“જોજો કોઈને કહેતા નહીં!” – કોને કઈ વાત કહી શકાય અને કઈ ન કહી શકાય?

0
362
Photo Courtesy: Science

ઘણીવાર એવું બને છે કે કોઈ વાતને ખાસ ફેલાવવી હોય તો આ કેપ્શન “જોજો કોઈને કહેતા નહીં !” ઉમેરીએ એટલે વાત વાયુવેગે બધે પહોંચી જાય. સોશિઅલ મીડિયામાં ફરતા પાયા વગરના મેસેજ જેવું જ આનું પણ છે. સનસનાટી ફેલાવવા અથવા તો પોતે જ બધી માહિતી ધરાવે છે તે જાતનો દંભ ધરાવતા વર્ગનો તેમાં વિશેષ ફાળો છે. વળી ક્યારેક ખરેખર કોઈને કશું કહેવામાં માલ નથી હોતો તે પણ સાચું.

ક્યારેક વાતમાં દમ હોય અને તેને ફેલાવવી જોખમી હોય છે માટે ચેતવણીરૂપે ‘કોઈને કહેશો નહીં’ તેમ ભારપૂર્વક ઉમેરવું પડે. કોઈ દુઃખજનક સમાચાર અથવા તો વધુ પડતા સારા સમાચારને દબાવવા જરૂરી બને છે. રખેને જોઈ જાણી જાય તો નકામું થાય. અથવા તો પોતાનું નામ આવે તેવી કહેનારને ધાસ્તી પણ હોય છે.

એક વખત મારી એક ખાસ બહેનપણીને મળવાનું થયું. અસલ ગુજરાતી ગૃહિણીઓ પહેરે તેવો તેનો જ તેનો દેખાવ હતો. અમુક રીતનો પંજાબી સૂટ, ‘ભારે માંયલા’ ચપ્પલ અને ‘હોવાં જ જોઈએ’ તેવા ઘરેણાં. પાર્લર જઈને જાતને ચમકાવવાનો ધર્મ પણ તે નહીં જ ચૂકતી હોય તે દેખીતું હતું. સારી રીતે વાતો કરી મને ઘરે આવવા આગ્રહ કર્યો. થોડા દિવસો પછી હું તેને ત્યાં જઈ ચડી. ઘર પણ સામાન્ય સારું લાગ્યું. મને અંદરના ઓરડામાં લઇ જઈને કહ્યું કે તે હવે કુર્તી, બનાવટી ઘરેણાં, થેલા અને પર્સનો ધંધો કરે છે.

મને તેની વાત જાણી સારું લાગ્યું. કેમકે તેના દેખાવ પરથી તો તે આવું કોઈ કામ દૂર દૂર સુધી ન કરતી હોય તેવું લાગે. થોડી વસ્તુઓ બતાવી મને હળવેકથી કહ્યું, “મારા હસબન્ડ કઈ કરતા નથી. દુકાન ચાલતી નથી અને તેમને બીજું કામ આવડતું નથી. એટલે મારે આ કરવું જ પડે તેમ છે. પ્લીઝ બીજા કોઈને કઈ જોઈતું હોય તો કહેજે… હું વોટ્સએપ પર વસ્તુઓના ફોટા મોકલી આપીશ.” અને પછી સોનેરી વાક્ય ઉમેરાયું, “પણ કોઈને કહેતી નહીં કે અંદરખાને પરિસ્થિતિ આવી છે.”

ફાંકડો દેખાતો મયૂરેશ સતત સિગરેટ જિંદગી પસાર કરી રહ્યો છે. મોટાભાઈનું કાર અકસ્માતમાં મૃત્યુ થયા પછી તેને માથે પપ્પાની વકીલાતનું ઘણું કામ આવી પડ્યું છે. જે માતાને પૂજીને મોટો થયો તે ઘરમાં પાછળથી દંગલ મચાવે છે. વિધવા ભાભી તો જતાં રહ્યાં પણ મયૂરેશની પત્ની ક્યાં જાય? તૂટવાને આરે આવેલા લગ્ન સબંધને બચાવે કે માતાનો વિરોધ કરે !

કૃતિકા માટે માંડ એક છોકરાનો મેળ પડ્યો કેમકે તેની ફઈ કોઈ કાળે કૃતિકાની સગાઇ થાય તેવું ઇચ્છતી નહોતી. છાનુંછપનું બધું નક્કી કર્યું. સમાચાર તો સારા હોવા છતાં કૃતિકાની માતા મહા મીંઢી છે તેમ બધાએ દાવો કર્યો અને તેની ઝાટકણી થઇ. હકીકત શું છે તે કેટલાં જાણે છે ? કેમકે ઘરની જ વ્યક્તિ નડે છે તેવું બહાર થોડું કહેવાય!

પદ્મા ઓફિસનું કામ પતે પછી પણ ઓફિસમાં બેઠી રહે છે. તેના ‘બોસ જોડે ગપ્પા મારે છે’ તેવી અમુક સ્ટાફે વાત વહેતી કરી. પદ્માનો પતિ તેની મારપીટ કરે છે અને તેને બાળક ન થયું તે માટે કડવા શબ્દો કહ્યા કરે છે તે ફક્ત પદ્માનો બોસ જ જાણે છે. એક વખત રાત્રે કામને લીધે મોડું થતા પતિએ ઓફિસમાં ઓફિસમાં આવીને ધમાલ કરી ત્યારે પદ્માએ રડતાં રડતાં આ વાત બોસને તેમની કેબિનમાં કરી. પતિને વગોવવાનું ટાળી બોસને કશી જ વાત બહાર ન કરવા કહ્યું.

તમને અનુભવ હશે કે જયારે કોઈ ડોક્ટરને મળવાનું થાય ત્યારે શારીરિક તકલીફો શી છે તે જાણ્યા પછી તે ક્યારેક દર્દીની બારીકીથી ઉલટ તપાસ કરતા હોય છે. જો રોગ બહુ સઘન ન હોય તો તેનું મનોચિકિત્સક કારણ હોય જ છે. પેશન્ટ કન્સલ્ટેશન રૂમમાં પ્રવેશે ત્યારેજ તેની આભાનો થોડો ઘણો ખ્યાલ ડોક્ટરને આવી જ જતો હોય છે.

પેટના ડોક્ટર હોય કે ગાયનેકોલોજીસ્ટ, તેઓ ઘડીના છઠ્ઠા ભાગમાં સમજી જાય છે કે રોગનું મૂળ ક્યાં છે.

ગાયત્રી ખુબ રઘવાઈ ગાયનેકને ત્યાં પહોંચી. અમુક પ્રાથમિક તાપસ પછી ડોક્ટરે ચેરમાં ઘૂમવાનું બંધ કરી ગાયત્રીના પતિ અને સાસરિયા સાથેના સંબંધો કેવા છે તે જાણ્યું. ‘વહુ તો ભર્યું નારિયેળ કહેવાય ‘ તે જાતના પરંપરાગત સંસ્કાર શરીરને નડી રહ્યા છે તેમ ડોકટરે એને સમજાવવું જ પડ્યું. માનસિક રીતે રોગનો હલ કઈ રીતે લાવવો તેની તજવીજ કરી પછી પેન ઉપાડી પ્રિસ્ક્રિપશન લખ્યું. આપણે કહીએ છીએ ને કે ડોક્ટર પાસે જઈને સારું થઇ જવાની લાગણી થાય છે.

અમુક ડોક્ટરો હોય છે જ તેવા. માત્ર ચિકિત્સા જ નહિ, માનસિક નિરાકરણ એવું કરે કે બધા વેગવાન વિચારો શાંત પડી જાય. પેટમાં કારણ વગર બહુ કેમ ચૂંથાય છે તે એક દર્દીએ પટના ડોક્ટરને પૂછ્યું. ડોક્ટરને લાગ્યું કે જયારે બીજું કશું નથી ત્યારે તેનું કારણ ડર અને કારણ વગરની ચિંતા પણ હોઈ શકે.

ટુંકમાં કહેવાય છે ને કે what somebody is going through, you know nothing about તે તમામ પરિસ્થિતિને લાગુ પડે છે. કોઈ માટે ધારણા બાંધતાં પહેલાં કે જ્યારે કોઈ વાતને કોઈ કારણસર દબાવવા માંગે ત્યારે નિરપેક્ષ રહી આખી વાત સમજવી જરૂરી બની રહે છે.

Dear Zindagi: કોઈ કારણોસર કોઈ મનોચિકિત્સકની મુલાકાત લેવી તેમાં જરાય શરમ ન રાખવી. જિંદગી અણમોલ છે, બીજા દેશોમાં જેમ આ જાતનું કાઉન્સિલિંગ સ્વીકારાયું છે તેમ જ થોડા વર્ષોમાં આપણે ત્યાં થશે અને આ ન કહેવાયેલી વાત ત્યાં કહેવાશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here