટિંગ્સમાં નરેન્દ્ર મોદીને પડકાર ફેંકી શકાય એવો કોઈજ આગેવાન દૂર દૂર સુધી દેખાતો નથી. આ પાછળના કારણો અનેક હોઈ શકે પરંતુ આ જ હકીકત છે એવામાં યોગી આદિત્યનાથને શું રાજકીય આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો છે કે તે મોદી સામે ઉભા રહે? કે એમને હેરાન કરે?

આ પ્રકારની હાસ્યાસ્પદ અફવાઓને હસી કાઢવામાં જ માલ છે. જો કોઇપણ રાજકીય અફવાનો સામનો કરવામાં આવે તો પહેલાં તો તેને માનવામાં કે પછી તેની અવગણના કરવામાં જરાય ઉતાવળ ન કરવી, કારણકે રાજકારણીઓ પોતાનું સ્ટેન્ડ બદલવામાં જરા પણ વાર લગાડતાં નથી. આ ઉપરાંત મિડિયાએ પ્રસારિત કરેલા તમામ સમાચારો સાચાં જ એ માનવાની ભૂલ પણ બિલકુલ નહીં કરવી, કારણકે એ તો કદાચ બીજા દિવસે અમારાથી ‘જજમેન્ટલ એરર’ થઇ ગઈ હતી એમ કહીને માફી માંગી લેશે પરંતુ આપણે અસંખ્ય લોકો સમક્ષ હાસ્યાસ્પદ ઠરી જઈશું.

બહેતર એ જ રહેશે કે જો કોઇપણ સમાચાર અંગે જરા જેટલી પણ શંકા હોય તો ધીરજ ધરવી અને એ જ સમાચારની કોઈ વિપરીત દિશા છે કે નહીં તેની ચકાસણી કરવી. સોશિયલ મિડિયા પર ખાસ ધ્યાન રાખવું કારણકે અહીંથી જ તમને અમુક પ્રકારની અફવાનો પર્દાફાશ કરતી માહિતી આપોઆપ મળી રહેશે. બાકી તો જેમ શરૂઆત કરી તેમ, રાજકીય અફવા આપણને વ્યક્તિગત રીતે પણ અસર કરતી જ હોય છે, પછી તમને રાજકારણ ગમતું હોય કે ન હોય. વ્યક્તિગત મતે ભ્રષ્ટાચારી રાજકારણીઓ કરતાં મિડિયાથી બચવું વધુ જરૂરી છે કારણકે તે પ્રજાનો મત બાંધવામાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે અને એક વખત માત્ર અફવા દ્વારા આપણે કોઈના વિષે ખોટો રાજકીય મત બાંધી લીધો તો આપણને જ વર્ષોવર્ષ સહન કરવાનું આવશે.

૨૧ જુન ૨૦૨૧, સોમવાર (આંતરરાષ્ટ્રીય યોગ દિવસ)

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here