Late Review | હોરર અને સસ્પેન્સના અદભુત મિશ્રણ જેવી ગુમનામ

0
617
Photo Courtesy: YouTube

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં હોરરને નામે હાસ્યાસ્પદ ફિલ્મો પીરસવાનો દૌર 1980ના દાયકામાં ઘણો ચાલ્યો હતો. પરંતુ આ સમય કરતાં ઘણી વહેલી આવી ગયેલી ફિલ્મ ગુમનામ ખરેખર હોરર સાથે સસ્પેન્સનો અદભુત સંગમ બની રહી હતી. આ ફિલ્મ કલાકાર મનોજ કુમારની કેરિયરની બેસ્ટ ફિલ્મોમાંથી એક બની રહી હતી.

ફિલ્મ: ગુમનામ (૧૯૬૫)

કલાકારો: મનોજ કુમાર (આનંદ), નંદા (આશા), પ્રાણ (રાકેશ), મેહમૂદ (બટલર), હેલન (મિસ.કિટ્ટી), ધુમલ (માસ્ટર ધરમદાસ), મદન પૂરી (ડૉ.આચાર્ય), તરુણ બોસ (મધુસુદન શર્મા), મનમોહન (કિશન) અને લક્ષ્મી છાયા (ક્લબ ડાન્સર)

કથા અને સંવાદ: ચરણદાસ શોખ
પટકથા: ધ્રુવ ચેટરજી
ગીત: હસરત જયપુરી, શૈલેન્દ્ર
સંગીત: શંકર – જયકિશન
નિર્માતા: એન.એન.સિપ્પી
નિર્દેશ : રાજા નવાથે

રીલીઝ ડેટ : ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૬૫
લંબાઈ : ૧૪૩ મીનીટ્સ

ગીતો :

જાન પેહચાન હો જીના આસાન હો” (મુહમ્મદ રફી)
ગુમનામ હૈ કોઈ બદનામ હૈ કોઈ” (લતા મંગેશકર)
એક લડકી હૈ જીસને જીના મુશ્કિલ કર દિયા” (મુહમ્મદ રફી)
જાને ચમન શોલા બદન પેહલુ મેં આજા ઓ ” (મુહમ્મદ રફી અને શારદા)
પીકે હમ તુમ જો” (આશા ભોંસલે અને ઉષા મંગેશકર)
હમ કાલે હૈ તો ક્યા હૂવા દિલવાલે હૈ” (મુહમ્મદ રફી અને મેહમુદ)
ઇસ દુનિયા મેં જીના હો તો સુનલો મેરી બાત” (લતા મંગેશકર)

આ ફિલ્મ મેં પહેલી વાર જોઈ ત્યારે દોઢ વાર જોઈ હતી. હા બરોબર વાંચ્યું તમે પૂરા દોઢ વાર. બન્યું એવું કે અમે તે વખતે ગોધરા રહેતા  હતાં અને અઠવાડિયા માં બે થી ત્રણ દિવસ કેબલ ઉપર રાત્રે ૯.૩૦ વાગે ફિલ્મો દેખાડવામાં આવતી. ત્યારે કેબલ પર પણ ફક્ત દૂરદર્શન જ આવતું તે જાહેર જનતાની જાણ ખાતર. હવે એક દિવસ આ ગુમનામ મુક્યું અને અડધા ‘પીચ્ચરે’ વરસાદ આવતા લાઈટ ગઈ (એમ જી.ઈ.બી નાં ઓછા ઉપકાર નથી આપણા પર). થોડીવાર અમારી સાથે કેબલવાળાએ પણ લાઈટ પાછી આવવાની રાહ જોઈ (જોઈ જ હશે) અને પછી એ પણ ગાળો દેતો સૂઈ ગયો હશે. બીજા દિવસે ફરીવાર ૯.૩૦ વાગે પહેલેથી ગુમનામ મુક્યું અને સદનસીબે આખું જોયું. આજે હું વિચારું છું કે આવી સસ્પેન્સ ફિલ્મોમાં જો અંતિમ ક્ષણે લાઈટો જાય અને બીજે દિવસે ફક્ત છેલ્લી પાંચ મિનીટ જોવા માટે જો આખું પિક્ચર ફરી વાર જોવું પડે તો શું હાલત થાય? શ્રી અશોક દવેનાં શબ્દોમાં કહું તો “બહુ ખરાબ હાલત થાય,જવાબ પૂરો.”

કથાસાર

મુંબઈ ની એક ક્લબ માં શહેર નાં નામી ગિરામી લોકો ની પાર્ટી ચાલી રહી છે.નાચ ગાન બધું ચાલી રહ્યું છે. એક ફર્સ્ટ ક્લાસ ડાન્સ પછી એવી જાહેરાત કરવા માં આવે છે કે એક લકી ડ્રો માં સાત જણા અનુક્રમે આશા, રાકેશ, મિસ.કિટ્ટી, માસ્ટર ધરમદાસ, ડૉ.આચાર્ય, મધુસુદન શર્મા અને કિશન જીત્યા છે અને તેમને એક વેકેશન પર વિદેશની કોઈ એક જગ્યા એ લઇ જવામાં આવશે. બધા ખુબ આનંદમાં આવી જાય છે અને એક નાનકડા પ્લેનમાં તેમને લઇ જવામાં આવે છે. રસ્તામાં ટેકનીકલ ખરાબીને કારણે પ્લેનને ઈમરજન્સી લેન્ડીંગ એક વિરાન જગ્યા એ કરવું પડે છે. આ સાતેય જણા ઉપરાંત પ્લેનનો કો-પાઈલટ આનંદ હજી પ્લેનથી ઉતરીને થોડેક દૂર ટહેલવા જ જાય છે ત્યાં અચાનક જ પ્લેન ટેક ઓફ કરે છે અને ઉડી જાય છે. પહેલા તો આલોકોને આનંદ પર શંકા જાય છે પણ આનંદ પોતાને નિર્દોષ બતાવે છે.

અચાનક દૂરથી કોઈ સ્ત્રીનો ગાવાનો અવાજ આવે છે. આ બધાં જ લોકો એ અવાજ તરફ જાય છે અને થોડી વાર પછી તેઓ એક વિશાળ બંગલાને જુવે છે. બંગલામાં પ્રવેશતા જ એક દધારંગો બટલર તેમનું સ્વાગત કરે છે. તમામનાં આશ્ચર્ય વચ્ચે આ બટલર બધ્ધાનાં નામ અને ગમા-અણગમા થી વાકેફ છે. જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ બધાં અહી જ રોકાવાનું નક્કી કરે છે. પણ પેલું ગીત થોડી થોડી વાર કોઈ ગાતું જ રહે છે જે આ બધાંને થોડા થોડા અંશે ગભરાવે છે. આટલું ઓછું હોય એમ આ સાતેય લોકોનાં એક પછી એક લોકો નાં ખૂન થવા માંડે છે….અને……..

બસ બસ બસ હવે આગળ કહીશ તો ફિલમ કોણ જોશે? પણ જયારે પણ જોવો ત્યારે આ એક ‘હોરર’ ફિલ્મ છે એવું માની ને ન જોશો. અત્યાર સુધી માત્ર “ગુમનામ હૈ કોઈ” સાંભળ્યું હોય અને એમાં ભૂતાવળ જેવું સંગીત સાંભળ્યું હોય તો કદાચ આવા વહેમો થઇ જાય. મને પણ આવો જ વહેમ હતો અને પહેલી વાર જોયું ત્યારે નાનો પણ હતો પણ મારા માતાપિતાએ હિંમત આપી હતી અને કીધું કે જરાય ભૂત નહી આવે જરા જો તો ખરો?!! અને મેં આરામથી જોઈ નાખ્યું. મા-બાપ હો તો આવા હજો!!

લોકો ગમે તે કહે આ ફિલ્મ બાબત પણ મને તો ખુબ ગમી હતી. મને આ ફિલ્મ નાં દિગ્દર્શક, લેખક, પટકથાકાર વિષે પહેલા પણ કોઈ વધુ માહિતી ન હતી અને અત્યારે પણ નથી, પણ હેટ્સ ઓફ ટુ ધેમ!! એ જમાનામાં પણ આજનાં જમાનામાં પણ જોવી ગમે તેવી જબરદસ્ત થ્રીલર બનાવી છે. છેક સુધી જકડી રાખે તેવી.

વળી પાછું બહુ આરોહ-અવરોહ કે ટ્રેક ચેન્જ કરવાની વાત પણ નથી. અમદાવાદથી ઉપડેલી ટ્રેઈન સીધી મુંબઈ પહોચે એવી જ વાત. મનોજ કુમાર પાસે એક્ટિંગની કોઈ આશા ન રખાય અને આમાં પણ એવું જ છે પણ નંદા સાથે એની કેમિસ્ટ્રી જોરદાર છે. એમાય “જાને ચમન શોલા બદન” માં તો ફેન્ટાસ્ટીક!! મારા મતે આ ગીત હિન્દી સિનેમા જગત નાં ઈતિહાસનું કદાચ ‘મોસ્ટ અંડર રેટેડ સેન્શ્યુઅલ સોંગ એવર મેઈડ’ જેવું  છે. રફી સાબ આ ગીતની એક લાઈન માં જે રીતે “બાદલ સે બરસે નશા” ગાય છે એમાં પણ “નશા” શબ્દ ને જે રીતે વ્હ્યલ કરે છે…ઓહોહોહોહો જામો ભાય જામો, જાણે કે વરસાદનાં પાણી થી જ ટલ્લી ન થઇ ગયા હોય? હેલન એઝ યુઝવલ!! ધુમલ થોડા ચમકારા દેખાડી જાય છે. ધુમલ-મહેમુદ-શુભા ખોટેની ત્રિપુટી એ એક જમાના માં ખુબ ધમાલ મચાવી હતી.અહી કદાચ શુભા ખોટે ની ખોટ પડી હોય એવું લાગે છે.

મદન પૂરી અને તરુણ બોસ ધાર્યું કામ કરી જાય છે. બધા માં મેદાન મારી જાય છે પ્રાણ અને મેહમુદ….બન્ને મારા ફેવરીટ એટલે વખાણ નથી કરતો હોં!! પ્રાણ એમાં ખરાબ માણસ એટલે કે વિલન નથી તેમ છતાં સંજોગો જ એવા છે કે પ્રાણ સાહેબને એમના કાયમનાં કડરાકી ભર્યા હાવભાવ અહી પણ હાજર રાખવા પડે છે. છેક છેલ્લે છેલ્લે “કિટ્ટી કેલ્લી” ગીતમાં થોડુક હસે છે એવું અત્યારે યાદ આવે છે.

મેહમુદ હોય એટલે એમને હસાવવાની કોઈ જરૂર જ નથી, કારણ કે એ આપણને હસાવતા હોય. અહી પણ એમની એન્ટ્રી ધમાકેદાર છે. ટેબલ ઉપર એક ઢાંકેલી લાશ પડી હોય છે જયારે આ ૭-૮ જણા બંગલામાં દાખલ થાય છે. એલોકો સાથે આપણે પણ ડરી જઈએ પણ થોડી વાર પછી એ કપડું અને લાશ ઉભા થાય અને કપડું ઉતરે ત્યારે મેહમુદસાબ જીભ હલાવતા હલાવતા હસતા હોય..કેવું મજ્જા નું દ્રશ્ય? ફિલ્મનું “હમ કાલે હૈ તો ક્યા હુવા દિલ વાલે હૈ” એ એક મહાકાવ્ય રૂપી ગીત છે માટે એની વાત કરીને હું મેહમુદસા’બ નો સમય નહી બગાડું.

હવે એક મસ્ત વાત .. કહેવાય છે કે આ ફિલ્મ અગાથા ક્રિસ્ટીની નોવેલ “એન્ડ ધેન ધેર વર નન” પરથી બની છે. (શરતચૂક હોય તો વાચકો ને મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી) હંમેશ મુજબ આ ફિલ્મમાં આ બાબતની કોઈ ક્રેડીટ અગાથા ક્રિસ્ટી કે એની આ નોવેલનાં પ્રકાશકને નથી આપવામાં આવી. પણ ૨૦૦૧માં આવેલી ‘ઘોસ્ટ વર્લ્ડ’ નામની અંગ્રેજી ફિલ્મની ક્રેડિટ્સ વખતે ગુમનામનું “જાન પેહચાન હો” લેવામાં આવ્યું હતું અને બા-કાયદા ક્રેડીટ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ‘હેઈનેકેન’ દારુની જાહેરાતમાં પણ આ ગીત લેવાયું છે. આ ઉપરાંત એક બેલ્જીયમ મ્યુઝિક ગ્રુપ અને અમેરિકાના એક માર્ચિંગ બેન્ડે પણ આ ગીતના વર્ઝન બનાવ્યા છે. આ ગીત જ છે જબરદસ્ત. તમે જાતે જ જોઈ લ્યો ‘રાસ્તા’ માં આ ગીત.

|| रास्ता ||

સહુ પ્રથમ ધ ઘોસ્ટ વર્લ્ડ:

હેઈનેકેનની એડ :

બેલ્જીયમના એક ગ્રુપ દ્વારા જાન પહેચાન હોનું રિમિક્સ

અમેરિકન માર્ચિંગ બેન્ડ દ્વારા “જાન પહેચાન હો!”

હવે આખું ગીત “જાન પેહચાન હો..જીના આસાન હો” જોવા માટે અહીં ક્લિક કરો.

૫મી જુલાઈ ૨૦૧૨, ગુરુવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here