O Womaniya (10): ભારતના પહેલા ગ્રામોફોન રેકોર્ડીંગ સુપરસ્ટાર ગૌહર જાન

0
441
Photo Courtesy: Live History India

પોતાની શરતો પર જીવન જીવવું કોને કહેવાય? એ પણ બ્રિટિશરોના જમાનામાં એક કલાકાર માટે પ્રસિદ્ધિ મેળવવી, એટલે લોઢાના ચણા ચાવવા જેવું હતું. આજે એવી જ એક અનોખી સ્ત્રી વિષે વાત કરવી છે – એક એવી નારી જે હંમેશાં મહારાણી જેવા ભવ્ય પોશાકમાં શણગાર કરીને રહેતી. એક એવી સ્ત્રી જેણે હિન્દુસ્તાની સંગીતના વિવિધ સ્વરૂપોને લોકપ્રિય બનાવ્યા અને પોતાની શરતો પર જીવન જીવ્યા. બ્રિટીશ સરકાર દ્વારા અનેક શીર્ષકો અને પ્રશંસાથી સન્માનિત, આવો જાણીયે ગૌહર જાન (Gauhar Jaan) વિશે જે આઝાદી પૂર્વેના યુગમાં સૌથી વધુ પ્રસિદ્ધ કલાકાર હતી.

ગૌહર જાનનો જન્મ 1873 માં પટના નજીક આઝમગઢમાં આઈલીન એન્જેલીના યેવાર્ડ (Eileen Angelina Yeoward) તરીકે થયો હતો. દાદી હિન્દુ, દાદા બ્રિટીશ અને માતા-પિતા આર્મેનિયન ખ્રિસ્તી હતા એટલે કે ગૌહર જાન ભારતીય શાસ્ત્રીય સંગીતની જેમ જ ધર્મનિરપેક્ષ પરિવારમાં જન્મેલા. ગૌહર જાનના માતાપિતાએ ગૌહરની છ વર્ષની ઉંમરે છૂટાછેડા લઈ લીધેલા. ત્યારબાદ ગૌહર અને તેમની માતા બનારસ ગયા. માતા વિક્ટોરિયાએ ઈસ્લામ ધર્મ સ્વીકાર કર્યો અને ‘બડી મલકા જાન’ નામ પસંદ કર્યું. ઈસ્લામ ધર્મ અપનાવ્યો તે સમયે ‘એન્જેલીના’ ‘ગૌહર જાન’ બની. ઈસ્લામ ધર્મ સ્વીકાર્યા પછી ગૌહર જાન આખી જીંદગી એક સમર્પિત મુસ્લિમ બની રહી, જોકે તેમની મોટાભાગની રચનાઓ કૃષ્ણ ભક્તિ અને ભક્તિ પરંપરાની અન્ય વાર્તાઓ વિષયે હતી.

બડી મલકા જાન એક અતિ લોકપ્રિય કથ્થક નૃત્યાંગના હતા અને તેમની નૃત્યકળા માટે જાણીતા હતા. આ જ કળા તેણે પોતાની પુત્રીને આપી. ગૌહરની નૃત્ય, સંગીત અને સાહિત્યની કળા બનારસ જેવા સાંસ્કૃતિક અને જીવંત શહેરમાં વિકસિત થઈ. માતા અને દીકરી બંને બનારસમાં તવાયફ તરીકે મશહૂર થઈ.

ગૌહર જાન પડોશમાં રહેતા અનેક કુશળ વ્યક્તિઓ પાસેથી પર્ફોર્મિંગ આર્ટ્સ શીખવા જતી. તેણીએ ક્લાસિકલ હિન્દુસ્તાની ગાયકી, કથ્થક, ‘હમદમ’ ના નામ હેઠળ ગઝલોની રચના કરી અને 15 વર્ષની ઉંમર પહેલાં રવીન્દ્ર સંગીતમાં માસ્ટર બની ગયેલી. સન 1900 સુધી તો પોતાના શહેરમાં ચાહકોનો એક વર્ગ બનાવી દીધો અને પોતાના શો માટે આખા દેશની યાત્રા શરૂ કરી દીધી.

ત્યારબાદ તેઓ કલકત્તા ગયા અને નવાબ વાજિદ અલી શાહના દરબારમાં પોતાને સ્થાપિત કર્યા, જે પોતે એક ઉત્તમ સંગીતકાર અને ગીતકાર હતા. 14 વર્ષની ઉંમરે, ગૌહર જાનએ દરભંગા રાજ (બિહાર) ના શાહી દરબારમાં પોતાનો સૌ પ્રથમ સંગીતવાદ્યો રજૂ કરીને પ્રોગ્રામ કર્યો. તેમના ઉત્કૃષ્ટ અભિનયે તેમને મૈથિલ રાજવંશના શાસકોમાં લોકપ્રિય બનાવ્યા જેમણે તેમને વારંવાર તેમના શાહી દરબારમાં આમંત્રણ આપ્યું. ચાહકો અને અનુયાયીઓ દ્વારા તેમને ‘ગૌહર જાન કલકત્તેવાલી’ કહેવામાં આવતા.

સન 1902 માં, બ્રિટીશ ગ્રામોફોન કંપની સ્થાનિક કલાકારોના સંગીત રેકોર્ડિંગની છ અઠવાડિયાની કવાયત પર હતી. અમેરિકન સાઉન્ડ એન્જિનિયર ફ્રેડ ગેઇસબર્ગે ગૌહર જાનને તેમની 78 આર.પી.એમ. ડિસ્ક રેકોર્ડ કરવાની તક આપી અને આ રીતે ભારતીય ઉપખંડમાં રેકોર્ડ કરનારી ગૌહર જાન પ્રથમ રેકોર્ડિંગ કલાકાર બની અને તેમને ‘ધ ગ્રામોફોન ગર્લ’નું બિરુદ આપવામાં આવ્યું.

સન 1902માં ગૌહર જાને ગાયેલું સૌ પ્રથમ રેકોર્ડ કરેલું ગીત:

જ્યારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સ્થાપિત પુરુષોએ સંગીતના ક્ષેત્રમાં તકનીકી હસ્તક્ષેપનો ધિક્કાર કરેલો, તે વખતે તાવાયફો જ હતી જે ખુલ્લા હાથથી નવો બદલાવ સ્વીકારવા આગળ આવી. ‘માય નેમ ઇઝ ગૌહર જાન: ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ આ મ્યુઝિશિયન’ નામના પુસ્તકના લેખક વિક્રમ સંપત કહે છે, “આને કારણે સંગીતનું લોકશાહીકરણ કરવામાં અને મહેલો અને દરબારોની ચાર દિવાલોમાંથી બહાર કાઢવામાં મદદ થઈ, તદુપરાંત મહિલા કલાકારોને પણ તેમના શોષણકારી સમર્થકોના બંધનમાંથી મુકત કરી દીધી.”

એક વખત લગભગ એક કલાક લાંબા ખ્યાલ (એક પ્રકારનો રાગ) ને 3 મિનિટમાં 78 આર.પી.એમ. ડિસ્કમાં એકીકૃત કરવા માટે, ગૌહર જાને એક અનોખી શૈલીની શોધ કરી. તેમના પ્રથમ રેકોર્ડિંગ માટે, તેમણે રાગ જોગીયા ગાવાનું નક્કી કર્યું અને તે ઉચ્ચ અષ્ટકોષમાં ખીલ્યું. પરિણામી રેકોર્ડ ખૂબ જ વાઇબ્રેન્ટ રીતે બહાર આવી અને તેને ભાવનાત્મક સ્પર્શ પણ મળ્યો.

ખ્યાલ સંગીતની ઊંડાઈ અને વિસ્તરણને ઘટાડીને ફક્ત 3 મિનિટના રેકોર્ડમાં સમાવવા બદ્દલ સમકાલીન સંગીતકારો દ્વારા તેમની ભરપૂર ટીકા કરવામાં આવી. જો કે, ગૌહર જાનને કોઈ અસર ન થઈ અને તેના બદલે પ્રસ્તુતિની નવી શૈલીની શરૂઆત કરી. ત્યારબાદ તે શૈલીને પ્રખ્યાત સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાન સહિતના વિવિધ સંગીતકારો દ્વારા પણ અમલમાં મૂકવામાં આવી. ઉસ્તાદે તો તેમના આલ્બમ્સમાં આવા ટૂંકા ગાળાની વિવિધ આઇટમ્સ પ્રકાશિત કરી. તેમના પુસ્તક ‘માસ્ટર્સ ઓન માસ્ટર્સ’માં જુદા જુદા રાગના એકત્રીકરણના મહત્વ અને સુંદરતા વિશે વાત કરે છે અને ગૌહર જાનની અનોખી શૈલીના સંગીતનો ઉલ્લેખ પણ કરે છે.

સન 1905માં રેકોર્ડ થયેલી ગૌહર જાન દ્વારા ગવાયેલી ઠુમરી:

ઉત્સાહી સ્વભાવ અને હિમંતભર્યા વલણથી ગૌહર જાનને તેમના સમકાલીન લોકોથી જુદા પાડતા હતા. તે હંમેશાં ભરત ભરેલી સાડીઓ અને ભારે ભરખમ ઘરેણા પહેરીને શાહી રાણીની જેમ તૈયાર રહેતા. જ્યારે તેમની એક બિલાડીએ બચ્ચા આપ્યા ત્યારે તે સમયે 20,000 રૂપિયાની ભવ્ય પાર્ટી ગોઠવવા માટે કુખ્યાત થઈ ગયેલા. જો કે, તેમની વધતી ખ્યાતિ (કે કુખ્યાતિ) થી તેમને કોઈ ફરક પડતો નહોતો. પોતાની સ્વતંત્રતા અને સફળતાને તેમણે પ્રેમથી સ્વીકારી હતી.

તે કલકત્તાના સરકારી નિયમોનો ભંગ કરીને પોતાની ચાર ઘોડાની બગ્ગી લઈને આખા શહેરમાં ફરતી. આ કૃત્ય માટે તેમણે વાઈસરોયને એક દિવસનો 1000 રૂપિયા દંડ પણ ચૂકવ્યો હતો. એક એક રેકોર્ડિંગ દીઠ આશરે 3,000 થી 4,000 રૂપિયાની આવક થતી જે તે સમય દરમિયાન ખરેખર વધુ કહેવાતી. સરકાર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવાના આદેશો મળ્યા હોવા છતાં, ગૌહર જાન પોતાની ઈચ્છા પ્રમાણે જ જીવવાનું ચાલુ રાખ્યું. તે યુગની કેટલીક સ્ત્રીઓ સ્વપ્ન જોતી તેવો સેલિબ્રિટીનો દરજ્જો ગૌહર જાને મેળવ્યો અને ભોગવ્યો પણ ખરાં!

1902 થી 1920 સુધી બંગાળી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, તામિળ, મરાઠી, અરબી, ફારસી, પશ્તો અને ફ્રેન્ચ સહિતની અનેક ભાષાઓમાં 600 થી વધુ રેકોર્ડ્ઝ ગૌહર જાને બનાવી. પોતાને ગીતના એક સ્વરૂપ સુધી મર્યાદિત ન કરતા ગૌહર જાને ધ્રુપદ, ઠુમરી, દાદરા, કજરી, હોરી, તારણા, રવીન્દ્ર સંગીત અને ભજનમાં પણ એટલી જ કુશળતા મેળવી હતી. તેમની પ્રખ્યાત રાગ ભૈરવીમાં ગવાયેલી ઠુમરી – ‘રસકે ભરે તોરે નૈન’ની પ્રાચીન રચના અને સુમધુર ધૂન આજે પણ અચંબામાં મૂકે એવી છે. ગૌહર જાનના રેકોર્ડિંગ્સ હંમેશાં “મારું નામ ગૌહર જાન છે!” (My name is Gauhar Jaan!) ની ઉચ્ચ જાહેરાત સાથે સમાપ્ત થતા. આવી ઘોષણાની આવશ્યકતા ત્યારે સાબિત થઈ જ્યારે તેમના રેકોર્ડ્સ હેનોવર (જર્મની) મોકલવામાં આવ્યા તે જાહેરાતને કારણે જ ત્યાંના એન્જિનિયરોને ગાયક ઓળખવામાં મદદ મળી.

ગૌહર જાનની ઉચ્ચ પ્રોફાઈલ અને ખર્ચાળ જીવનશૈલીનો લૂણો લાગ્યો જયારે તે પોતાના સેક્રેટરી અબ્બાસ સાથે કાયદાકીય લડતમાં ફસાઈ ગઈ. અબ્બાસે ગૌહર જાન સાથે ફક્ત તેની સંપત્તિ માટે લગ્ન કરેલા. તેણીની મોટાભાગની સંપત્તિ જીવનના છેલ્લા કેટલાક દિવસોમાં કાનૂની લડાઇમાં વેડફાઈ ગઈ.

1930માં મૈસુરમાં મહારાજા નલવાડી કૃષ્ણરાજ વાડિયારે રાજ્યના અતિથિ અને દરબારના સંગીતકાર તરીકે આમંત્રણ આપ્યું. ત્યાં સુધીમાં, ગૌહર જાને ઈચ્છા અને શક્તિ ગુમાવી દીધી હતી અને 1930 માં જ અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સમયે તેમની પડખે કોઈ પણ નહોતું. અને એક પ્રચલિત ગાયિકાની કારકિર્દી અચાનક સમાપ્ત થઈ ગઈ.

બનારસ શહેરમાં એક તવાયફ (ખાસ કરીને મોગલ સામ્રાજ્ય હેઠળ ઉમરાવોની સેવા આપતા એક વ્યાવસાયિક) થી લઈને જાણીતી ‘ગ્રામોફોન ગર્લ’ સુધીનો તેમનો નોંધપાત્ર પ્રવાસ ખરેખર પ્રસિદ્ધિ, કીર્તિ અને સફળતાનો ભંડાર છે. તેમનો વારસો, જો કે, ફક્ત અજાણ્યા સત્તાવાર કાગળો અને અનૌપચારિક પત્રો પર જ રહ્યો છે. તેમનું નામ, દક્ષિણ એશિયાના ઇતિહાસની ભૂલી ગયેલી વાર્તાઓમાં ખોવાઈ ગયું. જો કે, વિવિધ પત્રકારો, કલાકારો અને સંગીતકારો તેમના પુસ્તકો, લેખ અને કાગળોમાં તેના સંગીતની યાત્રા અને જીવનના ઇતિહાસને પુનર્જીવિત કરવા આગળ આવ્યા છે.

26 જૂન 2018ના દિવસે ગૂગલે ડૂડલ દ્વારા ગૌહર જાન શ્રધ્ધાંજલીને આપી. છેલ્લા કેટલાક વર્ષોમાં, વિક્રમ સંપથ, મૃણાલ પાંડે, ચૈતાલી રોય જેવા કેટલાક વિદ્વાનોએ તેમના વિસ્મૃત વારસોને પુનર્જીવિત કરવા માટેનું કામ હાથમાં લીધું છે પરંતુ ગૌહર જાનનો વારસો હજી પણ મોટા પ્રમાણમાં અસ્પષ્ટ છે. દેશના પ્રથમ સત્તાવાર પૉપ સ્ટાર બનવા ઉપરાંત, ગૌહર જાનના રેકોર્ડિંગ્સે ભારતીય પ્રેક્ષકોમાં રેકોર્ડ કરેલું સંગીત ખરીદવાનો વિચાર પણ પ્રકટ કર્યો, જે અગાઉ પશ્ચિમી શોધને અજમાવતા હતા. જીવતા હતા ત્યારે, ગૌહર જાને તે સમયના સત્તાધીશોને પડકાર્યા જ નહીં, પરંતુ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે ટેક્નોલોજીને પણ દાખલ કરી, જેના કારણે આલ્બમ રેકોર્ડ કરવામાં અને જૂની ખોવાયેલી રચનાઓને સંગ્રહિત કરવામાં મદદ મળી. સંગીતને પુનઃ વ્યાખ્યાયિત કરવામાં ગૌહર જાનનો અનન્ય ફાળો રહ્યો છે જેથી દરેક પેઢીએ તેમને યાદ રાખવા જોઈએ.

દરબારી ઘુમરનું રેકોર્ડિંગ:

સંદર્ભ:

https://feminisminindia.com/2018/08/22/gauhar-jaan-essay/

https://rollingstoneindia.com/story-gauhar-jaan-indias-first-pop-star/

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here